ROI એટલે માત્ર રિટર્ન ઑન ઇન્વેસ્ટમેન્ટ નહીં, રિસ્ક ઑન ઇન્વેસ્ટમેન્ટ પણ હોય છે

ગૌરવ મશરૂવાળા
આપણામાંથી મોટા ભાગના લોકો ROI શબ્દ વાંચે એટલે ‘રિટર્ન ઑન ઇન્વેસ્ટમેન્ટ’ જ યાદ આવે. એમ તો એનો અર્થ આ જ થાય છે, પરંતુ ROI એટલે ‘રિસ્ક ઑન ઇન્વેસ્ટમેન્ટ’ પણ થાય. તેનું કારણ એ છે કે રિસ્ક (એટલે કે જોખમ) અને રિટર્ન (એટલે કે વળતર) એ એક જ સિક્કાની બે બાજુઓ હોય છે.
આપણે જ્યારે પણ ‘વધુ જોખમ…વધુ વળતર’ એ સૂત્ર યાદ કરીએ છીએ ત્યારે આપણા મગજ પર ‘જોખમ’ શબ્દ કરતાં ‘વળતર’ શબ્દની અસર વધારે હોય છે. દેખીતી વાત છે કે આપણે વધુ વળતરની ઇચ્છા રાખીને જ રોકાણ કરીએને…
તમે જ વિચાર કરો, ‘વધુ જોખમ, વધુ વળતર’ કહેવું જોઈએ કે ‘વધુ વળતર, વધુ જોખમ’ કહેવું જોઈએ?
આપણે જ્યારે ‘વધુ જોખમ, વધુ વળતર’ એમ કહીએ ત્યારે બધાને એમ લાગતું હોય છે કે જે લોકો વધારે જોખમ લે છે તેમને વધારે વળતર મળે છે. હકીકતમાં, જ્યાં જ્યાં વધારે વળતર મળે છે ત્યાં ત્યાં વધારે જોખમ હોય છે. ટૂંકમાં, એમ પણ કહી શકાય કે જોખમ અને વળતર એ બન્ને કોઈ પણ રોકાણના અભિન્ન અંગ છે.
શું તમે ક્યારેય કાંટા વગરનો ગુલાબનો છોડ જોયો છે? શું તમે ક્યારેય એવો ખાટકી જોયો છે જે એમ કહેતો હોય કે હું લોહી અને માંસ નહીં જોઉં? જે માણસ પાણીથી ડરતો હોય એ કદી માછીમાર બની શકે?
આ જ રીતે જોખમ વગર વળતર મળી શકે નહીં. આપણે જ્યારે પૈસા રોકીએ છીએ ત્યારે પૈસા આપણાથી છૂટા થાય એ જ સૌથી પહેલું જોખમ હોય છે. અલગ અલગ પ્રકારનાં રોકાણો સાથે અલગ અલગ પ્રકારનાં જોખમો સંકળાયેલાં હોય છે. આથી રોકાણ કરતાં પહેલાં એ બધાં જોખમો વિશેની જાણકારી પ્રાપ્ત કરી લેવી જોઈએ. કારના ડ્રાઈવર પાસે બ્રેક અને એક્સેલરેટરની સંપૂર્ણ જાણકારી હોય પછી જ એણે એન્જિન ચાલુ કરવું જોઈએ.
અહીં ખાસ કહેવું રહ્યું કે રોકાણ કરવાથી દૂર જ રહેવું એવું કહેવાનો જરા પણ આશય નથી. ખરું પૂછો તો માણસ રોકાણ ન કરે એ જ જીવનમાં સૌથી મોટું જોખમ હોય છે. બીજું જોખમ છે રોકાણ સાથે સંકળાયેલાં જોખમો વિશે જાણકારી લીધા વગર જ રોકાણ કરવું.
અહીં મિતાલી અને સુધીરનું ઉદાહરણ જોઈએ. બન્ને નવપરિણીત યુગલ હતાં. તેમનો પ્રેમ અપાર હતો. દરેક નવદંપતીમાં હોય એવી નર્વસનેસ પણ તેમનામાં હતી. આ યુગલ પોતાનું ઘર ખરીદવા માગતું હતું. તેમના હાલના ઘરમાલિક તેમને ભાડાનું ઘર વેચાતું આપવા તૈયાર હતા. બન્ને પક્ષને લાભ થાય એવો સોદો કરવા માટે તેઓ તૈયાર હતાં. મિતાલી અને સુધીરને ડાઉન પેમેન્ટ કરવા માટે 25 લાખ રૂપિયાની જરૂર હતી. જો કે, તેમનાં મોટાભાગનાં નાણાં કરબચત માટેનાં સાધનોમા લાંબા ગાળા માટે રોકાયેલાં હતાં.
