અકાળે વૃદ્ધત્વથી બચાવ જરૂરી…
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા
જીવનમાં સંધ્યાકાળ એટલે વૃદ્ધત્વ કે બુઢાપો એ નિશ્ર્ચિત જ છે. હાલના સમયમાં આ યુવાનીના સમય પર દેખાવા લાગ્યો છે. આ વૃદ્ધત્વ જલદી આવવું એ દર્શાવે છે કે શારીરિક અને માનસિક તકલીફો આધુનિક સમયમાં વધુ છે. જે સમય પહેલા જ શારીરિક રીતે વધુ પરિપક્વ એટલે કે વૃદ્ધત્વ થઈ રહ્યું છે. સમય પહેલા એટલે યુવાનીમાં જ વાળનું સફેદ થવું. દાંતની તકલીફ, દૃષ્ટિ પર અસર, ઊર્જાની કમી, શારીરિક અક્ષમતા વગેરે બહુ જ જલદી દેખાવા લાગ્યું છે. વ્યાવસાયિક અને આર્થિક પડકાર સમય પહેલા જ વૃદ્ધત્વ આપી રહ્યું છે. શારીરિક રીતે આનાં કારણો જોઈએ.
આપણે વૃદ્ધ શા માટે થઈએ છીએ. આની માટે જવાબદાર ગણાતા ટેલોમિયર છે. આ ટેલોમિયર સેલની અંદરના ક્રોમોસોમ (ગુણસૂત્ર)ના છેડા પર (એન્ડ પાર્ટ પર) આવેલું છે જે ડીએનએ અને પ્રોટીનના દોરા જેવી સંરચના છે. જેમ બૂટની દોરીના છેડા પર પ્લાસ્ટિકનું કેપ છે તેમ ક્રોમોસોમ પર કેપ છે. જેને ટેલોમિયર કહેવાય છે. જે ક્રોમોસોમને તૂટતા કે નુકસાનથી બચાવે છે. જ્યારે પણ કોષ વિભાજન થાય (સેલ ડિવિઝન થાય) ત્યારે ટેલોમિયરની લંબાઈ ઘટે છે જ્યારે ટેલોમેર ખૂબ ટૂંકા થઈ જાય છે અને વૃદ્ધત્વ આવે છે.
બીજી રીતે સમજીએ તો જેમ જેમ આયુ વધે તેમ તેમ ટેલોમિયર ઘસાય કે ટૂંકા થાય. ડી.એન.એ. સેલ ઘસાતા જાય એક પછી એક સેલ વિભાજન અટકી જાય. ડી.એન.એ.માં જીન આવેલા છે. જે અલગ અલગ કામ કરે છે. દા.ત. વાળ બનાવવા માટેનું તત્ત્વ બનાવે. કેપ ઘસાય એટલે તે જીન નીકળી જાય તે વાળ માટેના તત્ત્વ બનાવી શકતું નથી તેથી વાળ ખરી જાય કે અકાળે સફેદ થઈ જાય.
ટેલોમિયર કેપના કારણે એક ડી.એન.એ. બીજા ડી.એન.એ. સાથે ચોંટતું નથી. ટેલોમિયર નીકળી જતાં બે ડી.એન.એ. એકબીજા સાથે ચીપકી જાય જીન કામ ન કરી શકે ત્યારે સ્કીન લૂઝ થાય એટલે કે ચામડી પર કરચલીઓ પડે છે. ટેલોમિયર ક્રોમોસોમને રક્ષણ આપે છે તે રક્ષણાત્મા નીકળી જાતા વ્યાધિઓ શરૂ થઈ જાય છે એટલે કે ટેલોમિયર શોર્ટનિંગ થાય.
ટેલોમિયર ઘસાતું અટકાવવા કે તેની કેપને સુરક્ષિત રાખવા માટે ટેલીમેરેઝ એન્ઝાઈમનું નિયંત્રિત રીતે સક્રિય રહેવું જોઈએ. જેના કારણે ટેલોમેર ઘટતા નથી. ઉંમર વધવાની પ્રક્રિયા ધીમી કરી નાખે છે. ટેલીમેરઝની લંબાઈને આધારે માણસની ઉંમર જાણી શકાય છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે રક્તકણિકાઓમાં રહેલા ટેલોમિયરની નાના થવાની ઝડપના આધારે માણસના બુઢાપાની આગાહી શક્ય છે. જોકે જીન્સ હંમેશાં આજુબાજુના વાતાવરણથી પણ પ્રભાવિત થાય છે. આથી જો ગર્ભાવસ્થા દરમિયાન માતાના લોહીમાં ઓક્સિજનની ઓછપ હોય તો તેની આડઅસર બાળકના સ્વાસ્થ્ય પર પડે છે કે હૃદયની બીમારી થઈ શકે છે. ગર્ભવતી સ્ત્રી એન્ટીઓક્સિડન્ટવાળો ખોરાક લે તો બાળકનો વિકાસ સારો થાય. આ સમસ્યાના ઉકેલ માટે ટેલોમેરેઝ એન્ઝાઈમને સક્રિય કરવાનો માર્ગ અપનાવવો જોઈએ.
