આહારથી આરોગ્ય સુધી: હિડન હંગર: એક છુપાયેલી ભૂખ કે કુપોષણ? | મુંબઈ સમાચાર

આહારથી આરોગ્ય સુધી: હિડન હંગર: એક છુપાયેલી ભૂખ કે કુપોષણ?

-ડૉ. હર્ષા છાડવા

આજના આધુનિક સમયની વિશ્વવ્યાપી ફેલાયેલી મોટી તકલીફ એ છે હિડન હંગર (એક છુપાયેલી ભૂખ) એટલે કે એક પ્રકારના કુપોષણની સ્થિતિ જેમાં વ્યક્તિમાં આવશ્યક ખનિજો અને વિટામિનની ઓછપ છે. આના લક્ષણ કે સંકેત જલદી દેખાતા નથી પણ સુક્ષ્મ રીતે પોષક તત્ત્વોની ખામીથી વ્યક્તિ ગ્રસ્ત હોય છે. આનો સ્પષ્ટ પ્રભાવ એટલે એનિમિયા અથવા ઘેંઘા રોગ છે. આ તકલીફ દવા, સિરપ લેવાથી મટતી નથી. પોષક તત્ત્વોથી યુક્ત ભોજનની ઓછપ આજના સમયમાં એક ગંભીર પડકાર છે. આ ઓછપ જયાં ગરીબી કે ભોજનના સંસાધનની ઓછપ છે ત્યાં થાય તો માની શકાય પણ વિકસિત શહેરો, વિકસિત વ્યક્તિઓ કે આર્થિક રીતે સંપન્ન વ્યક્તિઓમાં જયારે દેખાય છે તો તે ગંભીર છે. આ હિડન હંગર આધુનિક શૈલીથી જીવતા લોકો, કામકાજી લોકો, યુવા વર્ગમાં કામકાજ કરતી સ્ત્રીઓ અને તેમના બાળકોમાં હવે વધુ જણાવવા લાગી છે.

આર્થિક ઉપાજન માટે સ્ત્રીઓ કામકાજ કે ઓફિસ માટે વધુ સમય આપે છે. ત્યારે તેઓ સંપૂર્ણ ભોજન પોતાના માટે કે બાળકો માટે બનાવી શકતી નથી. યુવા વર્ગ કામકાજના કારણે વધુ સમય બહાર રહેતા હોવાથી કે સમયના અભાવના કારણે પૂર્ણ ભોજન તેમને પ્રાપ્ત થતું નથી. પાતળા દેખાવાની હોડ કે પાગલપનના કારણે લોકો પૂર્ણ ભોજનનો ત્યાગ કરે છે, અથવા અમુક પ્રકારનો ખોરાક અને ઓછો ખોરાક લે છે તેના કારણે આ તકલીફ વધુ જણાય છે, લોકો પૂર્ણ ભોજનનું મહત્ત્વ સમજતા નથી, તેના કારણે હિંડન હંગરનો શિકાર બને છે તેને કારણે એનિમિયા જેવી બીમારીથી પીડાય છે. ભોજન પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ખનિજ તત્ત્વ, વિટામિનવાળુ હોવું જરૂરી છે.

સમયની ઓછપના કારણે કે પાતળા રહેવાની ઘેલછાના કારણે પોષણયુક્ત ભોજનને તેઓ લેતા જ નથી. કામકાજ કરતી સ્ત્રીઓ બાળક માટે પૂર્ણ ભોજન નથી બનાવતી તે ચીપ્સ, પીઝા બ્રેડની આઇટમો, બજારું વસ્તુઓથી પેટ ભરે છે. પેટ ભરાય છે પણ તેમાંથી સૂક્ષ્મ પોષણ મળતું નથી. ઘણી સ્ત્રીઓ આળસને કારણે પૂર્ણ ભોજન બનાવતી નથી. ફકત પાઉંભાજી (તે પણ ઘણીવાર બાહ્ય હોય છે) ફકત વડા, ફકત બર્ગર જેવી એકાદ વસ્તુથી જ પેટ ભરે છે, પોષણ ન મળતા એનિમિયા થઇ જાય છે. સાંઇઠ પછી થતી બીમારીઓ હવે પચ્ચીસથી ત્રીસ વર્ષની આયુમાં દેખાવા લાગી છે.

