તરોતાઝા

મારું પોતાનું અર્થતંત્રઃ સંપત્તિને માણવા માટે મનની શુદ્ધતા સૌથી મહત્ત્વની છે…

ગૌરવ મશરૂવાળા

પૈસાનો સંબંધ કેટલીય માનવીય લાગણીઓ સાથે હોય છે- ક્રોધ, હતાશા, ઈર્ષ્યા, લાલચ, શરમ, અસલામતી, એકલતા, સ્ટેટસ, લઘુતાગ્રંથિ, દુશ્મનાવટ, વગેરે. પરસેવો રેડીને કમાયેલી સંપત્તિનો આનંદ ઉઠાવવામાં આ તમામ લાગણીઓ અને ગ્રંથિઓ આપણને નડતરરૂપ થાય છે.

આપણે મહેનત કરીએ છીએ, પૈસા કમાઈએ છીએ અને બચત તેમ જ રોકાણ કરીને સંપત્તિ ઊભી કરીએ છીએ. સામાન્યપણે આપણે સંપત્તિનું સર્જન આપણી જવાબદારીઓ પરિપૂર્ણ કરવા માટે તેમ જ ભૌતિક સાધનોમાંથી આનંદ મેળવવા માટે કરતાં હોઈએ છીએ.

કલ્પના કરો કે આપણે વર્ષોથી જેનું સપનું જોયું હતું તે કાર ખરીદવા જઈએ છીએ. કાર ખરીદતાં પહેલાં તેની ટેસ્ટ ડ્રાઈવ લીધી હતી, તેના રિવ્યુ વાંચ્યા હતા, મિત્રો અને સંબંધીઓમાંથી જેમની પાસે આ મૉડેલ હોય તેમને કેટલાય સવાલો કરીને કારની કામગીરી અંગે જાણકારી મેળવી હતી.

આખરે નવીનક્કોર કાર ઘરે આવે છે. આખા પરિવારના થનગનાટનો પાર નથી, પરંતુ થોડાક જ દિવસોમાં કોઈ પાડોશી આપણા કરતાં મોટી અને લૅટેસ્ટ મૉડેલની કાર લઈ આવે છે. આપણે તરત તેની સાથે સરખામણી કરવા માંડીએ છીએ. મનમાં ઈર્ષ્યાનો ભાવ સળવળવા લાગે છે. પરિણામે આપણી પાસે આપણી ડ્રીમ-કાર હોવા છતાં તેનો આનંદ લઈ શકતા નથી.

હવે બીજો પ્રસંગ લો. સમજો કે તમે તમારી પુત્રીના લગ્ન ધામધૂમથી કરવાનું નક્કી કરો છો. આખા પરિવારમાં ત્રણ દાયકા બાદ લગ્નનો અવસર આવ્યો હોવાથી બધા ખુશ ખુશ છે. છ મહિનાથી લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગ્નનાં બરાબર ત્રણ અઠવાડિયાં પહેલાં તમને ખબર પડે છે કે વેવાઈપક્ષના લોકો લગ્નની જુદીજુદી ઉજવણીઓમાં જે કપડાં અને ઘરેણાં પહેરવાનાં છે તે એકદમ આલા દરજ્જાનાં છે.

તમને લઘુતાગ્રંથિની લાગણી થવા લાગે છે. આખા લગ્નપ્રસંગ દરમિયાન તમે જાનૈયાઓએ તેમ જ બીજા મહેમાનોએ શું પહેર્યું છે તે જોયા કરો છો અને ખુદને તેમની સાથે સરખાવ્યા કરે છો. લઘુતાગ્રંથિની આ લાગણી આખા પ્રસંગની મજા બગાડી નાખે છે.

આપણું જ મન આપણી સંપત્તિનો આનંદ લેવામાં અડચણો પેદા કરે છે. એમાંય આનંદ-પ્રમોદ માટે ખર્ચ થઈ રહ્યો હોય ત્યારે આવાં માનસિક વિઘ્નો ખાસ ઊભાં થતાં હોય છે. આપણે આપણા માંહ્યલામાં જરા ઊંડા ઊતરીને જોઈશું તો સમજાશે કે ઈર્ષ્યા, લઘુતાગ્રંથિ, શરમ, લાલચ એ બધી આપણા મનની જ પેદાશ છે.

કારનું મૉડેલ ગમે તે હોય, ક્યાંક કોઈકની પાસે આપણા કરતાં વધુ મોંઘી અને અદ્યતન કાર હોવાની જ. તે જ પ્રમાણે આપણા કરતાં ઊતરતું મૉડેલ ધરાવનારા પણ ઘણા હોવાના. રોજ ઑફિસ જવા માટે બસમાં ધક્કા ખાતાં કોઈ નોકરિયાતને પૂછજો. ધારો કે એને તમારા કરતાં સસ્તી અને ઊતરતી કક્ષાની કાર મળી જાય તોય એ કેવો રાજીરાજી થઈ જાય? મૉડેલ નવું છે કે જૂનું તેનાથી એને કશો ફરક પડે ખરો?

આ જ તંતુને આગળ વધારીએ તો, તમારા વેવાઈ અથવા સમાજમાં બીજા કોઈ પાસે તમારા કરતાં વધુ મોંઘાં કપડાં અને ચીજવસ્તુઓ ભલે હોય, પરંતુ સમાજમાં એવા લાખો લોકો છે જેમની પાસે ઑફિસ, ઘર, પાર્ટી, વૅકેશન વગેરે માટે અલાયદાં કપડાં નથી હોતાં. તેમની પાસે કપડાંની બે-ત્રણ જોડી માંડ હોય છે જે તેઓ વારાફરતી બધી જગ્યાએ પહેર્યા કરે છે.

જેમની પાસે આપણા કરતાં વધારે છે તેમની સાથે ખુદને સરખાવતાં રહીશું તો દુખી થઈશું. જેમની પાસે આપણા કરતાં ઓછું છે તેમની સાથે આપણી જાતની તુલના કરીશું તો રાજી થઈશું. આનો અર્થ એવો થાય કે આપણાં દુ:ખ અને સુખનો આધાર અન્ય લોકો પાસે શું છે અને શું નથી તેમ જ તેઓ શું કરે છે કે શું કરતા નથી તેના પર રહેલો છે. આ કંઈ બહુ સારી સ્થિતિ નથી.

પ્રફુલ્લિત અને આનંદિત રહેવું હોય તો તમે જે છો તે બની રહો. તમારી જાતનું નિરીક્ષણ કરો. ખુદ પર ભરોસો રાખો. મારા લેખકમિત્ર જયેશ ચિતલિયાએ `લાઈફ ઈઝ બ્યુટીફૂલ’માં લખ્યું છે તેમ, ઈશ્વરે આપણને દરેકને કંઈક ને કંઈક અનન્ય આપેલું છે. જીવનને ભરપૂરપણે અને ઈશ્વરે આપેલી સંપત્તિને બીજાઓ સાથે સરખામણી કર્યા વગર તમને ઠીક લાગે તે રીતે એને માણો.

યોગિક વેલ્થ
સંપત્તિને માણવા માટે આપણા મન પર કાબૂ હોવો ખૂબ જરૂરી છે. આપણા સૌને માટે સૌથી મોટા પડકાર હંમેશાં આ જ હોવાનો!

આ પણ વાંચો…એકલી આર્થિક સંપત્તિ હાનિકારક નીવડે છે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button