તંદુરસ્તી-મનદુરસ્તીઃ નાડીશોધન વિના સાધકનો સાધનપથ સરળ થતો નથી

ભાણદેવ
-એમ પ્રાણાયામના ત્રણ પ્રકારો છે.”
(5) પ્રાણાયામના પ્રકારો મૂકવાની એક સર્વગ્રાહી પદ્ધતિ પણ છે:
1-5: અનુલોમવિલોમ પ્રાણાયામના પાંચ પ્રકારો
6-9: ભસ્રિકા પ્રાણાયામના ચાર પ્રકારો
10: સૂર્યભેદન
11: ચંદ્રભેદન
12: દીર્ઘ પ્રાણાયામ
13: સરલ ઉજ્જાયી
14-17: ઉજ્જાયીના ચાર પ્રકારો
18: શીતલી
19: સીત્કારી
20: પ્લાવિની
21: મૂર્છા
22: ભ્રામરી
23: ક્રિયાકુંડલિની પ્રાણાયામ
24: સગર્ભ પ્રાણાયામ
25: સપ્રણવ સગાયત્રી પ્રાણાયામ
26: ત્રિબંધ પ્રાણાયામ
27: શીતલી, ગાયત્રી, પ્રણવ સહિત ત્રિબંધ પ્રાણાયામ
28: મહત્ પ્રાણાયામ
29: હસ્તિમર્દન પ્રાણાયામ
30: સિંહમર્દન પ્રાણાયામ
નોંધ:- આ ઉપરાંત પ્રાણાયામના અન્ય પ્રકારો પણ છે.
આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી: અતિ અલ્પ ખોરાક: યોગાભ્યાસી માટે બરાબર નથી
રામાનંદ (થોરિયાળી)ના પ્રાણાયામ
આયંગરના પ્રાણાયામ
ઘરોટેજીએ સંપાદિત સંસ્કૃતપુસ્તકના પ્રાણાયામ
ગીતાનંદના પ્રાણાયામ
- પ્રાણાયામનું પ્રદાન:
(અ) આધ્યાત્મિક ક્ષેત્રે:
પ્રાણાયામ મૂલત: અધ્યાત્મવિદ્યા છે, તેથી તેનું પ્રધાન પ્રદાન આધ્યાત્મિક ક્ષેત્રે જ હોય, તે સ્વાભાવિક છે.
(1) હઠયોગની સૌથી પ્રધાન ઘટના કુંડલિની શક્તિ જાગરણ છે. હઠયોગમાં યૌગિક ક્રિયાઓનો અભ્યાસ કુંડલિનીના જાગરણને કેન્દ્રમાં અને દૃષ્ટિ સમક્ષ રાખીને કરવામાં આવે છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. તે જ રીતે એમ પણ અતિશયોક્તિ વિના કહી શકાય કે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે સૌથી મહત્ત્વપૂર્ણ યૌગિક ક્રિયા પ્રાણાયામ છે. કુંડલિની જાગરણ સુષુમ્ણા માર્ગે થતું પ્રાણોત્થાન છે. પ્રાણના પ્રવાહોનું સંયમન પ્રાણાયામથી થાય છે. એ જ અભ્યાસમાં આગળ વધતાં પ્રાણોત્થાનની ઘટના ઘટે છે.
કુંડલિની જાગરણ આખરે સમાધિમાં પરિણમે છે. આ ઘટનાથી સાધકના સમગ્ર જીવનનું રૂપાંતર સિદ્ધ થાય છે. આ દૃષ્ટિથી જોતાં પ્રાણાયામનું આધ્યાત્મિક મૂલ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે.