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધીઃ માઇગ્રેનની સમસ્યાઓ…

એક વર્ગ એવો છે જે વિગન વસ્તુઓ જ ફકત ભોજન વાપરે છે. અથવા ફકત ફળો ખાઇને જ રહે છે. અથવા ફકત શાકભાજી ખાઇને રહે છે. તેઓ આ હિડન હંગરના શિકાર બને છે. ઘણી વ્યક્તિ પોતાની ભૂખને મારે છે. તેઓ ફકત સલાડ જ ખાય છે અથવા કીટો ડાઇટ લઇ બહુ જ પાણી પીએ છે. તેમને લાગે છે અમે પેટ ભરી લીધું. બે પ્રકારની જરૂરિયાત શરીરને હોય છે. એક એનર્જી જોઇએ અને બીજી ન્યૂટ્રિએટસ જોઇએ. જયારે પૂર્ણ ભોજન નથી લેતા ત્યારે શરીરમાં ખામી વર્તાય છે. એક વિદેશી મહિલા જે વીગન ડાયટ પર વધુ નિર્ભર હતી તેણે કહ્યું કે દૂધ નહીં પીવું, શાકભાજી અને ફળો ખાઇશ. ધીરે ધીરે તે એનીમીક થઇ ગઇ અને મરણ પામી. પૂર્ણ ભોજન અને એ પણ પોષણવાળુ જરૂરી છે. હિડન હંગરથી અત્યારે યુવા વર્ગ પીડાય છે. એનાથી વિટામિન-બી કેલ્શ્યિમ અને આયર્નની કમી થઇ જાય છે.

આજની સ્ત્રીઓને પારંપારિક રસોઇ બનાવતા નથી આવડતી. આળસને લીધે જમવાનું એક જ પ્રકારનું બનાવે છે. આને કારણે એનિમિયા થાય છે. જેમાં કાફ મસલ્સનો દુખાવો થાય છે. (ગોઠણની નીચેના મસલ્સ) લિથાર્જ (થકાવટ) આ એવી થકાવટ છે કે સૂઇ જઇએ તો ઉઠવાનું મન ન થાય. પથારીમાં રહેવું જ ગમે. લેક ઓફ ક્ધસ્ટ્રેશન (ફોકસ) ન થવું, રિપીટેટિવ માઉથ અલ્સર (મોઢામાં છાલા પડવા) વિટામિન બીની ઊણપ ઇરીટેશન થવું (કોઇપણ કામ કે વસ્તુમાં મન ન લાગવું) હિમોગ્લોબીનની ઊણપ જેને કારણે પિરિયડમાં તકલીફો થવી, આખું શરીર દુખવું.

પોષક તત્ત્વોની ઓછપ હાર્મોનનું બેલેન્સ બગડતા શરીર ફૂલવા લાગે. થકાવટને કારણે માનસિક સંતુલન બગડે ઘણીવાર વજન વધુ પ્રમાણમાં ઓછું થઇ જાય છે. બાળકોમાં હિડન હંગરને કારણે ખૂબ જ પતલા થઇ જાય છે. ભણવામાં મન લાગતું નથી. ચિડચિડા થઇ જાય છે. હાડકાં નરમ થઇ જાય છે. બાળકો વધુ ચીપ્સ ખાવામાં લે છે તેમાં સોડિયમની તકલીફો થાય છે. ચીપ્સથી પેટ ભરાતું નથી પણ સ્વાદને કારણે તેઓ વધુ ખાય છે. તેથી એક પ્રકારનું કુપોષણ જણાય છે. ચોકલેટના કારણે આયર્ન કમી થાય છે.

હિડન હંગર એ કુપોષણ છે તે સમજાયું હશે. કોઇપણ એક જ ખાદ્ય પદાર્થનો ઉપયોગ વધુ ન કરવો સમતોલ આહાર લેવો ભલે દિવસમાં એકવાર લો પણ પૂર્ણ ભોજન લો. પૂર્ણ ભોજનમાં એક મોટો કપ સુપ, થોડી સલાડ, રોટલી, શાક, ચટણી, દાળ-ભાત, હિંગવાળી છાસ કયારેક પાપડ લેવું (વધુ પડતા પાપડ ન ખાવા) ઢોકળા, હાંડવો, વડા જેવી વસ્તુઓ અઠવાડિયામાં બે વખત રાખવી આમાં પણ કેલ્શિયમ સારા પ્રમાણમાં છે. સાંજના ફળો અને થોડું ભોજન લેવું. કારણ વગર ભૂખ્યા ન રહેવું. કેમિકલવાળા પદાર્થો પ્રીર્ઝવવેટીવવાળા પદાર્થો કે બજારું ખાદ્ય-પદાર્થને ટાળવા. તળેલા પદાર્થનું સમતુલન રાખવું.

