સ્વાસ્થ્ય સુધા: શરીરને સ્ફૂર્તિલું બનાવવું હોય તો ગરમીમાં ખાવ ગુંદર…

-શ્રીલેખા યાજ્ઞિક
ઉનાળાની ગરમીમાં વારંવાર કાંઈ ઠંડું પીવાની માગ થતી હોય છે. શું પીવા આપવું જે તંદુરસ્તી જાળવી રાખે, સ્વાદિષ્ટ હોવું જોઈએ. તેવાં અનેક પ્રશ્ર્નો ગૃહિણીને સતાવતાં હોય છે. જેમ કે કેરી પન્ના કે લીંબુનું શરબત, ફાલસા કે કૉકમનું શરબત, મોળી છાસ, ઠંડાઈ, વિવિધ મિલ્ક શૅક વગેરેનો સમાવેશ થાય છે. આજે આપણે જે ખાદ્ય -પદાર્થ વિશે વાત કરવાના છીએ તેનો મુખ્યત્વે ઉપયોગ શિયાળામાં કરવામાં આવે છે. જી હા, ‘ગુંદર’. શિયાળામાં ગુંદરનો ઉપયોગ કરીને વિવિધ વસાણાની સોડમ રસોડામાંથી આવતી જ હોય છે. ગરમીમાં અન્ય શરબતની સાથે ગુંદરનો ઉપયોગ કરીને બનતું શરબત સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે. નિષ્ણાત આહાર તજજ્ઞો તથા નિષ્ણાત વૈદ્યની વાત ધ્યાનમાં રાખવા જેવી છે. તેઓની વાત માનીએ તો ગરમીનો એક માસ ગુંદરનું શરબત પીવાથી શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. ગુંદરની તાસીર ઠંડી કહેવાય છે. જેથી ગરમીમાં તેનો ઉપયોગ કરવાથી શરીરને ઠંડક મળે છે. નિર્જલીકરણની (ડિહાઈડ્રેટ)ની તકલીફથી બચી શકાય છે.
અંગ્રેજીમાં તેને ટ્રેંગાકૈંથ ગમ અથવા આલમંડ ગમ કહેવામાં આવે છે. આયુર્વૈદિક ઔષધી તરીકે એસ્ટ્રાગૈલસ વૃક્ષના થડમાંથી જે રસ બહાર નીકળે છે તે સુકાઈ ગયા બાદ ગુંદર તરીકે ઓળખાય છે. ગુંદરની ગણના સૂકામેવામાં કરવામાં આવે છે. એક એવો સૂકોમેવો ગણાય છે જેમાં ન કોઈ સ્વાદ કે ના કોઈ સુગંધ છે. ગુંદર કે ગોંદ કતીરા તરીકે તે ઓળખાય છે. ગુંદરમાં રહેલાં પોષક તત્ત્વોની વાત કરીએ તો 100 ગ્રામ ગુંદરમાં કૅલ્શ્યિમની માત્રા 800 મિલીગ્રામ, મેગ્નેશ્યિમની માત્રા 100 મિલીગ્રામ, પોટેશ્યિમની માત્રા 1500 મિલીગ્રામ, સોડિયમની માત્રા 60મિલીગ્રામ, આયર્નની માત્રા 5 મિલીગ્રામ, ઝિંકની માત્રા 2 મિલીગ્રામ, ડાયેટરી ફાઈબરની માત્રા 65 ગ્રામ, કાર્બોહાઈડ્રેટની માત્રા 75 ગ્રામ, કૅલરીનું પ્રમાણ 300 કિલો-કૅલરી પર કિલોગ્રામ (કેસીએએલ) જોવા મળે છે. ફેટની માત્રા શૂન્ય હોય છે.
