તંદુરસ્તી-મનદુરસ્તીઃ યોગમાં નાડીશોધનને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે

ભાણદેવ
શોધનકર્મ
(1) શોધનકર્મ એટલે શું?
જેમ આપણે જળ વડે ધોઈને કે કપડાથી લૂછીને શરીરની બહારની સપાટી સાફ કરીએ છીએ તેવી રીતે શરીરની અંદરના અવયવોને સાફ કરવાની પદ્ધતિ યોગમાં વિકસી છે. આ માટે ભિન્ન ભિન્ન ક્રિયાઓ પ્રયોજવામાં આવે છે. આ ક્રિયાઓને શોધનકર્મ કહેવાય છે. યોગમાં શરીરનું આંતરિક શોધન કરવામાં ચાર સાધનોનો ઉપયોગ થાય છે. પાણી, વસ્ત્ર કે દોરી, હવા અને શરીર ચાલન. બસ્તિ, વારિસાર, જલનેતિ વગેરેમાં પાણીનો ઉપયોગ થાય છે. ધૌતિમાં વસ્ત્ર અને સૂત્રનેતિમાં સૂતરની દોરી વપરાય છે. કપાલભાતિમાં હવાથી શોધન થાય છે. નૌલિ કે અગ્નિસારમાં-કોઈ બાહ્ય સાધનોનો ઉપયોગ થતો નથી. પરંતુ માત્ર શરીરના અવયવોના ચાલન દ્વારા જ શોધન થાય છે. ત્રાટકમાં માત્ર આંખની સ્થિર સ્થિતિ દ્વારા શોધન કરવામાં આવે છે.
આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તીઃ ધ્યાનનો વિષય ધ્યેય કહેવાય છે
(2) શોધનકર્મનું યોગમાં સ્થાન:
- યોગમાં નાડીશોધનને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. નાડીશોધન કર્યા વિના પ્રાણાયામ કે અંતરંગયોગનો અભ્યાસ કરનાર સાધન જોખમ વહોરી લે છે. આ નાડીશોધન માટે શોધનકર્મનું મૂલ્યવાન પ્રદાન છે. યોગમાં નાડીશોધન (અનુલોમવિલોમ) નામનો એક ખાસ પ્રાણાયામ છે જેનાથી સાધક નાડીશોધન સિદ્ધ કરે છે. એક પરંપરા નાડીશોધન માટે માત્ર નાડીશોધન પર્યાપ્ત માને છે. પરંતુ બીજી પરંપરા મુજબ નાડીશોધન માટે આ પ્રાણાયામ ઉપરાંત શોધન કર્મોથી શરીરનું શોધન કરવું આવશ્યક છે.
- જ્યાં સુધી શરીરમાં વાત, પિત્ત અને કફજન્ય દોષ હોય ત્યાં સુધી યોગાભ્યાસ કઠિન અને જોખમી છે. એટલે પહેલા ત્રિદોષજન્ય રોગોનું નિવારણ આવશ્યક છે. આ કાર્ય શોધનકર્મોથી સારી રીતે થઈ શકે છે.
- ધાનુ સામ્ય એ ચિત્તની સમ અવસ્થા માટેનું આવશ્યક સોપાન છે. ધાતુ સમ્ય વિના ચિત્તવૃત્તિ નિરોધ દુષ્કર છે. આ ધાતુ સામ્ય સિદ્ધ કરવા માટે શોધનકર્મોનું પ્રદાન મૂલ્યવાન છે.
- યોગાભ્યાસ દરમિયાન સાધક ક્યારેક વ્યાધિઓનો ભોગ થઈ પડે તેવી શક્યતાઓ છે. આ વખતે જાણકારની સલાહ પ્રમાણે શોધનકર્મો દ્વારા તે રોગનિવારણ કરી શકાય.
આ રીતે આપણે કહી શકીએ કે શોધનકર્મ સાક્ષાત યોગ સાધન નથી પરંતુ એક મૂલ્યવાન સહાયક સાધન છે.
(3) યૌગિક શોધનકર્મોનું વિશિષ્ટ સ્વરૂપ :
આયુર્વેદમાં શોધનકર્મોને પંચકર્મ કહે છે. બસ્તિ, વમન, વિરેચન, સ્નેહન અને સ્વેદન-આ પાંચ આયુર્વેદના શોધનકર્મો છે. યૌગિક શોધનકર્મ અને આયુર્વેદના પંચકકર્મમાં કેટલીક ભિન્નતાઓ રહેલી છે.
- આયુર્વેદિક શોધનકર્મમાં સામાન્યત: ઔષધિનો ઉપયોગ થાય છે. જ્યારે યૌગિક શોધનકર્મમાં ઔષધિનો ઉપયોગ નથી.
- આયુર્વેદમાં શોધનકર્મનો હેતુ રોગનિવારણ કે શારીરિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ છે. યૌગિક શૌધનકર્મ તેથી આગળ વધીને નાડીશોધન અને આખરે આધ્યાત્મિક વિકાસને દૃષ્ટિ સમક્ષ રાખે છે. એટલે યૌગિક શોધનકર્મનો હેતુ વધારે સૂક્ષ્મ અને વધારે વ્યાપક છે.
