તરોતાઝા

આરોગ્ય વીમાનું પ્રીમિયમ EMIથી ચૂકવવાના છો?

નિશા સંઘવી

આરોગ્ય વીમો જરૂરી છે એ વાતમાં બેમત નથી, પરંતુ શું એ વીમાનું પ્રીમિયમ EMI (ઈક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ)થી ચૂકવવું જોઈએ? ઘણી કંપનીઓ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ વાર્ષિક પ્રીમિયમની રકમ દર મહિને EMIના સ્વરૂપે ચૂકવવાની સુવિધા આપવા લાગી છે. આ પદ્ધતિ પ્રથમ નજરે સગવડભરી જણાય છે, પરંતુ એની સાથે સંકળાયેલાં અમુક પાસાં અને જોખમો સમજી લેવાં જરૂરી છે.

EMIથી ચુકવણી

કેટલીક કંપનીઓ વાર્ષિક પ્રીમિયમના હપ્તા દર મહિને, દર ત્રણ મહિને કે છ મહિને ચૂકવવાની સગવડ કરી આપે છે. એમાં ક્રેડિટ કાર્ડ કે યુપીઆઇ મારફતે વધારાના કોઈ પણ ચાર્જ વગર ચુકવણી કરી શકાય છે. બીજો વિકલ્પ વ્યાજ સાથેની ઈએમઆઇ ચૂકવવાનો હોય છે. EMથી ચુકવણી કરવાનું પસંદ કરતી વખતે આ વાત ધ્યાનમાં લેજો EMI સ્વરૂપે ચુકવણી કરવાનો વિકલ્પ પસંદ કરતી વખતે એ ધ્યાનમાં લેવું જરૂરી છે કે તમે પ્રીમિયમનો હપ્તો ભલે દર મહિને કે બીજા કોઈ સમયાંતરે ભરતા હો, પરંતુ પોલિસીનો સમયગાળો એક વર્ષનો જ રહેવાનો.

આટલું જાણી લીધા બાદ એ પણ સમજી લેવું જરૂરી છે કે EMI નો એક હપ્તો ભરવાનું પણ રહી જાય તો આખી પોલિસી જ લેપ્સ થઈ જાય. એનો અર્થ એવો થયો કે તમે 11 હપ્તા ભર્યા હોય અને 1 હપ્તો ચૂકી જાઓ તો પણ આખી પોલિસી લેપ્સ થઈ જાય અને તમારું કવરેજ શૂન્ય થઈ જાય. આમ, ઈએમઆઇને એક સગવડ તરીકે જ જોવાની હોય, એના તરફ દુર્લક્ષ થવું જોઈએ નહીં.

છુપા ખર્ચ

  • પ્રથમ દૃષ્ટિએ કોઈ પણ છુપા ખર્ચ વગરની લાગતી ઑફરમાં પણ અમુક ખર્ચ લાગુ પડતા હોય છે. દા.ત. અમુક નો-કોસ્ટ EMIમાં તમારે પ્રોસેસિંગ ફી કે પ્લેટફોર્મ ચાર્જીસ ભરવાના હોય છે.
  • જો તમે ક્રેડિટ કાર્ડની EMIની સ્કીમનો ઉપયોગ કરતા હો તો કાર્ડથી ચૂકવાયેલી રકમ પર વાર્ષિક 12થી 18 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડી શકે છે.
  • વળી, જો તમે એક પેમેન્ટ ચૂકી જાઓ તો ક્રેડિટ કાર્ડ કંપની તમને દંડ કરી શકે છે અને તમારો ક્રેડિટ સ્કોર બગડી શકે છે.

પોલિસી લેપ્સ થઈ જાય તો કરવેરાનો લાભ પણ જતો રહે આવક વેરાની કલમ 80ડી હેઠળ આરોગ્ય વીમાના પ્રીમિયમની રકમ પર કરવેરાની રાહત મળે છે. એ રાહત ત્યારે જ લાગુ પડે, જ્યારે તમારા આરોગ્ય વીમાનું પ્રીમિયમ બરોબર ચૂકવાયું હોય અને પોલિસી લેપ્સ ન થઈ હોય. જો EMI નહીં ચૂકવવાને લીધે પોલિસી લેપ્સ થઈ જાય તો કરવેરાનો લાભ જતો રહે છે.

વહીવટી તકલીફો

તમે EMIની સુવિધા પસંદ કરી હોય તો ક્યારેક ટેક્નિકલ ખામીને લીધે ઑટો ડેબિટ થાય નહીં અને એને કારણે નુકસાન થઈ શકે છે. વળી, બેન્કમાં ઑટો ડેબિટ માટેનું મેન્ડેટ આપવાની કડાકૂટ પણ કરવી પડતી હોય છે. જો કોઈ ટેક્નિકલ ખામીને લીધે ઈએમઆઇ ભરાય નહીં તો પોલિસી ચાલુ રખાવવા માટે તમારે વીમા કંપની પાસે આજીજી કરવી પડે છે અને પત્રવ્યવહાર કે વ્યક્તિગત મુલાકાતની જરૂર પડી શકે છે. આ કામ ઘણો સમય માગી લેનારું અને કડાકૂટભર્યું હોય છે.

ગજા બહારનો પ્લાન લેવાઈ જવાનું જોખમ

પ્રીમિયમની ચુકવણી EMIથી કરવાની હોય તો એક સાથે મોટા પેમેન્ટનો ભાર આવતો નથી. આવામાં શક્ય છે કે લોકો પોતાને પરવડે એના કરતાં વધારે રકમનો વીમો લઈ લે. આ સ્થિતિમાં ભવિષ્યમાં પ્રીમિયમ પાછળ વધારે પડતો ખર્ચ થઈ જવાનું કે પ્રીમિયમ ચૂકવવામાં ડિફોલ્ટ થઈ જવાનું જોખમ પણ રહે છે.

