મોજની ખોજઃ મનમાં ભરીને બહુ જીવ્યો હવે મન ભરીને જીવ…

સુભાષ ઠાકર
‘ઈશ્વર બન્યા તો શું થઇ ગયું, પણ આજે મને એના પર અંદરથી ગુસ્સો છે તો છે, ખોટું છે તો છે, લોહીઉકાળા છે તો છે અંદરથી હટી એટલે હટી બસ, એકવાર જો ઈશ્વર મળી ગયો તો…’
‘અરે શું થયું ઠાકર? ઈશ્વર પર આટલો ગુસ્સો’ ચંબુ બોલ્યો
‘થાય શું? સાલું આપણા ઘરના પ્રસંગ વખતે હોલમાં કેટરિંગવાળા, ડેકોરેશનવાળાની મોનોપોલી હોય એમ એ આપણા જીવતરની મોનોપોલી લઇ બેઠો છે.’
‘જીવતરની મોનોપોલી?’
‘મને હતું જ તારી બુદ્ધિમાં ખર્ચો છે. અરે ટોપા, જિંદગી જીવવાનો પ્રસંગ આપણો પણ જીવવાનું એની મરજી પ્રમાણે. એ નચાવે એમ કઠપુતલીની જેમ નાચવાનું? આપણા વિચારોની તો ઐસી કી તૈસી. એને મન થાય એટલે નીચે મોકલે ને મન થાય એટલે ઉપર ઉઠાવી લે…. ન ચલાવાય ચંબુ, આ બધું ન ચલાવાય, આ તો સૌથી વધુ નજીકનો સંબંધ એની સાથે છે એટલે મારામારી ન કરું પણ ખોટા મસ્કા તો ન જ મારું.’
‘અરે પણ એ તો ઈશ્વર છે’
‘છેને..મેં ના પાડી? ઈશ્વર જ છે’ મારી ખચકી:
‘પણ એને પથ્થરમાંથી ઈશ્વર બનાવ્યો કોણે? આપણે. ને હવે મેરી બિલ્લી મુજસે મ્યાઉં? આ તો જન્મ આપવા જેવડો પહાડ જેવડો મોટો ઉપકાર કર્યો છે એટલે ચુપ છું. બાકી મોઢા ઉપર કઈ દઉં, તેં મોકલ્યો ને? હવે તું તારું સંભાળ અમે અમારું ફોડી લઈશું. અમે તારામાં નઈ પડીએ એટલે તારે પણ અમારામાં ચંચુપાત નઈ કરવાનો.’
‘પણ ઈશ્વરે તારું બગાડ્યું છે શું? ’
‘બગાડ્યું નથી તો સુધાર્યું છે પણ શું? હું અંદરથી હલબલી ગયો છું… તું જ કહેને તે કોઈ મંદિરમાં ચશ્માંવાળા ઈશ્વરને જોયા? નઈને?. સાંભળવા માટે પેલા સ્ટેથેસ્કોપ જેવા કાનમાં ભૂંગળા ભરાવી ઊભેલા જોયા? નઈને? એને ‘સ્વર્ગ હેર કટિંગ સલૂન’માં વાળ-દાઢી કપાવતા જોયા? એને આપણે બ્રશ કે દાતણ કરતા જોયા? નઈને? દાઢમાં દુખાવો ઉપડ્યો તો ડેન્ટિસ્ટ પાસે જોયા? નઈને? અરે આપણે છપ્પન ભોગમાં ફસાયા છતાં છપ્પન ભોગ ધરાવ્યા પણ ખાતા જોયા? નઈને? અરે, તબિયતમાં ગરબડ થઈ તો ડોક્ટરની દવા લેતા જોયા? નઈને? અરે, મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી તો પ્રતિષ્ઠા તો વધી પણ પ્રાણ સાથે એને ફરતા જોયા? નઈને?’
‘અરે ચુઉઉઉપ’ ચંબુ બરાડ્યો ‘હવે એક પણ વાર જો ‘નઈને’ બોલ્યો તો તું જ કાલથી નઈ દેખાય. તારે કહેવું છે શું એ બોલને.’
‘અરે. એની આપણા જીવન પર મોનોપોલી છે એટલે દુ:ખનો ઢગલો કરી દીધો, દુ:ખ આપે એનો ગમ નથી પણ સહન કરવા દિલ માત્ર એક જ. જેટલા દુ:ખ એટલા દિલ આપવા જોઈએને…? એક જ દિલમાં આટલા દુ:ખ કેમ છુપાવવા? સાલુ, ફરિયાદ સાંભળવાની જ નઈ?’
