સ્વાસ્થ્ય સુધાઃ શિયાળામાં લીલીછમ સુરતી પાપડી ખાવાથી હાડકાં બનશે મજબૂત

શ્રીલેખા યાજ્ઞિક
શિયાળો શરૂ થાય તેની સાથે બજારમાં વિવિધ રંગબેરંગી તાજા લીલા શાકભાજી જોવા મળતાં હોય છે. લીલા શાકભાજી ખાવાનો આનંદ શિયાળામાં બેવડાઈ જતો હોય છે. ગુજરાતી ઘરોમાં તો શિયાળાની ખાસ કાગડોળે રાહ જોવાતી હોય છે. કેમ કે શિયાળામાં લગભગ પ્રત્યેક રવિવારે સ્વાદિષ્ટ ઊંધિયાની સોડમ ઘરે ઘરે આવતી હોય છે. વળી મકરસંક્રાંતિના દિવસે તો અચૂક ઊંધિયાની પાર્ટી જોવા મળતી હોય છે. બજારમાં ઠેર-ઠેર સ્વાદિષ્ટ તૈયાર ઊંધિયાની જાહેરખબર જોવા મળે તે નફામાં. જે પ્રત્યેક વ્યક્તિના મનમાં ઊંધિયું ખાવાની તાલાવેલી જગાડતી જોવા મળે છે. આજે તેમાં ઉપયોગમાં લેવાતી કૂણી-કૂણી લીલીછમ સુરતી પાપડી વિશે જાણકારી મેળવીશું.
એવું કહેવાય છે કે સુરતીઓનો શિયાળો સુરતી પાપડી વગર અધૂરો ગણાય છે. પાપડી તો સુરત નજીકના કતાર ગામની જ વખણાય છે. સુરતી લાલા શિયાળાની શરૂઆત થાય તેની સાથે એક ટંકના ભોજનમાં સુરતી પાપડીનો સમાવેશ અવશ્ય કરતાં હોય છે. જેમાં પાપડી મુઠિયાનું શાક, પાપડી-ભાત, પાપડી-રિંગણ, પાપડી-બટાકા દાણા-મુઠિયા કે પાપડી લસણ વગેરે જેવી અનેક વાનગી બનાવતાં હોય છે. તો વળી શિયાળામાં ઊંબાડીયું ખાવા લોકો ખાસ સુરત-વલસાડ-નવસારીની મુલાકાત લેવાનું પસંદ કરતાં હોય છે.
હાઈ-વે ઉપર સફર કરો તો ઠેર ઠેર ખાસ પ્રકારનો ધુમાડો દૂર-દૂરથી દેખાતો જોવા મળતો હોય છે. તેનું મુખ્ય કારણ હોય છે, ઠેર ઠેર માટલાંમાં સ્વાદિષ્ટ ઊંબાડિયું બનતું હોય છે. ઊંબાડિયામાં કંદમૂળ તેમજ સુરતી લીલીછમ કૂણી પાપડીનો ઉપયોગ વિશિષ્ટ મસાલા સાથે કરવામાં આવતો હોય છે. જેમાં માટલાંને જમીનની અંદર ગોઠવીને ઉપરથી લાકડાં સળગાવીને બનાવવામાં આવે છે. તેનાથી ઊંબાડિયાનો સ્વાદ અપ્રતિમ બને છે.
આપને ખબર હશે જ કે લીલા દાણાના કુલ સાત પ્રકાર બજારમાં મળે છે. જેમ કે વાલોળ, લાંબી પાપડી, સુરતી પાપડી, ફણસી, ચોળી, પાવટાં, તુવેર દાણાં.
ઉપરોક્ત પ્રત્યેક લીલા દાણાનો ઉપયોગ તેમજ તેની બહારની કૂણી પાપડીનો ઉપયોગ આહારમાં કરવામાં આવે છે. ફક્ત તુવેર દાણાની બહારની છાલ ખાવામાં આવતી નથી. સુરતી પાપડીને અંગ્રજીમાં ફાવા બિન્સ કે બ્રોડ બિન્સ તરીકે ઓળખવામાં આવે છે.