બાળકોને સ્વસ્થ રાખવા માટે શરૂઆતથી જ પોષણયુક્ત આહાર આપવો જોઈએ. જેથી યુવાન વય સારી જાય. યુવાનીમાં પણ બાહ્ય ભોજન, વ્યસનથી મુક્ત રહેવાથી અને કેમિકલયુક્ત આહાર સદંતર બંધ, રાંધેલો ખોરાક ઓછો લેવો, બે ટાઈમ જ આહાર લેવો, બે આહારની વચ્ચે સાતથી આઠ કલાકનો સમય ગાળો જરૂરી છે. હા પાણી કે થોડા પ્રમાણ રસાળ વસ્તુ લઈ શકાય. ધ્યાન રાખો રાંધેલો પ્રોસેસ ફૂડ અને પોલ્યુશનના કારણે જ થાય. ટેલોમિયર શોર્ટનિંગ વહેલું થવાનાં કારણોમાં સ્ટ્રેસ. જે આજના યુવાનોમાં ખૂબ મોટા પ્રમાણમાં દેખાય છે.
સ્ટ્રેસના કારણે શારીરિક અને માનસિક સમસ્યાને સહન કરવાની ક્ષમતા ખોઈ બેસે છે. આર્થિક ઉપાર્જન માટેનો સ્ટ્રેસ આજે વધુ છે. માનસિક રીતે દુર્બળ થતા લોકો વ્યસન તરફ જાય છે. વ્યસન એ ઘણાંય પ્રકારના છે. જેમ કે સિગરેટ કે બીડી પીવી, તમાકુ અને દારૂનું સેવન ચહા, કોફી, ચોકલેટ કેનમાં મળતા કોલ્ડડ્રીંકમાં કેફેનનું પ્રમાણ ખૂબ જ અધિક છે. જેના કારણે શરીરમાં અલ્ડીહાઈડનું પ્રમાણ વધી જાય અને એક પ્રકારની ટેવ પડી જતા સેલને ઓક્સિજન ઓછું મળે છે.
એક પ્રકારનો માનસિક સ્ટ્રેસ થાય છે. આની અસર ખૂબ લાંબા સમય સુધી રહે છે. સામાજિક પરિસ્થિતિ એટલે કે સંયુક્ત કુટુંબની પ્રથા હવે રહી નથી તેથી એકલાપણું એ પણ સ્ટ્રેસ વધારે છે. સ્ટ્રેસને કારણે ક્રોમોઝોમને ઓક્સિજનનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળતો નથી. કુપોષણ-બાહ્ય ખાદ્ય-પદાર્થમાં પોષણ નથી હોતું, તેમજ અતિ પ્રમાણમાં સાકરનું સેવન શરીરનાં પોષક તત્ત્વોને મારી નાખે છે. પ્રોટીનની ઓછપ નિર્માણ થાય છે. આના કારણે યુવાનીમાં વૃદ્ધત્વ આવે છે. પ્રોટીનની ઓછપ ભારતમાં છે. કુપોષણને કારણે વધુ અછત થાય છે.
ટેલીમેરેઝ આ એન્ઝાઈમ (પાચક તત્ત્વ) યુક્ત આહાર ખૂબ જ જરૂરી છે. જે ટેલોમિયરની કેપ માટે જરૂરી છે. તેમજ જીન્સને નીકળતું રોકે છે. વધુ પ્રમાણમાં નીકળી જતા શરીરમાં ઘસારો શરૂ થઈ જાય છે. ઘણીવાર એવું પણ જોવામાં આવ્યું કે ઓબેસીટી (અતિ જાડાપણું)ને કારણે પણ ટેલોમિયરની કેપ ઘસાઈ જાય છે કે તેની લંબાઈ ખૂબ જ ઘટી જાય છે. તેમ જ અતિ ભારે ખોરાક કે સાકરવાળાં દ્રવ્યો વધુ પેટમાં જાય ત્યારે આ સમસ્યા દેખાય છે.
સામાજિક ઉત્સવોમાં ભાગ કે પોતાની જાતીયન સમારંભોમાં ભાગ લેવો ખૂબ જ જરૂરી છે. આજના યુવાન તેનાથી વંચિત રહે છે કે રુચિ ધરાવતા નથી. રીતરિવાજ તેમને બોજ લાગે છે. જેના કારણે તેઓ એકલા પડી જાય છે તેના કારણે પણ સ્ટ્રેસ આવે છે.
ટેલોમિયરનું સુરક્ષિત રહેવું જરૂરી છે. યુવાનીમાં જ ખોરાક શુદ્ધ લેવો જરૂરી છે. રાઈબોન્યૂકિલ્ટ એસિડ અને રાઈબોન્યૂકિલ્યર પ્રોટીન જે સેલમાં આવેલ છે જે જીનનું નિયમન કરવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ બન્ને સેલમાં હોવા જરૂરી છે. તેને જાળવી રાખવા માટે ટેલોમિયર કેપ ખૂબ જરૂરી છે.
ટેલોમિયરને સુરક્ષા માટે બારમાસી ફૂલ, અશ્ર્વગંધા, આમલકી રસાયણ, દાડમના ફૂલ, દાડમના છાલનો પાવડર, દાડમના દાણા, પાલક, કાચું પપૈયું, મંડૂકપર્ણીનો ઉપયોગ ચિકિત્સકની સલાહથી કરવો હિતાવહ છે. યોગ્ય આહારથી ટેલોમિયરની લંબાઈ જળવાઈ રહે તો તે પાછું રિર્વસ કરી શકાય છે. કેન્સર જેવી ઘાતક બીમારીથી બચી શકાય છે.



