તરોતાઝા

આરોગ્ય વીમા હેઠળ કઈ રીતે મળી શકે ઍર ઍમ્બ્યુલન્સની સુવિધા…

નિશા સંઘવી

જીવન-મરણનો સવાલ હોય ત્યારે દરેક સેકંડનું મહત્ત્વ હોય છે. કોઈ ગામડામાં કે દૂરના વિસ્તારમાં તાકીદે સારવારની જરૂર પડે અથવા કોઈ અકસ્માત કે દુર્ઘટના ઘટે એવા સમયે ઍર ઍમ્બ્યુલન્સ જીવનરક્ષકનું કામ કરે છે. તબીબી ઈલાજની સુવિધાઓ સાથેના હેલિકૉપ્ટર કે વિમાન ઍર ઍમ્બ્યુલન્સ તરીકે ઓળખાય છે. આ સેવા મોંઘી જરૂર છે, પરંતુ આજકાલ ભારતની કેટલીક આરોગ્ય વીમા કંપનીઓની પોલિસીમાં ઍર ઍમ્બ્યુલન્સનો ખર્ચ આવરી લેવાયેલો હોય છે. આ વિશે વધુ જાણકારી મેળવવી અગત્યની છે.

ઍર ઍમ્બ્યુલન્સ:
દૂરના વિસ્તારમાંથી ગંભીર બીમાર કે અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે શહેરમાં લાવવા માટે હેલિકૉપ્ટર કે વિમાન અર્થાત ઍર ઍમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. એ વાહનમાં પણ વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર, વગેરે જેવાં જીવનરક્ષક ઊપકરણો અને સાથે સાથે ડોક્ટર, નર્સ તથા પેરામેડિક સ્ટાફની વ્યવસ્થા હોય છે.

ઍર ઍમ્બ્યુલન્સ કવરેજ શા માટે અગત્યનું છે?

ઍર ઍમ્બ્યુલન્સના કવરેજ વગરની મેડિકલ ઈમર્જન્સીની સ્થિતિમાં જો કોઈ ઍર ઍમ્બ્યુલન્સનો ઉપયોગ કરવાનો થાય તો એનો ખર્ચ ભારતમાં દોઢથી પાંચ લાખ રૂપિયા સહેજે થઈ જાય. અંતર વધારે હોય, મોટી મેડિકલ ટીમ સાથે લીધી હોય અથવા વધુ ઉપકરણો ધરાવતી ઍર ઍમ્બ્યુલન્સ હોય તો ખર્ચ વધારે પણ થઈ જાય.

બધાં જ શહેરમાં અત્યાધુનિક અને આવશ્યકતા મુજબની મેડિકલ સુવિધાઓ ન હોય એવા સમયે ઍર ઍમ્બ્યુલન્સનો ઉપયોગ જીવનરક્ષક બની જાય છે અને તેથી ઍર ઍમ્બ્યુલન્સ કવરેજ ઉપયોગી પુરવાર થાય છે.

ઝડપી સેવા: હાર્ટ ઍટેક, સ્ટ્રોક, કે ગંભીર અકસ્માતની સ્થિતિમાં દરદીને તાબડતોબ અત્યાધુનિક સારવાર કેન્દ્રમાં પહોંચાડવાની જરૂર હોય છે. જો ઍર ઍમ્બ્યુલન્સનું કવરેજ હોય તો ખર્ચનો વધુ વિચાર કરવાની જરૂર રહેતી નથી; એ સુવિધાનો ઉપયોગ તત્કાળ થઈ શકે છે. શું ભારતમાં આપવામાં આવતા બધા આરોગ્ય વીમામાં ઍર ઍમ્બ્યુલન્સનું કવર પહેલેથી હોય છે?

અમુક કંપનીઓની પોલિસીઓ અંતર્ગત આ રીતે કવરેજ હોય છે. બીજામાં ઍડ ઓન તરીકે કવરેજ પ્રાપ્ત થાય છે. જો કે, કવરેજને અનેક નિયમો-શરતો અને મર્યાદાઓ લાગુ પડતી હોય છે. આથી પોતાને યોગ્ય લાગે એ પ્રમાણેનું કવરેજ લેવાનો વિચાર કરવો જરૂરી બને છે.