સુરતી પાપડીમાં પોષક તત્ત્વોનો ખજાનો સમાયેલો જોવા મળે છે. જેમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બીનો સમાવેશ થાય છે. જે હાડકાંને મજબૂત કરવામાં ઉપયોગી ગણાય છે. પાપડીના સેવનથી શરીરમાં રક્તાભિસરણ સુધરે છે. પાચનક્રિયા મજબૂત બને છે. વજન નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. ઍનિમિયાની તકલીફ કે બ્લડપ્રેશરની તકલીફથી બચાવે છે.
એના આરોગ્યવર્ધક કેટલાંક ગુણ
હાડકાં મજબૂત બનાવે છે
સુરતી પાપડીમાં કૅલ્શિયમ, કૉપર, મેંગેનિઝનું પ્રમાણ ભરપૂર હોવાથી તેનું સેવન હાડકાં મજબૂત બનાવે છે. વળી વય વધવાની સાથે શરીરમાં દેખાતી વિવિધ સમસ્યા જેમ કે ઑસ્ટિયોપોરોસિસની તકલીફથી બચાવે છે. હાડકાં બરડ બનતાં અટકે છે.
પાચનતંત્રને સુધારવામાં મદદરૂપ :
પાપડીમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે. જેથી તેનો આહારમાં ઉપયોગ કરવાથી પાચનક્રિયામાં સુધારો જોવા મળે છે. જેને કારણે વ્યક્તિ શરીરમાં હળવાશ અનુભવે છે. શરીરમાં ચરબીનો ભરાવો થતો અટકે છે. જેને કારણે વજન નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
ઍનિમિયાની તકલીફથી બચાવ
સુરતી કૂણી પાપડીનો આહારમાં ઉપયોગ કરવાથી શરીર શક્તિવર્ધક બને છે. સુરતી પાપડીમાં આયર્નની માત્રા ભરપૂર હોય છે. જે લોહીમાં હિમોગ્લોબીનની માત્રા વધારવામાં મદદ કરે છે. આયર્નયુક્ત આહાર લેવાથી શરીરમાં રક્તપ્રવાહ સુચારુ રીતે થાય છે. ઍનિમિયાની તકલીફથી બચી શકાય છે.
ઍનિમિયાની તકલીફ ધરાવતી વ્યક્તિ થોડું કામ કરવાથી થાકનો અનુભવ કરે છે. નબળાઈ આવવા લાગે છે. તેનું મુખ્ય કારણ તેના લોહીમાં હિમોગ્લોબીનની માત્રા હોવી જોઈએ તેનાથી ઓછી હોય છે. હિમોગ્લોબીનની માત્રા લોહીમાં જળવાઈ રહે તે મહત્ત્વનું છે. સુરતી પાપડીમાં પ્રોટીન તથા વિટામિન બીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જેથી પાપડીનું સેવન કરવાથી શરીરમાં અશક્તિ રહેતી નથી.
ત્વચા સંબંધિત સમસ્યામાં લાભકારી
શિયાળો શરૂ થાય તેની સાથે ત્વચા સૂકી પડી જતી હોય છે. વારંવાર ખંજવાળ આવવી કે લાલ બની જવી જેવી સમસ્યા સતાવતી હોય છે. સુરતી પાપડીનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાથી બચી શકાય છે. કેમ કે સુરતી પાપડીમાં વિટામિન બી-6 પૈનથાનિક એસિડ તથા નિયાસિન જોવા મળે છે. લીલી કૂણી વાલોળ-સુરતી પાપડીનું સેવન શરીર માટે અત્યંત ઉપયોગી ગણાય છે. મોસમમાં બદલાવને કારણે દેખાતાં સોજાને ઘટાડવામાં મદદ કરે છે.
વજનને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી
વજનને નિયંત્રણમાં રાખવામાં પાપડીનો ઉપયોગ અત્યંત લાભકારી ગણાય છે. કમર કે સાથળની આસપાસ સતત બેઠાળું જીવનશૈલીને કારણે ઉપર ચરબીનો ઘેરાવો વધતો જાય છે. તેન્ાાથી છૂટકારો મેળવવો હોય તેમણે તાજીતાજી સુરતી પાપડીનું સેવન કરવું હિતાવહ છે.