(2) શરીર અને મનથી પરની ચેતનામાં જેનો કોઈ વાર પણ પ્રવેશ થયો નથી, જેને ધ્યાનાવસ્થાની આછી-પાતળી ઝલક પણ મળી નથી તેને માટે આધ્યાત્મિક ક્ષેત્રની હકીકતો સમજવાનું અને અધ્યાત્મની મહત્તા સમજવાનું કાર્ય ઘણું દુષ્કર છે. એટલું જ નહિ પણ જ્યાં સુધી એકાદ વાર પણ મનસાતીત ક્ષેત્રમાં પ્રવેશ ન થાય ત્યાં સુધી સાધક સાધનાના પથ પર દૃઢતાપૂર્વક પગ મૂકી શકતો નથી, પરંતુ સમસ્યા એ છે કે આ પ્રથમ પ્રવેશ થાય કેવી રીતે? અધ્યાત્મજગતનું દ્વાર ખૂલે કેવી રીતે? ધ્યાનની અવસ્થામાં પ્રવેશનું કાર્ય પ્રાણાયામ સારી રીતે કરી શકે તેમ છે. લાંબા સમય સુધી, યોગ્ય પદ્ધતિથી, મનોયોગપૂર્વક અને ઉચિત આહારવિહાર સાથે પ્રાણાયામનો અભ્યાસ કરવામાં આવે તો સાધકને મનસાતીત ક્ષેત્રની કાંઈક ઝલક અવશ્ય જોવા મળે છે.
આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તીઃ હરીફાઈના ભાવથી કે દેખાવ કરવા માટે યૌગિક ક્રિયાઓ ન કરવી
આ પ્રથમ પ્રવેશથી જ પ્રાણાયામનું કાર્ય પૂરું થતું નથી. ધારણ-ધ્યાન સાથે પ્રાણાયામનો અભ્યાસ ચાલુ રાખવામાં આવે તો સાધકની અધ્યાત્મયાત્રા વધુ સુકર બને છે.
(3) યોગવિદ્યા પ્રમાણે ધારણા, ધ્યાન અને સમાધિના અભ્યાસ માટે સાધકનું નાડીશોધન થયું હોય તે આવશ્યક છે. નાડીશોધનનું મહત્ત્વ જણાવતાં હઠપ્રદીપિકાકાર કહે છે-
मलाकुलासु नाडीसु मारुतो नैव मध्यग: |
कथं स्यादुन्मनीभाव: कार्यसिद्घि कथं भवेत् ॥
“જ્યાં સુધી નાડીઓ મળથી વ્યાપ્ત થયેલી હોય ત્યાં સુધી પ્રાણ મધ્યનાડી (સુષુમ્ણા)માં પ્રવેશતો જ નથી, તો પછી ઉન્મનિભાવ કેવી રીતે થાય? અને કાર્યસિદ્ધિ કેવી રીતે થાય?”
નાડીશોધન વિના સાધકનો સાધનપથ પ્રશસ્ત થતો નથી, એટલું જ નહિ પણ નાડીશોધન વિના જ જો સાધક અધ્યાત્મની છલાંગ લેવાનો પ્રયત્ન કરે તો તેનાથી શરીર-મનને નુકસાન થવાનો સંભવ છે.
નાડીશોધનનું આ મહત્ત્વપૂર્ણ કાર્ય પ્રાણાયામથી સારી રીતે સિદ્ધ થઈ શકે છે. આ માટે યૌગિક ગ્રંથોમાં ખાસ પ્રકારનો પ્રાણાયામ પણ બતાવવામાં આવેલ છે, જેને નાડીશોધન કે અનુલોમવિલોમ પ્રાણાયામ કહેવામાં આવે છે. યૌગિક ગ્રંથોમાં એવું ભારપૂર્વક કહેવામાં આવેલ છે કે નાડીશોધન પ્રાણાયામ (સાથે યોગાસન અને યૌગિક શોધનકર્મ)ના પર્યાપ્ત અભ્યાસ દ્વારા નાડીશોધન સિદ્ધ કરીને પછી જ અંતરંગ યોગના અભ્યાસમાં આગળ વધવું જોઈએ.
આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તીઃ યોગાભ્યાસનું ધ્યેય આધ્યાત્મિક વિકાસ છે
આધુનિક પરિભાષામાં કોઈકવાર આ હકીકતને જુદી રીતે પણ મૂકવામાં આવે છે. ધારણા, ધ્યાન અને સમાધિના અભ્યાસ વખતે સાધકના શરીર પર અને ખાસ કરીને જ્ઞાનતંત્ર તથા શ્ર્વસનતંત્ર પર ખૂબ બોજો પડે તેવો સંભવ છે, તેથી સાધક અંતરંગ યોગના અભ્યાસમાં આગળ વધે તે પહેલાં આવશ્યક છે કે તે જ્ઞાનતંત્ર અને શ્ર્વસનતંત્રને મજબૂત બનાવી લે. આ કાર્ય પ્રાણાયામથી સારી રીતે થઈ શકે તેમ છે, આ હકીકત વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થઈ ચૂકી છે.
