તરોતાઝા

સ્વાસ્થ્ય સુધાઃ જાણો છો કાર્તિકી પૂર્ણિમા પકોડી પૂનમ તરીકે કેમ ઓળખાય છે?

  • શ્રીલેખા યાજ્ઞિક

ભારતીય તહેવારો માનવજીવનને આનંદથી મહેકાવી દે છે. વળી પ્રત્યેક તહેવાર સાથે વિવિધ વાનગીનો રસાસ્વાદ માણવાની પરંપરા જોવા મળે છે. જેમ કે ગણેશ ચતુર્થીમાં લાડુ-મોદક ખવાય છે. શ્રાદ્ધ પક્ષમાં ખીર-પૂરી, દશેરાના દિવસે જલેબી-ફાફડા, શરદ પૂનમના દિવસે દૂધપૌંઆ-ઘારી-ભૂસું, ધનતેરસના દિવસે ફાડા લાપસી, કાળી ચૌદશના વડાં, દિવાળીમાં મઠિયા-ચોળાફળી-ઘૂઘરા-કાજુકતરી, છઠના દિવસે ખાસ બને છે ઠેકુઆ-ખીર, ઉત્તરાયણમાં તલ-સિંગની ચિક્કી, ઊંધિયુંની જયાફત માણવામાં આવે છે.

દેવદિવાળી આપણે સૌ જાણીએ છીએ તેમ દેવોની દિવાળી ગણવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે સંત શ્રી ગુરુનાનક જયંતીની ઊજવણી ખાસ કરવામાં આવે છે. તો ગુજરાતમાં આ દિવસે દેવદિવાળીની સાથે ખાસ ‘પકોડી પૂનમ’ ઊજવવામાં આવે છે. સ્વાદરસિયાઓ પૂનમના દિવસે મનભરીને પાણીપૂરીનો આનંદ માણે છે. સ્વાસ્થ્યની સંભાળ લેવાની સાથે સ્વાદરસિયાઓ પાણીપૂરી ખાઈને આનંદિત બની જતાં હોય છે.

પાણીપૂરીની ખાસ વાત એટલે કે વાનગી એક તેમ છતાં તે સંપૂર્ણ ભારતમાં વિવિધ નામે ઓળખાય છે. જેમ કે ઉત્તર ભારતમાં ગોલગપ્પા, પૂર્વી ભારતમાં પુચકા, દક્ષિણ ભારતમાં ગુપ-સુપ તરીકે ઓળખાય છે. પાની કે બતાશે પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં પકોડી કહેવામાં આવે છે.

પાણીપૂરી વાનગી જ એવી છે તેનું નામ સાંભળતાં જ નાના-મોટા, સ્ત્રી-પુરુષ પ્રત્યેક વ્યક્તિને ખાવાની ઈચ્છા થઈ જ જતી હોય છે. પાણીપુરી સ્વાસ્થ્ય માટે આરોગ્યવર્ધક ગણાય છે શરત ફક્ત એટલી જ કે તે ઘરમાં બનેલી હોય. અનેક લોકોને પાણીપૂરી તો ખૂમચા-વાળાની જ ખાવી પસંદ હોય છે. તો સ્વચ્છતાની યોગ્ય કાળજી લેતાં હોય તેવા ખુમચાવાળાની પાણીપૂરી ખાઈ શકાય છે.

પાણીપૂરીની બનાવવાની શરૂઆત ઘણી જ રસપ્રદ જોવા મળે છે. અનેક વખત આપણને વિચાર આવે કે પ્રાચીન સમયમાં ભોજન કેવું હશે? તે સમયે વિવિધ મીઠાઈ બનતી હશે? ફરસાણ કેવા પ્રકારના બનતાં હશે? તો મહાભારત કાળમાં પાંડવ પત્ની દ્રૌપદીજીએ પાંડવોને માટે પાણીપૂરી બનાવી હતી. જેનો સ્વાદ બધા જ ભાઈઓેને ગમ્યો હતો.

એવું કહેવાય છે કે માતા કુંતીજી નવી વહુની રસોઈકળા વિશે જાણવા માગતી હતી. તેમણે દ્રૌપદીજીને થોડો લોટ, મસાલા, બાફેલાં બટાકા તેમજ ચણા આપ્યા. દ્રૌપદીજીએ બધી જ સામગ્રીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પાણીપૂરી બનાવી દીધી. જે ખાઈને પાંડવોનું પેટ ભરાયું સાથે તેમને ચટપટી નવીન વાનગી ખાવાનો આનંદ મળ્યો.

