તરોતાઝા

ગરમીમાં તન-મનને ટાઢક પહોંચાડે છે છાશ

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. ભરપેટ ભોજન કરવાની ઈચ્છા થતી નથી. ઘરની બહાર નીકળવાનું થાય કે ઘરમાં રહેવાનું હોય, વારંવાર ઠંડું પીવાનું મન થયા કરે છે. તૈયાર જ્યૂસ કે શરબતમાં ખાંડની માત્રા વધુ હોય છે જેથી વારંવાર પીવામાં આવે તો મોટાપાની સાથે અન્ય બીમારીનો ભય રહે છે. વળી અનેક વખત તે ખિસ્સાને પરવડતાં નથી. આવા સંજોગોમાં તન-મનને ઠંડક પહોંચાડતા પીણાંની આજે વાત કરીશું. વળી સ્વાસ્થ્ય માટે ગુણકારી તેવું પીણું મળી રહે તો સૌને પસંદ પડે તેમાં બે મત ના હોઈ શકે. તેનું નામ છે ‘છાશ’.

છાશનું અસ્તિત્ત્વ બહુ પહેલાંનું માનવામાં આવે છે. આયુર્વેદમાં તક્રનો ઉપયોગ આંતરડાંના ઉપચાર માટે સર્વોત્તમ ગણાય છે. વાગ્ભટ્ટે છાશની તુલના દેવતાઓ માટેના અમૃત સમાન ગણાવી છે. દહીંની તાસીર સોજા વધારે તેવી માનવામાં આવે છે. જ્યારે છાશમાં પાણી ઉમેરવાથી તેની પ્રકૃત્તિ હલકી, સોજા વિરોધી ગણાય છે. કફ તેમજ વાત પ્રકૃતિને સંતુલિત રાખવામાં મદદ કરે છે. છાશ પ્રોબાયોટિક પીણું ગણાય છે.

સંસ્કૃતમાં તક્ર, હિન્દીમાં છાછ, બંગાળીમાં લાંગુલગે, મરાઠીમાં તાક, મારવાડીમાં ઘોલ કે ઘોળ, ભોજપુરીમાં માઠા, તમિળમાં મોરુ, તેલુગુમાં માજીઆ તરીકે ઓળખાય છે. છાશ એક એવું પીણું છે જે ધનિક-ગરીબ સર્વેને પસંદ પડે છે. તેથી જ તો ગરમીના દિવસોમાં ઠેર-ઠેર મફત છાશ કેન્દ્ર ખુલેલાં જોવા મળે છે. છાશમાં સ્વાસ્થ્યવર્ધક અનેક પોષક તત્ત્વો સમાયેલાં છે જેમ કે પ્રોટીન, કૅલ્શ્યિમ, ફોસ્ફરસ વગેરે. વળી ભોજન બાદ છાશ પીવાથી પાચનતંત્ર સુધરે છે. ગરમીમાં સામાન્ય રીતે પરસેવો વધુ થાય છે જેથી શરીરમાંથી પાણી ઘટે છે. જો યોગ્ય સંભાળ લેવામાં ના આવે તો ચક્કર આવી જતાં હોય છે. નિર્જલીકરણ (ડિહાઈડ્રેશન)ને કારણે વ્યક્તિ બેચેની અનુભવે છે. ગરમીમાં સ્વાસ્થ્યની સંભાળ રાખવી આવશ્યક છે તેથી જ વારંવાર પ્રવાહી પીતા રહેવાની સલાહ વડીલો તેમજ નિષ્ણાત આહાર તજજ્ઞો આપતાં રહે છે.

છાશ પીવાના સ્વાસ્થ્યવર્ધક લાભ:
પાચનતંત્રને મજબૂત બનાવે છે : ગરમીમાં પાચનતંત્ર નાજુક હોય છે. થોડું બહારનું ખાધું કે પેટમાં ગરબડ થવા લાગે છે. કેટલાંકને અપચો તો કેટલાંકને અતિસારની તકલીફ થાય છે. અનિયમિત તેમજ વાંસી ખોરાક મોટેભાગે જવાબદાર ગણાય છે. જો આપ નિયમિત ભોજન બાદ છાશનું સેવન ના કરતાં હોવ તો હવે ચેતી જજો. ભોજન બાદ એક ગ્લાસ પાતળી છાશ તમારા આરોગ્યને તંદુરસ્ત બનાવશે. મોળી કે મસાલા છાશ આપ પી શકો છો. જો મસાલા છાસ પીવાનું પસંદ હોય તો તેમાં ઉપયોગમાં લેવાતાં મસાલા જેવાં કે જીરું, અજમો, સંચળ, ફુદીનો, કોથમીર, આદું વગેરે પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. છાશ પીવાથી શરીરમાં પાણીની કમી થતી નથી. જેથી નિર્જલીકરણની સમસ્યાથી બચી શકાય છે. પેટમાં સોજો, વારંવાર ચૂક આવવી કે અતિસારની તકલીફમાં છાશનો ઉપયોગ શ્રેષ્ઠ ગણાય છે.

