તંદુરસ્તી-મનદુરસ્તીઃ નૌલિ જ્યારે ડાબી ને જમણી બાજુથી ચક્રાકાર ઘુમવા માંડે ત્યારે તે યથાર્થ નૌલિક્રિયા ગણાય છે…

ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
- આ ક્રિયામાં કોઈપણ પ્રકારની પીડા ન થવી જોઈએ.
(3) દક્ષિણ-વામનૌલિ :
મધ્યનૌલિ બરાબર સિદ્ધ થયા પછી વામનૌલિ અને દક્ષણનૌલિનો અભ્યાસ શરૂ કરવો. આ ક્રિયા નીચેની રીતે સિદ્ધ થાય છે.
ઉડ્ડિયાનની અવસ્થામાં ઊભા રહો. મધ્યનૌલિ ધારણ કરો. પછી જમણી બાજુનો હાથ જરા વધુ દબાવો અને ડાબી બાજુના હાથનું દબાણ ઘટાડો. શરીર સહેજ જમણી બાજુ નમાવો. મધ્યનૌલિ જમણી બાજુ લેવાની છે એવી સભાનતા રાખો. ઉપરોક્ત ક્રિયાથી મધ્યમાં રહેલ નૌલિ જમણી બાજુ જશે. ખરેખર તો મધ્યનૌલિ એક દેખાય છે, પરંતુ તેમાં બે ઊભા સ્નાયુઓ છે. બંને સાથે જોડાઈ જવાથી એક જેવા લાગે છે. જ્યારે જમણી બાજુ દબાણ આવે છે ત્યારે ડાબી બાજુનો સ્નાયુ અંદર ચાલ્યો જાય છે અને જમણી બાજુનો સ્નાયુ જમણી બાજુ ખસે છે પરિણામે નૌલિ જમણી બાજુ ખસે છે તેમ દેખાય છે. આ રીતે દક્ષિણનૌલિ સિદ્ધ થાય છે.
આ જ રીતે ડાબી બાજુનો પ્રયત્ન કરી વામનૌલિ સિદ્ધ કરાય છે.
દક્ષિણ અને વામનૌલિમાં તે તે સ્નાયુ બની શકે તેટલાં વધુ પ્રમાણમાં તે તે દિશામાં જાય તે આવશ્યક છે.
(4) નૌલિક્રિયા:
નૌલિ જ્યારે ડાબી અને જમણી બાજુથી ચક્રાકાર ઘુમવા માંડે ત્યારે તે યથાર્થ નૌલિક્રિયા ગણાય છે. નૌલિક્રિયાનું ખરું સ્વરૂપ આજ છે. આગળની ભૂમિકાઓ તો નૌલિ ક્રિયા માટેનાં પ્રારંભક સોપાનો છે. આ ક્રિયા નીચેની રીતે સિદ્ધ થાય છે.
ઉડ્ડિયાન ધારણ કરો. મધ્યનૌલિ ધારણ કરો. તુરત જમણી બાજુનું દબાણ વધારી દક્ષિણનૌલિ ધારણ કરો. દક્ષિણ નૌલિ છોડી તુરત ઉડ્ડિયાનની અવસ્થામાં આવી જાઓ. તુરત વામનૌલિ ધારણ કરો. પછી તુરત મધ્યનૌલિ ધારણ કરો. આ રીતે નૌલિનું એક આવર્તન પૂરું થયું ગણાય.
આ જ રીતે ડાબી બાજુથી આવર્તન કરી શકાય છે. આ ક્રિયા એટલી ઝડપથી થાય છે કે નૌલિ ચક્રાકાર ફરતી હોય તેવો દેખાવ થાય છે. વસ્તુત: ક્રિયા આ રીતે બને છે.
જમણી બાજુથી નૌલિનું આવર્તન.
- મધ્યનૌલિ
- દક્ષિણનૌલિ
- ઉડ્ડિયાન
- વામનૌલિ
- મધ્યનૌલિ
ડાબી બાજુથી નૌલિનું આવર્તન.
- મધ્યનૌલિ
- વામનૌલિ
- ઉડ્ડિયાન
- દક્ષિણનૌલિ
- મધ્યનૌલિ.
