મોજની ખોજ : અંદર બેઠો છે એ જીવ નથી પણ શિવ છે… | મુંબઈ સમાચાર

મોજની ખોજ : અંદર બેઠો છે એ જીવ નથી પણ શિવ છે…

-સુભાષ ઠાકર

અષાઢને જેવું કીધુ કે સાવનકો આને દો તો તુર્ત જ અષાઢ ખસી ગયો ને લો આ આયા સાવન ઝૂમકેની જેમ શ્રાવણની એન્ટ્રી થઈ… શિવમંદિરમાં ભક્તોનાં ટોળાં એવા ઝૂમી ઉઠ્યાં ને તૂટી પડ્યાં કે કેમ જાણે શિવજી ભાદરવામાં પાછા હિમાલય ભાગી જવાના હોય… બધા ભક્તોની જેમ ‘તું મળશે’ એ આશાએ હું પણ શ્રાવણમાં બધાં કામ અભરાઈ પર ચડાવી પેલા ભાભૂ(ભારત ભૂષણ)ની જેમ ‘મન તડપત હરી દર્શનકો આજ’ ગાતો ગાતો મંદિરમાં ગયો પણ મોટો લોચો તે જ આપેલી આંખોથી તું જ ન દેખાયો. સખેદ જણાવું કે મેં શિવમંદિર બહુ જોયા પણ એકેય શિવમાં જીવ ન જોયો એટલે મેં પૂજારીને પૂછ્યું:

‘આટલાં બધામાં ઈશ્વર ક્યાં છે?’
‘મને શું ખબર? ઈશ્વર કઈ મારો માસીનો દીકરો છે?’

‘અલ્યા ટોપા, મંદિરને ને ઈશ્વરને તો તું અંગત મિલકત સમજી બેઠો છે. એણે ક્યારે ખાવું, શું ખાવું ક્યારે સૂવાનું ક્યારે જાગવાનું. ક્યા વાઘા પહેરવાના એ તો તું નક્કી કરે છે ને તું મને કહે છે મને શું ખબર?’

મેં તો પ્રભુને પણ કીધુ ‘ભગુભાઈ, મને તો એ વિચાર આવે છે કે તને એ વિચાર કઈ રીતે ને શું કામ આવ્યો કે ચાલો, આ બ્રહ્માંડમાં એક પૃથ્વી બનાવીએ પછી જંગલ, વાદળ, સમુદ્ર, પાણી, પશુ-પંખી બનાવીએ…એમાંય પતંગિયામાં અલગ અલગ ડિઝાઇન, રંગબેરંગી ફૂલ, મોરને રૂપ ને કાગડાને કાળો, સૂર્યને પ્રકાશ ને ચંદ્રને શીતળતા..કેટલું ગણાવું?
આટલું કર્યા પછી પણ ક્યાં થાક્યો કે પાછું માણસનું પ્રોડક્ષન…લોચો

તો એ પ્રભુ, કે બધા માણસોની ખોપરી સરખી, મગજ સરખા પણ એમાં મૂકેલી બુદ્ધિ અલગ અલગ..જબરી તારી કારીગરી… ન માપી શકાય ન પામી શકાય…પંખીનો માળો ને પશુની ગુફા, કીડી-ઉંદરને દર ને માણસને ઘર ને તારું મંદિર…
ત્યાં તો ચંબુડાએ મંદિરમાં આવી એના દાદા ગુજરી ગયા હોય એવી ‘નમ: પાર્વતી..’ ના નામે જોરદાર પોક મૂકી એને કોણ કહે : બકા, ગળું ઘરે મૂકી આવવું જોઈએ તું અમારો તો ઠીક પણ ભગવાનના કાનનો તો વિચાર કર. છતા કાને આમેય ઓછું સાંભળે છે ને તારી રાડથી જો કાનના પરદા ફાટી જશે તો આપણી ફરિયાદ સાંભળશે કોણ? એટલામાં ચંબુ ચાલુ થઇ ગયો :
‘અલ્યા પ્રભુ, ઘઉંના ભાવ 60 રૂપિયા, જેને કાપ્યા વગર પણ આંખમાંથી પાણી આવે એ ડુંગળીના 80 રૂપિયા. જેને જોઈ મોઢાના બદલે આંખમાંથી પાણી આવે એ સાકારના 60… તારે વાઘચર્મથી ચાલે છે બાકી કાપડના ભાવ ખબર છે? તારી પાસે નંદી છે બાકી અમને પેટ્રોલના ભાવ રોજ સતાવે, તારે હિમાલયમાં ભાડુ ન લાગે બાકી અહીં એક ફૂટના ભાવ 50000 સાંભળી હલબલી જઈશ.’

