સ્વાસ્થ્ય સુધાઃ પિપ્પલી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી મસાલો છે

શ્રીલેખા યાજ્ઞિક
ભારતીય ભોજન મસાલાના ઉપયોગ વગર અધૂરું લાગે છે. ભોજનમાં મસાલાનો ઉપયોગ ફક્ત સ્વાદ વધારવાનું કામ નથી કરતો. સ્વાદની સાથે તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. તેથી જ તો ભારતીય ભોજન આજે વિશ્વમાં અતિ-લોકપ્રિય બની ગયું છે. તો બીજી તરફ ભારતીય મસાલાની માગ વિશ્વના અનેક દેશોમાં વધવા લાગી છે.
પિપ્પલી કુદરતી ઔષધી ગણાય છે. સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી મસાલો ગણાય છે. તેમાં પ્રોટીન, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ તથા વિટામિન્સની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જે શરીર માટે લાભકારક ગણાય છે. લાંબી કાળી મરચાં જેવી દેખાતી પિપ્પલીનો ઉપયોગ શિયાળામાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. તેને સ્વાસ્થ્ય માટે વરદાન સમાન ગણવામાં આવે છે.
પિપ્પલીને વિવિધ ભાષામાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે, જેમ કે સંસ્કૃતમાં પિપ્પલી, કૃષ્ણા કે ચપલા, અંગ્રેજીમાં લૉંગ પેપર, ઈન્ડિયન લૉંગ પેપર, હિન્દીમાં પિપલી કે પીપર, મરાઠીમાં પિંપલી, મલયાલમમાં તિપ્પલી, પંજાબીમાં પિપ્પલીજડ, બંગાળીમાં પીપુલ કે પિપ્પલી, ગુજરાતીમાં પીપર કે પીપરીજડ, કન્નડમાં હિપ્પલી, ઓરિયામાં બૈદેહી. પિપ્પલીનો છોડ તેના ઔષધીય ગુણોને લીધે ઓળખાય છે. વળી તેની સુગંધ તથા તેના તીખા સ્વાદને કારણે જાણીતો છે. તેનો ઉપયોગ વિવિધ ઉપચારોની સાથે અનેક સ્વાસ્થ્ય સંબંધિત તકલીફમાં વરદાન સમાન ગણાય છે.
પિપ્પલીની વેલ જમીન ઉપર પણ ફેલાવા લાગે છે જેને કારણે તેમાં એક અલગ મીઠી સુગંધ ઉમેરાય છે. જેથી તેમાં રહેલાં ઔષધીય ગુણો વધુ અસરકારક બને છે. આયુર્વેદમાં પિપ્પલીની ચાર પ્રજાતિ દર્શાવવામાં આવી છે. પરંતુ વ્યવહારમાં નાની-મોટી તેમ બે પિપ્પલી જોવા મળે છે. તેનો સ્વાદ તીખો હોય છે. પિપ્પલીનું સેવન પાઉડર, તેલ કે કાઢા તરીકે કરી શકાય છે.
આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધાઃ અનોખો સ્વાદ ધરાવતી જાપાનીઝ માચા ટી
આરોગ્યવર્ધક ગુણો:
વજનને ઘટાડવામાં મદદરૂપ: તહેવારો નજીક આવે તેમ સુંદર દેખાવા માટે વજન ઘટાડવાનું લગભગ પ્રત્યેક વ્યક્તિ પસંદ કરે છે. પિપ્પલીનું સેવન મેટાબોલિઝમને ઝડપી બનાવવાની સાથે ચરબીને ઓગળવામાં મદદ કરે છે.
શરીરમાં રહેલાં ટોક્સિનને દૂર કરવામાં મદદ કરે છે. પિપ્પલીના પાઉડરને વહેલી સવારના નરણાં કોઠે મધ સાથે લેવાની નિષ્ણાત આહાર તજજ્ઞો તથા આયુર્વેદાચાર્યો સલાહ આપે છે.
કબજિયાતથી છુટકારો: જીવનશૈલીમાં મોટા બદલાવને કારણે અનેક લોકો કબજિયાત, ગૅસ, અપચાની તકલીફથી સતત મુશ્કેલી અનુભવતાં હોય છે. પિપ્પલી અનેક લોકોને છાતીમાં બળતરાં તથા પેટ સંબંધિત અન્ય તકલીફથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. પિપ્પલીનો ઉપયોગ નિયમિત કરવાથી તે ડાયજેસ્ટિવ ઍજન્ટ તરીકે કામ કરે છે. ભોજનને યોગ્ય રીતે પચવામાં મદદ કરે છે.
શરદી-ખાંસી-તાવમાં લાભકારી: પિપ્પલીની તાસિર ગરમ હોય છે તેથી ઠંડીમાં થતી શરદી-સળેખમ કે તાવની તકલીફમાં પિપ્પલીનો ઉપયોગ લાભકારી ગણાય છે. ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી, ઍન્ટિ-ઑક્સિડન્ટના ગુણોથી ભરપૂર હોવાને કારણે શરીરને વાયરલ ઈન્ફ્ેકશનથી બચાવે છે. નિયમિત સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. અસ્થમાની તકલીફમાં રાહત આપવામાં ઉપયોગી ગણાય છે. કફ તથા અસ્થમાની તકલીફમાં પિપ્પલીનો ઉપયોગ લાભકારક ગણાય.
