તરોતાઝા

પ્રેમમાં લાગણી હોય- માગણી ન હોય…!

મોજની ખોજ – સુભાષ ઠાકર

‘હે પ્રભુ, જીવનસાથી મેળવવા માટે દરેક શુભ ચોઘડિયુ મારા માટે કાળ ચોઘડિયું બનીને કેમ આવતું હશે’ એવો વિચાર કરતો કરતો ચંબુ બજારમાંથી નીકળ્યો ને એક દુકાનની બહાર બોર્ડ વાંચ્યું ‘લગ્ન માટેનો બધો સમાન મળશે.’

મોઢામાંથી ચર્ચગેટથી વિરાર જેવડું લાં…બુ ‘વાઆઆઆઉ’ સરી પડ્યું. હૈયામાં હરખની હેલી વરસી ને આશા સાથે દુકાનદારને કીધુ ‘બકા, લગનનો બધો સમાન રાખતા હો તો ફટાફટ એક સારી ક્વોલિટીની કુંવારી ક્ધયા બતાવો.’

દુકાનદાર ચમક્યો : ‘એ સામાનમાં આવે? અરે કોઈના મૃત્યુ પછી એની અંતિમક્રિયાના સામાનની દુકાનમાં કફન, દોણી, ફૂલ કે શબવાહિની કે એમ્બ્યુલન્સ મળે પણ લાશની વ્યવસ્થા આપણે જાતે કરવી પડે. એ દુકાનમાં ન મળે…’

‘એટલે?’ ચંબુએ પૂછ્યું
‘એટલે લગ્નના સામાનમાં બેન્ડવાજા, ડોલી, મંડપ, હારતોરા કે ઘોડાની વ્યવસ્થા, ઈત્યાદિ અમે કરી આપીએ પણ ક્ધયાની વ્યવસ્થા તમારે કરવી પડે. અન્ડરસ્ટેન્ડ?’

‘અરે એ અન્ડરસ્ટેન્ડ કે ઓવરસ્ટેન્ડની સગલી’ ચંબુની છટકી : ‘સાલુ, લગન માટેનો મૂળ સામાન જ નથી રાખતા તો આવી દુકાન ખોલીને શું રમી રમવા બેઠા છો? મારી દો તાળું ને થઇ જાઓ ઘરભેગા’ એટલું બોલી પગ પછાડતા પછાડતા ચંબુ નીકળી ગયો. ચંબુની આશા નિરાશામાં પલટાઈ ગઈ ને મારી પાસે આવ્યો.

‘ચંબુ તારું મોઢું કેમ પાંજરાપોળની ગાય જેવું થઇ ગયું છે?’

‘મારું મોઢું પાંજરાપોળની ગાય જેવું થાય કે તબેલાની ભેંશ જેવું. તને શું ફેર પડે છે. ઠાકર, યુ નો? કોઈનો પ્રેમ મેળવવા શરૂ-શરૂમાં દૂધના ઊભરા જેવા નાનકડા રોમેન્ટિક ઊભરા મારા હૈયામાં ઊભરાતા, પણ 38 વટાવ્યા પછી તો સમુદ્રના વિશાળ મોજા હિલોળા લેવા લાગ્યા છે પણ હજી મારા ઇતિહાસના પાના ન ખૂલ્યા. ઠાકર, હવે એકલવાયું જીવન જીવાતું નથી. તું પેલી તારી ફૈબાની દીકરી ચંપા જોડે આપણો ઇન્ટ્રો કરાવને યાર, કદાચ એનું મંગલ મંદિર ખોલવા તૈયાર થઇ જાય.’

‘ચોક્કસ. પ્રેમ માટે તારા જેવા કેટલાય અતૃપ્ત આત્માઓ ભટકતા હોય છે, પણ એક વાત યાદ રાખજે કે જેમ પ્રેમ થતાં સમય ક્યાં પસાર થાય છે એ સમજાતું નથી એમ સમય જતા પ્રેમ ક્યાં જતો રહે છે એ પણ સમજાતું નથી.’

‘નહી. દોસ્ત ભૂલે છે તું … પ્રેમ તો માણસને એટલો બધો ભરી દે છે કે એની એકલતા ભરવા બીજા સહારાની જરૂર પડતી નથી.’

‘તો કાલે કાકાના ત્યાં લગ્નમાં ચાલ મારી સાથે…આપણે તારા માટે પ્રયત્ન કરીએ.’