ધ્યાનમાં રાખવા જેવી અમુક મુખ્ય શરતો:

1) ફક્ત ઈમર્જન્સીની સ્થિતિ: ફક્ત જીવલેણ મેડિકલ ઈમર્જન્સીની સ્થિતિમાં ઍર ઍમ્બ્યુલન્સ કવરેજ માન્ય હોય છે.

2) પ્રિ-ઑથોરાઇઝેશન: એકદમ ગંભીર સ્થિતિ સિવાયની સ્થિતિઓમાં વીમા કંપની પાસેથી પ્રિ-ઑથોરાઇઝેશન કરાવવું
પડે છે.

3) અંતરને લગતી મર્યાદા: મોટાભાગની વીમા કંપનીઓ ફક્ત ભારતની અંદર જ ઍર ઍમ્બ્યુલન્સનો ઉપયોગ માન્ય રાખે છે અર્થાત્ આંતરરાષ્ટ્રીય પરિવહન આવરી લેવાયેલું હોતું નથી.

4) નેટવર્ક હોસ્પિટલો: જો કેશલેસ સુવિધા જોઈતી હોય તો ઍર ઍમ્બ્યુલન્સની અવરજવર એકથી બીજી નેટવર્ક હોસ્પિટલ સુધી હોવી જોઈએ.

5) બીજી મર્યાદાઓ: સામાન્ય રીતે ઍર ઍમ્બ્યુલન્સના ખર્ચની મર્યાદા બેથી પાંચ લાખ રૂપિયા સુધીની અથવા તો સમ ઇન્સ્યોર્ડના અમુક ટકા (દા.ત. 10 ટકા) જેટલી હોય છે.

આ પણ વાંચો….ABCD બીમારીઓના દરદી: આરોગ્ય વીમો લેતી વખતે કઈ-કઈ વાતનું ધ્યાન રાખવું?

વીમા કંપની સાથે કરી લેવાની ચોખવટ ઍર ઍમ્બ્યુલન્સ કવર પોલિસીની અંતર્ગત છે કે પછી રાઇડર સ્વરૂપે છે? કવરેજની મહત્તમ મર્યાદા કેટલી છે? એકથી બીજી જગ્યાએ જવાના અંતરને લગતી કોઈ મર્યાદા છે કે કેમ? દરદીને કોઈ આંતરરાષ્ટ્રીય સ્થળેથી સ્વદેશમાં લાવવાની જરૂર પડે એ સ્થિતિ આવરી લેવાઈ છે કે કેમ (ઓવરસીઝ હેલ્થ પોલિસીના સંદર્ભે)

શું દર વખતે પહેલેથી અપ્રૂવલ લેવું પડશે? જો હા, તો તાકીદની સ્થિતિમાં અપ્રૂવલ કેવી રીતે લઈ શકાશે?

વાસ્તવિક ઉદાહરણ
એક વ્યક્તિને લેહમાં હાર્ટ ઍટેક આવ્યો. ત્યાંથી હૃદયરોગની સારવાર માટેની નિકટતમ હોસ્પિટલ દિલ્હીમાં હતી. દરદીને ઍર ઍમ્બ્યુલન્સમાં બે કલાકમાં દિલ્હી લાવવામાં આવ્યો પછી ઓપરેશન કરીને સ્ટેન્ટ બેસાડાયું. ઓપરેશનનો ખર્ચ 4.5લાખ રૂપિયા થયો. એમના આરોગ્ય વીમાનું કવરેજ પાંચ લાખ રૂપિયા હતું. આમ, ઍર ઍમ્બ્યુલન્સના કવરેજને લીધે એમનો પરિવાર આર્થિક બોજથી બચી ગયો.

નિષ્કર્ષ:
બધી જ આરોગ્ય વીમા કંપનીઓની પોલિસીમાં ઍર ઍમ્બ્યુલન્સનું કવરેજ સામેલ હોતું નથી. આથી કવરેજ વિશે આગોતરી સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે.

