તંદુરસ્તી-મનદુરસ્તી : બંધ – મુદ્રા ને શોધન કર્મ…

- ભાણદેવ
- પ્રસ્તાવ:
ભગવાન પતંજલિપ્રણિત અષ્ટાંગ યોગ અર્થાત્ રાજયોગનાં આઠ અંગો છે – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સ્પષ્ટ જ છે કે રાજયોગના આ સાધનક્રમમાં બંધ, મુદ્રા અને શોધનકર્મનો ક્યાંય ઉલ્લેખ નથી. આનો અર્થ એમ થયો કે આ ત્રણે સાધનો રાજયોગનાં સાધનો નથી. આમ છતાં રાજયોગના કોઈ સાધક આ સાધનોનો ઉપયોગ કરે તો તેમાં કોઈ હાનિ કે વિસંગતતા નથી, બલકે તેમના દ્વારા સાધન લાભાન્વિત જ થાય છે.
હઠયોગનાં ચાર અંગો છે – આસન, પ્રાણાયામ, મુદ્રા અને સમાધિ. હઠયોગના કેટલાક ગ્રંથોમાં બંધને મુદ્રાની અંતર્ગત ગણવામાં આવે છે. વળી ત્રિબંધ પ્રાણાયામમાં મૂલબંધ, ઉડ્ડિયાનબંધ અને જાલધંર બંધનો વિનિયોગ છે જ. તેથી બંધ અને મુદ્રા હઠયોગના સ્વકૃત અંગ સ્વરૂપે છે, તેમ કહી શકાય.
હઠપ્રદીપિકામાં શોધનકર્મને હઠયોગનું એક સ્વતંત્ર અંગ ગણેલ નથી. આમ છતાં આ ગ્રંથમાં શોધનકર્મોને એક મૂલ્યવાન સહાયક સાધન ગણીને તેમનું વિશદ વર્ણન કરવામાં આવેલ છે. ઘેરંડ સંહિતામાં શોધનકર્મને હઠયોગનું એક અંગ ગણીને તેમનું ઘણું વિશદ વર્ણન કરવામાં આવેલ છે. આમ યોગમાં શોધનકર્મનું યોગાંગ તરીકે કે સહાયક યોગાંગ તરીકે મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
હવે આપણે અહીં આ ત્રણે યોગાંગોનાં સ્વરૂપોને સમજવાનો પ્રયત્ન કરીએ.
- બંધ:
બંધ એટલે બાંધવાની ક્રિયા. બંધ હઠયોગનું એક સાધનવિશેષ છે. બંધ એક એવી યૌગિક ક્રિયા છે કે જેમાં શરીરના કોઈ ભાગને દૃઢતાથી સંકોચીને તેને બાંધી દેવામાં આવે છે. બંધમાં શરીરના ભાગને બાંધવાની આ ક્રિયા સ્નાયુઓ દ્વારા બને છે, પરંતુ તેનું પરિણામ જ્ઞાનતંત્ર પર પડે છે. આમ બંધ વસ્તુત: સ્નાયુતંત્ર અને જ્ઞાનતંત્રનો બંધ છે તેથી તેને Neuro-Mascular Lock કહેવામાં આવે છે.
આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તીઃ કુંડલિની શક્તિનું જાગરણ આધ્યાત્મિક ખજાનાને ખોલવાની ચાવી છે…
બંધનો અભ્યાસ સ્વતંત્ર રીતે પણ કરી શકાય છે. દા.ત. ઉડ્ડિયાન બંધનો સ્વતંત્ર રીતે કરેલો અભ્યાસ પણ ઘણો મૂલ્યવાન અભ્યાસ છે. બંધનો અભ્યાસ પ્રાણાયામના ભાગરૂપે પણ કરવામાં આવે છે. દા. ત. જાલંધર બંધનો કુંભક દરમિયાન વિનિયોગ કરવામાં આવે છે. વળી ત્રિબંધ પ્રાણાયામમાં ઉડ્ડિયાન, મૂલ અને જાલંધર – આ ત્રણે બંધનો વિનિયોગ થાય છે. આ ઉપરાંત મુદ્રાના ભાગરૂપે પણ બંધનો અભ્યાસ થાય છે. દા.ત. મહામુદ્રામાં ઉપરોક્ત ત્રણે બંધનો વિનિયોગ કરવામાં આવે છે.
