તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રજ્ઞા એટલે જ્ઞાન પ્રાપ્તિનું મનસાતીત કરણ

ભાણદેવ
(ગતાંકથી ચાલુ)
યૌગિક સાધનપથ પર જે આધ્યાત્મિક વિકાસ થાય છે તે વિકાસની ક્રમિકતા આ રીતે મૂકી શકીય-
સામાન્ય ચેતના, ધારણા, ધ્યાન, સમાધિ. આ ક્રમિક વિકાસને પાંચ લક્ષણો દ્વારા સૂચવી શકાય.
(I) ચિત્તની એકાગ્રતામાં બાધારૂપ વિઘ્નો ક્રમે ક્રમે ઘટતાં જાય છે અને સમાધિમાં તે બિલકુલ નથી.
(II) સ્વનું ભાન (Self Consciousness) ક્રમે ક્રમે ઘટતું જાય છે અને સમાધિમાં તે બિલકુલ નથી.
(III) ધ્યાતા અને ધ્યેયનું દ્વૈત ક્રમે ક્રમે ઘટતું જાય છે. સમાધિમાં આ દ્વૈત બિલકુલ રહેતું નથી.
(IV) બાહ્ય જગત સાથેનો ઈન્દ્રિગત સંબંધ ઓછો થતો જાય છે. સમાધિમાં તે બિલકુલ રહેતો નથી.
(V) સાધક ક્રમે ક્રમે મનસાતીત પ્રદેશમાં પ્રવેશતો જાય છે. સમાધિમાં તે મનમાંથી સંપૂર્ણ બહાર નીકળી મનસાતીત પ્રદેશમાં જ પહોંચી જાય છે.
ચિત્તનો ઈન્દ્રિયો દ્વારા જગત સાથેનો સંબંધ સમાધિમાં રહેતો નથી, તેથી બેભાન અવસ્થા કે તેને મળતી અવસ્થાને પણ લોકો સમાધિ ગણી લે છે. સમાધિમાં બાહ્ય જગતનું ભાન રહેતું નથી, તે સાચું છે, પરંતુ બાહ્ય જગતનું ભાન ન રહેવું તે સમાધિનું મૂળભૂત લક્ષણ નથી. બાહ્ય જગતનું ભાન ચાલ્યું જાય એટલે સમાધિ સિદ્ધ થાય તેવું નથી. ઊંઘ, એનેસ્થેસિયાની અવસ્થા કે તીવ્ર વેદનાથી આવેલી બેભાનાવસ્થામાં પણ બાહ્ય જગતનું ભાન રહેતું નથી, પરંતુ આ અવસ્થાઓ સમાધિ કરતાં તદ્ન ભિન્ન પ્રકારની અને સાવ નિમ્ન કોટિની છે.
કોઈ વ્યક્તિ સમાધિનાં બાહ્ય લક્ષણોનું અનુકરણ કરવાનું કોઈક રીતે શીખી લે તો બાહ્ય અવસ્થાની દૃષ્ટિએ તે સમાધિમાં હોય તેમ લાગે છે, પરંતુ આંતરિક રીતે તેનો સમાધિમાં પ્રવેશ ન હોય તેમ બને. આ અવસ્થાને જડ સમાધિ કહે છે. ખરેખર તો ‘જડતા’ જ કહેવું જોઈએ. આવા પ્રકારની અવસ્થાનું આધ્યાત્મિક મૂલ્ય કશું નથી.
સમાધિનું ખરું લક્ષણ બાહ્ય જગતના ભાનનો લોપ નથી. આંતરચેતનાની અવસ્થા પરથી જ નક્કી થઈ શકે કે વ્યક્તિ સમાધિમાં છે કે નહીં!
આપણી અધ્યાત્મ પરંપરા પ્રમાણે સમાધિની યથાર્થતા જાણવા માટે સાત લક્ષણો છે:
(I) સમાધિ દરમિયાન ચહેરા પર તેજ છવાય જાય છે. સમાધિ સિવાયની ઊંઘ, એનેસ્થેસિયા આદિ બેભાનાવસ્થા દરમિયાન ચહેરો ફિક્કો પડી જાય છે.
(II) સમાધિ દરમિયાન સાધક પ્રગાઢ શાંતિ અને તીવ્ર આનંદ અનુભવે છે.
(III) ) સમાધિ દરમિયાન આંતરિક જાગૃતિ ટકી રહે છે. બાહ્ય અને આંતરિક, બંને પ્રકારની જાગૃતિનો લોપ થાય તો તે બેભાનવસ્થા છે.
(IV) સમાધિ દરમિયાન સાધક જે આસનમાં બેઠા હોય તે આસન છૂટે નહીં, શરીર લથડી ન પડે, ઊંઘમાં આસન છૂટી જાય, શરીર લથડી પડે.