જો વીમાધારક શહેરથી દૂરના વિસ્તારમાં રહેતા હોય કે પછી અનેક વાર એવી જગ્યાએ ફરવા જતા હોય અથવા બધા જ પ્રકારના ખર્ચને આવરી લેતી પોલિસી લેવા ઈચ્છતા હોય તો એમણે ઍર ઍમ્બ્યુલન્સનું કવરેજ લેવું હિતાવહ છે. પહેલેથી જ આ કવર સામેલ ન હોય તો એડ ઓન તરીકે અથવા રાઇડર તરીકે એ લઈ લેવું જોઈએ. તાકીદની સ્થિતિમાં ઘણી વાર ઍર ઍમ્બ્યુલન્સ વગર છૂટકો નથી હોતો એ વાસ્તવિકતા આપણે સ્વીકારી લેવી
જોઈએ.

હાશિમોટો રોગ શું છે… એ થાઇરોઇડ ગ્રંથિને કઈ રીતે અસર કરે છે?

આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિક

આપણે બધા થાઇરોઇડ ગ્રંથિ વિશે જાણીએ છીએ. થાઇરોઇડ ગ્રંથિ એ પતંગિયા આકારની ગ્રંથિ છે, જે ગળાના નીચેના ભાગમાં હોય છે. એ ‘આદમના સફરજન’ તરીકે ઓળખાય છે. આ થાઇરોઇડ ગ્રંથિ એવા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જે શરીરના ઘણાં કાર્યોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે તમારા અંત:સ્ત્રાવી પ્રણાલીનો એક ભાગ છે અને થાઇરોઇડ હોર્મોન્સ મુક્ત કરે છે. તમારા થાઇરોઇડનું મુખ્ય કાર્ય તમારા ચયાપચયની ગતિને નિયંત્રિત કરવાનું છે.

આ પ્રક્રિયાથી તમે જે ખોરાક લો છો તેને તમારા શરીર માટે ઊર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે. વજનનો વધારો અથવા ઘટાડાના સંદર્ભમાં ચયાપચયનો વિચાર કરવો
સામાન્ય છે.

જોકે, આ પ્રક્રિયા તમારા શરીરના દરેક અંગને અસર કરે છે, જેમાં તમારા હૃદય અને મગજનો પણ સમાવેશ થાય છે. અને હાશિમોટો રોગ તમારી આ મહત્ત્વની થાઇરોઇડ ગ્રંથિને પોતાનું નિશાન બનાવે છે. હાશિમોટો રોગ એક ઓટોઇમ્યુન (સ્વયંપ્રતિરક્ષા) રોગ છે,જે હાઇપોથાઇરોડિઝમ (અન્ડરએક્ટિવ થાઇરોઇડ)નું કારણ બની શકે છે. તે જીવનભરની (ક્રોનિક) સ્થિતિ છે. ઓટોઇમ્યુન ડિસઓર્ડર એ એક બીમારી છે, જે રોગપ્રતિકારક શક્તિ દ્વારા સ્વસ્થ પેશીઓ પર હુમલો કરવાથી થાય છે.

હાશિમોટો રોગમાં, રોગપ્રતિકારક શક્તિના કોષો થાઇરોઇડના હોર્મોન ઉત્પન્ન કરતા કોષોના મૃત્યુ તરફ દોરી જાય છે. હાશિમોટો રોગના મોટાભાગના કિસ્સાઓમાં, તમારું થાઇરોઇડ તમારા શરીર માટે પૂરતું થાઇરોઇડ હોર્મોન ઉત્પન્ન કરી શકતું નથી. આ તમારા ચયાપચયને ધીમું કરે છે અને વિવિધ લક્ષણોનું કારણ
બને છે.

હાશિમોટો રોગને હાશિમોટો થાઇરોઇડાઇટિસ, ક્રોનિક લિમ્ફોસાયટીક થાઇરોઇડાઇટિસ અને ક્રોનિક ઓટોઇમ્યુન થાઇરોઇડાઇટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગનું નામ ડો. હકારુ હાશિમોટોના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે 1912માં તેની ઓળખ કરી
હતી.

કેવાંક હોય છે એનાં લક્ષણ?

