તરોતાઝા

 મહાન ભારતમાં ખેલાશે મહાભારત

મોજની ખોજ -સુભાષ ઠાકર

ગેરકાનૂની ચેતવણી :

‘આ લેખ વાંચતાં પહેલાં તમારા તર્ક-વિતર્ક : આવું તો હોતું હશે?’ એ વિચારોને અભરાઇ ઉપર ચડાવી દેશો તો જ લેખનો આનંદ મુક્ત મને માણી શકશો…. ચેતવણી પૂરી. હાં ,તો હું આ દિવાળીએ સિંહને મળવા એની ગુફામાં ગયો.  ‘અરે, આવ ઠાકર બેસ હેપી દિવાળી’

 સિંહે આવકાર આપ્યો પછી પૂછ્યું : 

‘પેલા નેતાઓની જેમ વર્ષમાં એક જ વાર મોઢું બતાવાનું? શું ચાલે છે તમારા માણસોમાં?’ ‘ચર્ચા… તમારી જ ચર્ચા.. તમે દિવાળીના દિવસે પેલાનો કોળિયો કરી ગયા…આ સારું કહેવાય? એ આ વખતની ચૂંટણીનો એક ઇજ્જતદાર ઉમેદવાર હતો..’  ‘એમ નથી.. જો, ડિયર..તમને ક્યારેક  નોન-વેજ ખાવાનું મન થાય તો અમને પંજાબી ડિશ ખાવાનું મન ન થાય? ફોર એ ચેન્જ ..બાકી અમારી જિંદગીમાં બકરા ને ભેંશ જ હોય …બોલો બીજી શું છે નવા-જૂની?’ ‘બીજું એ કે તમે વનરાજ છો- માન છે, નામ છે-પ્રતિષ્ઠા છે. ખોટું ન લગાડતા, પણ દુખ એ બાબતનું છે કે તમે કપડાં વગર દિગંબર ફરતાં શરમ નથી આવતી?’ 

Also read: સવારે આંખ ખુલતા જ કરો આ 6 કામ, જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં થાય, ખુશીઓ પણ જીવનભર રહેશે.

‘શરમ શેની, યાર? ’ સિંહ મૂછમાં હસ્યો : ‘જેવા છીએ એવા દેખાવાનું. સાચું કહું? જ્યારથી કાપડની શોધ થઈ ત્યારથી જ તમારામાં નાગડાઇની શરૂઆત થઈ. એક તો તમારું ગળી ગયેલા કેળા જેવું બોડી છે ને ‘લાયન્સ ક્લબ’ ચલાવો… ઘરમાં બકરી ને બહાર લાયન્સ અમને કોઈ દહાડો ‘મેન્સ ક્લબ’ ચલાવતા જોયા? બકા, તમે કપડાં પહેર્યા છે, પણ ચરિત્રથી નાગા છો અને ચરિત્રથી નાગા માણસને ઈશ્ર્વર પણ માફ નથી કરતો. અરે, કેટલાક  નેતા નામ પાછળ ‘સિંહ’ લગાડે છે, પણ છે એનામાં અમારા સિંહ જેવા ગુણ? દોસ્ત, તમારી તો લાયન્સ ક્લબ નઇ, પણ ફોક્સ ક્લબ ખોલવી જોઈએ. આખી જાત લૂચ્ચી છે શિયાળ જેવી! સત્તાના લાલચુ બધા એકબીજાને ગુલામ બનાવવા નીકળ્યા છે. ભક્તિની ઉમ્મરે કુસ્તી કરવા નીકળ્યા છે.’ 

સહેજ પોરો ખાઈને જંગલના એ રાજાએ ઉમેર્યું :      

‘હવે મહાન રાષ્ટ્ર – નામે  મહારાષ્ટ્ર’માં મહાભારત ખેલાશે. ચાલો, હું નીકળું, શિકારનો સમય થઈ ગયો.’ બીજી બાજુ બકરી અને એનું બચ્ચું જંગલમાં ભૂલા પડ્યા ને ડમરીથી વિષ્ણુ પ્રગટ થાય એમ સિંહ પ્રગટ થયો. બકરી ને બચ્ચુ ગભરાયા.

