તરોતાઝા

આ પત્ર એ જ મારું બીલીપત્ર

મોજની ખોજઃ સુભાષ ઠાકર

પ્રિય મહાદેવ,

કેમ છો? મજામાં? આજે તો શિવરાત્રી, તારો પૂજાવાનો દિવસ એટલે જલસા જ હોય ને? આમેય તું ક્યાં માણસ છે કે તને અમારી જેમ ધન-સાધન, પદ-પ્રતિષ્ઠા, કીર્તિ- નામના આ બધુ કમાવાની ચિંતા હોય, અમારે આ બધુ મેળવવા પર્વતમાંથી ઝરણુ નદી બનવા દોડે એમ તારા પાછળ દોડવુ પડે છે. તું મળીશ એ આશાએ બાબુલનાથથી માંડી અમરનાથ સુધીના મંદિરોમાં તને શોધવા તારા ભક્તો ‘ચંદાકો ઢુઢને સભી તારે નીકલ પડે’ ગાતા ગાતા નીકળી પડે છે. આમ છતાં તું ક્યાં મળે છે? એકવાર મેં પણ તને મોબાઈલ લગાવ્યો પણ તારો અવાજ સાંભળી હું ચમક્યો.

‘પ્રભુ, આપના અવાજને શું થયું? હિમાલયની ઠંડીથી શરદી થઇ છે? આમ સ્ત્રી જેવો અવાજ? પછી ખબર પડી કે મોબાઈલ અમરનાથના બદલે વૈષ્ણવદેવી લાગી ગયેલો.

મારે તો રૂબરૂ મળવું હતુ પણ ગૂગલમાં સર્ચ કર્યું તો ખબર પડી કે એ માટે અમારે ફરજીયાત કૈલાસવાસી થવું પડે, પણ કઈ લાશ કૈલાસવાસી થશે એ કેમ ખબર પડે. અને તને મળવા મરવા જેવું ગાંડપણ પણ ન કરાય.

પ્રભુ, એક ખાનગી સવાલ કરું? આ અમારામાં જેમ માણસો સ્વર્ગવાસી થાય તો પ્રાર્થનાસભા યોજાય છે એમ તમારામાં ફલાણા કે ઢીકણાભાઈ પૃથ્વીવાસી થયા છે એવું અખબારમાં છપાવી શ્રદ્ધાંજલિસભા રાખો છો?

પ્રભુ, તું ક્યાંય ન મળ્યો એટલે અંતે ખૂબ મનોમંથન પછી આ પત્ર લખવા પ્રેરાયો ને આ પત્ર એ જ મારું બીલીપત્ર…નાઉ ટેલ મી. તું ઉપરથી નીચે મોકલે છે તો પાછો ઉપર બોલાવે છે શું કામ? ને બોલાવે છે તો મોકલે છે શું કામ? તારું આ ગણિત સમજાતું નથી ને મોકલીને તું વળી કઈ ગલીમાં છુપાઈ જાય છે? અરે, તારે મળવું જ ન હોય તો આ જનમ-મરણનો ખેલ માંડ્યો શું કામ? કોના માટે માંડ્યો છે? મને પણ ચંબુએ કીધુ ‘અંકલ, શિવરાત્રી છે ચાલો બાબુલનાથ દર્શન કરવા.’

‘કેમ ભૈ, દિવાળીમાં કે હોળીમાં પ્રભુ હિમાલય જતો રહેશે? જો ચંબુ, તું મને ઈશ્વર કરતાં પણ વધારે વ્હાલો લાગે છે એટલે તને કંપની આપવા આવીશ. બાકી મેં તો નક્કી જ કર્યું હતું કે આખી ચાલીમાંથી બટકુ રોટલો માગીને ચલાવી લઉં, અરે તેના જ મંદિર આગળ બેસી ભીખ માગુ પણ અંદર તો નઈ જ આવુ. રોજના કેટલા ભિખારીઓ ભક્તના રૂપમાં જાય છે. શું મળ્યું? ચંબુ, જેના કાનમાં આપણી ફરિયાદ પહોંચતી જ ન હોય, ને આટલો જ્ઞાની હોવા છતાં આપણા ચહેરાની મજબૂરી વાંચી ન શકતો હોય એની પાસે વળી શું જવાનું? એના કરતા સરકાર સારી કે ‘અચ્છે દિન આયેંગે’ બોલી આશામાં જીવાડે તો છે’.

‘અરે અંકલ, થોડી ધીરજ રાખવાની. આપણે અનેક છીએ તે એક જ છે. તેની પાસે ફરિયાદોની ફાઈલોનો ઢગલો પડ્યો છે. અને તેણે આપણામાં શ્વાસ મુક્યો તો આપણે થોડો વિશ્વાસ નઈ મુકવાનો?’

