તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી : યોગાસનોનો અભ્યાસ: હૃદયમાં સ્નાયુઓની પેશીઓને બળવાન બનાવે છે

  • ભાણદેવ (ગતાંકથી ચાલુ)

(3) પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે હોજરી, મોટું આતરડું, નાનું આતરડું અને પેટનાં સ્નાયુઓ સ્વસ્થ હોય તે જરૂરી છે. ભુજંગાસન, શલભાસન, ધનુરાસન, ધર્મમત્સ્યેન્દ્રાસન, મત્સ્યેન્દ્રાસન, વજ્રાસન વગેરે યોગાસનો આ કાર્ય સારી રીતે કરે છે. યોગાસનોનો અભ્યાસ હૃદયમાં સ્નાયુઓની પેશીઓને બળવાન બનાવે છે. શિરા અને ધમનીઓ તથા રક્તવાહિનીઓની દીવાલોને મજબૂત બનાવવામાં તેમ જ કાર્યક્ષમ બનાવવામાં અને શરીરમાં છેક દૂરના ખુણા સુધી લોહી પહોંચાડવામાં યોગાસનોનો અભ્યાસ ઉપયોગી સિદ્ધ થઈ શકે તેમ છે. આ રીતે યોગાસનોના અભ્યાસથી રુધિરાભિસરણ તંત્ર પણ સ્વસ્થ રાખી શકાય તેમ છે.

(4) શરીરની અંદર ઉત્પન્ન થતાં મળો જેવાં કે વિષ્ટા, મૂત્ર, કફ, કાર્બનડાયોકસાઈડ વગેરે વિના વિલંબે અને નિ:શેષ રીતે બહાર નીકળતા રહે, તે શરીરના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે.

  • ફેફસાં, શ્વાસનળી વગેરે શ્વાસનતંત્રનાં અવયવો સ્વસ્થ અને કાર્યક્ષમ હોય તે જરૂરી છે. મયુરાસન, શલભાસન અને બીજાં અનેક આસનો આ કાર્ય સારી રીતે કરી શકે તેમ છે.
  • મોટું આંતરડું, મલાશય અને પેટના સ્નાયુઓ સ્વસ્થ અને કાર્યક્ષમ હોવા જોઈએ. આ કાર્ય સુપ્ત વજ્રાસન, વજ્રાસન, ભુજંગાસન, શલભાસન, ધનુરાસન આદિ કરી શકે છે.
  • આ જ આસનો કિડની અને મૂત્રાશયને સ્વસ્થ અને કાર્યક્ષમ રાખે છે.
    ઉપર્યુકત હકીકતોથી સ્પષ્ટ થાય છે કે શારીરિક સ્વાસ્થ્ય માટે યોગાસનોનો અભ્યાસ ખૂબ ઉપયોગી સિદ્ધ થઈ શકે તેમ છે.

શરીરના સ્વાસ્થ્ય ઉપરાંત શરીરની સ્થિરતા, અંગલાધન અને દૃઢતાથી કેળવણી માટે પણ યોગાસનોનો અભ્યાસ ઉપયોગી થાય છે. ‘હઠપ્રદીપિકા’ અને ‘ઘેરંડ સંહિતા’ આ વિશે શું કહે છે, તે આપણે પ્રારંભમાં જ જોયું છે.

(બ) પ્રાણમય શરીરની દૃષ્ટિએ:

યોગ એક સૂક્ષ્મ વિજ્ઞાન છે. યોગ એમ માને છે કે આપણા સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ પ્રાણમય શરીર છે. આ પ્રાણામય શરીરનાં પ્રવાહો, નાડીઓ, ચક્રો, કુંડલિની અને તેનું જાગરણ આદિ અનેક વિગતોનું સૂક્ષ્મ વર્ણન શિવદ સ્વરૂપે યૌગિક ગ્ંરથોમાં જોવાં મળે છે.

અધ્યાત્મસાધનમાં પ્રાણ ખૂબ મહત્ત્વનું સાધન છે. પ્રાણ જીવનની શક્તિ છે. પ્રાણ શક્તિનો સ્રોત છે. પ્રાણ શરીર અને ચિત્ત, બંને સાથે જોડાયેલા છે. તેથી પ્રાણની બંને પર અસર થાય છે. પ્રાણનો મહિમા આમ તો સર્વ સાધનમાર્ગમાં છે જ; આમ છતાં યોગમાર્ગમાં અને તેમાં પણ હઠયોગમાં તો પ્રાણને સૌથી વિશેષ મહત્વનું સાધન ગણવામાં આવે છે. અધ્યાત્મપથમા અને ખાસ કરીને યોગમાર્ગમાં પ્રાણની કેળવણી સંબંધિત ચાર ઘટનાઓને ખૂબ મહત્ત્વની ગણવામાં આવે છે.

આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તી: યોગાસનના અભ્યાસને અંતે સ્ફૂર્તિ ને આરામ અનુભવાય છે

(1) પ્રાણપુષ્ટિ:
પ્રાણ બળવાન હોય તે આધ્યાત્મિક વિકાસ માટે આવશ્યક છે. નિષ્પ્રાણ સાધક શું કરી શકે?

(2) પ્રાણશુદ્ધિ:
પ્રાણના પ્રવાહો સરળ અને મુક્ત બને, પ્રાણમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય તે આવશ્યક છે. પ્રાણશુદ્ધિ એક તરફથી ચિત્તશુદ્ધિ માટે અને બીજી બાજુથી શરીરશુદ્ધિ માટે ઉપકારક છે.

(3) પ્રાણની સમ-અવસ્થા:
પ્રાણ પ્રવાહો સમતોલ, સુસંવાદી બને તે ઘટના સાધક માટે ઉપકારક બને છે. પ્રાણના પ્રવાહો સુસંવાદી બનતાં ચિત્તની ગતિ પણ સુસંવાદી બને છે. ઈડા અને પિંગળા નાડીમાં વહેતા પ્રાણના પ્રવાહને સમતોલ બનાવવામાં આવે છે અવસ્થા કુંડલિની જાગરણ માટે અને તેની ઊર્ધ્વદગતિ માટે ખૂબ ઉપકારક બને છે.

(4) પ્રાણ-જાગરણ:
પ્રાણ મહદ્અંશે સુષુષ્ત હોય છે. આ સુષુષ્ત પ્રાણશક્તિ જાગૃત થાય તો સાધકને શક્તિનો ઝરો હાથ લાગી જાય છે. આ જ ઘટનાનું વિકસિત અને સર્વોચ્ચ સ્વરૂપ કુંડલિની જાગરણ છે. કુંડલિનીજાગરણને જ શક્તિપ્રબોધ, સક્તિસંચાર વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.

હઠયોગની સાધનામાં આ કુંડલિનીજાગરણની ઘટના સૌથી મહત્ત્વની ઘટના છે. આ ચારે ઘટનાઓને આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં સમજાવવાનું કાર્ય અશક્યવત્ છે. શાસ્ત્રોનાં વિધાનો અને અનેક યોગીઓના અનુભવથી એ સમજી શકાય કે યોગાસન, પ્રાણાયામ અને મુદ્રા આદિ યૌગિક ક્રિયાઓના અભ્યાસથી ઉપરોક્ત ચારે કાર્યો સારી રીતે સિદ્ધ થઈ શકે તેમ છે.

આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તી : યોગાસન એટલે યોગ કે યોગાસનનો અભ્યાસ એટલે યોગાભ્યાસ

આરોગ્ય અંગેનો યોગનો ખ્યાલ આપણા પ્રચલિત ખ્યાલ કરતાં ઘણો યોગ આરોગ્યનો સંબંધ પ્રાણની ગતિ સાથે જોડે છે. અતિ પ્રાચીન ગણાતા સાહિત્યમાં આ વિશે આવો ઉલ્લેખ મળે છે.

લઢૄરિુર્ખીં રુમરુરુર્ખીં રુદ્યઢળ।
રુમરુરુર્ખીં પૈટ્ટર્રૂૂૈ લઊૃં઼રિુર્ખીં અપૈટપ્ર॥

‘તે પ્રાણનાં બે સ્વરૂપો છે- સધ્રીચિ અને વિષૂચિ. વિષૂચિ મૃત્યુ સમાન અને સધ્રીચિ અમૃત સમાન છે.’

સધ્રીચિ એટલે સુસંવાદી, સમરૂપ, વિષચિ એટલે વિષમરૂમ, વિસંવાદી.

વિષૂચિ પ્રાણને મૃત્યુસમાન ગણેલ છે. આનો અર્થ એમ છે કે વિષૂચિ પ્રાણ શરીર અને ચિત્ત, બંને માટે અનારોગ્યનું કારણ બને છે. પ્રાણનું આ સ્વરૂપ અધ્યાત્મયાત્રામાં પ્રતિકૂળ બને છે. સુધ્રીચિ પ્રાણને અમૃત સમન ગણ્યો છે. પ્રાણનું આ સ્વરૂપ શરીર અને ચિત્ત માટે આરોગ્યપ્રદ છે અને અધ્યાત્મયાત્રા માટે અનુકૂળ બને છે.

