સ્વાસ્થ્ય સુધા : હૃદય આકારના અળવીના પાનમાં છે સ્વાદની સાથે સેહતનો ખજાનો… | મુંબઈ સમાચાર
તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા : હૃદય આકારના અળવીના પાનમાં છે સ્વાદની સાથે સેહતનો ખજાનો…

-શ્રીલેખા યાજ્ઞિક

સામાન્ય રીતે ચોમાસામાં લીલી ભાજી ખાવાનું વલણ ઘટી જતું હોય છે. માટી તેમ જ નાના કીટક તેમાં છુપાયેલાં હોય છે. લીલાછમ કૂણાં કૂણાં અળવીના પાન મુખ્યત્વે ચોમાસામાં મોટા પ્રમાણમાં ઊગી નીકળતાં હોય છે. તેનો સ્વાદ અતિમધુર લાગે છે.

ચોમાસાના 3 મહિના માટે જ આ પાન કૂણાં મળે છે. કેટલાંક શાક તેમ જ ભાજી-પાન ફક્ત ચોમાસામાં જ મળતાં હોય છે. તેથી તેનો ઉપયોગ મોસમ પ્રમાણે ભરપૂર કરી લેવો જરૂરી છે. હાથીના કાન જેવા દેખાતા પાનને અનેક લોકો ‘હાથી પાન’ તરીકે ઓળખે છે. અળવીના પાનમાંથી વિવિધ વાનગી બનાવી શકાય છે. જે અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. અળવીના પાન માટે એવું કહેવાય છે કે તેમાં ઓછી કૅલરીની સાથે ફાઈબરની માત્રા વધુ સમાયેલી હોય છે. વળી વિવિધ પોષક તત્ત્વોનો ખજાનો આ લીલાછમ હૃદય આકારના પાનમાં સમાયેલો છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે હૃદય- હાડકાંની તંદુરસ્તી જાળવવામાં અત્યંત ઉપયોગી ગણાય છે. યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચર (યુએસડીએ)ના જણાવ્યા મુજબ પાનમાં કૅલરીની માત્રા ઘણી ઓછી હોય છે. વળી ફાઈબરનું પ્રમાણ વધુ સમાયેલું છે. વિટામિન, મિનરલ્સની સાથે ફૉલિક એસિડની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે.

પોષક તત્ત્વોથી ભરપૂર અળવીના પાનનાં સ્વાસ્થ્યવર્ધક ફાયદા

પોષક તત્ત્વોથી ભરપૂર પાન : અળવીના પાનમાં વિટામિન એ, વિટામિન સી તથા બી કૉમ્પ્લેક્ષની સાથે શરીરને માટે આવશ્યક તેવા ગુણો સમાયેલાં છે. જેવાં કે આયર્ન, કૅલ્શિયમ, મેગ્નેશિયમ જેવાં ખનીજ તત્ત્વોનો ભંડાર ગણાય છે. જે વ્યક્તિના સંપૂર્ણ સ્વાસ્થ્યની કાળજી લેવાની સાથે શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે.

પાચનતંત્રને તંદુરસ્ત બનાવે છે : અળવીના પાનમાં ફાઈબરની માત્રા વધુ હોવાથી પાચનતંત્રને તંદુરસ્ત બનાવવામાં મદદ કરે છે. ફાઈબરયુક્ત આહાર લેવાથી અપચો કે કબજિયાત જેવી સમસ્યાથી શરીરને બચાવે છે.

ત્વચાની તંદુરસ્તી માટે ગુણકારી : ઍન્ટિ-ઓક્સિડન્ટ તથા વિટામિન-સી જેવાં પોષક તત્ત્વો ત્વચા તથા વાળની ગુણવત્તા સુધારવામાં ફાયદાકરક ગણાય છે. અળવીના પાનમાં વિટામિન-સી તથા ઍન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ સારી માત્રામાં સમાયેલું હોય છે. અળવીના પાનમાંથી બનાવેલી વાનગી ખાવાથી ત્વચા મુલાયમ બને છે. વાળમાં થતાં ખોડાની સમસ્યાથી બચી શકાય છે.

આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધા: હૃદયનો સાચો સાથી ગણાય છે દૂધી…

વજનને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી : શરીરમાં ચરબીનો ભરાવો વધી ગયો હોય ત્યારે તેને ઘટાડવા માટે પોષ્ટિક આહાર લેવો જરૂરી છે. અળવીના પાનનો આહારમાં ઉપયોગ કરવાથી શરીરને સુડોળ બનાવવામાં મદદ મળે છે. કેમ કે અળવીના પાનની ગણના લૉૅ-કેલરી આહારમાં થાય છે. વળી તેમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. 1 કપ અળવીના પકાવેલાં પાનમાં 3 ગ્રામ ફાઈબર તથા 92.4 ટકા પાણીની માત્રા હોય છે. વળી તેને બાફીને કે યોગ્ય રીતે પકાવ્યા બાદ ભોજનમાં ઉપયોગમાં લેવાથી મન તૃપ્ત બની જતું હોય છે. કૅલરીની માત્રા ઓછી હોવાથી અળવીના પાનના ઉપયોગ દ્વારા વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

હૃદય તંદુરસ્ત રાખે છે : અળવીના પાનમાં પોટેશિયમ-નાઈટ્રેટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વર્ષ 2016માં કરવામાં આવેલાં એક અધ્યયન દ્વારા જાણવા મળ્યું હતું કે લીલાં પાંદડાવાળા શાક તથા તાજા લીલા શાકભાજીનો આહારમાં ઉપયોગ કરવાથી હૃદય રોગના ખતરાને 15.8 ટકા જેટલો ઘટાડી શકાય છે. હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે, પોટેશિયમ રક્તવાહિનીને પાતળું કરવામાં મદદ કરે છેે. જેથી હૃદયમાં રક્ત પ્રવાહ પૂરતાં પ્રમાણમાં ફરવા લાગે છે. જેને કારણે હૃદયનું કામ સુચારૂ રીતે થાય છે.

ઍન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર: અળવીના પાન સૌથી વધુ ઍન્ટિ-ઓક્સિડન્ટની માત્રા ધરાવે છે. અળવીના પાનમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ જેવાં કે બીટા-કૈરોટીન વગેરે ફ્લેવોનોઈડ ગણાવી શકાય. જે ઓક્સિડેટિવ તણાવની સામે લડવામાં તથા મુક્તકણોને બેઅસર કરવામાં મદદ કરે છે.

હાડકાંની તંદુરસ્તી માટે લાભકારી : અળવીના પાનમાં કૅલ્શિયમ તથા મેગ્નેશિયમનું પ્રમાણ સારી માત્રામાં સમાયેલું હોય છે. જે હાડકાંની તંદુરસ્તી માટે જરૂરી ગણાય છે. આમ અળવીના પાનના નિયમિત સેવનથી ઓસ્ટિયોપોરોસિસ જેવી હાડકાં સંબંધિત સમસ્યાથી બચી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે : અળવીના પાનમાં વિટામિન તથા ખનીજનું પ્રમાણ સમાયેલું છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં ઉપયોગી ગણાય છે. તેથી જ અળવીના પાન વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારનાર ખાદ્ય પદાર્થમાં ગણના પામ્યા છે. વિટામિન સીના ગુણો શરીરને સંક્રમણથી લડવાની ક્ષમતા વધારે છે. ચોમાસામાં અન્ય જીવાણુથી થતી બિમારીથી સુરક્ષા પ્રદાન કરે છે.

એનિમિયાની તકલીફથી બચાવે : શરીરમાં આયર્નની ઊણપને કારણે એનિમિયા બીમારી થતી હોય છે. એનિમિયાની સમસ્યામાં શરીરમાં લોહીની ઊણપ થવા લાગે છે. જેને કારણે વ્યક્તિના શરીરમાં થોડું કામ કરવાથી પણ નબળાઈ આવી જતી હોય છે. અળવીના પાનનો ઉપયોગ આહારમાં કરવાથી આયર્નની કમી દૂર કરવામાં મદદ કરે છે. શરીરમાં શક્તિનો સંચાર થવા લાગે છે.

આંખોની તંદુરસ્તી માટે ગુણકારી : અળવીના પાનમાં બિટા-કેરોટીનનું પ્રમાણ ભરપૂર જોવા મળે છે. બિટા-કેરોટીન શરીરમાં પ્રસરીને વિટામિન-એ બની જાય છે.

વિટામિન-એ આંખોની તંદુરસ્તી માટે ગુણકારી ગણાય છે. જે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.