(ब) માનસિક ક્ષેત્રે:
(1) મનમાં સતત વહેતો વિચારોનો પ્રવાહ આધ્યાત્મિક પ્રગતિમાં બાધારૂપ છે. એટલું જ નહિ પરંતુ આ અર્થહીન વિચારપ્રવાહ માનસિક સ્વાસ્થ્ય માટે પણ હાનિપ્રદ છે, એ હકીકત સર્વમાન્ય છે. જો વિચારોના આ પ્રવાહને બંધ કે મંદ કરી શકાય તો તો તેનાથી આધ્યાત્મિક વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય માટે તેનાથી ઘણી મૂલ્યવાન મદદ મળી રહે. પ્રાણાયામનો ઉચિત રીતે અભ્યાસ કરવામાં આવે તો તેનાથી આ કાર્ય સારી રીતે સિદ્ધ થઈ શકે છે.
આપણા સૌનો અનુભવ છે કે ચિત્તની વૃત્તિઓ અને શ્ર્વાસની ગતિને સંબંધ છે. ‘હઠપ્રદીપિકા’માં સ્વાત્મારામ કહે છે –
આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તીઃ સમાધિના અભ્યાસથી ચિત્તમાં નવા સંસ્કાર જાગૃત થાય છે…
चले वाते चलं चितं निश्चले निश्चलं भवेत् |
“વાયુ ચંચળ બનતાં ચિત્ત ચંચળ બને છે અને વાયુ સ્થિર થતાં ચિત્ત પણ સ્થિર થાય છે.”
શ્વાસની ગતિ અને મનના વિચારોની ગતિની એકબીજા પર અસર પડે છે.
પૂરક અને રેચકમાં શ્ર્વાસની ગતિ ખૂબ મંદ બને છે અને કુંભકમાં આ ગતિ બંધ પડે છે એટલે પ્રાણાયામના મનોયોગપૂર્વકના અભ્યાસથી વિચારોનો પ્રવાહ મંદ પડે છે અને કયારેક બંધ પણ પડી જાય છે.
થોડી ક્ષણો પણ વિચારોનો આ પ્રવાહ મંદ પડતાં સાધકને ઊંડી આરામપ્રદ અવસ્થા અને પ્રગાઢ શાંતિનો અનુભવ થાય છે. માનસિક સ્વાસ્થ્ય માટે આ અવસ્થાનું મૂલ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે.
જેમણે અધ્યાત્મસાધનાનો થોડો ઘણો પણ અભ્યાસ કર્યો છે, તેઓ સમજે છે કે વિચારોથી અળગા પડીને મનસાતીત અવસ્થાનો થોડો ઘણો પણ અનુભવ થવો, તે વ્યક્તિના આધ્યાત્મિક વિકાસ માટે અને સમગ્ર જીવનનાં રૂપાંતર માટે કેટલી મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ ઘટના છે! પ્રાણાયામના અભ્યાસથી આ મનસાતીત અવસ્થાનો અનુભવ સમુચિત રીતે થઈ શકે તેવો ઘણો સંભવ છે.
આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી: શું છે સમાપત્તિ?
કામોપભોગથી માંડીને ગાંજાચરસના સેવન સુધીના બધા પ્રયત્નો માણસો આ અવસ્થામાં પ્રવેશવા માટે જ કરે છે; અલબત્ત, આ ગલત દિશાના પ્રયત્નો છે, જ્યારે પ્રાણાયામ આ દિશાનું સાચું અને સક્ષમ સાધન છે.
(1) કામક્રોધાદિ ષડ્રિપુનાં તોફાનો વ્યક્તિના જીવનને વેરણછેરણ અને દુ:ખદ બનાવી મૂકે છે અને સાધકના આધ્યાત્મિક વિકાસમાં બાધારૂપ બને છે. જો કોઈ ઉપાયે ષડ્રિપુનું જોર ઓછું થાય તો બહુ મહત્ત્વનું કામ થાય. આપણે જોઈએ કે પ્રાણાયામ આ માટે કેટલે અંશે અને કઈ રીતે ઉપયોગી થઈ શકે તેમ છે.