બિહારમાં ફુલ્કી તરીકે જાણીતી પાણીપૂરી સૌ પ્રથમ મગધ રાજ્યમાં બનાવવામાં આવી હતી. ઈતિહાસ એવો પણ જાણવા મળે છે કે શાહજહાંના શાસનકાળમાં દિલ્હી તથા ઉત્તર ભારતમાં રોગચાળો ફેલાયો હતો. જે ગંદા પાણીને કારણે થયો હતો તેમ માનવામાં આવે છે. સાફસફાઈનું વિશેષ ધ્યાન રાખવાનું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું.

પાણીને ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી હતી. ઉકાળેલું પાણી પીવામાં બેસ્વાદ લાગતું હશે. તેથી જ તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં વિવિધ મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો. ખટ્ટ-મીઠું પાણી બનાવવાની સાથે પાણીપૂરીની શોધ થઈ હશે તેમ માનવામાં આવે છે.

એવું પણ કહેવાય છે કે પાણીની અંદર વિવિધ મસાલા નાખીને પીવાથી શરીરમાં રહેલાં બૅક્ટેરિયા કે બીમારી હોય તે ઘટવા લાગે છે. તેથી જ પાણીમાં હિંગ, મરી, લીંબુ, સંચળ, લવિંગ, ફુદીનો-કોથમીર-આદું-મરચાંને વાટીને સ્વાદિષ્ટ પાણી તૈયાર કરવામાં આવ્યું. પાણીને ગોળમટોળ રવાની પૂરીમાં ભરીને પાણીપૂરી ખાવાની શરૂઆત થઈ.

પાણીપૂરીના સ્વાસ્થ્યવર્ધક ગુણો

વજન ઘટાડવામાં લાભકારી: પાણીપૂરી વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે? તેવો સવાલ જો આપના મનમાં ઊઠતો હોય તો જાણી લો કે જવાબ હામાં છે. પાણીપૂરીમાં સૌથી વધુ ચટાકેદાર પાણી પીવાતું હોય છે. જેમાં હિંગ, ફુદીનો-કોથમીર, લીલા મરચાં-આદું, તજ-લવિંગ, સંચળ-શેકેલું જીરું, લીંબુનો રસ તથા આમલીની ખટાશ-ગોળ વગેરેનો સમાવેશ થાય છે. જે પાચનક્રિયાને સુધારવાની સાથે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

લીલા મરચાં તેમ જ આમલીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ વધુ હોય છે. જે પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. રવાની પાણીપૂરી સાથે ચણા-બટાકા-વટાણાનો રગડો વગેરે ભેળવીને ખાવાથી 10-12 પાણીપૂરી ખાવાથી વ્યક્તિનું પેટ ભરાઈ જાય છે. જો વધુ ખાવાની ઈચ્છા હોય તો પાણીપૂરી ખાતી વખતે વચમાં તેનું ચટાકેદાર પાણી પી લેવાથી પેટ ભરાઈ જશે. જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે.

મોંના ચાંદામાં લાભકારી: એવું કહેવાય છે કે પાણીપૂરીના પાણીમાં ઉત્તર ભારતમાં જલજીરા, આમલી તથા ફુદીનો વગેરે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. જેને કારણે પાણી ખટ્ટ-મધુરુ બની જાય છે. ફુદીનાનો આહારમાં ઉપયોગ આંતરડાંની સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી ગણાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

ફુદીનાને વાટીને બનાવેલું લીલું પાણી પીવાથી શ્વસન સંબંધિત સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે. જેને પીવાથી પેટ સાફ થાય છે. મોંમાં ચાદા પડવાનું મુખ્ય કારણ પેટમાં ગરબડ, અપચો ગણાવી શકાય. પ્રમાણભાન રાખીને પાણી પીવાથી ચાંદાની સમસ્યા ઘટવા લાગે છે.

એવું પણ બને કે ચાંદા પડ્યા હોવાને કારણે વ્યક્તિ પાણી પી ના શકે. તેવા સમયે ખાસ પ્રકારનું જૅલ આવે છે તે લગાવીને પાણીપૂરીની મોજ માણી શકાય. વળી અનેક વખત આપણે જોયું હશે કે ભાવતી વાનગી ખાવાની હોય ત્યારે શરીરના અંગોમાં થતી વેદના ભૂલાઈ જતી હોય છે. સાવધાની રાખીને પાણીપૂરીની મજા માણવી આવશ્યક છે.