બીજા દિવસે મહાભારતમાં તીર છોડતી વખતે વૃક્ષના તમામ પર્ણોને છેદી અર્જુનને જેમ માત્ર પંખીની આંખ દેખાયેલી ને પછી સનનન કરતી વિધાયેલી એમ લગ્નમાં પધારેલી સમગ્ર નારી જગતની ભીડને છેદી અચાનક ચંબુની નજર માત્ર ને માત્ર ચંપા પર પડી ને ધીરે ધીરે એનો ચહેરો કળીમાંથી ફૂલની જેમ ખીલવા લાગ્યો. ચોખ્ખા ઘીનો શીરો જેમ ગળામાંથી ઉતરી જાય એમ ચંપાનું રૂપ ચંબુના હૈયામાં ઉતરી ગયું. ચંપા એવી રૂપાળી કે જો કોઈ 80-85નો ડોહો પણ 15 સેકંડ સુધી સતત ધારીધારીને જુએ તો એના ચશ્માંમાં કરોળિયાના જાળા જેવી તડ પડી જાય ને પછીની પાંચ સેક્ધડમાં તો ચશ્માંનો જાડો કાચ પણ ફટ કરતો ફૂટી જાય. ચંપાને જોઈ ચંબુનો આત્મા પોકારવા લાગ્યો :

‘અબ હમે કોઈ નહિ રોક સકતા. દૂર હટો દૂર હટો

એ દુનિયાવાલો એ ચંપા હમારી સોરી…મેરી હૈ’

વાત પણ સાચી હતી. આખા દિવસમાં જ્યારે ઈશ્વરને એક જ પીસ બનાવવાનું મન થયું હશે ને ચંપા ઘડી હશે… ચંપાને મેળવવા ચંબુના હૈયામાં મહાભીષણ યુદ્ધ ફાટી નીકળ્યુ. મને કહે : ‘ઠાકર, હવેથી ચંપા સિવાયની બધીઓ મારા માટે માં,બહેન દીકરી કાકી, મામી, માસી, ફઈ.. હું ઉપર પહોંચી જઉં ને મારી તસવીર ઉપર કોઈ હાર પહેરાવી દે એ પહેલા લગ્ન મંડપમાં ચંપા હાર પહેરાવે તો જલસો પડી જાય. ઠાકરિયા સાલા, જો તો ખરોના ગાલમાં કેવા સુંદર ખાડા પડે છે હવે હું જોઉં છું એ ખાડામાં મારા સિવાય બીજું કોણ કોણ પડે છે?’

‘તું જ એ ખાડામાં પડ, પણ એ ખાડાના મોહમાં પછી તારા પેટમાં ખાડા ન પડે, તેના ગાલ પરના ખાડા તો દેખાશે પણ તારા પેટનો ખાડો કપડાંના આવરણમાં એવો છુપાઈ જશે કે ઘરના કે સરકાર કોઈ શોધી નઈ શકે. ગાલના ખાડા સુંદર લાગે, પણ પેટના ખાડા રામદેવબાબા સિવાય કોઈ દેખાડી શકતું નથી.’

‘પણ કેમ જાણે મારું મન ચંપા તરફ ખેચાઇ રહ્યું છે.’

‘કબૂલ, તારું મન ખેચાતું હશે પણ પછી એના બાપુજી ડાબા હાથની એવી ખેંચી દે કે તું હંમેશ માટે ઉપર ખેંચાઇ જાય ને બાપુજીને બ્રહ્મહત્યાના કેસમાં જેલવાળા ખેંચી જાય. સમજ્યો?’

‘શું કામ ખેંચી દે કેમ જગતમાં કોઈને ચાહવું એ ગુનો છે? મુંબઈના જીવનમાં કોઈના ફ્લેટમાં કદાચ જગા ન મળે પણ પ્રેમ સાચો હોય તો હૃદયમાં જગ્યા મળી જાય દોસ્ત ને પ્રેમ એ તો હૃદયની સમજણ છે. માણસ એકલો રહી શકતો નથી એ કોઈનો પ્રેમ ઝંખે છે.’
‘એગ્રી, પણ પ્રેમ મેળવ્યા કરતા આપવામાં વધારે માને છે, કોઈનો પ્રેમ પામવો હોય તો પ્રેમને માપવો ન જોઈએ.

પ્રેમમાં લાગણી હોય માગણી ન હોય. તારો પ્રેમ હજી વન-વે ટ્રાફિક જેવો છે ચંપાની ઈચ્છા ક્યાં જાણી છે. તે ભલે ગાયુ ‘દૂર હટો…યે ચંપા મેરી હૈ પણ હવે સાચા હૃદયથી એવો પ્રેમ મેળવ કે આવતી 26 જાન્યુઆરીએ ચંપા ગાવા લાગે ‘સારે જહાં સે અચ્છા ‘યે ચંબુડા હમારા’…

શું કહો છો?

આપણ વાંચો:  અકાળે વૃદ્ધત્વથી બચાવ જરૂરી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button