‘તો જા મંદિરમાં ને બોલ તારે શું દુ:ખ છે? શું જોઈએ છે?’
આ પણ વાંચો…મોજની ખોજ : અલ્યા ભાઈ, કૃષ્ણની ઉંમર વધશે કે દર વર્ષે જન્મ જ લેશે?
નાઉ ઓવેર ટુ મંદિર..
‘પ્રભુ, આ શું માંડ્યું છે? આ કેવું નાટક? કોઈને સાગર આપે ને કોઈને ખાબોચિયું પણ નઈ? કોઈને બનાવે કૃષ્ણ તો કોઈને સુદામા? આવું કેમ? છે જવાબ આનો તારી પાસે? મને એ કહે કે પેલા ચંબુને વધુ શું કામ આપે છે?’
‘કારણકે એને મારા પર શ્રદ્ધા છે’ મૂર્તિમાંથી અવાજ આવ્યો
‘અરે વાહ તો પછી મને ઓછું કેમ આપે છે?’
‘કારણકે મને તારામાં શ્રદ્ધા છે કે તું જ બોલેલો હું મારું ફોડી લઈશ’
‘બાપરે પ્રભુ, તમે તો બોમ્બ ફોડ્યો ત…તમને મા…મા..મારામાં શ્રદ્ધા’ હું થોથવાયો
‘યસ તારામાં. ચાલ આજ ઉલટી રમત રમીએ તું મારી ભક્તિ મને પસંદ કરવા કરે છે આજે હું તારી ભક્તિ કરું. તું પસંદ થઈ મને પૂછ ‘બોલ પ્રભુ, કયું વરદાન આપું?’
‘તમે પ્રભુ મશ્કરી ન કરો. તમારું ઠેકાણે તો છે ને? હું શું આપું વરદાનમાં?’
‘કેમ આજ સુધી વરદાન માગી તું જ કહેતો ‘જ્યાં વસે છે ત્યાં મને સ્થાન આપી દે…વાહ, મારી આખી સીટ જ પચાવાની વાત…! તું પણ રાજકારણી છે? બહુ માગ્યું હવે થોડું આપતા શીખ. ચલ, આ જ મંદિરમાંથી નીકળી તારા આંગણે આવીને ગાઈશ ‘તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે ઝોલી.’
‘પધારો પ્રભુ પણ મારી પાસે તો ઝોળી પણ નથી ને જે છે એ બધું આપે તો આપ્યું છે, આ સંપત્તિ, આ સંતતિ, આ પ્રતિષ્ઠા, આ નામના, આ શરીર ને તારા આપેલા શ્વાસથી તો જીવું છું.’
‘ધેર યુ આર, હું તારામાં શ્વાસનો ઢગલો મૂકું ને તારે ચપટી વિશ્વાસ પણ નઈ મૂકવાનો? ને બધુ આપ્યું તોયે ક્યાં
ધરાયો? તને ઓછું આપ્યું નથી પણ ઓછું પડ્યું છે. યાદ રાખજે જે નથી મળ્યું એની ફિકર કરી તો જે મળ્યું એનો આનંદ નઈ લૂંટી શકે… ચાલ, હવે મારી માગવાની વાત. મેં તને આપી જ નથી ને તે પેદા કરી છે…એ આ ઈશ્વર તારી પાસે માગે છે. બોલ આપીશ?’
‘મેં વળી શું પેદા કર્યુ. કે મારે તમને… કઈ સમજાય એવું બોલો. જાઓ, એ ચીજ આપી પ્રોમિસ.’
‘તો બકા એ છે તારો અહમ, હુંકાર. અત્ર તત્ર સર્વત્ર હું જ છવાઈ જઉં એટલે તો તું મારું સ્થાન મેળવવા સુધી પહોંચ્યો, પણ સૃષ્ટિ ચલાવવી ભારે પડશે. જે છે એ બરાબર છે. બધું ભેગું કરવાની લ્હાય લાગી છે એ હોલવી નાખ ને બધુ મનમાં ભરીને બહુ જીવ્યો હવે થોડું મન ભરીને જીવ.’
‘પ્રભુ… પ્રભુ… તારા મોઢામાં ઘી સાકર. મનની વાત કરી તો હવે નમન સ્વીકારો ને હવે ગુસ્સો નથી તો નથી, ને ઈશ્વર છે તો છે. ચલ, નીકળું… ટેક કેર. ફરી મળશું.’
શું કહો છો?
આ પણ વાંચો…મોજની ખોજ : બોલો, પોતે બનાવેલી જેલમાં પોતે જ પુરાયો…



