તરોતાઝા

ABCD બીમારીઓના દરદી: આરોગ્ય વીમો લેતી વખતે કઈ-કઈ વાતનું ધ્યાન રાખવું?

નિશા સંઘવી

જો તમારા પરિવારમાં કોઈને અસ્થમા, બ્લડ પ્રેસર, કોલેસ્ટરોલ કે ડાયાબિટીસ (ટૂંકમાં ABCD) હોય તો જાણી લેજો કે અનેક કુટુંબોમાં આવી બીમારીઓ ધરાવતા સભ્યો છે. આજકાલ આપણે ત્યાં જીવનશૈલીને લગતા રોગ ઘણા વધી ગયા છે. સૌથી પહેલાં તો આ બીમારીની સારવાર વિશે વિચારવું જરૂરી બને છે, પરંતુ એની સાથે સાથે આ સારવારને આવરી લેનારી આરોગ્ય વીમાની પોલિસી લેવા વિશે પણ તૈયાર કરી લેવી જરૂરી છે.

અહીં એ પણ જાણી લો અલગ અલગ વીમા કંપનીની પોલિસીમાં ABCD બીમારીઓ માટેનાં ધારાધોરણો અલગ અલગ હોય છે. કેટલીક કંપનીની પોલિસીમાં વેઇટિંગ પિરિયડ વધારે હોય છે, જ્યારે અમુકમાં તો આ બીમારીઓ આવરી લેવાયેલી જ નથી હોતી. બીજી અમુક કંપનીઓ પોલિસી આપે છે, પરંતુ એના માટે ઊંચું પ્રીમિયમ લે છે. દરેક પરિવારને મહત્તમ બીમારીઓના ખર્ચ સામે આર્થિક રક્ષણ આપે એવી પોલિસી ખરીદવી હોય અથવા પહેલેથી લીધેલી પોલિસીમાં સુધારા કરાવવાના હોય તો કઈ બાબતનું ધ્યાન રાખવું એના વિશે આજે આપણે વાત જાણી લઈએ, જેમકે…

1) પ્રી-એક્ઝિસ્ટિંગ કવરેજ તપાસી લેવું

અસ્થમા, બ્લડ પ્રેશર, કોલેસ્ટરોલ અને ડાયાબિટીસ એ ચારે તકલીફોને પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીસીઝની શ્રેણીમાં મૂકવામાં આવી છે. આરોગ્ય વીમા પોલિસી ઇસ્યૂ થાય એની પહેલાંના 48 મહિનાની અંદર આ બીમારીઓનું નિદાન થયું હોય કે સારવાર કરાવવામાં આવી હોય ત્યારે એને ‘પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ’ ગણવામાં આવે છે.

પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝનું નામ આવે એટલે એને લગતો વેઇટિંગ પિરિયડ પણ હોય એ સ્વાભાવિક છે. આથી જેમાં વેઇટિંગ પિરિયડ ઓછો હોય એવી પોલિસી શોધવી. અમુક વીમા કંપનીઓ બે વર્ષ, તો અમુક ત્રણ કે ચાર વર્ષ જેટલો વેઇટિંગ પિરિયડ રાખે છે. આ બીમારીઓ વેઇટિંગ પિરિયડ પછી આવરી લેવાશે, કે પછી કાયમ માટે એને એક્સક્લુઝનમાં રાખવામાં આવશે એ પણ તપાસી લેવી.

નોંધનીય છે કે અમુક કંપની એવો નિયમ રાખે છે કે, જો આરોગ્યની તપાસ કરાવવામાં આવે અથવા વધુ પ્રીમિયમ ભરવાની તૈયારી હોય તો આ બીમારીઓ માટે વેઇટિંગ પિરિયડ રાખવામાં આવતો નથી.

આ ઉપરાંત, એ પણ ધ્યાનમાં લેવું કે વીમા કંપનીએ આ બીમારીઓ માટે રૂમ રેન્ટ/આઇસીયુ સંબંધે કોઈ સબ-લિમિટ કે મહત્તમ મર્યાદા રાખી છે કે કેમ. ઘણી વાર, જો પોલિસીધારકની ઉંમર 60 વર્ષ કરતાં વધારે હોય તો કંપનીઓ પોલિસીમાં કો-પેમેન્ટની શરત રાખે છે.

2) ઓપીડી અથવા ડે કેર સારવાર આવરી લેવામાં આવી છે કે નહીં?