પાપડી વિશે અવનવું
પાપડીનો પાક ટૂંકાગાળાની ખેતીનો ગણાય છે. વાવણી બાદ ફક્ત બે મહિના જ પાપડીનો પાક મળે છે. પાપડીની ખેતીમાં પાણીની વધુ જરૂર પડતી નથી. પાપડીનો પાક વરસાદના પાણી થકી જ વધુ ઊતરે છે. જેને કારણે તેમાં ખાસ પ્રકારની મીઠાશ જોવા મળે છે. પાપડીનો પાક રોજેરોજ ઉતારવો જરૂરી છે. પાપડીની ખેતી કરતાં ખેડૂતોનું કહેવું છે કે શિયાળમાં પાપડીનો પાક સરેરાશ 20 કિલો જેટલો ઊતરે છે.
શિયાળામાં જેમ ઠંડીનું પ્રમાણ વધે તેમ પાપડીનું ઉત્પાદન વધી જાય છે. હાલમાં તો પાપડીની ઑર્ગેનિક ખેતીનું પ્રમાણ વધતું જોવા મળે છે. મોટે ભાગે ભાઠા ગામની પાપડીનો પાક લેતાં ખેડૂતો પાપડીની મીઠાશ જાળવી રાખવા માટે કોઈપણ પ્રકારના કૅમિકલનો ઉપયોગ કરતાં નથી. સામાન્ય દિવસોમાં પાપડીનો ભાવ એક કિલોના રૂા. 160 જોવા મળે છે.
જેમ જેમ ડિસેમ્બર મહિનો શરૂ થાય, ઉત્તરાયણ નજીક આવવા લાગે તેમ પાપડી કિલોના રૂા. 200 ના ભાવે વેચાતી હોય છે. પાપડીને તાજી રાખવા માટે તેને કાપડની થેલીમાં પૅક કરવામાં આવે છે. પાપડીના રસિયાઓ પાપડીનો વર્ષભર સ્વાદ માણવા તેને ફ્રિઝમાં સાચવી રાખે છે. ઊંધિયું ગુજરાતમાં વિવિધ પ્રકારે થતું જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં લાલ ઊંધિયું બને છે. જો થોડું રસાવાળું હોય છે. સુરતમાં લીલું ઊંધિયું બનાવવામાં આવે છે.
હૃદયની તંદુરસ્તીની ખાસ મિત્ર ગણાય છે
લીલાં શાકભાજીમાં ચરબીની માત્રા હોતી નથી. જેથી તેનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે. સુરતી પાપડીમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ, પોટેશિયમ સમાયેલું હોય છે. જે હાઈ બ્લડપ્રેશરથી બચાવે છે. નિષ્ણાત આહાર તજજ્ઞોનું માનવું છે કે વિટામિન બી-યુક્ત આહાર હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી ગણાય છે. સુરતી પાપડીમાં વિટામિન બીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. વિટામિન બી હૃદય રોગના ખતરાથી બચાવે છે.
ઉચ્ચ રક્તચાપની અસર હૃદયની તંદુરસ્તી ઉપર દેખાય છે. હૃદયરોગનો હુમલો થવાની શક્યતા વધી જતી હોય છે. હૃદયરોગની સમસ્યાથી બચવું હોય તેમણે ખાસ શિયાળામાં મળતાં શાકભાજીનું તેમજ સુરતી પાપડીનું સેવન મનભરીને કરી લેવું હિતાવહ છે.