પ્રાણના પ્રવાહોને વિષૂચિમાંથી સધ્રીચિ બનાવવાનું કાર્ય યૌગિક ક્રિયાઓ કરે છે. યોગાસનો શરીરની નિશ્ર્ચિત અવસ્થા દ્વારા પ્રાણના પ્રવાહોને નિશ્ર્ચિત ગતિ આપે છે. અન્ય યૌગિક ક્રિયાઓની સાથે યોગાસન પ્રાણના પ્રવાહો પર અસર કરીને વિષૂચિ પ્રાણને સધ્રીચિ બનાવવામાં સહાયભૂત થાય છે.

આ રીતે યોગાસનનો અભ્યાસ શરીને સ્વાસ્થ્ય આપે છે અને ચિત્તને પણ સ્વસ્થ બનાવવામાં સહાયક બને છે. યોગાસનના અભ્યાસ દ્વારા મળેલું આ સ્વાસ્થ્ય વધુ સ્થાયી, સાચું અને ઊંડું હોય છે, કારણ કે આ આરોગ્ય પ્રાણમય શરીરના રૂપાંતર દ્વારા સિદ્ધ થયું છે.

પ્રાણના સ્વરૂપમાં રૂપાંતર કરીને યોગાસનનો અભ્યાસ અધ્યાત્મયાત્રાને પણ સુકર બનાવે છે.

(ક) યોગાસન દ્વારા માનસિક સ્વાસ્થ્ય:

યોગાસનનો પ્રથમ દૃષ્ટિએ શરીરની અવસ્થા જણાય છે, પરંતુ વસ્તુત: તે મનોશારીકિક અવસ્થા છે. આપણે જોઈએ કે માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે યોગાસનોનો અભ્યાસ કઈ રીતે ઉપયોગી બને છે:

આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તી : યોગાસન ચિકિત્સા પદ્ધતિ નથી!

(1) શરીરસ્થ અંત:સ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવ સાથે માનસિક સ્થિતિનો ગાઢ સંબંધ છે, આ હકીકત હવે વૈજ્ઞાનિક રીતે સ્વીકાર્ય ગણાય છે. આ ગ્રંથિઓ તંદુરસ્ત અને કાર્યક્ષમ ન
હોય અને પરિણામે તેનામાં થતા સ્રાવ પ્રામણસર ન હોય તો વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે. તે જ રીતે મગજ, કરોડરજ્જુ અને જ્ઞાનતંતુઓની તંદુરસ્તી અને કાર્યક્ષમતા
સાથે માનસિક તંદુરસ્તી અને કાયક્ષમતા જોડાયેલાં છે. ઉપરોક્ત બંને તંત્રો યોગાસનના અભ્યાસથી તંદુરસ્ત અને કાર્યક્ષમ રહે છે, એ આપણે આગળ જોઈ ગયા છીએ. આ રીતે માનસિક સ્વાસ્થ્યમાં પણ યોગાસન કિંમતી ફાળો પ્રદાન કરી શકે તેમ છે.

(3) આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે જે વ્યક્તિના મનની સંવેગાત્મક સ્થિતિ સમતોલ ન હોય તે વ્યક્તિની શારીરિક સમતુલા જાળવવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે. પ્રયોગોથી પણ સિદ્ધ થયું છે કે શરીરની સમતુલાને સંવેગાત્મક સમતુલા સાથે સંબંધ છે. સમતુલાત્મક યોગાસનો(Balancing posture)ના અભ્યાસથી સંવેગોને કેળવણીમાં સહાય મળી શકે તેમ છે, એમ નિરીક્ષણ, પ્રયોગો અને અનુભવથી જાણી શકાયું છે.

(4) વ્યક્તિના શરીરની સ્થિતિ, તેના શરીરની ચેષ્ઠાઓ, બેસવાની તથા સૂવાની પદ્ધતિ, ચાલવાની રીત વગેરેનું નિરીક્ષણ કરીએ તો મોટે ભાગે પ્રત્યેક વ્યક્તિમાં કાંઈક ને કાંઈ કઢંગાપણું (Deformiry) જોવા મળે છે. આ કઢંગાપણાને વ્યક્તિની માનસિક સ્થિતિ સાથે સંબંધ છે. જો આપણે વ્યક્તિના શારીરિક કઢંગાપણાને દૂર કરી શકીએ તો તેનાથી અમુક હદ સુધી તે વ્યક્તિની માનસિક સ્થિતિની સુધારણા કરી શકીએ છીએ. (ક્રમશ:)

આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રાણાયામ દરમિયાન વિશિષ્ટ પ્રકારના સંદેશ મગજ સુધી મોકલવામાં આવે છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button