આરોગ્ય એક્સપ્રેસ : જુવાની જાળવી રાખવા દવાઓ લેવી કેટલી હિતકારક?
યુવા ફુટડી ડાન્સર-અભિનેત્રી શેફાલી જરીવાલાના અણધાર્યા કમોતને લીધે જોરદાર ચર્ચા જામી છે...

-રાજેશ યાજ્ઞિક
આરોગ્યપ્રદ રહેવું એટલે શું? મન અને શરીર બંનેથી સ્વસ્થ હોવું. પણ કમનસીબે આજકાલ લોકોમાં સ્વસ્થ હોવા કરતાં સુંદર દેખાવું વધારે મહત્ત્વનું બનતું જાય છે. મનોરંજનની દુનિયામાં માત્ર 41 વર્ષ જેવી નાની આયુએ મૃત્યુ પામનાર શેફાલી જરીવાલાના કિસ્સામાં કહેવાય છે કે એને હાર્ટએટેક ભરખી ગયું એવા પ્રાથમિક રિપોર્ટ છે, પણ શેફાલીને મોતમાં ધકેલવા માટે ઍન્ટિ-એજિંગ ડ્રગ્સ હતાં… અહેવાલો અનુસાર શેફાલી એની યુવાની ટકાવી રાખવા આ પ્રકારની ટ્રીટમેન્ટ લઈ રહી હતી અને પોલીસને એના ઘરમાંથી આવી દવાઆનો જથ્થો મળી આવ્યો છે.
આમ તો ફિલ્મ કે ફેશનના ક્ષેત્રમાં પુરુષ અને મહિલા, બન્ને માટે સુંદર દેખાવું મહત્ત્વનું હોય છે, આ માટે કલાકારો એવા સપ્લિમેન્ટ્સ લેતા હોય છે, જે એમને દેખાવમાં મદદ કરે, જેથી એમની ગ્લેમરની દુનિયા લાંબી ચાલે. આવો જ ટ્રેન્ડ આજકાલ તો મોટાભાગના યુવક-યુવતીઓમાં જોવા મળે છે. પરિણામે એન્ટી-એજિંગ દવાઓનો આડેધડ ઉપયોગ થવા લાગ્યો છે.
‘કાયાકલ્પ’ શબ્દ, જેનો અર્થ યુવાની પુન:સ્થાપિત કરવો થાય છે, તે ઓછામાં ઓછા 200 વર્ષથી ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેનાથી વિપરીત, ઍન્ટિ-એજિંગ ડ્રગ- વૃદ્ધત્વ વિરોધી
દવા શબ્દ પ્રમાણમાં નવો છે. શરીરના ચોક્કસ પાસાઓને લક્ષ્ય બનાવીને,
વૃદ્ધત્વ અને વૃદ્ધાવસ્થા સંબંધિત રોગોનો સામનો કરવા માટે ઘણી દવાઓ મળે છે. આ દવા આમ તો વેચવી કાયદેસર છે, પણ ડોક્ટરની સલાહ અને દેખરેખ વિના એન્ટી-એજિંગ શું, કોઈપણ દવા લાંબો સમય લેવી જોખમી બની શકે છે.
આ પણ વાંચો…આરોગ્ય એક્સપ્રેસ : મનને શાંત રાખવા છે? આવાં યોગાસન બહુ ઉપયોગી છે…
‘રેડબાઉડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર’ના વૃદ્ધત્વ નિષ્ણાત માર્સેલ ઓલ્ડે રિકર્ટના મતે, આ દવાઓ ટૂંકા ગાળામાં આડ-અસરો બતાવી શકે છે, જે જોખમી છે. શરીરના મૃત કોષ (એટલે કે ‘વૃદ્ધ કોષો’)ને પુનર્જીવિત કરતી, રોગપ્રતિકારક શક્તિને વેગ આપતી અથવા ડીએનએ નુકસાનને સુધારવા માટેની દવાઓ વૃદ્ધોને યુવાન રાખવા માટે સારી વ્યૂહરચના જેવી લાગે છે, પરંતુ રિકર્ટના મતે, આવી સારવાર શરીરનાં મર્યાદિત અંગો માટે હોય છે. એ પૂરી કાયાનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખવામાં નિષ્ફળ જાય છે. પરિણામે એ લાંબા ગાળે તે શરીરના શારીરિક સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે અને ટૂંકા ગાળાના ફાયદા કરતાં વધુ નુકસાનકારક પરિણામો લાવી શકે છે.