અળવીના પાન ખાતાં પહેલાં લેવાની કાળજી : અળવીના પાન ક્યારેય કાચા ખાવા નહીં. કેમ કે અળવીના પાનમાં ઑક્સાલૅટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. અળવીના પાનને અનેક વખત હાથ લગાવવાથી ખંજવાળ આવવા લાગે છે. ક્યારેક પકાવ્યા બાદ તેનો આહારમાં ઉપયોગ કરવાથી ગળામાં ખંજવાળ આવવા લાગે છે. અળવીના પાનમાં રહેલી ઑક્સોલેટની માત્રાને ઘટાડવા માટે પાનને મીઠાવાળા પાણીમાં અડઘો કલાક પલાળીને રાખવા જરૂરી છે. જેથી ઑક્સોલેટનું પ્રમાણ ઘટી જાય છે.

અળવીના પાનમાંથી બનતી વિવિધ વાનગી : ભારતમાં અળવીના પાનનો ઉપયોગ કરીને પાતરાં બનાવવામાં આવે છે. જેમાં પાનની નાની નસને કાઢીને તેની ઉપર ચણાના લોટમાં મસાલો લગાવીને લગાડવામાં આવે છે. ત્યારબાદ તેના ગોળ વીંટા વાળીને બાફવામાં આવે છે. તેને તળીને કે વઘારીને ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે. ફિલિપાઈન્સમાં અળવીના પાનને નારિયેળના દૂધમાં પકાવીને સ્વાદિષ્ટ બનાવવા માટે મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. લેંગ નામક વ્યંજન તૈયાર કરવામાં આવે છે.

અળવીના પાનનો સૂપ, મકાઈની સાથે ભેળવીને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. અળવીના પાનની સાથે તેની દાંડીના સ્વાદિષ્ટ મૂઠિયાં બનાવી શકાય છે. મહારાષ્ટ્રમાં અળવીના પાનની સાથે મકાઈ ભેળવીને સ્વાદિષ્ટ પાતળભાજી બનાવવામાં આવે છે.
શ્રી ગણપતિના ઉત્સવમાં લાડુની સાથે ગરમાગરમ આલુવડીનો પ્રસાદ ખાસ મહેમાનોને પીરસવામાં આવે છે.

અળવીના પાનનાં પાતરાંની રીત
સામગ્રી : 6 નંગ અળવીના પાન, 2 મોટી વાટકી ચણાનો લોટ, સ્વાદાનુસાર મીઠું, 1 ચમચો અજમો, 2 ચમચી સમારેલો ગોળ, 2 મોટી ચમચી આમલીનો પલ્પ, 2 નાની ચમચી ધાણાજીરું, 1 ચમચી આદું મરચાંની પેસ્ટ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 1 ચમચી કસૂરી મેથી. 3 ચમચી સફેદ તલ, 1 ચમચી મીઠા લીમડાંના પાન તથા ચપટી હિંગ.

બનાવવાની રીત : સૌ પ્રથમ પાનની દાંડી હળવે હાથે કાપી લેવી. ત્યારબાદ ચણાના લોટમાં ઉપર જણાવેલી સામગ્રી ભેળવી મિશ્રણ તૈયાર કરી લેવું. સૌથી મોટા પાનને પ્રથમ લેવું. પાનની ઉપર ચણાના લોટનું મિશ્રણ હલકે હાથે લગાવી લેવું. તેની ઉપર બીજું પાન ગોઠવીને તેની ઉપર ચણાનો લોટ લગાવી લેવો. ત્યારબાદ તેના વીંટા વાળી લેવાં. બધા જ વીંટાને 10-15 મિનિટ વરાળમાં બાફી લેવાં. ઠંડા થાય ત્યારબાદ તેના એક સરખા ટુકડાં કરી લેવાં. તેને તેલમાં રાઈ-મીઠો લીમડો-તલ-હિંગ વગેરેથી વઘારીને ખાઈ શકાય. તેને ઓછાં તેલમાં ધીમે તાપે સાંતળીને કડક બનાવીને લહેજત માણી શકાય. બંને પાતરાંની રીતમાં લીંબુનો રસ તથા ચપટી ચાટ મસાલો ઉપરથી છંટકારવો.

આ પણ વાંચો…સ્વાસ્થ્ય સુધાઃ સદાબહાર યુવાન બનાવતું સ્વાદિષ્ટ-પૌષ્ટિક ફળ લૈંગસૈટ!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button