ઉક્ત ચારે બીમારીમાં નિયમિતપણે ડોક્ટર પાસે જઈને તપાસ કરાવવી પડે છે. વળી, એની દવાઓ પણ લાંબા સમય સુધી લેવાની હોય છે અને દરદીની સ્થિતિ જાણવા માટે અનેક તબીબી પરીક્ષણો કરાવવાં પડતાં હોય છે. સ્ટાન્ડર્ડ હોસ્પિટલાઇઝેશન પ્લાનમાં આ બધી બાબતો આવરી લેવાયેલી હોતી નથી. આથી પોલિસી લેવા ઈચ્છુક વ્યક્તિએ ઓપીડી (આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ)માં લેવાતી સારવારનો ખર્ચ વીમા કંપની આપે છે કે કેમ એ જાણી લેવું જરૂરી છે.

ઉપરાંત, અનેક વાર ડે- કેરમાં પણ સારવાર લેવામાં આવે છે. એમાં અમુક ઇન્જેક્શન લેવાં, નેબ્યુલાઇઝેશન કરાવવું, ઈસીજી કે બીજાં પરીક્ષણ કરાવવાનો સમાવેશ થાય છે. વળી, આ તકલીફો ધરાવતા દરદીઓનું વાર્ષિક આરોગ્ય પરીક્ષણ પણ કરાવવાનું હોય છે, જેના માટે અલગથી ખર્ચ કરવા પડે છે. ટૂંકમાં, ઓપીડી અને ડે- કેર ધોરણે થતી સારવારના ખર્ચનો ક્લેમ પોલિસીમાં આવરી લેવાયેલો છે કે નહીં એ પહેલેથી જાણી લેવું જોઈએ.

3) હોસ્પિટલાઇઝેશનને લગતા નિયમો જાણી લેવા

સામાન્ય સંજોગોમાં ઉક્ત બીમારીઓની સારવાર ઓપીડીમાં થતી હોય છે. ક્યારેક હાર્ટ ઍટેક, સ્ટ્રોક, ઇન્ફેક્શન કે અસ્થમાના ઍટેકની સ્થિતિમાં હોસ્પિટલાઇઝેશનની પણ જરૂર પડી શકે છે. આથી પોલિસી એવી હોવી જોઈએ, જેમાં હૃદયરોગને લગતાં, ડાયાબિટીસનાં કે શ્વસનતંત્રનાં કોમ્પ્લિકેશન્સ માટે અલગ અલગ ખર્ચમર્યાદા હોવી જોઈએ નહીં.

કેશલેસ હોસ્પિટલાઇઝેશન માટેનું નેટવર્ક વ્યાપક હોવું જોઈએ અર્થાત્ ઘણી બધી જગ્યાએ એ શક્ય હોવું જોઈએ. રિસ્ટોરેશન બેનિફિટ હોવો જોઈએ. એનો અર્થ એવો થયો કે એક ક્લેમ આવી ગયા બાદ કવરેજની રકમ ફરીથી પૂર્વવત્ થઈ જવી જોઈએ.

4) પૂરતા પ્રમાણમાં સમ ઇન્સ્યોર્ડ વત્તા રીસ્ટોર બેનિફિટ

અસ્થમા, બ્લડ પ્રેશર, કોલેસ્ટરોલ અને ડાયાબિટીસ એ ચારે સ્થિતિમાં ગમે ત્યારે ઈમરજન્સી ઊભી થઈ શકે છે. એની સારવારનો ખર્ચ પણ ઘણો મોટો હોય છે. આથી ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ઓછામાં ઓછો 10થી 15 લાખ રૂપિયાનું કવરેજ ધરાવતો આરોગ્ય વીમો લેવો જોઈએ. એ ઉપરાંત અનલિમિટેડ કે ઑટોમેટિક રિસ્ટોરેશન ધરાવતી પોલિસી લેવી જોઈએ, જેથી એક કરતાં વધુ વખત સારવાર કરાવવામાં આવે ત્યારે દર વખતે કવરેજની રકમ પૂર્વવત્ થઈ જાય.