ગરમીના દિવસોમાં ગુંદરનો ઉપયોગ કરવાના ફાયદા
પાચનમાં સુધારો: ગરમીના દિવસોમાં એક માસ ગુંદરનું સેવન કરવામાં આવે તો પાચનક્રિયામાં સુધારો જોવા મળે છે. કબજિયાતની તકલીફ જેમને લાંબા સમયથી સતાવતી હોય તેમને માટે ઉત્તમ ઉપાય ગણાય છે. ગુંદરને પાણીમાં પલાળીને નિયમિત લેવાથી ગેસ, અપચો તથા એસિડીટીની તકલીફમાં રાહત મળે છે. સાદા પાણીમાં અથવા તો લીંબુના શરબતમાં તેને ભેળવીને પી શકાય છે. એવું કહેવાય છે કે ગરમીમાં ગુંદરનું સેવન કરવાથી આંતરડામાં લાંબા સમયથી ભરાઈ રહેલ ગંદકી દૂર થાય છે. પ્રમાણભાન રાખીને સેવન કરવું હિતાવહ છે. ક્યારેક ઉત્સાહમાં જો વધુ પડતું સેવન કરવામાં આવશે તો પાચનતંત્રને બગાડી શકે છે.
ત્વચાની તંદુરસ્તી માટે ઉત્તમ : ગુંદરનું સેવન કરવાથી ત્વચા ચમકદાર બને છે.ત્વચાની આર્દ્રતા જાળવી રાખવા માટે ગુણકારી છે. ગરમીની મોસમમાં રોજ એક ગ્લાસ લીંબુ પાણીમાં ગુંદરને ભેળવીને પીવામાં આવે તો ત્વચાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
સોજાને નિયંત્રણમાં લાવવામાં ગુણકારી: ગુંદરનો ઉપયોગ શરીરના વિવિધ અંગોમાં જકડન કે સોજા આવી ગયા હોય તેને ઘટાડવા માટે ખાસ કરવામાં આવે છે. અનેક વખત શરીરમાં અંદરથી કળતર થયાં કરે છે. આવા સંજોગોમાં ગુંદરને પાણીમાં પલાળીને ઉપયોગ કરવો લાભકારક ગણાય છે.
આ પણ વાંચો…..સ્વાસ્થ્ય સુધા: તંદુરસ્તી જાળવી રાખવાનો ઉત્તમ વિકલ્પ: સમુદ્રી શેવાળ
શરીરને શક્તિપ્રદાન કરે છે: ગરમીને કારણે શરીરમાં થાક લાગે છે. તેમાં પણ વળી મુંબઈ જેવા શહેરમાં ભેજને કારણે બફારાની માત્રા વધી જાય છે. જેથી કામ કરવાનો ઉત્સાહ રહેતો નથી. ‘હાય તોબા ગરમી..હાય તોબા ગરમી’ જેવાં શબ્દો પ્રત્યેક વ્યક્તિ બોલતાં જોવા મળે છે. એરિયેટેડ પીણાંને બદલે ઘરમાં બનેલાં સાત્ત્વિક પીણાં શરીરને ઊર્જા બક્ષે છે. ગરમીથી બચાવે છે.
હાડકાં તથા સાંધાના દુખાવામાં લાભકારી: ગુંદરમાં સોજાને દૂર કરવાનો ગુણ રહેલો છે. જે સાંધાના દુખાવામાં તથા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. કેમ કે 100 ગ્રામ ગુંદરમાં કૅલ્શ્યિમની માત્રા 800 મિલીગ્રામ, 100 મેગ્નેશ્યિમનું પ્રમાણ છે. ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો હોવાને કારણે હાડકાંમાં કળતર કે સાંધાના દુખાવામાં અકસીર ઉપાય તરીકે જાણીતો છે.
