શું મેદસ્વિતા આરોગ્ય વીમા પૉલિસી લેતી વખતે બાધારૂપ બને? | મુંબઈ સમાચાર
તરોતાઝા

શું મેદસ્વિતા આરોગ્ય વીમા પૉલિસી લેતી વખતે બાધારૂપ બને?

નિશા સંઘવી

ભારતમાં જીવનશૈલીને લગતી બીમારીઓ વધી રહી છે. એમાંની એક છે મેદસ્વિતા એટલે કે જાડાપણું. લોકોને આજકાલ ડાયાબિટીસ અને હૃદયરોગનાં વિવિધ જોખમ વિશે તો ખબર છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે મેદસ્વિતા ફક્ત આરોગ્ય પર નહીં, આરોગ્ય વીમા પૉલિસી લેવામાં પણ અસર કરે છે.

આ પૉલિસીની રકમ, એનું પ્રીમિયમ અને ક્લેમ એ તમામ બાબત પર મેદસ્વિતાની કેવી અસર થાય છે એ આપણે જાણવું જોઈએ…

મેદસ્વી લોકોએ પહેલી આરોગ્ય વીમા પૉલિસી ખરીદતી વખતે અથવા તો પહેલાં લેવાઈ ગયેલી પૉલિસીનું નવીનીકરણ કરાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા આ રહ્યા……

1) વીમા કંપનીઓ BMIની નોંધ કરે છે

BMI એટલે ‘બોડી માસ ઇન્ડેક્સ’. એના પરથી એ જોવામાં આવે છે કે વ્યક્તિ મેદસ્વી છે કે નહીં. BMI નું માપ કાઢવાનું સૂત્ર છે: BMI= વજન (કિલો)/ઉંચાઈ (મીટરમાં). વીમા કંપનીઓ એની ખાસ નોંધ લેતી હોય છે.

BMI પ્રમાણે વજનની શ્રેણી BM ની રેન્જ
સામાન્ય કરતાં ઓછું વજન 18.5 કરતાં ઓછો
સામાન્ય વજન 18.5-24.9
સામાન્ય કરતાં વધારે વજન 25 -29.9
મેદસ્વી (વર્ગ 1) 30 – 34.9
મેદસ્વી (વર્ગ 2) 35 – 39.9
ખૂબ જ મેદસ્વી 40 અને એનાથી વધુ

મોટા ભાગની ભારતીય આરોગ્ય વીમા કંપનીઓ ઇખઈં નો આંક 30થી વધારે હોય તો એને મેદસ્વિતાનું ગંભીર જોખમ ગણે છે. કેટલીક કંપની તો 27.5 કરતાં ઉંચો ઇખઈં હોય અને એની સાથે હાઇ બ્લડ પ્રેસર કે ડાયાબિટીસ જેવી બીમારી હોય તો એને પણ ગંભીર ગણે છે.

2) BMI વધારે તો પ્રીમિયમ વધારે

જો તમારો BMI વીમા કંપની માટેની સ્વીકાર્ય મર્યાદા કરતાં વધારે હોય તો તમારા માટે આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ શકે છે:

  • વધારે પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે (જેને લોડિંગ કહેવાય છે).
  • અમુક વધારાનાં તબીબી પરીક્ષણો કરાવ્યા બાદ જ પૉલિસી મળે છે.
  • કવરેજને લગતાં કેટલાંક બંધનો અને શરતો રાખવામાં આવે છે.
  • મેદસ્વિતા ઘણી વધારે હોય તો શક્ય છે કે પૉલિસી મળે જ નહીં.

ઉદાહરણ:

30 વર્ષની સામાન્ય વજન ધરાવતી વ્યક્તિ એટલે કે વીમા કંપનીને સ્વીકાર્ય હોય એટલોBMI ધરાવતી તંદુરસ્ત વ્યક્તિનું પાંચ લાખ રૂપિયાની પૉલિસી માટેનું વાર્ષિક પ્રીમિયમ જો 10,000 રૂપિયા હોય તો શક્ય છે કે એટલી જ રકમની પૉલિસી માટે મેદસ્વી વ્યક્તિને 13,000થી 16,000 રૂપિયા જેટલું પ્રીમિયમ લાગુ પડે. મેદસ્વિતાનાં જોખમોના આધારે પ્રીમિયમની રકમ બદલાય છે.

3) પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીસીઝ અને એક્સક્લુઝન્સ મેદસ્વી વ્યક્તિઓને જીવનશૈલીને લગતી આ બીમારીઓ થવાનું જોખમ વધારે હોય છે:

  • ટાઇપ ટુ ડાયાબિટીસ
  • હાઇપરટેન્શન
  • સ્લીપ એપ્નિઆ
  • મહિલાઓમાં પોલીસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ (પીસીઓડી)
  • હાડકાંના સાંધાની તકલીફો (ખાસ કરીને ઘૂંટણ, પીઠમાં)
  • હૃદયરોગ

જો આમાંથી કોઈ બીમારીનું નિદાન પૉલિસી કઢાવતાં પહેલાં જ થઈ ગયું હોય તો વીમા કંપની આ પ્રમાણેના નિર્ણયો લઈ શકે છે:

  • એ બીમારીઓને પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીસીઝ ગણે.
  • વેઇટિંગ પીરિયડ લાગુ કરે (પૉલિસી લીધાનાં બેથી ચાર વર્ષ પૂરાં થયા બાદ જ ક્લેમ કરી શકાય).
  • મેદસ્વિતાને સંબંધિત સારવાર (દા.ત. બેરિયાટ્રિક સર્જરી)ને કાયમી સ્વરૂપે એક્સક્લુઝનમાં નાખે.

4) અંડરરાઇટિંગની કડક શરતો અને મંજૂરીમાં વિલંબ કોઈ પણ વ્યક્તિ જ્યારે આરોગ્ય વીમા પૉલિસી માટે અરજી કરે ત્યારે એ અરજી પર અંડરરાઇટિંગ નામની પ્રક્રિયા થાય છે. વીમા કંપની આ જ પ્રક્રિયા દરમિયાન અરજદારના આરોગ્ય સામેનાં જોખમોનું આકલન કરીને એની નોંધ કરતી હોય છે.

આ પણ વાંચો…એનિમિયા પણ ક્યારેક ઘાતક બની શકે છે

મેદસ્વી વ્યક્તિ માટે આ વાત લાગુ પાડવામાં આવી શકે છે:

  • આરોગ્યને લગતા વધુ તથા ઊંડાણપૂર્વકના સવાલો પૂછવામાં આવી શકે છે
  • વધારાના બ્લડ ટેસ્ટ, ઈસીજી કે ટીએમટી વગેરે પરીક્ષણો કરાવવાનું કહેવામાં આવી શકે છે
  • અરજીનો સ્વીકાર કરવામાં વિલંબ થઈ શકે છે અથવા તો વીમા કંપની વધુ દસ્તાવેજો માગી શકે છે.

મેદસ્વી વ્યક્તિઓ સારામાં સારું કવરેજ કઈ રીતે મેળવી શકે?

  • મેદસ્વિતાનાં કોમ્પ્લિકેશન્સ વધે એની પહેલાં જ, શક્ય હોય ત્યાં સુધી ઉંમરના વીસીના કે ત્રીસીના દાયકામાં આરોગ્ય વીમા માટે અરજી કરી દેવી
  • આરોગ્યને લગતી કોઈ પણ માહિતી અરજી કરતી વખતે છુપાવવી નહીં
  • અલગ અલગ કંપનીઓની પોલિસીની તુલના કરો, કારણ કે દરેક કંપની અંડરરાઇટિંગને લગતી અલગ અલગ માર્ગદર્શિકાનું પાલન કરતી હોય છે.
  • લાંબા ગાળાનાં જોખમોને અનુલક્ષીને વધુ મોટી રકમનો વીમો કઢાવવો.
  • વીમા કંપનીઓ દ્વારા આપવામાં આવતા વેલનેસ પ્રોગ્રામ્સ લેવા વિશે પણ વિચારવું, કારણ કે કેટલીક કંપનીઓ વજન ઘટાડવાના અને ફિટનેસ ટ્રેકિંગના પ્રોગ્રામ લેનાર વ્યક્તિને પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ આપતી હોય છે.
  • સ્વૈચ્છિક રીતે તબીબી પરીક્ષણો કરાવવાનું કહેવું, જેથી એમાં તમારા બ્લડ પ્રેસર, કોલેસ્ટરોલ, સુગર, વગેરે જેવાં પરીક્ષણો આવરી લેવાય અને જો એ નોર્મલ આવે તો પૉલિસી સહેલાઈથી અને વધુ પ્રીમિયમ વગર મળી શકે. શું આરોગ્ય વીમા પૉલિસી હેઠળ બેરિયાટ્રિક (વજન ઘટાડવાની) સર્જરી આવરી લેવાયેલી હોય છે?