એ એક હકીકત છે કે ષડ્રિપુઓનું બીજ ચિત્તમાં છે, પણ એમના ઉછાળા પ્રાણના પ્રવાહોને આધીન છે. પ્રાણના આધાર વિના તેમની ક્રિયાશીલતા શક્ય નથી. પ્રાણનો સંયમ ષડ્રિપુઓના જોરને નાથી શકે છે. આપણે જોઈ ગયા છીએ કે પ્રાણાયામના અભ્યાસ દ્વારા પ્રાણના પ્રવાહોનું સંયમન શક્ય બને છે, તેથી સ્પષ્ટ જ છે કે ષડ્રિપુઓના ઉછાળાઓને મંદ પાડવામાં પ્રાણાયામનો અભ્યાસ ઉપયોગી સિદ્ધ થઈ શકે તેમ છે.
વ્યક્તિના સાંવેગિક જીવનની કેળવણીમાં પ્રાણાયામ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેમ છે તે આપણે આધુનિક શરીરવિજ્ઞાનની પરિભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. એ હકીકત શરીરવિજ્ઞાન અને મનોવિજ્ઞાન દ્વારા સિદ્ધ થઈ ચૂકી છે કે શરીરસ્થ અંત:સ્રાવી ગ્રંથિઓના સ્રવ સાથે વ્યક્તિના સાંવેગિક જીવનને સંબંધ છે. આ સ્રાવમાં થતા પરિવર્તનની વ્યક્તિના સાંવેગિક જીવન પર અસર પડે છે. કામ, ક્રોધ, વિષાદ, ઉલ્લાસ, વૈફલ્ય, ઉત્સાહ આદિ સાથે સંત:સ્રાવી ગ્રંથિઓના સ્રાવનો ગાઢ સંબંધ છે.
આ પણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તી : બંધ – મુદ્રા ને શોધન કર્મ…
પ્રાણાયામના અભ્યાસ દ્વારા જ્ઞાનતંત્ર અને તેના દ્વારા અંતસ્રાવી તંત્ર સ્વસ્થ, સમતોલ અને કાર્યક્ષમ બને છે. પરિણામે વ્યક્તિના સ્વસ્થ સાંવેગિક જીવનમાં તેનાથી સહાય મળે છે. પ્રાણાયામ દ્વારા જ્ઞાનતંત્ર અને સંત:સ્રાવીતંત્ર સ્વસ્થ, સમતોલ અને કાર્યક્ષમ બને છે; આ સિદ્ધ થયેલી હકીકત છે.
(ક) પ્રાણમય ક્ષેત્રે:
પ્રાણાયામની સૌથી વિશેષ અસર પ્રાણ ઉપર થાય છે, કારણ કે પ્રાણાયામ મુખ્યત: અને પ્રત્યક્ષ રીતે પ્રાણ પર અસર કરે છે. પ્રાણાયામ મુલત: પ્રાણના સંયમનની જ સાધના છે. પ્રાણાયામ દ્વારા પ્રાણમય ક્ષેત્રે ચાર કાર્યો સિદ્ધ થાય છે-
(ઈ1) પ્રાણ-પુષ્ટિ-
પ્રાણ-પુષ્ટિનો અર્થ છે, પ્રાણ બળવાન બને.
(2) પ્રાણ-શુદ્ધિ-
પ્રાણ-શુદ્ધિનો અર્થ છે, પ્રાણ વિશુદ્ધ બને એટલે કે પ્રાણ ભોગાભિમુખ નહિ, પરંતુ યોગાભિમુખ બને; પ્રાણ વાસનાઓની મલિનતાથી મુક્ત બને.
(3) પ્રાણસંયમ-
પ્રાણ ઉચ્છુંખલ નહિ, પરંતુ સંયમિત હોય અર્થાત્ પ્રાણના પ્રવાહોની ગતિ સુસંવાદી બને.
(4) પ્રાણ-જાગરણ-
સુષુપ્ત પ્રાણ જાગ્રત બને અને ઊર્ધ્વગામી બને.
(ક્રમશ:)