કેટલાક યૌગિક ગ્રંથોમાં મુદ્રાઓની સાથે જ બંધોને મૂકવામાં આવેલ છે. અર્થાત્ બંધ અને મુદ્રાને એક જ યોગાંગ ગણવામાં આવેલ છે. બંનેનાં સ્વરૂપમાં ઘણું મળતાપણું હોવાથી બંનેને સાથે મૂકવામાં આવે છે, તેમ લાગે છે.
બંધ પ્રમાણમાં કઠિન અને જોખમી ક્રિયા છે. હઠયોગમાં બંધને મુદ્રાની જેમ આગળની ક્રિયા ગણવામાં આવેલ છે.
બંધનો અભ્યાસ ઘણો અસરકારક છે, કારણ કે આ અભ્યાસ પ્રમાણમાં તીવ્ર અભ્યાસ છે. સાથે સાથે તે જોખમી હોવાથી સાધકે તેના અભ્યાસમાં સાવધાન રહેવું જોઈએ. અધિકારી વ્યક્તિ પાસેથી જ બંધનો અભ્યાસ કરવો જોઈએ. બંધના અભ્યાસમાં નાની ભૂલ પણ મોટા દુષ્પરિણામનું કારણ બની શકે છે.
પ્રાણાયામ અને મુદ્રામાં બંધ સહાયક – સાધન તરીકે જોડવામાં આવે ત્યારે તે બંને સાધનોની તીવ્રતા અને અસરકારકતા ઘણી વધી જાય છે. દા.ત. સાદા પ્રાણાયામ કરતાં ત્રિબંધ પ્રાણાયામ ઘણો તીવ્ર અને ઘણો વધુ અસરકારક છે.
નીચેના બંધ હઠયોગમાં વિશેષ પ્રચલિત અને મહત્ત્વનાં છે-
- ઉડ્ડિયાન બંધ
- જાલંધર બંધ
- મૂલબંધ
- જિહ્વા બંધ
- મહાબંધ
- મહાવેધ
- કર્ણમુદ્રા
- ષણ્મુખીમુદ્રા
- શક્તિચાલિનીમુદ્રા
- પાશિનીમુદ્રા
- અશ્ર્વિનીમુદ્રા
યોગમુદ્રા, વિપરીતકરણી આદિ થોડી સરળ મુદ્રાઓના અપવાદ સિવાય સામાન્યત: મુદ્રાઓનો અભ્યાસ કઠિન, જોખમી અને ગુરુગમ્ય છે. આવી મુદ્રાઓનો અભ્યાસ અધિકારી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ જ અને સાવધાનીપૂર્વક જ કરવો જોઈએ.
- શોધન કર્મ:
(1) શોધન કર્મ એટલે શું?
શોધન કર્મ એટલે શરીરના અંદરના અવયવોને સાફ કરવા માટેની વિશિષ્ટ યૌગિક ક્રિયાઓ.