પોલિસી અધવચ્ચેથી બંધ પડી જવાનું જોખમ

જો વીમાધારક (નોકરીમાંથી પાણીચું, નાણાંની તંગી, વગેરે કારણોસર) વર્ષમાં વચ્ચે જ ક્યાંકથીEMI ભરવાનું બંધ કરી દે, તો વીમા કંપની પોલિસી રદ કરી શકે છે. આ સ્થિતિમાં આરોગ્ય વીમો કઢાવવા પાછળનો મૂળ હેતુ જ માર્યો જાય છે.

EMI ની સુવિધા કઈ જૂજ સ્થિતિમાં ઉપયોગી થાય?

EMIથી વીમાનું પ્રીમિયમ ચૂકવવાની રીત એમ તો સારી નથી, પરંતુ અહીં જણાવ્યા પ્રમાણેની અમુક સ્થિતિમાં એ લાભદાયક પુરવાર થઈ શકે છે:

1) જો તમે સ્વયં રોજગાર કરનારી વ્યક્તિ હો અથવા તો થોડા સમય પૂરતી નાણાંની તંગી અનુભવતા હો.
2) આરોગ્ય વીમાની તાત્કાલિક જરૂર હોય, પરંતુ પૂરેપૂરું પ્રીમિયમ ભરી દેવા જેટલી રકમ હાથવગી ન હોય.
3) જો તમે વધુ મોટી રકમની ફ્લોટર પોલિસી કઢાવવા ઈચ્છતા હો અને પરિવાર પર એનો બોજ આવે નહીં એવું ઈચ્છતા હો.
4) તમારી ઈએમઆઇ વ્યાજમુક્ત હોય અને વીમા કંપનીએ એને લોનની પ્રોડક્ટ તરીકે નહીં, પરંતુ સ્પષ્ટપણે આરોગ્ય વીમા તરીકે જ એનો દસ્તાવેજ બનાવ્યો હોય

પ્રીમિયમના પેમેન્ટ માટે ઈએમઆઇની તુલનાએ વધુ સારા વિકલ્પો

વિકલ્પ સારો હોવાનું કારણ વાર્ષિક પ્રીમિયમ એક સાથે ભરી દેવું આ વિકલ્પમાં એક જ વખત પેમેન્ટ કરવાનું હોવાથી એ યાદ રાખવાનું સહેલું હોય છે અને એમાં બીજી કોઈ કડાકૂટ હોતી નથી.
કવરેજ ઓછું લેવું, જેથી પ્રીમિયમનો બોજ આવે નહીં.
તાત્પૂરતું તમે પરવડે એટલી જ રકમની પોલિસી કઢાવી શકો છો અને પછી નાણાંની સગવડ હોય ત્યારે ટોપ અપ લઈ શકાય છે.

સુપર ટોપ અપ પ્લાન પસંદ કરવો

મોટી રકમની એક પોલિસી લેવી એના કરતાં નાની રકમની બેઝ પોલિસી લઈને એના પર ટોપ અપ અને સુપર ટોપ અપનું કોમ્બિનેશન ઉમેરાવવું સસ્તું પડે છે.
હેલ્થ વોલેટ/વીમા કંપનીના ટાઇ અપ/ક્રેડિટ કાર્ડ મારફતે 0 ટકા ઈએમઆઇની પસંદગી કરવી.
પોલિસીની શરતોમાં સ્પષ્ટતા થયેલી હોય અને વીમા કંપની આવી રીતે ચૂકવાયેલા પ્રીમિયમની સામે આખા વર્ષનું કવરેજ આપતી હોય તો બરોબર છે.

ઉપયોગી સૂચન

તમારે દર મહિને એક અલાયદા બચત ખાતામાં નાની-નાની રકમ જમા કરતાં જવું, જેથી પછીના વર્ષ માટેના પ્રીમિયમની જોગવાઈ પહેલેથી જ થઈ ગઈ હોય. આ રીતે તમે કોઈ પણ પ્રકારના ધિરાણની મદદ વગર પ્રીમિયમ ચૂકવવાની જવાબદારી યોગ્ય રીતે પાર પાડી શકો છો. આમ, નાણાકીય શિસ્તમાં રહી શકાય છે.

સમાપન

આરોગ્ય વીમો લાંબા સમયની જરૂરિયાત હોય છે અને એના પ્રીમિયમની ચુકવણી પણ લાંબા સમય સુધી કરવાની હોય છે. આવા સમયે ઈએમઆઇથી પ્રીમિયમ ચૂકવવાની સુવિધા સારી લાગતી હોય છે, પરંતુ એમાં અમુક જોખમો સંકળાયેલાં હોય છે, જેના વિશે આપણે આ લેખમાં વાત કરી. આથી, શક્ય હોય ત્યાં સુધી આરોગ્ય વીમાનું એક વર્ષનું પ્રીમિયમ એકસામટું ચૂકવવાની તૈયારી રાખવી. જો નાછૂટકે ઈએમઆઇથી ચુકવણી કરવાની સ્થિતિ આવે, તો પોલિસીનો ઝીણવટભર્યો અભ્યાસ કરવો અને આખા વર્ષ માટે લાગુ હોય એવી પોલિસી મળે એવી તકેદારી લેવી.

આ પણ વાંચો…વીમા સુરક્ષાકવચઃ આરોગ્ય વીમામાં મળતા વેલનેસ બેનિફિટ કઈ રીતે ઉપયોગી?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button