ભારત સરકાર હિડન હંગરની સમસ્યા દૂર કરવા પ્રયાસ કરી રહી છે. ખાદ્ય અને કૃષિ સંગઠન (ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ઋઅઘ)ની 75મી વર્ષગાંઠે આયોજિત એક સમારોહમાં આઠ પ્રકારની ખાદ્ય વસ્તુઓને બાયોફોર્ટીફાઇડ (ઇશજ્ઞ-ઋજ્ઞિશિંરશયમ) પ્રજાજાતિયો સમર્પિત કરી છે. એટલે કે ખાદ્ય વસ્તુઓમાં પોષણનું સ્તર વધારવું. જેમ કે બટેટામાં આયર્નનું સ્તર વધારવું બટાટા જયાં ઊગે છે તેની માટીમાં આયર્ન વધારી દેવું જેથી બટેટામાં આયર્નનું સ્તર વધે છે. બટાટા ભારતમાં સૌથી વધુ ખવાય છે. (માટીમાં ખનિજ તત્ત્વોની વૃદ્ધિ કરવી) એક રિપોર્ટ અનુસાર લગભગ ભારતમાં બે મિલિયન મહિલા અને બાળકોમાં આયર્ન અને વિટામિન એ ની ખામી વધુ જણાઇ. વિટામિન ડીની ઊણપથી ડાયાબિટીસની સમસ્યા સર્જાય છે.

અત્યારના યુવા વર્ગને એ સમજવાની જરૂર છે. જંકફૂડથી બચવું. પેટ ભરાય પણ પોષક તત્ત્વોની ખામી થઇ જાય છે. બીમારી આવે છે. કેમિકલવાળા ફોર્ટીફાઇડ ફૂડ ન લેવા. જેમ કે ઘઉંના લોટના પેકેટ પર ઋયિં લખેલું હોય, તે કેમિકલવાળું છે. નમકમાં આયોડીન કેમિકલવાળું છે. આ કેમિકલથી પોષણ મળતું નથી. તહેવારોની મોસમ છે બહારના ખાદ્ય પદાર્થની જાણકારી લઇ વાપરવું.

પશ્ર્ચિમી અનુકરણ નુકસાન દાયક છે. તેઓ નોનવેજ વધુ ખાય છે. જેથી તેમને પાણીની જરૂર વધુ પડે છે. તેથી આપણે પાણી વધુ પીવું જરૂરી નથી. ફકત તરસ લાગે ત્યારે પાણી પીવું વધુ પાણી પીવાથી સોડિયમ કેલ્શિયમનો લોસ (ઘટાડો) થાય છે.

પશ્ર્ચિમમાં ખાવાની પદ્ધતિ જુદી છે. માંસ પચાવા માટે તેમણે વધુ સલાડ (પાણીવાળી વસ્તુઓ)ની જરૂર વધારે પડે છે. ભારતીય ભોજન એ સમતોલ અને શ્રેષ્ઠ આહારની શ્રેણીમાં છે. ડાયટીશ્યન અને પ્રોડકાસ્ટ કરવાવાળા લગભગ ગેરમાર્ગે દોરી રહ્યાં છે.

જાણી લો કે કેમિકલ અને પ્રીઝર્વવેટીવથી દૂર રહેવું. આજની સ્ત્રીઓએ બાળકને પૂર્ણ ભોજન મળે તેનું ધ્યાન રાખવું. જુદા જુદા પ્રકારની રાબ આપવી. છાસ કે દૂધ નાખી રાબ બનાવી શકાય છે. જુદા જુદા પ્રકારના દલિયા શાકભાજી નાખીને બનાવવી. મીઠી ખારી રાબ અને દલિયા એ શરીરમાં પોષણ માટેનો મોટો સ્ત્રોત છે.

ભારતમાં અનેકો પ્રકારની પારંપારિક વાનગીઓ બને છે તેને બનાવવાની કળા શીખવી જરૂરી છે. તહેવારોમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય લક્ષી વાનગીઓની ભરમાર છે.

આ પણ વાંચો…આહારથી આરોગ્ય સુધી : ડાયાબિટીસથી કેમ બચવું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button