જ્યારે આ રીતે બંને બાજુથી નૌલિ ચક્રાકાર ઘુમાવતા આવડે એટલે નૌલિક્રિયા સિદ્ધ થઈ છે એમ ગણાય. આ રીતે એક જ શ્ર્વાસમાં બંને બાજુથી એક કરતાં વધારે આવર્તનો કરવા જોઈએ. બંને બાજુ સમાન સંખ્યામાં આવર્તનો કરવા.
પ્રારંભમાં નૌલિને ચક્રાકાર ઘુમાવવાની ક્રિયા ધીમી રાખવી. પછી અભ્યાસ વધતા ઝડપ વધારવી.
સામાન્યત: એક જ શ્ર્વાસમાં બંને બાજુ, પ્રારંભમાં ત્રણ ચાર આવર્તનો કરવા. આ સંખ્યા પછી સાત સાત, સુધી પહોંચાડી શકાય. તંદુરસ્ત અને બળવાન વ્યક્તિ આવર્તનો આથી વધુ પણ કરી શકે.
(3) વિશેષ નોંધ:
- નૌલિના બે પ્રયત્નો વચ્ચે એટલો આરામ અવશ્ય કરવો કે જેથી શ્ર્વાસોચ્છ્વાસ સામાન્ય થઈ જાય.
- આ રીતે નૌલિના ત્રણ કે ચાર પ્રયત્નો કરી શકાય છે.
દરેક વખતે એક જ શ્ર્વાસમાં ત્રણથી સાત સુધીના આવર્તનો બંને બાજુ કરાય છે. - નૌલિ ખાલી પેટે જ કરવી. સવારે કે સાંજે આ ક્રિયાનો અભ્યાસ થઈ શકે છે.
- ઉડ્ડિયાનની જેમ નૌલિક્રિયા પણ પદ્માસનમાં પણ કરી શકાય છે.
- મધ્યનૌલિનો અભ્યાસ ઉત્કટાસનમાં થાય છે. જે બસ્તિ ક્રિયા માટે આવશ્યક છે.
- નૌલિ કોણે ન કરવી?
- ચાલીશથી મોટી ઉંમરની વ્યક્તિઓ પોતાની મેળે નૌલિનો પ્રારંભ ન કરવો. જેઓ પહેલેથી કરતાં હોય તેઓ ચાલુ રાખી શકે છે.
- જેમને નૌલિ કરતી વખતે કે તેને પરિણામે પછીથી પેટમાં દુ:ખાવો થતો હોય તેમણે નૌલિનો અભ્યાસ ન કરવો. અન્ય ઉપાયોથી આ દુ:ખાવો દૂર કર્યા પછી તેઓ નૌલિનો અભ્યાસ શરૂ કરી શકે છે.
- જેમને પેટના કોઈ અવયવોનો ક્ષય રોગ હોય તેમણે નૌલિનો અભ્યાસ ન કરવો.
- જેમને લોહીના ઊંચા દબાણની તકલીફ હોય તેમણે નૌલિનો અભ્યાસ ન કરવો.
- ચૌદ વર્ષથી નાની ઉંમરનાં બાળકોએ નૌલિનો અભ્યાસ ન કરવો.
- સગર્ભા સ્ત્રીઓએ નૌલિનો અભ્યાસ ન કરવો.
- નૌલિક્રિયાથી શું થાય છે?
- પેટના અવયવો અને સ્નાયુઓના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા માટે નૌલિ એક ઉત્તમ ક્રિયા છે.
- પેટ પર જમા થયેલી અનાવશ્યક ચરબીને દૂર કરે છે.
- નૌલિના અભ્યાસથી કબજિયાત અને મંદાગ્નિ દૂર થાય છે.
- એક શોધનકર્મ તરીકે નૌલિક્રિયા સમગ્ર શરીરના અને વિશેષત: પેટના મલનું શોધન કરે છે.
- લીવર, બરોળ અને પેનક્રિયાસનું શૈથિલ્ય નૌલિક્રિયાથી દૂર થાય છે.
- નૌલિક્રિયાનો અભ્યાસ બ્રહ્મચર્યમાં ઉપયોગી છે.
- યૌગિક બસ્તિક્રિયા અને શંખ પ્રક્ષાલન જેવી ક્રિયા માટે નૌલિક્રિયા આવશ્યક છે.
