સ્વાસ્થ્ય સુધાઃ સદાબહાર યુવાન બનાવતું સ્વાદિષ્ટ-પૌષ્ટિક ફળ લૈંગસૈટ! | મુંબઈ સમાચાર

સ્વાસ્થ્ય સુધાઃ સદાબહાર યુવાન બનાવતું સ્વાદિષ્ટ-પૌષ્ટિક ફળ લૈંગસૈટ!

શ્રીલેખા યાજ્ઞિક

અનેક ભારતીયો વિવિધ ફળોના સ્વાદના દીવાના હોય છે. તો વળી કેટલાંક શોખીનો વિવિધ શાકભાજીના શોખીન હોય છે. દિવસમાં એક વખત તેમને જો મનપસંદ શાક કે ફળ ખાવા મળી જાય તો તેમનો ચહેરો આનંદિત બની જાય છે. આજે એક એવા ફળની વાત આપણે કરવાના છીએ, જે સ્વાદસભર હોવાની સાથે આપના પર્સને થોડું હલકું કરી દેશે. યુવાનીની સાથે સાથે- સ્વાસ્થ્યની સંભાળ લેવી હોય તો તેનું મૂલ્ય તો ચૂકવવું વ્યાજબી છે.

લૈંગસૈટ કે લૈંજોન્સ એક નાનું અમથું ફળ છે. જે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં ઊગે છે. આ ફળ દેખાવમાં પીચ જેવું હોય છે, પરંતુ તેની અંદરનો ગર સફેદ હોય છે. તેના બીજ કડવા હોય છે. લૈંગસૈટના વૃક્ષો સૌ પ્રથમ દક્ષિણ-એશિયાઈ ક્ષેત્રોમાં જોવા મળ્યા હતા.

મોટા લૈંગસૈટને ડુકૂ કહેવામાં આવે છે. લૈંગસૈટનો પાક ગુચ્છામાં જોવા મળે છે. ઈન્ડોનેશિયા-થાઈલૅન્ડ, સુમાત્રા વગેરે દેશોમાં તેને મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં એપ્રિલથી સપ્ટેમ્બરના છ માસના ગાળામાં નીલગીરીની દક્ષિણ પહાડી ક્ષેત્રમાં ઊગે છે. ફળનો સ્વાદ તીખો-મીઠો-ખાટ્ટો હોય છે. પાકેલાં લૈંગસૈટનો સ્વાદ અત્યંત રસદાર સ્વાદિષ્ટ હોય છે.

તાજા તાજા લૈંગસૈટનો જ ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. લાંબા સમય સુધી રાખ્યા બાદ ખાવાથી તે બેસ્વાદ બની જાય છે. કિંમતની વાત કરીએ તો આશરે 750-800 રૂપિયે પ્રતિ-કિલોના ભાવે વેચાય છે.

લૈંગસૈટના પૌષ્ટિક ગુણો જોઈએ તો તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ખનિજ, વિટામિન તથા ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વિટામિન-એ, થાયમિન, રાઈબોફ્લેવિન જેવા પોષકતત્ત્વો સમાયેલાં છે. જે શરીરને માટે લાભકારી ગણાય છે.

દક્ષિણ ભારતમાં લૈંગસૈટની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. તેને વધુ પાણીની આવશ્યક્તા હોતી નથી. તેથી જે રાજ્યોમાં વરસાદ ઓછો હોય ત્યાં પણ લૈંગસૈંટની ખેતી સરળતાથી કરી શકાય છે. છોડ રોપ્યાના 3-4 વર્ષ બાદ વૃક્ષ બરાબર મોટું થાય ત્યારબાદ ફળ આપવાની શરૂઆત કરે છે. લૈંગસૈંટના ફળો વૃક્ષ ઉપર લગભગ 100 વર્ષ સુધી નિરંતર પાકે છે. એપ્રિલથી જૂન દરમિયાન વૃક્ષ ઉપર નાના પીળા રંગના ફૂલો સૌ પ્રથમ ઊગે છે. ધીમે ધીમે તે લીલા રંગના ઝૂમખાંમાં નાના ફળનું રૂપ લે છે. ઑગસ્ટથી સપ્ટેમ્બરમાં પીળા રંગના ફળ પાકીને ખાવા માટે તૈયાર બની જાય છે.

આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા : મોરૈયો છે તંદુરસ્તી માટે સુપરફૂડ…

લૈંગસૈટ -નાળિયેર સ્મુધી

સામગ્રી : 1 કપ છોલીને બીજ કાઢેલાં લૈંગસૈટ, 1 કપ નાળિયેરનું દૂધ અથવા લીલા નાળિયેરની મલાઈ, 1 કપ સાદું દૂધ, સ્વાદાનુસાર ખાંડ, 1 ચમચી મધ, 7-8 ફૂદીનાના પાન બનાવવાની રીત : સૌ પ્રથમ લૈંગસૈટ ફળના માવાને તૈયાર કરવો. નાળિયેરનું દૂધ બજારમાંથી લેવું અથવા 1 નાળિયેરની મલાઈ લેવી. મિક્સરમાં સાદું દૂધ, નાળિયેરનું દૂધ, ફળનો માવો, નાળિયેરની મલાઈ વગેરે ભેળવીને સ્વાદાનુસાર ખાંડ ભેળવવી. મિક્સરમાં બધુ બરાબર એકરસ થઈ જાય ત્યારબાદ મધ ભેળવવું. ફૂદીનાના પાનથી સજાવી ગ્લાસમાં બરફના ટુકડાં ગોઠવીને ઠંડુ ઠંડુ સર્વ કરવું.

લૈંગસૈટ એક અનોખું તથા સ્વાદિષ્ટ ફળ છે. જેની વિદેશી બજારમાં ભારી માગ જોવા મળે છે. ફક્ત સ્વાદ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણાય છે. તેનું ફળ-બીજ બધું જ ઉપયોગી ગણાય છે. વધતી વયમાં યુવાન દેખાવાની સાથે તંદુરસ્તી જળવાઈ રહે તેવી ઈચ્છા ધરાવતી વ્યક્તિએ તેનું સેવન અવશ્ય કરવું જોઈએ. ફળોના શોખીનોમાં લૈંગસૈટની મોસમમાં ફળ ખાવાની ઈચ્છા તીવ્ર બની જતી હોય છે.

આ ફળના મુખ્ય ઉત્પાદક દેશો જેવા કે ઈન્ડોનેશિયા, મલેશિયા, બ્રુનેઈ, ફિલિપાઈન્સ, થાઈલૅન્ડ વગેરે ગણાવી શકાય. લૈંગસૈટના અન્ય નામોની વાત કરીએ તો લાન્સા, ડુકુ, લૅંગેસ, લૅન્સોન, કૉકોસન તથા લૅન્ગસેપ છે. હવે તો લૈંગસૈટના ફળ ટીનમાં મળવા લાગ્યા છે. કાચા ફળનો ઉપયોગ અથાણું બનાવવામાં થાય છે. તો પાકેલાં ફળનો ઉપયોગ સલાડ કે સ્મુધી બનાવામાં કરી શકાય છે.

