તરોતાઝા

આર્થિક મામલે અવ્યવહારુ ચંચળ વર્તન

ગૌરવ મશરૂવાળા

રવિ અને શમાને એ વાતની ચિંતા છે કે એમની અઢાર વર્ષની દીકરી પૈસાના મામલામાં બેદરકાર છે. એ પોતાનું બધું જ પોકેટ મની મહિનો પૂરો થાય તે પહેલાં ઉડાડી નાખે છે અને પછી છેલ્લા દિવસોમાં વધારાના પૈસાની માગણી કરે છે. એ કયારેય કાગળ પર લખીને પોતાનું બજેટ બનાવતી નથી.

મેં શમા-રવિને પૂછયું: ‘તમે બજેટ બનાવો છો ખરાં?’ જવાબમાં એમણે જે બહાનાં કાઢયાં તે અફલાતૂન હતાં.
એ કહે: ‘અમારે બજેટ બનાવવાની જરૂર જ પડતી નથી, કેમ કે અમે પછેડી પ્રમાણે જ સોડ તાણીએ છીએ.’ એમનું કહેવું હતું કે, ‘અમે અમારી આવકની ઉપરવટ જઇને ખર્ચ કરતાં નથી એટલે બજેટ ન બનાવીએ તો ચાલે.’

મેં એમને સલાહ આપી કે કમસે કમ થોડા મહિના માટે તમારી દીકરીને મહિનાની આખર તારીખમાં વધારાનું પોકેટમની આપવાનું બંધ કરો. શમાને આ સૂચન ખાસ ગમ્યું નહીં. એણે દીકરીની માગણી વાજબી ઠરાવતાં કહ્યું, ‘પણ એણે રોજ કોલેજ જવાનું હોય, ફ્રેન્ડસ સાથે બહાર ફરવા જવાનું હોય… પૈસા તો જોઇએ જ ને!’

મા-બાપનું આ અવ્યવહારુ વર્તન તમે જુઓ. સૌથી પહેલાં તો એ ખુદ લખીને પોતાનું બજેટ બનાવતાં નથી. એ ભલે આવક કરતાં વધારે ખર્ચ કરતાં ન હોય, પણ દીકરી મહિનો પૂરો થાય તે પહેલાં જ બધા પૈસા વાપરી નાખે છે ત્યારે એને સમજી વિચારીને ખર્ચ કરતાં શીખવવાને બદલે વધારાનું પોકેટમની આપે છે… અને પછી એમને સમજાતું નથી કે દીકરી પૈસાના મામલામાં આટલી બેજવાબદાર કેમ છે!

મિસ્ટર વર્મા ડ્રાઇવરની બાજુમાં બેઠા હોય તો સીટ બેલ્ટ નહીં પહેરે. એમને એમ છે કે એક્સિડન્ટ થશે તો એકલા ડ્રાઇવરને જ ઇજા પહોંચશે. એ ચેઇન સ્મોકર છે, પણ શેરબજારમાં પૈસા રોકવાનું એમને જોખમી લાગે છે. શું વધારે જોખમી છે-સીટ બેલ્ટ ન પહેરવો અને એકધારી સિગારેટો પીવી કે શેરબજારમાં રોકાણ કરવું? શેરબજારમાં, અલબત્ત, નફા અને નુકસાન બન્નેની શકયતા રહે છે, પણ ચીમનીની જેમ સિગારેટો ફૂંકવાથી માત્ર નુકસાન જ થવાનું છે.

આ પણ વાંચો…રોકાણનાં જોખમઃ આપણું મન છે સૌથી મોટું જોખમ…

કાંતિભાઇ અને સુલોચનાબહેન ઇચ્છે છે કે એમની સંપત્તિ કેટલીય પેઢીઓ સુધી ચાલે, પણ પોતપોતાનો ઘરસંસાર વસાવીને સરસ રીતે ઠરી ઠામ થઇ ગયેલા પોતાનાં સંતાનો પરથી લગામ દૂર કરવા એ તૈયાર નથી. એમને લાગે છે કે સંતાનો પૂરતાં જવાબદાર નથી, પણ સંપત્તિ આગલી પેઢીને ટ્રાન્સફર કરવા એ તૈયાર નથી.

પ્રદીપ સિંહ રેસ્ટોરાંમાં જમવા જાય ત્યારે હંમેશાં બિલ ઝીણવટથી ચકાસી લે છે. વાનગીઓની કિંમત બરાબર લગાવી છે કે નહીં તે મેનુમાં જોઇને ચેક કરશે અને બે વાર આખા લિસ્ટનો સરવાળો કરીને બિલની કુલ રકમની ખાતરી કરશે. એ અલગ વાત છે કે એમના બેન્ક ઍકાઉન્ટમાં મોટી રકમ સાવ નિષ્ક્રિય પડી છે.

બીજા શબ્દોમાં, આપણે ખુદના અને નજીકનાં સ્વજનોનાં વર્તન-વ્યવહારમાં આ પ્રકારનું અતાર્કિકપણું જોતાં હોઇએ છીએ. એનું કારણ એ છે કે આપણે પૈસાના મામલામાં બુદ્ધિપૂર્વક રિએકટ કરતા નથી. પૈસાની વાત આવે ત્યારે આપણે સૌ દિમાગને બદલે દિલથી પ્રતિક્રિયા આપતાં હોઇએ છીએ.

બીજું મહત્ત્વનું પરિબળ એ છે કે ‘પૈસાના મામલામાં હું જવાબદાર અને તર્કશુદ્ધ છું’ એવો દેખાવ કરવાનું આપણને ગમતું હોય છે. બીજાઓની સામે આપણને ‘સારા’ દેખાવું હોય છે. તેથી આપણે એકલા હોઇશું ત્યારે એક પ્રકારનું વર્તન કરીશું, જયારે બીજાઓ સામે સાવ જુદી રીતે વર્તીશું.

આવા વર્તન વ્યવહારમાંથી અતાર્કિકપણાને સંપૂર્ણપણે નાબૂદ કરવું શકય નથી, કારણકે આપણે મનુષ્ય છીએ અને આપણાં મનમાં જાતજાતની લાગણી આવતી જતી રહે છે. અલબત્ત, સભાનપણે પ્રયત્ન કરીએ તો લાંબા ગાળે આપણા વ્યવહારમાં તર્કની માત્રા વધારી શકીએ ખરા. તર્કશુદ્ધ વર્તન સ્થિરતા લાવે છે અને સ્થિરતા આપણને લાંબા ગાળાનાં સંપત્તિસર્જન તરફ દોરી જાય છે. સંપત્તિસર્જનની વાત આવે ત્યારે શક્ય હોય ત્યાં સુધી દિમાગથી વિચારો, દિલથી નહીં.એમ નહીં કરો તો તમારી આવક બચત-સંપત્તિ પર અદૃશ્ય જોખમ તોળાતું જ રહેશે.

આ પણ વાંચો…રોકાણનાં જોખમ: ન ધાર્યું હોય એવું દેશ સંબંધી જોખમ પણ આવી શકે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button