જેમ આપણે જળ વડે ધોઈને અને કપડા વડે લૂંછીને બહારની સપાટી સાફ કરીએ છીએ તેવી રીતે શરીરની અંદરના અવયવોને સાફ કરવાની પદ્ધતિ યોગમાં વિકસી છે. આ માટે ભિન્ન – ભિન્ન ક્રિયાઓ પ્રયોજવામાં આવે છે. આ ક્રિયાઓને શોધનકર્મ કહેવામાં આવે છે. શરીર અંદરના અવયવોનું શોધન કરવા માટે યોગમાં ચાર સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. (I)પાણી (II)વસ્ત્ર કે દોરી (III) હવા (IV) શરીરચાલન, બસ્તિ, વારિસાર, જલનેતિ વગેરેમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ધૌતિમાં વસ્ત્ર અને સૂત્રનેતિમાં સૂતરની દોરી વપરાય છે. કપાલ ભાતિમાં હવાથી શોધન કરવામાં આવે છે. નૌલિ કે અગ્નિસારમાં કોઈ બાહ્ય સાધનોનો ઉપયોગ થતો નથી, પરંતુ માત્ર શરીરનાં અવયવોનાં ચાલન દ્વારા જ શોધન કરવામાં આવે છે. ત્રાટકમાં માત્ર આંખની સ્થિર સ્થિતિ દ્વારા શોધન કરવામાં આવે છે.
(2) શોધન કર્મનું મૂલ્ય:
(I) યોગમાં નાડીશોધનને ખૂબ મૂલ્ય આપવામાં આવે છે. નાડીશોધન સિદ્ધ કર્યા વિના ઊચ્ચ પ્રાણાયામ અને અંતરંગયોગનો અભ્યાસ કરનાર સાધક જોખમ વહોરી લે છે. નાડીશોધન સિદ્ધ કરવા માટે શોધન કર્મનું પ્રદાન મૂલ્યવાન છે. યોગમાં ના ડીશોધન (અનુલોમવિલોમ) નામનો એક ખાસ પ્રાણાયામ છે, જેનાથી સાધક નાડીશોધન સિદ્ધ કરે છે. એક પરંપરા નાડીશોધન સિદ્ધ કરવા માટે માત્ર નાડીશોધન પ્રાણાયામને પ્રર્યાપ્ત માને છે, પરંતુ બીજી પરંપરા પ્રમાણે નાડીશોધન માટે આ પ્રાણાયામ ઉપરાંત શોધન કર્મોથી શરીરનું શોધન કરવું આવશ્યક છે.
વસ્તુત: શોધન કર્મો દ્વારા શરીરનું શોધન થાય છે તે ઘટશોધન ગણાય છે અને નાડીશોધન પ્રાણાયામ દ્વારા જે શોધન થાય છે તે નાડીશોધન છે. ઘટશોધન પ્રથમ સોપાન છે અને નાડીશોધન પછીનું સોપાન છે. ઘટશોધન સિદ્ધ કર્યા પછી નાડીશોધન સિદ્ધ કરવું સરળ બને છે. આમ ઘટશોધન સિદ્ધ કરીને શોધન કર્મો નાડીશોધન માટે સહાયક બને છે.
હઠયોગપ્રદીપિકામાં સ્વાત્મારામ પ્રાણાયામના પ્રકરણમાં પ્રારંભમાં જ શોધન કર્મોનું વર્ણન કરે છે. તેમ કરીને તેઓ એમ સૂચવે છે કે સાધન શોધન કર્મોના અભ્યાસ દ્વારા શરીરને વાત આદિ દોષોથી મુકત કરે અર્થાત્ ઘટશોધન સિદ્ધ કરે અને પછી જ પ્રાણાયામના અભ્યાસ તરફ આગળ વધે.
(II) જ્યાં સુધી શરીરમાં વાત, પિત્ત અને કફજન્ય દોષ હોય ત્યાં સુધી યોગાભ્યાસ કઠિન અને જોખમી છે. આંતરડાંમાં મળ અને વાયુ ભરેલા હોય તે અવસ્થામાં પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ સુકર નથી. આમ હોવાથી ઊચ્ચ યોગાભ્યાસનો પ્રારંભ કરતાં પહેલાં ત્રિદોષજન્ય રોગોનું નિવારણ આવશ્યક છે. આ કાર્ય શોધનકર્મોથી સારી રીતે થઈ શકે છે.
(ક્રમશ:)
આ પણ વાંચો…તંદુરસ્તી-મનદુરસ્તી : શવાસન હૃદય ને જ્ઞાનતંત્રને બળવાન તથા કાર્યક્ષમ બનાવે છે