લૈંગસૈટના સ્વાસ્થ્ય લાભ

લાલ રક્તકણોની સંખ્યા વધારે છે: લૈંસસૈટમાં રાઈબોફ્લેવિન તથા થાયમિન જેવા પોષક ગુણ જોવા મળે છે. રાઈબોફ્લેવિન લાલ રક્ત કોશિકાના નિર્માણમાં મદદ કરે છે. જે સંપૂર્ણ શરીરના વિકાસમાં મદદ કરે છે. શરીરને શક્તિવર્ધક બનાવે છે.
ઍન્ટિ મૅલેરિયા બીજ: દેશ-વિદેશમાં લૈંગસૈટ જેવા અજાયબી ફળ ઉપર સંશોધન થઈ રહ્યું છે. એના દ્વારા જાણવા મળ્યું છે કે નાના બટાકા જેવા દેખાતા ફળના બીજ ઍન્ટિ-મલેરિયા માટે અત્યંત લાભદાયી સાબિત થયા છે. પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ ગંભીર પ્રકારનો મલેરિયા ગણાય છે. લૈંગસૈટ ફળના બીજમાં ખાસ પ્રકારનો રસ છે જે તાવના સંક્રમણથી શરીરને બચાવે છે. લૈંગસૈટ ફળમાં વિટામિન-સીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જેથી તે શરદી-સળેખમ-તાવને દૂર કરવામાં મદદ કરી શકે છે.

મુલાયમ ત્વચા માટે ફાયદાકારક: લૈંગસૈટ ફળમાં ઍન્ટિ-ઓક્સિડન્ટના ગુણો ભરપૂર માત્રામાં સમાયેલાં છે. જે ત્વચાના સંરક્ષણ માટે આવશ્યક ગણાય છે. આ ફળનું સેવન કરવાથી શરીરમાં વિટામિન-સીની ઊણપ રહેતી નથી. ફળના સેવન બાદ શરીર તાજગી અનુભવે છે. શરીરમાં કૉલેજનનું ઉત્પાદન વધે છે. જે તંદુરસ્ત ત્વચા માટે ગુણકારી ગણાય છે. લૈંગસૈટમાં વિટામિન-એની માત્રા સારા પ્રમાણમાં છે. જે શરીરના વિવિધ અવયવો જેવાં કે આંખ, દાંત, હાડકાં, ત્વચા તેમજ સ્નાયુઓને તંદુરસ્ત બનાવવામાં મદદ કરે છે.

વજનને નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી: લૈંગસૈટમાં વિટામિન-સી તથા ફાઈબરનું પ્રમાણ વધુ છે. જેને કારણે ફળના સેવન બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વળી લૈંગસૈટના સેવન બાદ વજન વધી જવાનો ડર રહેતો નથી. જે સામાન્ય રીતે કેરી કે કેળાં જેવાં ફળને વધુ પ્રમાણમાં ખાવાથી થતો હોય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે: દેખાવે બટાકા જેવાં ઝૂમખાંમાં ઊગતાં લૈંગસૈંટનો સ્વાદ માણ્યા બાદ આપને આ ફળ ખાવાની વારંવાર ઈચ્છા થશે. વળી ખટ્ટમધુરો સ્વાદ ધરાવતાં આ ફળના સેવન બાદ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. કેમ કે તેમાં વિટામિન-સીની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે. નાની નાની બિમારી જેવી કે થોડું પલળ્યા બાદ શરદી લાગી જવી કે થોડું વધુ કામ કર્યા બાદ શરીરમાં નબળાઈ આવી જવી જેવી તકલીફ શરીરમાં પ્રવેશતી નથી. તેનું મુખ્ય કારણ છે વિટામિન-સી તથા ઍન્ટિ-ઓક્સિડન્ટને કારણે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

પાચન ક્રિયા મજબૂત બનાવે છે: લૈંગસૈટમાં ડાયેટરી ફાઈબરનું પ્રમાણ સારી માત્રામાં સમાયેલું હોય છે. જેને કારણે તેના સેવન બાદ વ્યક્તિની પાચનક્રિયામાં સુધારો થવા લાગે છે. નિયમિત લૈંગસૈટનું સેવન કરવાથી વ્યક્તિના આંતરડાંના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગે છે. ભોજન દ્વારા શરીરમાં પ્રવેશતાં પોષક દ્રવ્યોનું પાચન સારી રીતે થવા લાગે છે.

આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા : સાદી સફેદ ખાંડ છોડીને અપનાવો નાળિયેરની ખાંડ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button