આરોગ્ય પ્લસઃ ન્યુમોનિયા એટલે શું?

સંકલન: સ્મૃતિ શાહ મહેતા
છેલ્લાં ત્રણેક અઠવાડિયાથી આપણે વિભિન્ન પ્રકારના તાવ વિશે જાણકારી મેળવીએ છીએ. એનાં કારણ અને મારણ વિશે પણ માહિતી મેળવીએ છીએ. આ વખતે આપણે ન્યુમોનિયા વિશે જાણીશું…
આયુર્વેદમાં ન્યુમોનિયાના તાવને `શ્વસનક જ્વર’ કહે છે. વ્યક્તિની અંદર દૂષિત હવાના કારણે ન્યુમોનિયા બેકટેરિયા, વાઇરસ કે ફંગસ પ્રવેશી જવાથી એક અથવા બન્ને ફેફસાંમાં પસ ભરાય છે, અને સોજો (Inflamation) આવે છે, તેને ન્યુમોનિયા કહેવાય છે.
ન્યુમોનિયાનાં લક્ષણ
- એકાએક વધતો ઠંડી સાથેનો તાવ આવે ને શરદી-કફ થાય.
- બન્ને પડખાં, પીઠ અને છાતીમાં દુ:ખાવો થાય.
- ગળફાં સાથે ખાંસી આવવી અને ગળફાંનો રંગ લીલો, સફેદ અથવા પીળો આવવો.
- શ્વાસ લેવામાં તકલીફ પડે, કફથી છાતી ભરાઇ જાય અને બેચેની વર્તાય.
- કબજિયાત રહે અને રાત્રે ઊંઘ ન આવે.
- કોઇક વાર જીભ આવી જવી, સફેદ થઇ જવી અને ગળાના કાકડા ફૂલી જવા.
- બે-ચાર દિવસ પછી તાવની પીડા ઓછી થાય, પરંતુ ઉધરસનું જોર વધે અને કફ છૂટે. ન્યુમોનિયા થવાનાં કારણ
- ફેફસાં દ્વારા શરીરમાં દૂષિત હવા આવવાથી.
- ખરાબ, ગંદા, ભેજવાળા સ્થળે રહેવાથી અથવા નાક દ્વારા શરીરમાં ધૂળ-માટી વગેરે જવાથી
- રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી.
- વધુ ઠંડા, ગળ્યા કે ભારે ખોરાક લેવાથી.
- દારૂ કે તમાકુનું વ્યસન હોવાથી.
- ફેફસાંનું કેન્સર, અસ્થમા વગેરે ફેફસાના રોગ હોવાથી.
- 65થી વધુ ઉંમર હોય એને સામાન્ય તાવ કે શરદી થાય.
ન્યુમોનિયામાં શું આહાર લેવો?
- ઉકાળેલું પાણી જ પીવું અને વધુ પ્રમાણમાં પ્રવાહી પદાર્થો લેવા.
- ખાટાં ફળો, લીલા શાકભાજી, ટમેટાં જેવી વસ્તુઓ ખાસ લેવી. ગાજર તથા કાકડીનો જયૂસ લેવો.
- હળવો અને તાજો ખોરાક જ લેવો.
- આહારમાં હળદર, મેથી, કાળા મરી અને આદુંનો ઉપયોગ વધુ કરવો.
- કફવર્ધક આહાર ન લેવો અને ગળ્યા, નશીલા, તીખા વગેરે પદાર્થોનો ત્યાગ રાખવો.
ન્યુમોનિયાના ઉપચાર
2 કપ પાણીમાં 1 ચમચી મેથી નાખીને ઉકાળવું. ત્યાર પછી તેને ગાળીને તેમાં મધ ઉમેરીને દિવસમાં 2થી 3 વાર તે પાણી પીવું.
1 કપ પાણીમાં 1-1 ચમચી ખાંડેલા તલ અને અળશી નાખીને ઉકાળવું. તેને ગાળીને 1 ચમચી મધ તથા થોડું મીઠું નાખીને પીવું.
1 કપ હૂંફાળા પાણીમાં 2 ચમચી હળદર અને ચમચીનો ચોથો ભાગ કાળા મારી નાખીને દિવસમાં 1 વાર પીવું. દર 6 કલાકે
10 તુલસીના પાનના રસમાં થોડો મરીનો પાવડર નાખીને પીવો.
300 મિ. લી. ગાજરનો રસ અને 100-100 મિ. લી. બીટ અને કાકડીનો રસ ભેગો કરીને પીવો.
2થી 4 ચમચી ફુદીનાનો તાજો રસ 1થી 2 ચમચી મધ સાથે મેળવીને દર 2 કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે.
1 ચમચી મહાસુદર્શનચૂર્ણ, 1 કપ પાણીમાં ઉકાળીને દરરોજ 2 વાર પીવું.
1 ચમચી આદુંનો રસ , 1 ચમચી તુલસીનો રસ, 5 ચમચી અરડૂસીનો રસ અને 2 ચમચી મધ મિશ્ર કરીને રોજ 2 વાર લેવું.
સાવધાની…
- દર્દીના ગળફાનો યોગ્ય રીતે નિકાલ કરવો. જેથી ચેપનો ફેલાવો ન થાય.
- દર્દીને ગરમ વસ્ત્રો પહેરાવી રાખવા. તેમ જ દર્દીના રૂમનું વાતાવરણ ગરમ રહે તેવી વ્યવસ્થા કરવી.
- દર્દીને નિયમિત ઝાડો સાફ આવે તેવી કાળજી રાખવી, પરંતુ રેચ આપવામાં ઉતાવળ પણ ન કરવી.
આ પણ વાંચો…આરોગ્ય પ્લસઃ મલેરિયા (ટાઢિયો તાવ) શું આપ જાણો છો?…