મન આનંદિત બની જાય છે: સતત કામના બોજને કારણે આજકાલનું જીવન તાણમાં કે ઉદાસીમાં પસાર થતું હોય છે. આવા સંજોગોમાં જો એક પ્લેટ પાણીપૂરીની ખાઈ લેવામાં આવે તો મન આનંદિત બની જાય છે. અનેક વ્યક્તિઓ દિવસમાં સપ્રમાણ માત્રામાં પાણી પીવાનું વિસરી જતી હોય છે. તેઓ જો પાણીપૂરીનો સ્વાદ માણવાની સાથે એક ગ્લાસ પાણીપૂરીનું ચટાકેદાર પાણી પી લે તો શરીર માટે આવશ્યક પાણીની જરૂરિયાત પૂર્ણ થઈ જાય છે.

સંચળના ગુણો: પાણીપૂરી ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તેનું પાણી સ્વાદિષ્ટ હોય. મીઠાને બદલે સંચળનો ઉપયોગ પાણીને ચટાકેદાર બનાવવામાં કરવામાં આવે છે. જેમાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો સમાયેલાં છે. જે શરીરના સોજા તેમજ કળતરને ઘટાડવામાં મદદ કરે છે. પેટની સાથે જોડાયેલી બીમારીથી બચાવવાનું કામ કરે છે.

પાણીપૂરી બનાવવાની રીત

સામગ્રી: પાણી બનાવવા માટે: દોઢ કપ કોથમીર, 1 કપ ફુદીનો, 4 નંગ લીલા મરચાં ઓછાં તીખાં, 1 નાનો ટુકડો આદું, 2 ચમચી ચાટ મસાલો, 1 ચમચી શેકેલું જીરું, ચપટી હિંગ, 2 નંગ લવિંગ, 10 નંગ મરી, 1 નાનો ટુકડો તજ, સ્વાદાનુસાર સંચળ, 1 નંગ લીંબુનો રસ, 1 ચમચી આમલીનો પલ્પ. 1 ચમચી પાણીપૂરીનો તૈયાર મસાલો, 1 કપ ખારી બુંદી. કોથમીર-ફુદીનાના પાન ઝીણાં સમારેલાં.

બનાવવાની રીત : સૌ પ્રથમ કોથમીર-ફુદીનો મરચાં-આદુંને સ્વચ્છ પાણીથી સાફ કરી લેવાં. ત્યારબાદ તેને મિક્સરમાં ઉપરોક્ત અન્ય સામગ્રી નાંખી વાટી લેવું. લીલુંછમ ચટાકેદાર પાણી તૈયાર થઈ જશે. પીરસતી વખતે બુંદી-કોથમીર-ફુદીનાના પાનથી સજાવવું.

ખજૂર-આમલીની ચટણી: સામગ્રી : અડધો કપ આમલી ગરમ પાણીમાં પલાળીને લેવી. 1 કપ ખજૂર બી કાઢેલાં, દોઢ કપ ગોળ, 2 નંગ તજ, સ્વાદાનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરું, ચપટી હિંગ,
બનાવવાની રીત: આમલી તથા ખજૂરને બાફીને પાણી ગાળી લેવું. તેમાં ઉપરોક્ત સામગ્રી ભેળવીને ગરમ કરીને ચટણી બનાવી લેવી. આ ચટણી 15 દિવસ સુધી ફ્રિઝમાં સારી રહે છે.

ભરવાનો મસાલો: 1 કપ બાફેલાં કાળા ચણા, 2 નંગ બટાકા, 1 કપ બાફેલાં સફેદ વટાણાનો રગડો, 1 ચમચી ચાટ મસાલો, સજાવટ માટે કોથમીર.

તૈયાર રવાની પાણીપૂરી લાવીને તેમાં મસાલો, મીઠી ચટણી તથા ચટાકેદાર પાણી ભરીને ઝટપટ મોંમાં મુકીને મનભરીને સ્વાદ માણવો.

આપણ વાંચો:  મોજની ખોજઃ તમે સરદાર નથી, પણ અસરદાર છો!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button