વિશેષઃ અમૃત છે ત્રિફળા…

રેખા દેશરાજ
ત્રિફળા એ સંસ્કૃતના બે શબ્દોને જોડીને બનાવાયો છે ‘ત્રિ’ તથા ‘ફલા’, એટલે કે ત્રણ ફળોનું સંયોજન. વાસ્તવમાં ત્રણ ફળોથી ત્રિફળા બને છે. આ ત્રણ ફળ એટલે આંબળાં, હરડે અને બહેડાં. આ ત્રણેય ફળોને સુકાવીને પાઉડર બનાવવામાં આવે છે. હવે તો આધુનિક યુગમાં બજારમાં આ ત્રિફળા ટેબલેટ અને કાઢાના રૂપમાં મળે છે. આયુર્વેદમાં ત્રિફળાને ત્રિદોષનાશક કહેવામાં આવે છે, જે શરીરના ત્રણેય દોષ જેવા કે વાત, પિત્ત અને કફને દૂર કરે છે.
શિયાળામાં ઠંડીનો હલકો ચમકારો થાય એટલે આપણા શરીરની પ્રવૃત્તિ ધીમી પડી જાય છે. પાણી ઓછું પીવામાં આવે છે. ત્વચા સૂકી થઈ જાય છે, પાચનમાં પણ ગડબડી શરૂ થઈ જાય છે, સાંધામાં દુ:ખાવો અને નિંદરને લઈને પણ તકલીફ શરૂ થાય છે. એવામાં ત્રિફળા ખૂબ કારગર નિવડે છે. ઠંડીમાં એ આપણા શરીરને અંદરથી શુદ્ધ કરે છે, સંતુલન જાળવે છે અને ઊર્જાવાન બનાવે છે.
આ પણ વાંચો…વિશેષઃ કોણ છે ‘ફોર્બ્સ’ મેગેઝિનમાં સ્થાન પામનાર એકમાત્ર આશા કાર્યકર?
આપણે તળેલા ખોરાક વધુ પડતાં આરોગીએ છીએ અને કારણે આપણી પાચન શક્તિ નબળી બની જાય છે. ત્વચા રૂક્ષ થઈ જાય છે અને ચહેરો પણ નિસ્તેજ દેખાય છે.
શિયાળામાં રક્તપ્રવાહ ધીમો થાય છે. એથી સાંધામાં દુ:ખાવો થાય છે અને અકડાઈ જાય છે. વધારે પડતું જમવાને કારણે આપણું વજન વધવા માંડે છે. આપણે વધુ સક્રિય ન હોઈએ તો ફેટ જમા થાય છે અને કોલેસ્ટ્રોલ પણ વધે છે. ઠંડીમાં સવારે જલદી જાગવામાં આળસ આવે છે અને એથી દિવસભર આપણને થાક લાગે છે.
આ બધી તકલીફોમાં ત્રિફળા કામ આવે છે. આ ત્રિફળા માત્ર ત્રણ ફળોનું મિશ્રણ જ નથી પરંતુ અનેક ગુણોનો ખજાનો છે. આમાં આંબળાની માત્રા વધુ હોવાથી એ ઈમ્યુનિટી વધારવામાં અને શરીરને સ્ફૂર્તિવાન બનાવવામાં મદદરૂપ થાય છે.
ત્રિફળામાં બહેડાં હોવાને કારણે એ ફેફસાં અને શ્વસનતંત્રને મજબૂત બનાવે છે. સાથે જ શિયાળામાં શરદી અને કફથી આપણને બચાવે છે. પાચનશક્તિને પણ સુધારે છે. આવી રીતે ત્રણ ફળોનું મિશ્રણ અનેક ગુણોથી ભરપૂર છે. જે શરીરનાં ત્રણેય દોષને સંતુલિત રાખે છે.
ત્રિફળાના અન્ય ગુણ:
પાચન અને કબજિયાતથી બચાવે – ઈમ્યુનિટી અને આંખની સ્થિતિ સુધારે – રક્ત શુદ્ધ અને ત્વચાને સાફ કરે – શરદી અને થાકથી બચાવે – ઊર્જા આપી, શરીરને સાફ કરે ત્રિફળા એક કુદરતી ક્લિઝંરનું કામ કરે છે. જે શરીરને અંદરથી સાફ રાખીને આપણી ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે.
રાતે સૂતા પહેલા એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ હૂંફાળા પાણીમાં લેવું અથવા તો સવારે ખાલી પેટ હલકા ગરમ પાણી સાથે લેવું. સતત બે-ત્રણ મહિના એનું સેવન કરવાથી શરીર હલકું, ત્વચામાં નિખાર અને પાચનતંત્રમાં મજબૂતીનો એહસાસ થાય છે.
શિયાળામાં ત્રિફળાનું સેવન આંતરડાની ગતિને સામાન્ય બનાવે છે. શરીરમાં જમા થયેલા કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે. ત્રિફળામાં એન્ટિ-ઓક્સિડેન્ટ ગુણ હોવાથી તે શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢે છે. એનાથી રક્ત શુદ્ધ થાય છે અને ત્વચામાં કુદરતી ચમક આવે છે.
ત્રિફળા શરીરમાંથી ઝેરીલા પદાર્થોને અને યુરિક એસિડને બહાર કાઢી સોજા અને અક્કડપણાથી બચાવે છે. ત્રિફળામાં રહેલા હરડેથી આપણને આરામદાયક નિંદર આવે છે. ત્રિફળા આપણા શરીરના મેટાબોલિઝમને સક્રિય રાખે છે. એથી વજન ઘટાડવામાં પણ મદદ થાય છે.
કુલ મળીને ત્રિફળા કુદરતી અમૃત સમાન છે. ત્રિફળા જેવી સરળ અને સુલભ આયુર્વેદિક ઔષધ શરીરને ઠંડીની અનુકૂળ ઢાળવામાં મદદ કરે છે. એથી એને દવા નહીં, પરંતુ દૈનિક સ્વાસ્થ્ય રક્ષાનો ઉપાય કહેવામાં આવે છે.
આ પણ વાંચો…વિશેષ -મંત્ર દ્વારા ઈચ્છિત સિદ્ધ થઇ શકે જો…