- શાસ્ત્રમાં નૌલિ :
अमन्दावर्तवेगेन तुन्दं सव्यापसव्यतः|
नसांतो भ्रामयेदेषा नौलि सिद्धैः प्रचक्ष्यते॥ ह. प्र. २, ३८
“બંને ખભાને આગળ ઝુકાવીને તીવ્રગતિમાન ભંવરની જેમ પેટને ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી ડાબી બાજુ ઘુમાવવું જોઈએ. આ ક્રિયાને સિદ્ધો નૌલિ કહેલ છે.”
- ત્રાટક
- ત્રાટક એટલે શું?
ત્રાટક એક શોધનક્રિયા છે. આ ક્રિયામાં કોઈ એક સૂક્ષ્મ લક્ષ્ય પ્રત્યે અનિમેષ દૃષ્ટિથી જોવાનું હોય છે. ઘેરંડ સંહિતામાં કહ્યું છે-
निमेषोन्मेषकं त्यकत्वा सूक्ष्म लक्ष्यं निरीक्षयेत् |
पतन्ति यावदश्रूणि त्राटकं प्रोच्यते बुधै: ॥ घे. स. १, ५२
“નિમેષ-ઉન્મેષ વિના (એક પલક થઈને) સૂક્ષ્મ લક્ષ્ય અનેક પ્રકારના હોય છે. મહત્ત્વનાં લક્ષ્ય નીચે મુજબ છે, તેમાંથી કોઈ એક પસંદ કરી શકાય છે.
- સફેદ કે લીલા કાગળ પર કાળા રંગનું ટપકું. આ ટપકું વટાણાના દાણાથી માંડીને પૈસાના સિક્કા જેટલા કદનું હોઈ શકે છે.
- નાનું શિવલિંગ.
- સ્ફટિક પત્થર.
- નાનું પુષ્પ.
- ચમકતી ધાતુની ગોળ તકતી.
- ઈષ્ટદેવની મૂર્તિ કે ચિત્રની આંખ કે અંગૂઠો.
- ઈષ્ટદેવની નાની મૂર્તિ કે નાનું ચિત્ર.
- અરીસામાં દિપકનું પ્રતિબિંબ (માત્ર અંધારામાં જ).
- અરીસામાં પોતાની આંખ.
- સળગતી અગરબત્તીનું ચમકતું ટપકું (માત્ર અંધારામાં જ).
- ધ્રુવ તારક (માત્ર રાત્રે જ)
- ચંદ્ર (માત્ર રાત્રે જ)
- સવાર કે સાંજનો સૂર્ય (બહુ લાંબા સમય માટે નહિ).
- ઘીનો દિવો. (બહુ લાંબા સમય માટે નહિ).
- પદ્ધતિ:
- આસન પર કોઈ એક ધ્યાનોપયોગી આસનમાં બેસો. લક્ષ્ય આંખની ઊંચાઈ જેટલું ઊંચું રાખો.
- પ્રારંભમાં થોડો ઉજ્જાયી કે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો.
- ત્યાર પછી ભ્રામરી પ્રાણાયામ કરો.
- આંખ થોડીવાર બંધ રાખી શાંત બેસો.
- આંખ ધીમેથી ખોલી, ઈષ્ટદેવનું સ્મરણ કરી, લક્ષ્ય પર એકાગ્ર કરો. શાંત ભાવે તણાવ કે ખેંચાણ વિના એકટક લક્ષ્ય તરફ જોયા કરો. આંખના પલકારા મારશો નહિ.
- આંખમાં બળતરા થશે. પછી આંખમાંથી આંસુ વહેવા માંડશે તો પણ આંખના પલકારા મારશો નહિ. એક સમય એવો આવશે કે આંખ ખુલ્લી રાખવી શકય લાગશે નહિ. એ વખતે ધીમેથી આંખ બંધ કરી દો. આ અવસ્થામાં લક્ષ્યની માનસિક પ્રતિમાનું ધ્યાન કરો.
થોડીવાર આંખને આરામ આપી ફરીથી આંખ ખોલો અને પૂર્વવત્ લક્ષ્ય પ્રત્યે અનિમેષ દૃષ્ટિથી જુઓ. આ રીતે ત્રણચાર વાર કરી શકાય.
- શરતો: ત્રાટક સિદ્ધ કરવા માટે નીચેની શરતોનું પાલન કરવાનું આવશ્યક છે.
- આંખની કીકી ચાલવી જોઈએ નહિ.
- આંખના પલકારા મારવા નહિ.
- લક્ષ્ય સિવાય કશું દેખાય નહિ.
(ક્રમશ:)