વૃદ્ધત્વના સંકેતોનો સામનો કરવા માટેનાં ઉત્પાદનો કરચલીઓ અને ઉંમર આધારિત ડાઘ ઘટાડવાનો પ્રયાસ કરે છે જેથી ત્વચાનો જુવાન દેખાવ પાછો મળે. આવાં ઉત્પાદનોમાં જોવા મળતા સામાન્ય ઘટકોમાં વિટામિન સી, પ્રોટીન, મીણ, ગ્લિસરીન, લેક્ટેટ વગેરે સામેલ છે. આ ઘટકો ત્વચાની રચના અને સૌંદર્યલક્ષી આકર્ષણ વધારવા માટે સંભવિત ફાયદા ધરાવે છે. તેમ
છતાં, આવાં ઉત્પાદન એ કામગીરી બજાવી શકતા નથી અને સંપૂર્ણ કાયાપલટના કામમાં જોઈતી સફળતા મળતી નથી.
ઉદાહરણ તરીકે, સૌથી જૂની અને હજુ પણ સૌથી લોકપ્રિય વૃદ્ધત્વ વિરોધી સારવારમાં માનવ વૃદ્ધિ હોર્મોન (એચજીએચ)નો સમાવેશ થાય છે જેનો ઉપયોગ વૃદ્ધત્વ વિરોધી સારવાર તરીકે થાય છે. જોકે, તાજેતરના મેટા-વિશ્ર્લેષણમાં દર્શાવવામાં આવ્યું છે કે શરીરમાં યુવાની ઓછી આવે છે, પણ પ્રતિકૂળતાનો દર ઊંચો છે, જેમાં સૌથી ગંભીર કદાચ કેન્સર છે. અન્ય આડઅસરોમાં વજનમાં વધારો, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનો સમાવેશ થઈ શકે છે.
વૃદ્ધત્વ વિરોધી ઉપચારના સંભવિત જોખમો હોર્મોન ઉપચાર: થાઇરોઇડ, હૃદય અથવા યકૃત પર અસરો, કેન્સર અથવા સ્ટ્રોકનું જોખમ વધે છે. બોટોક્સ/ફિલર્સ: સ્નાયુઓની નબળાઇ, ત્વચામાં સોજો, અથવા ચેતાને નુકસાન. સર્જરી: ચેપ, કાયમી નુકસાન, અથવા વારંવાર ઓપરેશનની જરૂરિયાત.
પૂરક દવાઓ (સપ્લિમેન્ટ્સ): હોર્મોન અસંતુલન, કિડની-લિવર પ્રેશર અથવા નકલી ઉત્પાદનોથી નુકસાન.
માનસિક અસરો: શરીર પર થતી ખામી, વૃદ્ધત્વનો ડર, અથવા સોશિયલ મીડિયાના દબાણથી થતો તણાવ.
આ બધા ઉપરાંત, અન્ય દુષ્પ્રભાવોમાં આમાં ત્વચાની એલર્જી, થાક, માથાનો દુખાવો અને પાચન સમસ્યાઓનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં, આ ગોળીઓ શરીરના કુદરતી હોર્મોનલ ચક્રને પણ ગંભીર આડ-અસર કરી શકે છે, જેનાં ગંભીર પરિણામો આવી શકે છે. વૃદ્ધત્વએ જીવનનો એક ભાગ છે, એને જબરદસ્તીથી પલટાવાને બદલે ખેલદિલીથી બધાએ અપનાવી લેવો જોઈએ.