(V) સમાધિ દરમિયાન શ્વાસોચ્છ્વાસની ગતિ મંદ અને સૂક્ષ્મ બની જાય છે.
(VI) સમાધિ દરમિયાન સાધક ઉચ્ચ ચેતનામાં પ્રવેશ કરે છે.
(VII) સમાધિમાંથી પાછો આવનાર સાધક બદલાઈને પાછો ફરે છે, સાધક ઉચ્ચ ચેતનાનું જ્ઞાન સાથે લઈને પાછો ફરે છે. સમાધિ સાધકના જીવનનું રૂપાંતર સિદ્ધ કરે છે.
ભ્રામક સમાધિ કે નિદ્રા આદિ બેભાનાવસ્થાથી સમાધિ ઉપરોક્ત રીતે જુદી પડે છે. આ લક્ષણો દ્વારા સમાધિની યથાર્થતા જાણી શકાય છે.
સમાધિ અધ્યાત્મભવનનું દ્વાર છે, મહાદ્વાર છે, સુવર્ણ દ્વાર છે. આમ છતાં સમાધિ અધ્યાત્મયાત્રાની આખરી અવસ્થા પણ નથી. સમાધિ પછી પણ અધ્યાત્મપથની ઘણી યાત્રાઓ બાકી રહે છે.
- સંપ્રજ્ઞાત સમાધિ અને તેનાં સ્વરૂપો :
સર્ગક્રમે ચેતના સ્વરૂપ સ્થિતિમાંથી ઊતરતાં-ઊતરતાં પંચભતો અને ઈન્દ્રિયો સુધી પહોંચે છે. સમાધિમાં તેથી વિપરીત અપસર્ગની ઘટના ઘટે છે. સમાધિમાં ચેતનાનું કેન્દ્ર નિમ્ન સ્તરોની ચેતનામાંથી મુક્ત થતાં થતાં ઉચ્ચ સ્તરોની ચેતનામાં ગતિમાન થાય છે. ઊર્ધ્વ ચેતનાનાં પણ અનેક સ્તરો છે.
આમ હોવાથી ચેતનાનાં સ્તરો પ્રમાણે સમાધિનાં પણ અનેક સ્વરૂપો છે, જે સમાધિની ક્રમે ક્રમે વિકસતી જતી ભૂમિકાઓ છે. જેમ જેમ સાધકની ચેતના ઊર્ધ્વ ભૂમિકામાં વિકસતી જાય છે, તેમ તેમ તેને વધુ ને વધુ ઊર્ધ્વ ભૂમિકાની સમાધિની પ્રાપ્તિ થતી જાય છે.
સાધારણ રીતે પ્રારંભની અવસ્થાઓના પરિપક્વ અભ્યાસથી સાધકનો આગળની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ થાય છે. બાહ્ય ચેતનામાંથી મુક્ત થઈને સાધકનો સમાધિમાં પ્રવેશ થાય ત્યારે આ પ્રારંભની સમાધિને સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. સંપ્રજ્ઞાત સમાધિની પણ અનેક ભૂમિકાઓ છે.
સંપ્રજ્ઞાત સમાધિનાં લક્ષણો આ પ્રમાણે છે:
(1) ચિત્ત બાહ્યજગતથી અલિપ્ત થઈ જાય છે.
(2) પ્રજ્ઞાનો ઉદય થાય છે. સંપ્રજ્ઞાત એટલે સમ્યક્ પ્રજ્ઞાયુક્ત. પ્રજ્ઞા એટલે જ્ઞાન પ્રાપ્તિનું મનસાતીત કરણ. સાધક સ્થૂળ જગત, ઈન્દ્રિયો અને સ્થૂળ મનની ભૂમિકામાં જીવતો હોય છે, ત્યારે તેની પાસે જ્ઞાનનાં બે સાધનો હોય છે – જ્ઞાનેન્દ્રિયો અને અનુમાન. આમ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ દ્વારા તે જ્ઞાન પ્રાપ્ત કરે છે, પરંતુ સાધક જ્યારે આ અવસ્થાથી ઉપર જાય છે, ત્યારે સ્થૂળ જગત, જ્ઞાનેન્દ્રિયો અને સ્થૂળ મનથી તેની ચેતના છૂટી પડે છે અને જ્ઞાનનું એક નવું કરણ તેનામાં પ્રગટે છે, જે સામાન્ય બુદ્ધિ કરતાં ઘણું વ્યાપક, સત્યપૂત અને પૂર્ણ છે. સમાધિમાં ચેતના નવા પરિમાણમાં પ્રવેશે છે અને તેની સાથે પ્રજ્ઞાનો ઉદય થાય છે.
