દેશના IIP પહેલાં My IIP (My Insuranceor Investment Plan)ની કાળજી લેવી… | મુંબઈ સમાચાર
તરોતાઝા

દેશના IIP પહેલાં My IIP (My Insuranceor Investment Plan)ની કાળજી લેવી…

ગૌરવ મશરૂવાળા

ઘણા રોકાણકારો ભારત સરકારે જાહેર કરેલા ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંક (ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન – IIP)ના આધારે ઇક્વિટી માર્કેટમાં નાણાં રોકવાનો નિર્ણય લેતા હોય છે. દેશનાં કેટલાંક ઉત્પાદન ક્ષેત્રોની કામગીરી કેવી રહી તેનો અંદાજ આપતું આ પરિમાણ છે. ઇક્વિટી માર્કેટની હિલચાલ પર IIPની સીધી અસર થાય છે.

જો કે, ઘણીવાર રોકાણકારોની પોતાની IIP(Insurance or Investment Plan)માં ગોટાળા હોય છે. કાં તો એમણે પોતાના માટે વીમાનું કવચ લીધું હોતું નથી અથવા તો જીવન વીમાની પોલિસીમાં રોકાણનું ઘટક પણ હોય એવી (યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન – ULIP) ન લીધી હોય.

અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે ભારતમાં લોકો કર બચાવવાની દૃષ્ટિએ અથવા તો ઇન્સ્યોરન્સ એજન્ટ હોય એવા કોઈ મિત્ર, સંબંધી કે સહયોગીને પ્રીમિયમનો અથવા પોલિસીની સંખ્યાનો લક્ષ્યાંક પૂરો કરવામાં મદદરૂપ થવા માટે જીવન વીમાની પોલિસી કઢાવતા હોય છે. અમદાવાદના મારા એક મિત્ર મજાકમાં કહેતા હોય છે કે ‘મોટાભાગના ભારતીયો ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં જ મૃત્યુ પામે છે!’ તેનું કારણ એ છે કે લોકો કર બચાવવા માટે ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં જ જીવન વીમાની પોલિસી લેતા હોય છે!

રોકાણનું ઘટક સમાયેલું હોય એવી જીવન વીમાની પોલિસીઓ ખરીદવાનું ખરેખર વિચિત્ર કહેવાય. વ્યક્તિ મૃત્યુ ન પામે એવા સંજોગોમાં વીમાની રકમ આપે એવી પોલિસી લેવાનો શું અર્થ? જો વ્યક્તિને નિશ્ર્ચિતપણે એમ લાગતું હોય કે પોતાનું મૃત્યુ થવાનું નથી, તો પછી તેમણે જીવન વીમાની પોલિસીનું કવચ લેવું જ શું કામ જોઈએ? એમણે વીમો કઢાવવાને બદલે માત્ર રોકાણની પ્રોડક્ટ પસંદ કરવી જોઈએ.

રોકાણના જગતનો એક પાયાનો સિદ્ધાંત કહે છે કે બે નાણાકીય પ્રોડક્ટની ક્યારેય ભેળસેળ કરવી જોઈએ નહીં. જો કોઈક કારણસર એક પ્રોડક્ટની કામગીરી બરોબર ન હોય અથવા તો તેનું કોઈ કામ જ ન રહે તો પણ તેને ટકાવીને રાખવી પડે છે.
આ વાતનું ઉદાહરણ બેંગલોરના વેંકટેશના કિસ્સા પરથી લઈએ. એમણે હોમ લોન લેતી વખતે જીવન વીમો પણ કઢાવ્યો હતો, જેથી એમને કંઈ થઈ જાય તો પત્ની સ્મિતા બાકીની હોમ લોન ચૂકવી શકે. વેંકટેશે યોગ્ય નાણાકીય આયોજન દ્વારા હોમ લોન મૂળ મુદત કરતાં પાંચ વર્ષ વહેલી જ ચૂકવી દીધી. આમ છતાં, એમણે વીમાનું પ્રીમિયમ ભરતાં રહેવું પડ્યું. જો એ પોલિસી સરેન્ડર કરી દે તો તેમને મોટું નાણાકીય નુકસાન થાય …

હર્ષ ઝા સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. લગ્ન પછી તરત જ જીવન વીમાની પોલિસી લીધી, જેમાં રોકાણનું ઘટક પણ સામેલ હતું. હર્ષ અને પત્ની સ્વાતિએ બન્નેએ ઘણી મહેનત કરીને સારી એવી સંપત્તિ એકઠી કરી હતી. અમુક પ્રમાણમાં સંપત્તિ ભેગી થયા પછી જીવન વીમાના કવચની જરૂર રહેતી નથી, કારણ કે કમાનારના મૃત્યુ પછી પણ ઘર ચલાવવામાં કોઈ તકલીફ પડે નહીં એટલી સંપત્તિ જમા થયેલી હોય છે. આમ સંપત્તિ ભેગી થયા પછી જીવન વીમાનો કોઈ અર્થ રહેતો નથી.

આ બન્ને કિસ્સામાં જો જીવન વીમાનું કવચ અને રોકાણનો પ્લાન બન્ને અલગ અલગ હોત તો એ પોતપોતાની રીતે નાણાકીય સંચાલન કરી શક્યાં હોત.

જશ અને બીજલનો કિસ્સો પણ જાણવા જેવો છે. એમણે યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન (ULIP) લીધો હતો. આ પ્રકારના પ્લાનમાં વીમાની સાથે રોકાણનું ઘટક પણ હોય છે. એમણે પોલિસી લીધી ત્યારે કહેવામાં આવ્યું હતું કે લાંબા ગાળે ULIPમાં મોટું વળતર મળે છે. જો કે, એમના કિસ્સામાં એમના ULIPની કામગીરી બજારનાં અન્ય ULIPની તુલનાએ ઘણી નબળી હતી. આમ છતાં, તેની સાથે વીમાનું કવચ જોડાયેલું હતું તેથી આ યુગલ એ પ્લાનમાંથી બહાર નીકળી શક્યું નહીં.

આથી જ કહેવાનું કે વીમો અને રોકાણ એ બન્ને માટે અલગ અલગ પ્રોડક્ટ ખરીદવી, બન્ને ભેગાં હોય એવી પ્રોડક્ટ લેવી નહીં.

ટૂંકમાં, દેશના IIPની ચિંતા કરતાં પહેલાં ખુદના IIP(My Insurance or Investment Plan)ની કાળજી લેવી.

આપણ વાંચો:  આરોગ્ય પ્લસ -સંકલન: એક ખતરનાક રોગ…ડાયાબિટીસ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button