ફોકસ: કલાકો સુધી બેસી રહેવું એ નોતરે છે વિવિધ બીમારી…

એક જ ઠેકાણે વધુ સમય સુધી બેસી રહેવું એ સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે. ડોક જકડાઈ જવી અને પીઠમાં પીડા સામાન્ય લક્ષણ છે.
- રશ્મિ શુક્લ
આજે લોકોની લાઇફ-સ્ટાઇલ એવી બની ગઈ છે કે તેઓ ના તો સમયસર જમે છે અને ના તો પૂરતી ઊંઘ લે છે. એવામાં તેમની વર્ક-લાઇફ પણ એવી છે કે તેમને કલાકો એક જ જગ્યાએ બેસી રહેવું પડે છે. એને કારણે તેમને સુસ્તી આવે છે. સાથે જ પીઠ અને પગ જકડાઈ જાય છે. આ સિવાય સાંધામાં દુ:ખાવો ઉપડે છે. તમે જ્યારે પોતાના કામમાં સતત પોરવાઈ જાવ છો ત્યારે શરીરનું હલનચલન અગત્યનું છે એ પણ ભૂલી જાવ છો.
એક જ જગ્યાએ બેસી રહેવાથી હાર્ટ-અટેક, ડાયાબિટીસ અને અકાળ મૃત્યુનું જોખમ તોળાય છે. નેશનલ ઈન્સ્ટિટ્યુટ્સ ઑફ હેલ્થ મુજબ નિષ્ક્રિય થઈને કલાકો સુધી બેસી રહેવું જેમ કે ટીવી જોવું, કોમ્પ્યુટર પર કામ કરવું અથવા લાંબા અંતરનું ડ્રાઈવિંગ કરવું. એને કારણે એનાં પરિણામ ખૂબ માઠાં આવી શકે છે.
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિ સ્વસ્થ રહેવા માટે એક્સરસાઈઝ કરે છે અને સામે કલાકો સુધી બેઠાડું જીવન જીવે છે તો તેને સ્થૂળતા, હૃદયની તકલીફ અને ડાયાબિટીસનું જોખમ રહે છે. આમ તો સતત બેસી રહેવામાં આપણને કોઈ સમસ્યા નથી દેખાતી, પરંતુ લાંબા ગાળે એ ટેવ તમને નુકસાન કરી શકે છે.
અનેક રિસર્ચમાં એ મળી આવ્યું છે કે વધારે પડતું સુસ્ત રહેવું અને સમય પહેલા મૃત્યુ એ બન્ને પરસ્પર સંબંધ ધરાવે છે, કેમ કે લાંબા સમય સુધી બેસી રહેવાથી શારિરીક પ્રવૃત્તિ ઘટી જાય છે.
એથી એવી સલાહ આપવામાં આવે છે કે તમારે થોડો સમય સુધી ઊભા રહેવું કે ચાલવું જોઈએ, જેથી કરીને જોખમ થોડું ઓછું થાય.
આ પણ વાંચો…ફોકસઃ જાણો છો ઓમેગા-3થી ભરપૂર ખોરાકના લાભ?
લાંબા સમય સુધી બેસી રહેવાનું પરિણામ:
વજનમાં વધારો: વધારે સમય બેસી રહેવાથી મેટાબોલિઝમ ઘટી જાય છે અને કેલેરી બર્ન થતી નથી. એને કારણે ચરબીમાં વધારો થાય છે. ખાસ કરીને પેટના ભાગ પાસે. જેથી મેદસ્વિતા આવે છે.
હૃદયની બીમારીનું જોખમ: સતત બેસી રહેવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધે છે. અમેરિકન હાર્ટ અસોસિએશને સલાહ આપી છે કે તમે ભલે કસરત કરતાં હોવ તો પણ હૃદય સંબંધિત રોગોની શક્યતા વધી જાય છે.
નબળાં સ્નાયુ: બેસી રહેવાને કારણે સ્નાયુ નબળાં પડી જાય છે. સાથે જ કરોડરજ્જુમાં પણ સમસ્યા ઊભી થાય છે.
સાંધા જકડાઈ જવા અને દુખાવો: જો તમે સતત બેસી રહેતા હોવ તો સાંધા જકડાઈ જાય છે. ધ આર્થરાઇટિસ ફાઉન્ડેશને એ સંદર્ભે ચેતવણી આપતાં જણાવ્યું છે કે નિષ્ક્રિય બનીને બેસી રહેવાથી ઓસ્ટિયોઆર્થરાઈટિસની સમસ્યા વધવાની સાથે જ ઘૂંટણ અને સાથળમાં વિવિધ તકલીફ વધી જાય છે.
પાચનક્રિયા ધીમી: બેસી રહેવાથી પાચનક્રિયા મંદ પડી જાય છે. એને કારણે કબજિયાત થાય છે. બેઠાડું વર્તન જઠરાંત્રિય કાર્યોને અવરોધે છે અને પાચનમાં તકલીફ ઊભી કરે છે.
ડાયાબિટીસનું જોખમ: વધુ સમય સુધી બેસી રહેવાથી ઈન્સ્યુલિન ઘટે છે, એને કારણે ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધે છે. એને કારણે સમય જતાં બ્લડ સુગર હાઈ થવાની શક્યતા વધી જાય છે.
પીઠ અને ગરદનમાં દુખાવો: બેસવાની ખોટી પદ્ધતિને કારણે પીઠ અને ગરદનના સ્નાયુ પર દબાણ આવે છે. આ પ્રેશરને કારણે દુખાવો, તણાવ અને કરોડરજ્જુમાં તકલીફ ઊભી થાય છે.
બ્લડ સર્કુલેશન ઘટવું: ઘણાં સમય સુધી બેસી રહેવાથી રક્તના પ્રવાહ પર અસર પડે છે. એને કારણે પગમાં સોજા આવે છે. સાથે લોહીની ગાંઠ બનવાની પણ શક્યતા રહે છે. રક્તનું રૂધિરાભિસણ ધીમું પડવાથી વેરિકોઝ વેઇન્સ એટલે કે નસો ફુલેલી રહે છે.
માનસિક થાક અને સ્વભાવમાં પરિવર્તન: છેલ્લે આવી રીતે સતત બેસી રહેવાથી દિમાગ સુધી ઑક્સિજન ઓછી માત્રામાં પહોંચે છે. એને કારણે માનસિક થાક, સ્વભાવમાં બદલાવ અને તણાવનો અનુભવ થાય છે. ધ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થના જણાવ્યા પ્રમાણે વ્યક્તિ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે.
આ પણ વાંચો…ફોકસ: ભોજન ક્યારે ને કેવી રીતે કરવું ?