બાપડું બચ્ચુ વાઇબ્રેટર મોડ પર આવી ગયુ :

‘મમ્મી,  સિં…હ માર્યા ઠાર. આજે જીવનનો છેલ્લો દિવસ. હમણાં ફાડી ખાશે ને કાલે જંગલમાં આપણું બેસણું ..! ’

‘અરે ડરવાનું નઇ, ડર ગયા તો મર ગયા એ આજે આપણને કઈ નઇ કરે…! ’ ‘કેમ, ડરવાનું નઇ, એ કઈ તારો ભૂતકાળનો બોયફ્રેન્ડ છે? ને તું કઈ ચારણક્ધયા છે કે તારા માટે કોઈ લલકારે :  ‘૧૪ વરસની ચારણક્ધયા…સિંહણ તારો ભડવીર ભાગ્યા ’ ને એ સાંબળીને એ  ભાગી જાય?!’ 

એટલામાં સિંહ નજીક આવી બોલ્યો :

‘કેમ છે, બકરીબેન મજામાં? ક્યાં નીકળ્યા?’  ‘હે રાજન, અમે મોર્નિંગ વોકમાં નીકળેલા એમાં જંગલમાં ભૂલા પડ્યા ને અત્યારે ઈવનિંગ વોકનો ટાઇમ થયો.’  ‘અરે,તો સવારથી પેટપૂજા નઇ કરી હોય તો ચાલો પહેલા ‘પેટપૂજા હોટલ’માં’

હોટલમાં જઈ સિંહે પૂછ્યું : 

‘બોલો, શું લેશો?’ ‘શું બાપુ તમે પણ, તમે જે મંગાવો એ. પુછાતું હશે? ‘એક કિલો ઘાસ, બસ?’ ‘એક શું કામ, વેઇટર, બે કિલો ઘાસ લાવો આમના માટે.’‘બાપુ, આપના માટે?’

સિંહ વેઇટરને એક બાજુ ખેચીને બોલ્યો : 

‘ડોબા, મને ભૂખ લાગી હોત તો આ બે સામે બેઠા એ પેટમાં પડ્યા હોત. હું કઈ માણસ નથી કે ભૂખ ન હોય તો પણ પેટ કે પટારો ભર્યા કરું!’ 

આટલું કહી સિંહ બકરી તરફ ફર્યો :  ‘બકરીબેન,  દીકરીની ફી ભરાઈ ગઈ? ફટાકડા ફોડયા? માલિક બરાબર રાખે છે ને? લે આ સાડી ..આ કાર્ડ ..કઈ કામ હોય તો મોબાઇલ કરવાનો ..સમજ્યા? ચાલો, હું બીલ ચૂકવી નીકળું…મારે એક અગત્યનું કામ પણ પતાવાનું છે…બાય !’

 ‘અરે મમ્મી, તું તો કહેતી હતી કે આપણી જાત જ એવી કે માણસ અને હિંસક પશુ બંને આપણને ખાઈ જાય ને આ સિંહ ..આપણને આટલા મસકા મારે? કંઈ સમજાયું નહીં’

Also read: આરોગ્ય વીમામાં કૅશલેસ ક્લેમ કઈ રીતે કરી શકાય ? એના આ મહત્વના મુદ્દા જાણી લો…

‘હા બેટા, જંગલમાં ચૂંટણી આવે છે ને આ સિંહ ઉમેદવારનું ફોર્મ ભરવા જાય છે. હવે આ મહાન રાષ્ટ્ર-મહારાષ્ટ્રમાં ખેલાશે ચૂંટણીનું મહાભારત….ચૂંટણી બે ચરણમાં યોજાશે. પહેલાં ઉમેદવાર  આપણા ચરણમાં ને ચૂંટણી પછી આપણે જીતેલા ઉમેદવારના ચરણમાં….!  આ ઉમેદવારો હમણાં ગાશે : ‘હમે તુમસે પ્યાર કિતના યે હમ નહીં જાનતે મગર જી(ત) નહીં સકતે તુમ્હારે  બીના અને જીતી ગયા  પછી આપણને ઓળખશે નહીં ને આપણે ગાવું પડશે:  મતલબ નિકાલ ગયા હૈ તો પહેચાનેતે નહીં!’ મિત્રો, આ મિની જંગલ -કથા વાંચ્યા પછી વિચારી- સમજીને મત આપજો ..!  શું કહો છો?                                                       

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button