5) નો ક્લેમ આધારિત લોડિંગ અથવા દંડ

વીમાધારકનો ક્લેમ આવે ત્યારે એ સેટલ કર્યા બાદ કેટલીક વીમા કંપનીઓ પ્રીમિયમમાં વધારો કરી દેતી હોય છે અથવા તો પોલિસીના લાભ ઘટાડી દેતી હોય છે. લાંબો સમય ચાલનારી બીમારીઓની સ્થિતિમાં આ વલણ અન્યાયી સાબિત થાય છે, અર્થાત્ એમાં વીમાધારકને નુકસાન થાય છે. આથી એવી પોલિસી લેવી, જેમાં નો ક્લેમ બોનસ ખતમ થતી ન હોય અને પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીસીઝ સંબંધે ક્લેમમાં કોઈ કાપ મુકાતો ન હોય. જે પોલિસી હેઠળ વેલનેસ રિવોર્ડ કે હેલ્થ સ્કોર ડિસ્કાઉન્ટ મળતાં હોય એ પોલિસી પણ સારી કહેવાય.

6) સરળ અંડરરાઇટિંગ અને ડિસ્ક્લોઝર

ઉક્ત બીમારીઓ ધરાવતી વ્યક્તિની પોલિસી સંબંધે મેડિકલ અંડરરાઇટિંગનાં ધોરણો આકરાં હોય છે. આથી વીમા કંપનીઓ દરદીની મેડિકલ હિસ્ટરી, હાલની દવાઓની યાદી, બ્લડ રિપોર્ટ, ઈસીજી, એચબીએવનસી, લિપિડ પ્રોફાઇલ, વગેરે જેવી વિગતો માગી શકે છે.

અહીં ખાસ જણાવવાનું કે વીમાધારકે પોતાની કોઈ પણ બીમારી કે આરોગ્યની તકલીફને છુપાવવી જોઈએ નહીં. જે દરદી પોતાની ઉક્ત બીમારીઓને નિયંત્રણમાં રાખી શક્યા હોય એમને સહેલાઈથી વીમો આપી દેનારી વીમા કંપનીની પસંદગી કરવી. આ બીમારીઓ ધરાવતી વ્યક્તિને કોઈ વેઇટિંગ પિરિયડ કે લોડિંગ લાગુ થતાં હોય તો એમણે વીમા કંપનીને એ પૂછી લેવું જોઈએ કે શું નવા રિપોર્ટ કઢાવીને આપવામાં આવે તો વેઇટિંગ પિરિયડ કે લોડિંગ ઓછાં કરવામાં આવશે કે કેમ.

હવે મહત્ત્વની વાત:

અસ્થમા, બ્લડ પ્રેશર, કોલેસ્ટરોલ કે ડાયાબિટીસ એમાંથી કોઈનું નિદાન થાય અને આરોગ્ય વીમા પોલિસી ન હોય તો એ કઢાવી લેવામાં વિલંબ કરવો નહીં. જો વહેલાસર પોલિસી લેવામાં આવે તો એક્સક્લુઝન કે ઊંચું લોડિંગ નિવારી શકાય છે. કવરેજ વધારે મળે એ માટે ટોપ અપનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો. બીમારીની ગંભીરતા ઓછી-વત્તી થઈ શકે છે.

આથી દર વર્ષે આરોગ્યની સમીક્ષા કરવાની સાથે સાથે પોલિસીની યોગ્યતા પણ ચકાસી લેવી. વળી, દરદીના આરોગ્યના રેકર્ડ બરોબર સાચવીને રાખવા જોઈએ. જો રિપોર્ટ સારા આવે તો શક્ય છે કે અંડરરાઇટિંગ સહેલાઈથી થાય અને પ્રીમિયમમાં ઘણો વધારો થતો અટકી જાય.ઉક્ત બીમારીઓનું નિદાન થાય એનો અર્થ એ નથી કે દરદીને આરોગ્ય વીમાનું કવરેજ જરા પણ નહીં મળે.

જોકે, એ કવરેજ લેતી વખતે ઉક્ત મુદ્દાઓને ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે. જેમાં વેઇટિંગ પિરિયડ ઓછો હોય, સબ-લિમિટ ન હોય, સ્વાસ્થ્ય જાળવી રાખનારને બેનિફિટ આપવામાં આવતો હોય, જેમાં રિસ્ટોરેશન સારા એવા પ્રમાણમાં મળતું હોય એવી આરોગ્ય વીમા પોલિસી લેવી. ફરી એક વાર કહેવાનું કે આરોગ્ય વીમો લેતી વખતે કોઈ પણ બીમારી કે તકલીફને છુપાવવી નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button