ઉપરોક્ત બંને લક્ષણોનો સંપ્રજ્ઞાત સમાધિમાં પ્રારંભ થાય છે અને આગળની વધુ ઉચ્ચ પ્રકારની સમાધિની અવસ્થાઓમાં વધુ ને વધુ વિકસતાં જાય છે. આ બંને લક્ષણો સમાધિનાં બધાં સ્વરૂપોને લાગુ પડે છે.
આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તી: ધારણા અંતરંગયોગનું પ્રથમ સોપાન…
આ ઉપરાંત નીચેનાં લક્ષણો સંપ્રજ્ઞાત સમાધિમાં જ જોવા મળે છે, અન્ય સમાધિ-સ્વરૂપોમાં નહીં.
(3) વ્યષ્ટિ સ્થૂળ શરીર અને પુરુષ (અંતરાત્મા) વચ્ચે અનેક સૂક્ષ્મ શરીરો છે. તે જ રીતે સમષ્ટિ ભૌતિક જગત અને પરમ ચૈતન્ય વચ્ચે પણ ચેતનાનાં અનેક સ્તરો છે. વ્યષ્ટિ અને સમષ્ટિની આ રચના સમાંતર છે. સંપ્રજ્ઞાત સમાધિમાં સ્થૂળ શરીર સાથેના સંબંધથી મુક્ત થાય છે અને સૂક્ષ્મ શરીરમાંના કોઈ એકમાં અવસ્થિત થાય છે. જે ભૂમિકાની ચેતનામાં સાધક અવસ્થિત હોય તે ભૂમિકાની સમાધિમાં તે હોય છે તેમ સમજવું જોઈએ. સાધક જ્યારે આ બધાં સૂક્ષ્મ શરીરો કે પાંચે કોશો ભેદીને પાર નીકળી જાય ત્યારે તે ઉચ્ચ પ્રકારની સમાધિ પામે છે. અને અંતે કૈવલ્ય અવસ્થામાં અવસ્થિત થાય છે.
(4) સંપ્રજ્ઞાત સમાધિની અવસ્થા દરમિયાન સાધકના ચિત્તમાં પ્રત્યયની હાજરી હોય છે. પ્રત્યય એટલે ચિત્તનો વિષય (Content of mind) સમાધિનાં ઉચ્ચ સ્વરૂપોમાં આ પ્રકારના પ્રત્યયની હાજરી હોતી નથી.
સંપ્રજ્ઞાત સમાધિના ચાર પ્રકારો છે:
(1) વિતર્કાનુગત (2) વિચારાનુગત (3) આનંદાનુગત (4) અસ્મિતાનુગત.
જે વિષયનો આધાર લઈને સાધક સમાધિમાં પ્રવેશ કરે છે, તે વિષયના સ્વરૂપને ખ્યાલમાં રાખીને સંપ્રજ્ઞાત સમાધિનાં આ ચાર સ્વરૂપો બતાવવામાં આવે છે. આ ચારે સ્વરૂપોમાં ક્રમિક વિકાસ જોવા મળે છે.
(1) વિતર્કાનુગત સમાધિ:
અહીં વિતર્ક એટલે ચિત્તની ચંચળ અવસ્થા. ચિત્તની આ સ્વરૂપની અવસ્થા પર એકાગ્રતા કરવાથી તેનો નિરોધ થાય છે, સાધકનો સમાધિમાં પ્રવેશ થાય છે. સમાધિના આ સ્વરૂપને વિતર્કાનુગત સમાધિ કહે છે. આ સમાધિ દરમિયાન સાધકની ચેતના મનોમય કોશમાં હોય છે.
(2) વિચારાનુગત સમાધિ:
વિચાર એટલે ચિત્તની સમ્યક્ વિચારણાની સ્થિતિ. ચિત્તની આ પ્રકારની અવસ્થા પર એકાગ્રતા કરવાથી તેનો વિરોધ થાય છે અને સાધકનો સમાધિમાં પ્રવેશ થાય છે. સમાધિના આ સ્વરૂપને વિચારાનુગત સમાધિ કહે છે. આ સમાધિ દરમિયાન સાધકની ચેતના વિજ્ઞાનમય કોશમાં હોય છે.
(3) આનંદાનુગત સમાધિ:
ચિત્તના આનંદાનુભવ પર એકાગ્રતા કરવાથી સાધક જે સમાધિમાં પ્રવેશે છે, તેને આનંદાનુગત સમાધિ કહે છે. આ અવસ્થા દરમિયાન સાધકની ચેતના આનંદમય કોશમાં સ્થિત હોય છે.
આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તીઃ ધ્યાનનો વિષય ધ્યેય કહેવાય છે