સુરતી પાપડીથી બનતું લીલું ઊંધિયું
(3-4 વ્યક્તિ માટે)
250 ગ્રામ સુરતી પાપડી, 100 ગ્રામ નાના રિંગણ, 100 ગ્રામ નાની બટાટી, 100 ગ્રામ શક્કરિયાં, 100 ગ્રામ સૂરણ, 100 ગ્રામ રતાળું, 100 ગ્રામ તુવેરના દાણા, 100 ગ્રામ વટાણા, 1 નાની વાટકી મેથીની ભાજી ઝીણી સમારેલી, 2 નંગ પાકા કેળાં, 1 નાની વાટકી લીલું લસણ ઝીણું સમારેલું 200 ગ્રામ છીણેલું લીલું કોપરૂ, 1 નાની વાટકી શેકેલાં શીગદાણાનો ભૂકો, 2 મોટી વાટકી તાજી કોથમીર ઝીણી સમારેલી, 2 મોટી ચમચી આદું-મરચાં લસણની પેસ્ટ, 1 મોટી ચમચી અજમો, 2 ચમચી તલ, 1 નાની ચમચી હિંગ, 2 ચમચી ધાણાજીરું, 1 ચમચી લાલ મરચું, 1 મોટી ચમચી તલ, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદાનુસાર ખાંડ, સ્વાદાનુસાર મીઠું, 2 ચમચી લીંબુનો રસ, 1 મોટી વાટકી તેલ,
મુઠિયાં બનાવવા માટે: 1 કપ ચણાનો લોટ, અડધો કપ જુવારનો લોટ, અડધો કપ ઘઉંનો જાડો લોટ, 1 મોટી વાટકી મેથીની ભાજી ઝીણી સમારેલી, 1 ચમચી આદું-મરચાંની પેસ્ટ, 1 મોટી ચમચી દહીં, 1 ચમચી તલ, 1 ચમચી ખાંડ, સ્વાદાનુસાર મીઠું, 1 નાની ચમચી અજમો, 1 નાની ચમચી મરી પાઉડર, 2 મોટી ચમચી તેલ.
ઊંધિયું બનાવવાની રીત : સૌ પ્રથમ કૂણી પાપડીને ચૂંટી લેવી. એક કડાઈમાં તેલ લઈને તેમાં બટાકી, સૂરણ, રતાળું, રિંગણ વગેરેને તળી લેવાં. ત્યારબાદ તેમાં અજમાથી વઘાર કરવો. હિંગ, મેથીની ભાજીથી સાંતળવી. તુવેરના દાણા, પાપડી ગોઠવીને એક કપ ગરમ પાણી ઉમેરવું. આંચ ધીમી રાખવી. તાજા કોપરાંના છીણમાં કોથમીર, આદું મરચાં-લસણની પેસ્ટ ઉમેરવી. લીલાં વટાણા, મીઠું-તલ-ખાંડ-લીંબુનો રસ-સ્વાદાનુસાર મીઠું વગેરે ભેળવીને મિશ્રણ તૈયાર કરવું. એક બાઉલમાં થોડો મસાલો લઈને તળેલી બટાકીમાં ભરવો, રિંગણમાં ભરવો, સૂરણ, શક્કરીયાં, રતાળુને મસાલામાં રગદોળીને પાપડીમાં ભેળવવું. આંચ ધીમી રાખવી.
મુઠિયાં બનાવવા માટે એક કથરોટમાં બંને લોટ લઈને તેમાં મેથીની ભાજી, તલ, મરીનો પાઉડર, આદું-મરચાં-લસણની પેસ્ટ, ખાંડ, અજમો, દહીં તથા તેલનું મોણ ભેળવવું. બરાબર ભેળવીને નાના મુઠિયાં વાળી લેવાં. તેને કૂકરમાં 2 સિટી વાગે ત્યાં સુધી પકાવવા. તેલમાં મુઠિયાને ધીમા તાપે સોનેરી બને ત્યાં સુધી તળી લેવાં.
કડાઈમાં ગોઠવેલું શાક ચડી જાય ત્યારબાદ મુઠિયા, કાચા કેળામાં લીલો મસાલો ભરીને ગોઠવવાં. વધેલો લીલો મસાલો ભભરાવીને થોડી વાર સિઝવવું. ગરમા-ગરમ ઊંધિયાને લીલો મસાલો ભભરાવીને પૂરી કે પરાઠા સાથે ખાવાની અચૂક મજા આવશે.
આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધાઃ પનીર-ચીઝનો સ્વાદ ધરાવતી પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ કલારી