વજનને નિયંત્રણમાં રાખવામાં લાભકારી: ગુંદરમાં ફાઈબરનું પ્રમાણ ભરપૂર હોય છે. જેથી તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વારંવાર સ્વાદિષ્ટ વાનગીનું સેવન કરતાં રોકે છે. જેથી વજન નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
પુરુષોની પ્રજનન ક્ષમતા વધારવામાં તથા મહિલા માટે ગુણકારી: કેટલાંક અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે પુરુષોમાં શુક્રાણુની સંખ્યા વધારવામાં તથા તેની ગુણવત્તા સુધારવામાં ગુંદરનો ઉપયોગ ગુણકારી થઈ શકે છે. પ્રસૂતિ બાદ સ્ત્રીઓના શરીરમાં બદલાવ આવે છે. હાડકાંની મજબૂતાઈ માટે ગુંદરનો પાક બનાવીને દાદી-નાની સદાય ઘરના પ્રત્યેક સભ્યને પ્રેમથી ખવડાવતાં આવ્યા છે. શરીરને ઠંડક આપવાની સાથે લોહી શુદ્ધ કરે છે. શરીરને ઊર્જાવાન બનાવે છે.
ગુંદરને કઈ રીતે ખાવો જોઈએ:
પલાળીને: ગુંદરને બજારમાંથી લાવ્યા બાદ બરાબર સાફ કરી લેવો. ત્યારબાદ તેને એક કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખવો. જેથી તે નરમ બની જશે. તેનું સેવન કરવું સરળ બનશે.
ગાળીને પીવો: ગુંદરને પાણીમાં પલાળીને રાખવો જોઈએ. વળી ગુંદરને બરાબર સાફ ર્ક્યો હોય તેમ છતાં તેમાં કચરો ચોંટી જવાની શક્યતા નકારી શકાય નહીં. તેથી પાણીને ગાળીને પીવું આવશ્યક છે.
ખાવાની રીત: ગરમ દૂધમાં ગુંદર ઉકાળીને પીવાથી તેના બધા જ લાભ મેળવી શકાય છે. ગુંદરને તળીને તેને ખાંડી લીધા બાદ સુખડી કે શીરામાં ઉપયોગ કરી શકાય છે. ગુંદરના પાણીને ગાળીને તેમાં મધ કે ખડી સાકરના ભૂકાની સાથે લીંબુનો રસ ઉમેરીને પીવાથી શરીરને ઠંડક મળી રહે છે. દહીંમાં પલાળીને તેનું સેવન કરી શકાય છે. નરણાં કોઠે કે વહેલી સવારના ગુંદરનું સેવન કરવું ગુણકારી ગણાય છે.
ગુંદરવાળું લીંબુનું શરબત
સામગ્રી: 2 ચમચી ગુંદર, 2 કપ ઠંડુ પાણી ગુંદર પલાળવા માટે, 2 નંગ લીંબુનો રસ, 8 ચમચી દેશી ખાંડ, ચપટી શેકેલાં જીરાનો પાઉડર, સ્વાદાનુસાર સંચળ, 1 ચમચી પલાળેલાં તકમરીયા. 1 ચમચી ફૂદીનો, 1 નાનો ટૂકડો છીણેલું આદું.
બનાવવાની રીત: એક મોટી વાટકીમાં ગુંદર લેવો. તેમાં ગરમ પાણી ઉમેરવું. 4-5 કલાક પલાળીને રાખવું. એક તપેલીમાં 2 લિટર પાણી લેવું તેમાં લીંબુનો રસ ઉમેરવો. ખાંડ ભેળવીને બરાબર હલાવી લેવું. સંચળ તથા જીરુંનો પાઉડર ઉમેરવો. પલાળેલાં તકમરીયાં ભેળવવાં. પલાળેલાં ગુંદરને ધીમે ધીમે લીંબુના શરબતમાં ઉમેરવું. બરફના ટુકડા ગ્લાસમાં ગોઠવી દેવાં. લીંબુનું શરબત તેમાં ભરીને ફુદીનાના પાનથી સજાવીને ચટપટું ઠંડક આપતું શરબત કુટુંબના પ્રત્યેક સભ્યને પીવડાવવું. તેમના દિલોદિમાગ ઠંડક અનુભવશે. આપને સાત્ત્વિક શરબત પીવડાવવાનો આનંદ મળશે.
આ પણ વાંચો…..સ્વાસ્થ્ય સુધા: કાચી કેરીમાં છુપાયેલો છે આરોગ્યનો ખજાનો…