હા, તેમની પાસે જમીનનો એક ટુકડો પણ હતો. પોતાના લગ્ન સમયે મળેલા પૈસામાંથી તેમણે એક પ્લોટ ખરીદ્યો હતો. વડીલોના કહેવાથી તેમણે એ ખરીદી કરી હતી. આમ તેમની પાસે સંપત્તિ હતી, પરંતુ એ પ્રવાહિતા વગરની હતી. આથી, રોકડા પાંચ લાખ રૂપિયા મળે એમ ન હતું.
ઘણા રોકાણકારોને આવું જ જોખમ નડતું હોય છે. આ દંપતીનાં રોકાણો My GDP એટલે કે ‘My Goals and Dreams Plan’ને ધ્યાનમાં રાખ્યા વગર જ કરાયેલાં હતાં. તેથી કહેવાનું કે હંમેશાં ‘My GDP’ને ધ્યાનમાં રાખીને જ રોકાણો કરવાં.
આ ઉપરાંત, કોઈપણ પ્રકારના રોકાણને બે પ્રકારનાં જોખમો લાગુ પડતાં હોય છે: 1) પારદર્શક અને અપારદર્શક જોખમ; 2) સિસ્ટમેટિક અને અનસિસ્ટમેટિક જોખમ.
આપણે જ્યારે સ્ટોક માર્કેટમાં કે સોનામાં રોકાણ કરીએ છીએ ત્યારે જોખમ પારદર્શક હોય છે, કારણ કે આપણને આપણા રોકાણના ભાવની હિલચાલ અને બજારમૂલ્ય એ બન્ને રોજે-રોજ જોવા મળતાં હોય છે. આપણે જ્યારે બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરીએ ત્યારે આપણને એ ખબર નથી પડતી કે આપણે રોજિંદા કે સાપ્તાાહિક ધોરણે ફુગાવાની અસરને કારણે કેટલું મૂલ્ય ગુમાવ્યું છે.
આમ, સ્ટોક માર્કેટ અને સોનામાં રોકાણ પારદર્શક કહેવાય અને ફિક્સ્ડ ડિપોઝિટ, અને અમુક અંશે, રિયલ એસ્ટેટમાં કરેલું રોકાણ અપારદર્શક હોય છે. સિસ્ટમેટિક જોખમ એટલે સિસ્ટમમાં રહેલું જોખમ. આપણે કાંટા અને ગુલાબ, ખાટકી અને લોહી, માછીમાર અને પાણી એ જે સંબંધો જોયા એ સંબંધો સિસ્ટમેટિક જોખમનાં ઉદાહરણ છે.
ફુગાવો અર્થતંત્રનો હિસ્સો છે. આપણે જ્યારે કોઈ પણ પ્રકારનાં સાધનમાં રોકાણ કરીએ ત્યારે ફુગાવાનું જોખમ તેને આપોઆપ લાગુ પડી જતું હોય છે. સરકારી નીતિઓ, ભૂ-રાજકીય તંગદિલીઓ, વગેરે પણ આવાં જ જોખમ છે. આપણા રોકાણને એ બધાં જ લાગુ પડે છે અને તેનાથી રક્ષણ મેળવવાનું શક્ય હોતું નથી.
અનસિસ્ટમેટિક જોખમ જેની વાત થતી હોય એ રોકાણની સાથે સંકળાયેલું હોય છે. દાખલા તરીકે આપણે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે. જો સરકાર સોનામાં કરાયેલા રોકાણ પર કર લાદવાનો નિર્ણય લે તો આપણા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણ પર કોઈ અસર થતી નથી, પણ સોનામાં કરાયેલા કે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલા રોકાણ પર અસર થતી હોય છે.
આ જ રીતે જ્યારે આપણે એબીસી લિમિટેડ કંપનીના શૅર ખરીદેલા હોય અને એક્સવાયઝેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીનામું આપે તો એબીસી લિમિટેડ કંપની પર તેની કોઈ અસર થતી નથી. તેનું કારણ છે એ સોના પર લદાયેલો ટેક્સ અને એક્સવાયઝેડ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરનું રાજીનામું એ બન્ને બાબતો સિસ્ટમનો હિસ્સો નથી; તેથી બધાં જ પ્રકારનાં રોકાણો પર અસર થાય એવી ઘટના નથી.
આપણે પોતાનાં નાણાકીય લક્ષ્યો હાંસલ કરી શકાય એ જ રીતે રોકાણ કરવું જોઈએ, પરંતુ સાથે સાથે My ROI એટલે કે My Risk On Investment પર સતત નજર હોવી જોઈએ.
આ પણ વાંચો…My NAV એટલે શું?