કેટલીક કંપની આરોગ્યની દૃષ્ટિએ જરૂરી (બેડોળપણું દૂર કરવાની દૃષ્ટિએ નહીં) હોય એવી બેરિયાટ્રિક સર્જરીને આરોગ્ય વીમા હેઠળ આવરી લે છે. જો કે, સામાન્ય રીતે એ વખતે આ પ્રમાણેની શરતો લાગુ પડતી હોય છે:

  • વીમાધારકનો બીએમઆઇ 40 કરતાં અથવા 35 કરતાં વધારે રહેતો હોય અને સાથે સાથે સંબંધિત બીમારીઓ થઈ હોય.
  • સર્જરી કરાવવાની ભલામણ પ્રમાણિત ડોક્ટરે કરી હોય.
  • વીમાધારકે પહેલેથી ખર્ચ મંજૂર કરાવી લીધો હોય અને વેઇટિંગ પીરિયડ (2-3 વર્ષ) પૂરો થઈ ગયો હોય.

અહીં જણાવવું રહ્યું કે વીમા કંપની કોઈ પણ વસ્તુને આવરી લે છે કે કેમ એની તપાસ પૉલિસીનાં નિયમો અને શરતોના આધારે પહેલેથી કરી લેવી.

ટૂંકમાં…

ભારતમાં દરેક વયજૂથમાં મેદસ્વી વ્યક્તિઓ જોવા મળી રહી છે. આવા સમયે આરોગ્ય વીમા હેઠળ એમને આવરી લેવાવા બાબતે પૂરતી સમજણ કે માહિતી હોવી જરૂરી છે. કોઈ વ્યક્તિનું વજન વધારે હોવાના એકમાત્ર કારણસર એમને પૉલિસી મળે નહીં એવું નથી હોતું. આમ છતાં, એ જણાવવું રહ્યું કે મેદસ્વી વ્યક્તિને પૉલિસી આપતાં પહેલાં અનેક બાબતોની ચુસ્ત તપાસ કરવામાં આવે છે, અમુક સંજોગોમાં વધારે પ્રીમિયમ લેવામાં આવે છે અને ક્યારેક કવરેજની બાબતે ઘણી મર્યાદાઓ રાખવામાં આવે છે.

છેલ્લે, એ પણ કહેવું ઘટે કે ઘણી વીમા કંપનીઓ આરોગ્ય સાચવવા માટે પગલાં ભરનારા વીમાધારકોને અનેક રાહતો આપતી હોય છે. આમ, તમે પોતાનું વજન અંકુશમાં રાખો, તો આરોગ્યની દૃષ્ટિએ તથા ખર્ચની દૃષ્ટિએ તમને પોતાને જ એનો ફાયદો થાય છે.

આરોગ્ય વીમો લેવા ઈચ્છુક મેદસ્વી વ્યક્તિઓએ નાની ઉંમરમાં જ પૉલિસી લઈ લેવી, પારદર્શકતા રાખીને બધી જ માહિતી સ્પષ્ટપણે જણાવી દેવી તથા અલગ અલગ કંપનીની પૉલિસીઓની વિગતવાર તુલના કરવી. આરોગ્ય સાચવવાની સાથે સાથે એ પણ જોવું રહ્યું કે આરોગ્ય વીમાનો ખર્ચ વધારે પડતો થઈ જાય નહીં.

આ પણ વાંચો…હૉસ્પિટલનાં બિલમાં થતી ભૂલથી બચવા આટલું ધ્યાન રાખો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button