નિંદર ના આવવાની સમસ્યામાં લાભકારક: અનેક લોકોને રાત્રે ગાઢ નિંદર આવતી નથી. તેમને માટે પિપ્પલીનું સેવન લાભકારક ગણાય છે. નિયમિત રાત્રે સૂતાં પહેલાં એક ચમચી મધમાં પિપ્પલીનો પાઉડર ચાટી જવાથી તણાવ દૂર કરવામાં મદદ મળે છે. વારંવાર થાક લાગી જતો હોય શરીરમાં નબળાઈ લાગે ત્યારે પિપ્પલીનો પાઉડર દૂધમાં નાખીને પીવાથી લાભ મળે છે.
દાંતના દુખાવામાં લાભકારી: ફ્લૅવોનોઈડસ તથા અન્ય વિશેષ તત્ત્વોને કારણે લોહીમાં કૉલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. પાચનશક્તિની વિવિધ સમસ્યામાં પિપ્પલીનો ઉપયોગ ગુણકારી ગણાય છે.
ડાયાબિટીસની વ્યાધિમાં લાભકારક: ડાયાબિટીસના દર્દીઓ માટે પિપ્પલીનો ઉપયોગ લાભકારક બની શકે છે. કેમ કે પિપ્પલીના સેવનથી લોહીમાં ઈન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે. તેમ જ લોહીમાં શર્કરાની માત્રાને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. તેમ છતાં ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન કરતાં પહેલાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે: શહેર હોય કે ગામ હોય પ્રત્યેક વ્યક્તિની જીવનશૈલીમાં મોટા બદલાવ જોવા મળે છે. સતત મોબાઈલ તેમ જ સ્પર્ધાત્મક વાતાવરણને કારણે વ્યક્તિ સતત માનસિક તાણ અનુભવે છે. જેને કારણે શરીરમાં નબળાઈ આવી જવાની સમસ્યા વધી જતી હોય છે. આવા સંજોગોમાં પિપ્પલીનો ઉપયોગ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. કેમ કે પિપ્પલીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ તથા ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ સમાયેલાં છે. પિપ્પલીનો પ્રમાણભાન રાખીને ઉપયોગ કરવાથી શરદી-ખાંસી-કફ-જવર જેવી બીમારીથી બચી શકાય છે.
પિપ્પલીનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ:
પિપ્પલીનું ચૂર્ણ મધ કે પાણી સાથે સરળતાથી લઈ શકાય છે.
પિપ્પલીને પાણીમાં તુલસી, આદું, તજની સાથે ઉકાળીને તેનો કાઢો બનાવીને પીવો ગુણકારી ગણાય છે.
હવે બજારમાં પિપ્પલીની ગોળી મળવા લાગી છે. તેથી આયુર્વેદિક ગોળીનો ઉપયોગ ચૂર્ણ કે કાઢાની બદલે કરી શકાય છે.
પિપ્પલીનું તેલ બજારમાં મળે છે તેનો ઉપયોગ કરી શકાય છે.
પિપ્પલી બે પ્રકારની હોય છે. એક લીલી તથા બીજી સૂકી. લીલી પિપ્પલીનો ઉપયોગ શાકમાં કરવાથી તે શાકને સ્વાદિષ્ટ બનાવે છે. સૂકી પિપ્પલીનો પાઉડર દાળ શાકમાં ઉપરથી ભભરાવીને લેવાથી તે વધુ ગુણકારી તથા સ્વાદિષ્ટ બને છે. પિપ્પલીને દૂધમાં થોડા પાણી સાથે ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.
પિપ્પલી લેતાં પહેલાં રાખવાની સાવધાની: પિપ્પલીનો ઉપયોગ વધુ પડતો ન કરવો કેમ કે તેની તાસીર ગરમ હોવાથી શરીરમાં ગરમી વધી જવાની શક્યતા રહે છે જેને કારણે છાતીમાં બળતરા કે ત્વચા ઉપર ફોડલી દેખાવાની શક્યતા વધી જાય છે.
પિપ્પલીનો ઉપયોગ લાંબા સમય સુધી કરવો ટાળવો. ગર્ભાવસ્થામાં પિપ્પલીનો ઉપયોગ કરવાનું ટાળવું. નાના બાળકોને નિષ્ણાત ડૉક્ટરની સલાહ વગર પિપ્પલીનું સેવન ન કરાવવું.
પિપ્પલીનું કઢિયેલ દૂધ
સામગ્રી: 2 ગ્લાસ ગાયનું દૂધ, 1 કપ પાણી, 3 ચમચી સાકર, 1 ચમચી પિપ્પલીનો પાઉડર, 2 ચમચી દૂધનો પાઉડર
બનાવવાની રીત: સૌ પ્રથમ 2 ગ્લાસ ગાયનું દૂધ લેવું. તેમાં 2 ચમચી દૂધના પાઉડરને 1 કપ પાણીમાં ભેળવીને બરાબર હલાવીને ઉમેરવો. દૂધને ઉકાળવું. તેમાં ખાંડ ઉમેરીને 10 મિનિટ માટે ઉકાળવું. બરાબર ઊકળી જાય ત્યારબાદ તેમાં 1 ચમચી પિપ્પલી પાઉડર ભેળવીને હલાવી લેવું. 5 મિનિટ ઉકાળીને ગરમાગરમ સ્વાદિષ્ટ કઢિયેલ દૂધને સવાર-સાંજ પીવાના ઉપયોગમાં લેવું.
આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધાઃ નવરાત્રિમાં ખાસ ખવાય છે સાત્ત્વિક કુટ્ટુ કે કુટીનો દારો