હાશિમોટોનો રોગ લાંબા ગાળામાં ધીમે ધીમે આગળ વધે છે. રોગનાં ચિન્હો કે લક્ષણ દેખાતા નથી. આખરે, થાઇરોઇડ હોર્મોન ઉત્પાદનમાં ઘટાડો થતાં આમાંથી કોઈ પણ લક્ષણો નજરે ચઢે છે, જેમકે…

થાક અને સુસ્તી, ઠંડી પ્રત્યે સંવેદનશીલતામાં વધારો, ઊંઘમાં વધારો, સૂકી ત્વચા, કબજિયાત, સ્નાયુઓની નબળાઈ, સ્નાયુઓમાં દુખાવો, અને જડતા, સાંધામાં દુખાવો અને જડતા, અનિયમિત અથવા વધુ પડતું માસિક રક્તસ્ત્રાવ, ડિપ્રેશન, યાદશક્તિ અથવા એકાગ્રતામાં સમસ્યા, થાઇરોઇડ ગ્રંથિ (ગોઇટર)માં સોજો, ચહેરો ફૂલેલો, બરડ નખ, વાળ ખરવા, જીભનું મોટું થવું.

અમેરિકાની ‘કલેવર લેન્ડ ક્લિનિક’ના જણાવ્યા મુજબ, ગોઇટર એ હાશિમોટો રોગનો એક સામાન્ય પ્રથમ સંકેત છે. તેનાથી કોઈ દુખાવો નથી થતો, પરંતુ તે તમારી ગરદનના નીચેના ભાગમાં પેટ ભરેલું હોવાની લાગણી પેદા કરી શકે છે. તેનાથી ગરદનનો આગળનો ભાગ સોજી ગયો હોય તેવું દેખાય છે.

આ રોગ કેટલો સામાન્ય છે?

2022ના એક અભ્યાસ મુજબ, ભારતમાં હાઇપોથાઇરોડિઝમનો વ્યાપ 11% છે, જે પશ્ર્ચિમી દેશોમાં જોવા મળતા 2%4.6% કરતાં ઘણો વધારે છે. દરિયાકાંઠાના વિસ્તારો કરતાં આંતરિક પ્રદેશોમાં આ સ્થિતિ વધુ સામાન્ય દેખાય છે (9.5% ની સરખામણીમાં 11.7%), જે કદાચ પૂરતા પ્રમાણમાં આયોડિનના અભાવને કારણે હોઈ શકે છે.

કોને થઇ શકે છે આ રોગ?

કોઈપણ ઉંમરની વ્યક્તિને હાશિમોટો રોગ થઈ શકે છે. જોકે, પુરુષ કરતાં સ્ત્રીમાં તેની શક્યતા 10 ગણી વધુ હોય છે. નિદાન સામાન્ય રીતે 30થી 50 વર્ષની વય વચ્ચે થાય છે. સંશોધન સૂચવે છે કે લગભગ 80% કિસ્સામાં આનુવંશિકતા હાશિમોટો રોગ થવા માટે જવાબદાર છે. જો તમારા પરિવારના કોઈને હાશિમોટો કે અન્ય થાઇરોઇડ રોગો હોય તો તમને તે થવાની શક્યતા વધુ છે. ઉંમર વધવાની સાથે આ સ્થિતિ (અને અન્ય થાઇરોઇડ રોગો) થવાનું જોખમ વધે છે.

જો તમારા લોહીમાં ચોક્કસ ઓટોએન્ટિબોડીઝ હોય તો એ સામાન્ય રીતે હાઇપોથાઇરોડિઝમનું કારણ હાશિમોટો રોગ તરફ નિર્દેશ કરે છે. હાશિમોટો રોગ ધરાવતા દરેક વ્યક્તિને હાઇપોથાઇરોડિઝમ થતું નથી. જો તમારું એન્ટિબોડીનું સ્તર ઊંચું હોય, પરંતુ ક્લિનિકલ હાઇપોથાઇરોડિઝમ ન હોય, તો તમારા ડોક્ટર સારવાર શરૂ કરવાને બદલે તમારા થાઇરોઇડ સ્તરનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ, જરૂર મુજબ આગળની સારવાર હાથમાં લેશે…

આ પણ વાંચો….આરોગ્ય પ્લસ -સંકલન: અનેકવિધ સ્ત્રી રોગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button