‘અલ્યા ચંબુ આ બધાના ભાવ ભગવાનને શું કામ કહે છે?’ મેં પૂછ્યું દુકાનદાર દુકાનનું શટર ઉઘાડે એમ ચંબુએ ચક્ષુદ્વાર ખોલ્યા ‘કારણ કે ભગવાન ભાવના ભૂખ્યા છે.’

આ પણ વાંચો….મોજની ખોજ : અરે, તમે ભીષ્મપ્રતીજ્ઞા લેશો તો ભીષ્મ શું લેશે?!

‘અરે ટોપા, ભાવના એટલે અંતરના ભાવના, વસ્તુના નઇ’ ‘અંતરના ભાવથી એનું પેટ ભરાતું હશે…આપણું નઇ સાલું એની મૂર્તિના ભાવ સાંભળી આપણા અંદરના ભાવ ઘટી જાય ને એની સાથેનું અંતર વધતું જાય. જો આ બધાના ભાવ ઘટે તો પ્રભુ પ્રત્યેનો ભાવ વધે. સમજ્યા? યુ નો? આ કાતીલ મોંઘવારીમાં સગ્ગા વૃદ્ધ બીમાર બાપને કહેવું પડે કે પ્લીઝ બાપુ ભૂલથી પણ હમણાં મરતા નઇ.. મારી પાસે કફનના પૈસા નથી, આ સારું કહેવાય?..’
એટલામાં પૂજારી બોલ્યો ‘તારું લોજીક સાચું પણ આ તો પોતે શણગાર કે મુગટ વિનાના.. તમને આપી આપીને કડકા થઈ ગયેલા સમૃદ્ધ ભગવાન.’

‘સમૃદ્ધ? સાલું આપણે બે પગ પકડીએ ને એ એક હાથ પણ ન પકડે તો આ બધું અટકાવતો કેમ નથી?’ ચંબુની છટકી ‘ક્યાંથી અટકાવે?’ પૂજારી બોલ્યો ‘તે પોતે થાકી જાય પાકી જાય ત્રાસી જાય મૂર્તિમાંથી બહાર આવી મંદિર છોડી ભાગી જવાનું મન થાય ત્યાં સુધી બિચારાનો પીછો છોડતા નથી. જથ્થાબંધ માગણીઓનું લિસ્ટ ભયજનક સપાટી વટાવી ચુક્યું હોય અને…’
‘અરે પૂજારીભાઈ, એટલે તો અમે ભજન ને પ્રાર્થના કરીએ છીએ.’

‘તંબુરો ભજન? ભાન વગર ને ભાવ વગર મંડી પડ્યા!
અરે પ્રભુના દર્શન કરતાં પોતાના નામની તકતી ક્યાં ને કેવી મુકાઈ એમાં રસ છે તે મંદિરમાં દર્શન આપવા આવ્યો છે કે દર્શન કરવા એ તો પ્રભુને પણ સમજાતું નથી તેને તો પહેલાં તકતીના દર્શન ને સમય હોય તો પ્રભુના…’
‘અરે, પણ મંદિરમાં દાન માટે રૂપિયા આપ્યા હોય તો પોતાના નામની તકતીની અપેક્ષા….’

‘ચુપ એકદમ ચુપ.. સાલું આખી જિંદગી પાપનું, હરામનું, મફતનું લોકોનું લોહી ચૂસી ચૂસી ભેગું કરી કરીને 500-1000નો ભોગ ધરાવે ને ઈશ્વર કરતાં પોતાની જાતને ચડિયાતો સાબિત કરવા માગે છે તેનું જ આપેલું એને આપી પુણ્યશાળી આત્મા બનવાનું નાટક કરે છે. આમ કરશે તો ઈશ્વર દૂર ભાગશે ક્યાં સુધી ઈશ્વરને છેતર્યા કરીશું? એક વાત જાણી લે, પરમાત્માની જાળમાં જાણીબૂઝીને ફસાઈ જઈશ તો ગાવું નઈ પડે ‘કૈલાસકે નિવાસી પ્રભુ, અમને તાર તું’ કારણકે એની એવી ભ્રમણામાં ફસાયા પછી ખબર પડશે મારો દેહ જ એક મંદિર છે એની અંદર જીવ નથી પણ શિવ છે….! ’
શું કહો છો?

આ પણ વાંચો….મોજની ખોજ: સાચી વાત પુરવાર કરવા પણ ખોટાં કામ કરવા પડે…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button