સ્વાસ્થ્ય સુધા : મોરૈયો છે તંદુરસ્તી માટે સુપરફૂડ…

-શ્રીલેખા યાજ્ઞિક
અષાઢી એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ચારમાસ માટે નિદ્રાધીન બને છે. મહારાષ્ટ્રમાં અષાઢી એકાદશીને ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભક્તો આ દિવસે ખાસ ઉપવાસ રાખે છે. અનેક ભક્તો ચાર માસ માટે ઉપવાસ કે એકટાણાં કરવાનું પસંદ કરે છે. વળી અષાઢ માસ બાદ તહેવારોની મોસમ શરૂ થતી હોય છે. કેમ કે પવિત્ર શ્રાવણ માસનું આગમન થાય છે. વ્રત ઉપવાસમાં ખાસ ઉપયોગમાં લેવાતા તેવા મોરૈયાના સ્વાસ્થ્ય લાભ અનેક છે.
મોરૈયો જાદુઈ બાજરા તરીકે પણ લોકપ્રિય છે. અંગ્રેજીમાં તેને બ્રાનયાર્ડ મિલેટ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય તળેલી ચટાકેદાર વાનગીઓ કરતાં અનેક ગણો પૌષ્ટિક મોરૈયો ગણાય છે. તેથી આ જો ચાર માસ માટે કે પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ કે એકટાણું કરવાના હોવ તો તળેલી વાનગીને તિલાંજલી આપીને સ્વાસ્થ્યપ્રદ મોરૈયાનું સેવન અચૂક કરવા જેવું છે. વ્રત કે ઉપવાસ દરમિયાન શરીરમાં અનેક વખત કમજોરી અનુભવાતી હોય છે. તે સમયે મોરૈયાને ભોજનમાં સ્થાન આપવાથી વારંવાર ભૂખ લાગવી કે નબળાઈની તકલીફ અનુભવાશે નહીં. મોરને પ્રિય હોવાથી તેને ‘મોરધન’ તરીકે ઓળખવામાં આવે છે. મોરૈયા માટે એવું કહેવાય છે કે તેમાં પ્રોટીન, કૅલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ, આયર્નની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. પોષક ગુણોથી ભરપૂર હોવાથી હાડકાંને મજબૂતાઈ આપવાની સાથે શરીરને ઊર્જાવાન બનાવી દે છે.
‘વ્રતના ચાવલ’ તરીકે તે ઓળખ ધરાવે છે. વિશ્ર્વમાં તે વિવિધ નામે ઓળખાય છે. જેમ કે વરી, સામો, મોરૈયો તથા ભગર. જેમના શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તેમને માટે શ્રેષ્ઠ આહાર ગણી શકાય.
મોરૈયામાં સમાયેલાં પોષક તત્ત્વોની જાણકારી મેળવીએ તો 100 ગ્રામ મોરૈયામાં ડાયેટરી ફાઈબરનું પ્રમાણ 13.6 ગ્રામ, આયર્નની માત્રા 18.6 મિલીગ્રામ, કૅલ્શિયમનું પ્રમાણ 22 મિલિગ્રામ, કાર્બોહાઈડ્રેટ 55 ગ્રામ, થાયમિન 0.33 મિલીગ્રામ, નિયાસિન 4.2 મિલીગ્રામ, પ્રોટીન 11 ગ્રામ, વિટામિન બી-1, 0. 33 મિલીગ્રામ, વિટામિન બી-2 0.10 મિલીગ્રામ, વિટામિન બી-3 4.2 મિલીગ્રામ હોય છે. તેથી જ આહાર-તજજ્ઞો પ્રોટીન પાઉડર ખાવાની ઈચ્છા રાખતી વ્યક્તિને પૌષ્ટિક ગુણોથી ભરપૂર મોરૈયો ખાવાની સલાહ આપે છે.
આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા: કાચાં કેળાં આરોગ્ય માટે ગુણકારી
મોરૈયાના સ્વાસ્થ્ય લાભ
ઍનિમિયામાં ગુણકારી : શરીરમાં આયર્ન ઘટી જાય ત્યારે વ્યક્તિને નબળાઈનો અનુભવ થવા લાગે છે. પૂરતી માત્રામાં શરીરમાં આયર્ન હોવું અત્યંત આવશ્યક ગણાય છે. વારંવાર તાવ આવી જવાની તકલીફમાં મોરૈયો અત્યંત ગુણકારી ગણાય છે. મોરૈયામાં દાડમની સરખામણીમાં 5 ગણી વધુ માત્રામાં આયર્ન સમાયેલું છે. હિમોગ્લોબીન ઓછું હોય તેમને માટે મોરૈયો ઉત્તમ આહાર ગણી શકાય. મહિલાઓ માટે મોરૈયો વરદાન સમાન ગણાય છે. વારંવાર થાકી જવું કે ચક્કર આવવાની તકલીફથી રાહત મળી શકે છે.
હાડકાં મજબૂત રાખવામાં ગુણકારી : મોરૈયામાં કૅલ્શિયમ તથા ફોસ્ફરસની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે. જે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીથી બચાવવામાં મદદ કરે છે. મોરૈયાનું નિયમિત સેવન કરવાથી હાડકાંનું કળતર ઘટે છે.
પાચનક્રિયા સુધરે છે : મોરૈયામાં ફાઈબરની માત્રા વધુ હોવાથી પાચનતંત્રની વિવિધ તકલીફથી રાહત મેળવી શકાય છે. મોરૈયો ગ્લૂટેન ફ્રી હોવાથી ગ્લુટેન જેમને માફક ના આવતું હોય તેમને માટે ઉત્તમ આહાર ગણી શકાય.
વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ : મોરૈયામાં કૅલરીનું પ્રમાણ ઓછું હોય છે. વળી ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જેથી મોરૈયાના સેવન બાદ લાંબા સમય સુધી વ્યક્તિને ભૂખ લાગતી નથી. વળી તેમાં રહેલું પ્રોટીન તથા ફાઈબર મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે. પાચનમાં હલકું તથા ઍનર્જીથી ભરપૂર છે. 100 ગ્રામ મોરૈયામાં કૅલરીનું પ્રમાણ 75 છે. 1.5 ગ્રામ પ્રોટીન હોય છે. તેથી ઓછી કૅલરીવાળા ખોરાક ખાવાનો નિયમ પાળતી વ્યક્તિ માટે મોરૈયો શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય.
આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા : રામબુતાન એક એવું ફળ જે અનેક બીમારીમાં કારગર
ડાયાબિટીસ તથા કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી : મોરૈયામાં ફાઈબર તથા પ્રોટીનની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. જેથી ડાયાબિટીસની વ્યાધિ ધરાવતી વ્યક્તિ મોરૈયાનું સેવન કરી શકે છે. વળી મોરૈયાનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ 41.7 છે જેથી તેના સેવન બાદ લોહીમાં શર્કરાની માત્રા ઝડપથી વધશે નહીં. લિપીડ પ્રોફાઈલમાં સુધારો જોવા મળી શકે છે.
ઍન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર : મોરૈયા માટે એવું કહેવાય છે કે સામાન્ય ભાત કરતાં તેમાં 30 ગણી વધુ માત્રામાં ઍન્ટિ -ઑક્સિડન્ટ પૉલિફિનોલ્સ જેવા વિવિધ ફાઈટોકેમિકલ્સ હોય છે. જે શારીરિક તકલીફમાં રાહત આપે છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ શરીરમાં ડિટોક્સિીફાઇંગ એજન્ટ તરીકે કામ કરે છે. જેથી હૃદય સંબંધિત બીમારી, ડાયાબિટીસ તથા કૅન્સર જેવી વ્યાધિથી બચવામાં ઉપયોગી થઈ શકે છે.
કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં લાભકારી : નિયમિત રીતે મોરૈયાનો સમાવેશ આહારમાં કરવાથી કૉલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. મોરૈયામાં કાર્બ્સ તથા ફેટની માત્રા ઘણી ઓછી હોય છે. જે કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છોે. ચયાપચયની પ્રક્રિયામાં સુધારો થાય છે. જેને કારણે વજન નિયંત્રણમાં રહે છે.
મોરૈયામાંથી બનતી વિવિધ વાનગીઓની યાદી ઘણી લાંબી બની શકે છે. કેમ કે આજકાલ પ્રત્યેક વ્યક્તિ સાદું સરળ ખાવાને બદલે વાનગીને નવતર પ્રયોગ દ્વારા સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક બનાવીને ખાવાનું પસંદ કરે છે. જેમ કે મોરૈયામાંથી ઢોંસા, ચકરી, ખીર, ઈડલી, ઉત્તપમ, ટિક્કી, ખીચડી, ખીર, પુલાવ તથા ભજિયા બનાવી શકાય છે.
મોરૈયાના ઢોંસા
2 કપ મોરૈયો, 4 નંગ બાફેલાં બટાકા, 1 નાની ચમચી જીરુ, 4 નંગ લીલા મરચાં ઝીણાં સમારેલાં, 1 મોટી ચમચી આદું ઝીણું સમારેલું, 2 ચમચી દહીં, સ્વાદાનુસાર સિંધવ મીઠું, જરૂર મુજબ ઘી, 1 પેકેટ ઈનો
ચટણી બનાવવા માટે : 1 કપ શેકેલાં સિંગદાણા ફોતરા કાઢેલાં. 2 નંગ લીલાં મરચાં, 1 ટૂકડો આદું, 2 મોટી ચમચી કોથમીર, 1 નાની ચમચી દહીં. 1 નાની ચમચી ખાંડ, સ્વાદાનુસાર સિંધવ મીઠું.
બટાકાનો માવો : બાફેલાં બેટેકાંનો માવો બનાવી લેવો. એક કડાઈમાં ઘી મૂકીને તેમાં જીરુ, મીઠાં લીમડાંના પાનને ઝીણા સમારીને ઉમેરવાં. લીલા મરચાંને ઝીણાં કાપીને ઉમેરવાં, આદુંને ઝીણું સમારીને ઉમેરવું. સ્વાદાનુસાર સિંધવ તથા થોડી દળેલી ખાંડ ઉમેરવી. કોથમીરથી સજાવીને રાખવું.
બનાવવાની રીત : સૌ પ્રથમ મોરૈયાને બરાબર સાફ કરીને 1 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેનું પાણી કાઢીને એકદમ ઝીણું મિક્સરમાં વાટી લેવું. વટાઈ ગયા બાદ તેમાં ઝીણાં લીલા મરચાં, આદું, શેકેલું જીરુ, દહીં, સ્વાદાનુસાર સિંધવ મીઠું ભેળવીને ખીરૂ બરાબર હલાવી લેવું. તેમાં એક નાનું પૅકેટ ઈનો ઉમેરીને બરાબર હલાવી લેવું. મિશ્રણમાંથી નૉનસ્ટીક તવા ઉપર ઢોંસા બનાવવા. બટેકાંનો માવો ઢોંસા ઉપર પાથરીને ઘી લગાવીને કડક બનાવવા.
ચટણી બનાવવા માટે શેકેલી સિંગ, લીલા મરચાં, દહીં, સિંધવ, ખાંડ વગેરેને એકસાથે મિક્સરમાં ધીમે ધીમે વાટી લેવું. કોથમીરથી સજાવીને મોટી વાટકીમાં કાઢી લેવું. ગરમા-ગરમ ઢોંસા સાથે મીઠી મધુરી ચટણી પીરસવી.
સ્વાદિષ્ટ મોરૈયાના ગરમા-ગરમ ઢોંસા ચટણી સાથે પીરસવા.
આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા: સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ ગણાય છે દિવેલ- કૅસ્ટર ઑઈલ