આ પણ વાંચો:સ્વાસ્થ્ય સુધા : જલેબી જેવો જ દેખાવ ધરાવતું શ્રેષ્ઠ ફળ જંગલ જલેબી

નિર્જલીકરણ(ડિહાઈડ્રેશન)ની સમસ્યા રહેતી નથી: ગરમીમાં થોડા થોડા સમયે તરસ લાગતી હોય છે. આવા સંજોગોમાં અનેક લોકો પિપરમિંટ મોંમાં ચગળાવતા હોય છે. મુંબઈ જેવા શહેરમાં અંતર વધુ હોય છે. વળી જાહેર શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. આવા સંજોગોમાં લોકો ખાસ કરીને યુવતીઓ પેશાબ રોકી રાખવાનું નાછૂટકે પસંદ કરતી હોય છે. પરસેવા દ્વારા પાણી શરીરમાંથી બહાર ફેંકાઈ જતું હોય છે. તેનાથી બચવા માટે છાશનો ઉપયોગ કરવો હિતાવહ છે. છાશ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભકારક ગણાય છે. ગરમીમાં સંચળ, ફુદીનો વગેરે ભેળવીને છાશ અચૂક ભરી આપવી જોઈએ. જેથી બહારના કાર્બોનેટેડ પીણાં પીવાનું તેઓ ટાળશે.

એસિડીટીની તકલીફમાં રાહતદાયક : ગરમીમાં વધુ પડતું તીખું-તળેલું-મસાલાયુક્ત ભોજન એસિડીટીની સમસ્યાને વધારે છે. ભોજન બાદ છાતીમાં બળતરા કે પેટમાં બળતરાની તકલીફ હોય તેમને માટે છાશનો ઉપયોગ ઉત્તમ છે. ઠંડી-ઠંડી તાજી છાશનું સેવન કરવાથી એસિડીટી કે પેટમાં કે છાતીમાં બળતરાની તકલીફમાં રાહત મેળવી શકાય છે. છાશનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ત્વચા માટે ગુણકારી : છાશમાં પ્રોટીન, કૅલ્શ્યિમ, વિટામિન બી, વિટામિન એ જેવાં ગુણો સમાયેલાં છે. પોટેશિયમ, ફોસ્ફરસ, ગુડ બૅક્ટેરિયા, લૅક્ટિક એસિડ વગેરે હોય છે. જે ત્વચાને માટે ગુણકારી ગણાય છે. જો નિયમિત છાશ પીવામાં આવે તો ત્વચા સૂકી પડતી નથી. કરચલી પડવી કે બહાર નીકળતાં ત્વચા સૂકી પડી જવાની તકલીફ હોય તેમને માટે છાશનું સેવન લાભકારક ગણાય છે.

મોટાપાની સમસ્યાથી છુટકારો મળે છે : મોટાપો 21મી સદીની સૌથી ગંભીર સમસ્યા ગણાય છે. નાના બાળકો, સગીરાવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા હોય મોટાપાના ભરડામાં ગંભીર રીતે લોકો ફસાઈ ગયેલાં જોવા મળે છે. જેને કારણે અનેક સમસ્યા જેવી કે બ્લડપ્રેશર, કૉલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, સાંધાનાં દુખાવા જેવી બીમારીનો શિકાર લોકો બની જાય છે. મોટાપાને દૂર કરવામાં છાશનું સેવન મદદરૂપ થઈ શકે છે. બહારના ઠંડા-મીઠા-પીણાંને બદલે સાદી-તાજી છાશનું સેવન ભૂખ લાગે ત્યારે કરવાથી ધીમે ધીમે ચરબી ઘટવા લાગે છે. સાથે-સાથે આહાર સંબંધિત અન્ય પરેજી વ્યક્તિએ પાળવી જોઈએ. છાશમાં કૅલરીની માત્રા ઓછી હોવાથી તેના સેવન દ્વારા ચરબીનો ભરાવો થતો નથી. શરીરમાં વધેલી ચરબી છાશના સેવન દ્વારા ઘટાડી શકાય છે.

આ પણ વાંચો: આરોગ્ય પ્લસ: વિવિધ બાળરોગને ઓળખો ને કરો એના ઉપચાર

હાડકાં મજબૂત બનાવવામાં ગુણકારી : છાશમાં વિટામિન ડી હોય છે. જે કૅલ્શ્યિમના અવશોષણમાં મદદ કરે છે. છાશનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. મહિલાઓએ મેનોપૉઝ બાદ છાશનું સેવન નિયમિત રીતે કરવું જોઈએ. ખાલી પેટ છાશનું સેવન કરવાથી ઑસ્ટિયોપોરોસિસ જેવી બીમારીથી બચી શકાય છે.