‘થોડો નઈ એ વિશ્વનાથ પર પૂરો વિશ્વાસ. વિશ્વાસ પર તો વિશ્વ ટક્યુ છે. પણ મોંઘવારીમાં ગરીબોની આંખમાં વિહાર ને વૈતરણા છલકાય છે એ લુછવા નઈ આવવાનું?
એની ચિંતા એને નઈ કરવાની?’
‘અંકલ, તમે તો આદું ખાઈને ઈશ્વર પાછળ પડી ગયા છો.’

‘આદું પણ ક્યાં સસ્તુ છે કે એ ખાઈને ઈશ્વર પાછળ પડાય? ચાલ, આપણે નીકળીએ મંદિર જવા. ને હું અહી આવી ગયો…

‘ભગવંત, તારું મંદિર જોઈ હું દંગ થઇ ગયો. મને થયું અલ્યા પ્રભુ, આ મુંબઈમાં હવે જગ્યાના ભાવ સ્ક્વેરફૂટના બદલે સેન્ટીમીટરમાં બોલાવા લાગ્યા છે તેથી અમે તો 10 બાય 10ની ખોલીમાં આખો પરિવાર ટૂંટિયુ વાળીને પડ્યો રહે છે ને તું આવા અબજોના આલીશાન મંદિરમાં જલસા કરે છે તો તને અમારી દશા પર દયા નથી આવતી?’

‘યુ નો? તારા મંદિર બહાર હું ને ચંબુ લાઈનમાં ઊભા હતા
ત્યાં પેટાપૂજારીએ આવી પૂછ્યું ‘દર્શન કરવા આવ્યા છો?’
‘તો શું અમે અહીં ટેલિફોનનું બીલ ભરવા ઊભા છીએ?’ મેં સામે પૂછ્યું

‘200 રૂપિયા આપો તો હમણાં તત્કાલ દર્શન કરાવું ભીડમાંથી મુક્તિ.’
‘તું 100 આપ તો અમે દર્શન કર્યા વગર જ જતા રહીશુ, હવે બોલ’ ચંબુની પણ છટકી

‘શું બોલું સાહેબ, ઘર દર્શનથી નઈ પૈસાથી ચાલે છે એટલે તો આ ધંધો ચાલુ કર્યો. તમે 200 આપશો એમાંથી મારા ભાગે તો 25 જ આવશે બાકીના અંદર આપવામાં…’ એટલું બોલી નીકળી ગયો.

દર્શનની લાઈનમાં હજી બે કલાક લાગશે. એટલે મને થયું જગતના માલિકના દર્શન નઈ થાય તો ચાલશે પણ ઓફિસનો માલિક નોકરીમાંથી કાઢી મુકશે તો ક્યાં જઈશ?

છેલ્લે એક બોલ્ડ વાત પૂછું? અમે તારા મંદિરમાં આવવા તારા આમંત્રણની ક્યારેય રાહ જોઈ નથી તો તું અમારા ઘરે આવવા કઈ આમંત્રણ પત્રિકાની રાહ જોઈ બેઠો છે?

આપણે તો લાગણીઓથી એવા બંધાયા છીએ કે અમને તારા વગર ન ફાવે તો તને અમારા વગર કેમ ફાવે? બોલ ખોટુ કીધુ? અમે ભલે તને મળવા લાઈનમાં ઊભા રહીએ પણ મને મળવા તારે લાઈનમાં નઈ ઊભા રહેવુ પડે.

પ્રોમિસ બસ. બોલ ક્યારે આવે છે? પ્રભુ છેલ્લો પ્રશ્ન. સાચુ બોલજે આ અમને ક્યારેક ભગવાન બનવાની ખુજલી ઉપડે છે એમ તને ક્યારેય ભક્ત થવાનું તૂત ઉપડે છે?’

-ને બોસ અચાનક પહેલીવાર મૂર્તિ બોલી:
‘તારું પત્યું? તો હું બોલુ, કોઈને કહેતો નઈ પણ તારે મંદિર આવવાનું જ નથી.

જેમ બોરમાં ઠળિયો છુપાયો હોય એમ જનમથી હું તારામાં છુપાયો છું. તારા અંદર જીવ નથી પણ શિવ છે. તો તારું શરીર એક મંદિર બન્યું કે નઈ? હવે તું જ ભક્ત ને તું જ ભગવાન. સમજ્યો?’

સાલુ, આ મૂર્તિ બોલી ને મારી બોલતી બંધ કરી દીધી.
શું કહો છો?

આ પણ વાંચો…મોજની ખોજઃ બોલો શું વિચાર્યું… કાલે કાપશો કે આપશો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button