- આયુર્વેદિક શોધનકર્મના પ્રમાણમાં યૌગિક શોધનકર્મના સ્વરૂપ અને સંખ્યા બન્ને દૃષ્ટિએ વિકાસ થયો છે. ધેરંડ સંહિતામાં એકવીશ શોધનકર્મોનું વર્ણન છે.
- આયુર્વેદિક શોધનકર્મો કરતાં યૌગિક શોધનકર્મો વધુ કઠિન છે. આયુર્વેદમાં શોધકનકર્મો દરદીઓ માટે છે. જ્યારે યૌગિક શોધનકર્મો સાધક માટે છે.
- યૌગિક શોધનકર્મનું મૂલ્ય આયુર્વેદિક શોધનકર્મ કરતાં વધુ છે.
- જે શોધનકર્મ બંનેમાં સમાન છે. તેમના સ્વરૂપમાં બંનેમાં ભિન્નતા છે. દા. ત. આયુર્વેદમાં બસ્તિ કરવા માટે પાણીને બહારના દબાણથી અંદર પસાર કરવામાં આવે છે. જ્યારે યોગિક બસ્તિમાં નૌલિકર્મ દ્વારા પાણીને અંદર ખેંચવામાં આવે છે. આયુર્વેદિક વિરેચનમાં ઔષધિ પ્રયોગથી રેચન કર્મ થાય છે. યૌગિક પદ્ધતિમાં નૌલિ, ઉડ્ડિયાન અને આસનોમાં પ્રયોગથી જ વિરેચન સિદ્ધ કરવામાં આવે છે.
(4) યૌગિક શોધનકર્મોનું વર્ગીકરણ:
(1) કપાલભાતિઃ (i) કપાલભાતિ, (ii) વ્યુત્ક્રમ કપાલભાતિ (iii) શીત્ક્રમ કપાલભાતિ
(2) નૌલિ
(3) ત્રાટક
(4) નેતિ-
(I) જલનેતિ, ii સૂત્રનેતિ
(5) બસ્તિ- i જલબસ્તિ, ii શુષ્ક બસ્તિ
(6) ધૌતિ-
(અ) અંતધૌતિ i વાતસાર
(બ) હૃદધૌતિ i દંડધૌતિ, ii વમનધૌતિ iii ગજકરણી, iv બાધી ક્રિયા, v વસ્ત્રધૌતિ, vi વાયુભક્ષણ
(ક) મૂલશોદન
(ડ) દંડધૌતિ- i દંતમૂલ શોધન, ii કર્ણશોધન, iii જીહ્વામૂલ શોધન, iv કપાલરન્ધ્ર શોધન
- કપાલભાતિ
(1) નામ: કપાલ એટલે મસ્તક અને ભાતિ એટલે પ્રકાશિત કરે છે. કપાલભાતિમાં અભ્યાસથી ચહેરા પર તેજ આવે છે. તેથી તેને કપાલભાતિ કહે છે.
(2) યોગશાસ્ત્રમાં ઉલ્લેખ: હઠપ્રદીપિકામાં સ્વાત્મારામ કપાલભાતિનું જે સ્વરૂપ વર્ણવે છે તે સ્વરૂપ પ્રમાણે આપણે અહીં કપાલભાતિની પદ્ધતિ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ.
‘લુહારની ધમણની જેમ તીર્વ ગતિથી રેચક-પૂરક કરવાથી કપાલભાતિ થાય છે. તે કફદોષનો નાશ કરનારી છે.’ ધેરંડ સંહિતામાં શીત્ક્રમ કપાલભાતિ અને વ્યુત્ક્રમ કપાલભાતિ એવા બે વિશેષ પ્રકારોનું વર્ણન છે.
(3) આસન:
પ્રાણાયામ માટે ઉપયુક્ત એવું આસન કપાલભાતિ માટે પણ ઉપયુક્ત છે. એટલે કે કુશાસન પર મૃગચર્મ કે ઊનનું આસન પાથરી તેના પર સુતરાઉ સફેદ કાપડ પાથરી આસન બનાવવું. તેમ શક્ય ન હોય તો ગડી વાળેલો કામળો પણ ચાલી શકે. કપાલભાતિમાં અભ્યાસ વખતે પદ્માસનમાં બેસવું તે સૌથી ઉત્તમ છે. કારણ કે કપાલભાતિ શ્વાસોચ્છ્વાસની તીવ્રતાને કારણે છૂટી જાય તેવી શક્યતા છે.
પદ્માસનમાં આવું જોખમ નથી. જેઓ પદ્માસનમાં ન બેસી શકે તેઓ બીજા અનુકૂળ ધ્યાનોપયોગી આસનમાં બેસી શકે છે. આસન ધારણ કર્યા પછી હાથની ગોઠવણી કપાલભાતિમાં વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. બંને હાથને ઢીંચણ પર હથેળી રાખી દૃઢતાપૂર્વક ગોઠવો. શરીર સહેજ આગળ નમાવો, હાથ ઢીંચણ પર દબાવીને રાખો. આટલું કરવાથી આસન દૃઢ થશે, જે કપાલભાતિ માટે આવશ્યક છે. કમરથી ઉપરનું શરીર મસ્તક સહિત સીધી રેખામાં રાખો જેથી શ્ર્વસનક્રિયામાં અવરોધ ન થાય.
(ક્રમશ:)
આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રજ્ઞા એટલે જ્ઞાન પ્રાપ્તિનું મનસાતીત કરણ