મોંનું સ્વાસ્થ્ય જાળવવામાં ગુણકારી : છાશમાં ફોસ્ફરસ હોય છે. જે દાંતને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. વળી પીરિયોડોંટલ નામક બૅક્ટેરિયા મસૂડોમાં સોજાનું કારણ ગણાય છે. જેને પીરિયડોંટાઈટીસ કહેવામાં આવે છે.
છાશમાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. છાશનું સેવન કરવાથી પેઢાંમાં આવેલાં સોજાને ઘટાડવામાં મદદ કરે છે. છાશમાં સમાયેલું કૅલ્શ્યિમ દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

લિવર માટે ગુણકારી : છાશ પીવાથી પાચનક્રિયા સુધરે છે. લિવર પોતાનું કામ સારી રીતે કરી શકે છે. હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યા હોય તેમને માટે છાશ લાભકારી ગણાય છે. કબજિયાતની તકલીફને દૂર કરવામાં મદદરૂપ બને છે. છાશનું સેવન હાઈ કૉલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં લાભકારક ગણાય છે. શરીરને બૅક્ટેરિયલ ઈન્ફેક્શન કે ચેપથી બચાવવામાં છાશનું સેવન ફાયદાકારક ગણાય છે.

છાશ કેવી પીવી જોઈએ ?

ઝરણીથી વલોવીને તાજી બનાવેલી છાશ સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. સામાન્ય રીતે છાશનો મસાલો બજારમાં તૈયાર મળી રહે છે. ઘરે બનાવેલો મસાલો વધુ સ્વાદિષ્ટ તથા શુદ્ધ હોય છે. તેથી તેનો આગ્રહ રાખવો. છાશ પીતાં પહેલાં ઝરણીથી વારંવાર વલોવીને પીવી જોઈએ. ભોજન બાદ છાશનું સેવન અચૂક કરવું જોઈએ. સવારના નવ વાગ્યા પછી છાશનું સેવન કરી શકાય છે. સંધ્યા સમય બાદ છાશનું સેવન કરવું ટાળવું. રાત્રિના સમયે છાશને બદલે દૂધનું સેવન શક્ય હોય તો કરવું જોઈએ.

છાશમાંથી બનતી વાનગીની યાદી ઘણી લાંબી છે. જેમ કે કઢી, હાંડવો, ખમણ, ઢોકળાં, સાદી કણકીને છાશમાં પલાળીને પકાવીને ઘેંસ બનાવી શકાય છે. છાશનો ઉપયોગ કરીને ચણાના લોટનું પીટલું કે વેસણ બનાવી શકાય છે. કાઠિયાવાડમાં ઘેર-ઘેર રાત્રિ ભોજનમાં બનતું જોવા મળે છે. ગુજરાતીના સ્વાદિષ્ટ થેપલાંમાં છાશનો ઉપયોગ કરીને લોટ બાંધવામાં આવે છે. પંજાબી શાકમાં દહીંનો ઉપયોગ ખાસ કરવામાં આવતો હોય છે. દહીં બનાવવા માટે છાશનો ઉપયોગ કરવામાં આવે છે.

છાશ તથા તેનો મસાલો બનાવવાની રીત: 250 ગ્રામ મોળું દહીં. 500 ગ્રામ પાણી,
છાશ બનાવવાની રીત : સૌ પ્રથમ દહીંને એક મોટી તપેલીમાં લેવું. તેને ઝરણીથી બરાબર વલોવી લેવું. હવે તેમાં પાણી નાંખીને છાશને વલોવીને તૈયાર કરવી.

છાશનો મસાલો : 3 ચમચી સંચળ, 1 કપ કોથમીર, 1 કપ ફુદીનાના પાન, 3 ચમચી શેકેલું જીરું, 1 ચમચી શેકેલો અજમો, 2 નંગ લીલા મરચાં, 1 નાનો ટૂકડો આદું.

બનાવવાની રીત : શેકેલું જીરું, શેકેલાં અજમાની સાથે સંચળ પાઉડરને મિક્સરમાં વાટી લેવો. ત્યારબાદ તેમાં કોથમીર, ફુદીનો, લીલાં મરચાં, આદું વગેરે ભેળવીને પીસી લેવું. તૈયાર મસાલાને સૂકવીને ભરી લેવો. લીલા મસાલાને ફ્રિઝમાં રાખી શકાય છે. સૂકવેલાં મસાલાનો સ્વાદ વધુ સારો આવે છે. ઝરણીથી વલોવીને તૈયાર કરેલી છાશમાં સ્વાદાનુસાર છાશ મસાલો ભેળવવો. વલોવીને પીવી ખાસ જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button