આરોગ્ય પ્લસઃ શ્વસનતંત્રની અનેકવિધ બીમારી…

સંકલન: સ્મૃતિ શાહ મહેતા
ફેફસાં અને છાતી માનવ શરીરનાં અગત્યનાં અંગ છે. શ્વાસ ઉચ્છવાસનું નિયંત્રણ કરતાં ફેફસાં- હ્રદયને કોઈ ચેપ લાગી જાય પછી શ્વસનતંત્રની અનેક બીમારી પરેશાન કરવા લાગે છે. ગળું પકડાઇ જવું, શરદી, કફ, ઉધરસ વગેરે શ્વાસનળીને લગતી જે બીમારી આપણને અનેકવાર થતી હોય છે એ કયા કારણથી થાય છે, તેનાથી આપણે સાવ અજાણ હોઇએ છીએ. આપણને પ્રાય: એ ખ્યાલ જ નથી આવતો કે, આ બીમારી થવાનું કારણ શું છે.
આ બીમારીનાં કારણો શોધી, તે પ્રમાણે સાવધાની રાખીને ઉપચાર કરીશું તેટલા જરૂર બચી શકીશું. કેમ કે, આ બીમારી અનેક કારણથી થતી હોય છે, માટે તેના ઉપચારો કારણ પ્રમાણે કરાય, પરંતુ તેમાં મોટા ભાગના ભૂલ કરતા હોય છે. જેમ કે, કોઇને પિત્ત કે વાયુને લઇને શરદી થઇ હોય અને ઉપચાર કફની શરદીનો કરે.
શ્વસનતંત્ર સંબંધી રોગ મોટા ભાગે વાઈરલ ઇન્ફેકશનના કારણે થતાં હોય છે. ખરેખર તો તે વાઈરલ ઇન્ફેકશનમાં એન્ટિબાયોટિક દવાઓ કાંઇ જ અસર કરતી નથી, છતાં પણ ભારતમાં આ રોગની સારવાર માટે એન્ટિબાયોટિક દવાઓ સૌથી વધારે વપરાય છે. તેનાં અમુક કારણો એવાં છે કે, કોઇકવાર ચિકિત્સક ધન કમાવા માટે, તો કોઇકવાર તેની અજ્ઞાનતાના કારણે તે બિનજરૂરી દવાઓ આપતા હોય છે. અરે…! અમુકવાર તો એવું પણ બનતું હોય છે કે, દર્દી સાજા થવા માટે ચિકિત્સક પાસે દવાઓની અપેક્ષાઓ રાખતા હોય છે તેથી ચિકિત્સકને બધો જ ખ્યાલ હોવા છતાં દર્દીની માનસિકતા સંતોષવા માટે બિનજરૂરી દવાઓ આપવા માટે લાચાર થવું પડે છે.
વિશ્વમાં આપણો દેશ વાઇરલ ઇન્ફેકશનથી થતી બીમારીઓમાં હંમેશાં બિનઅસરકારક એવી એન્ટિબાયોટિક દવાઓ લેવામાં મોખરે છે. માટે હરખાતા હૈયે આવી દવાઓ ખાતા એવા આપણે, શું જરા ચેતવું ન જોઇએ.
ઉપચાર
પિત્તના કારણે થયેલી શરદી-કફ :
1) 1 ચમચી જેઠી મધ, 1 ચમચી મધ અને અડધી ચમચી ઘી ભેગું કરી સવાર સાંજ લેવું.
2) કાળી દ્રાક્ષ અને સાકર મોઢામાં ચાવવી અને ચૂસવી.
3) 2 ચમચી ઘી અને 1-2 ચમચી સાકર સાથે 2 કેળાં લેવાં.
4) વધુ પિત્તના કારણે શરદી હોય તો ઠંડા પ્રવાહી લઇ શકાય. (ખસ, ગુલાબનું શરબત વગેરે…)
વાત અને કફના કારણે થયેલી શરદી કફ:
1) સૂંઠ, મરી અને પીપર સરખા ભાગે ભેગા કરી સવાર-સાંજ 1 ચમચી ચૂર્ણ ફાકીને પાણી પીવું. અમુક દિવસમાં જ જમા થયેલ કફ નીકળવા લાગશે અને નવો કફ બનતો અટકશે.
2) સવાર-સાંજ બે જામફળ ખાવાથી વર્ષો જૂની શરદી પણ મટે છે.
3) ઉકાળેલું સૂંઠવાળું પાણી પીવું.
4) 1-1- ચમચી આદુંનો રસ અને મધ સવાર-સાંજે લેવું.
5) આદુંનો અને ફુદીનાનો 1 કપ ઉકાળો લેવો.
6) કાળાં મરી અને શેકેલી હળદરનું 4 ગ્રામ જેટલું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવું.
7) ફુદીનાના રસના ટીપાં નાકમાં નાખવાથી સળેખમ મટે છે.
8) 3-3 ગ્રામ તુલસી અને આદુનો રસ, 1 ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.
9) આદુંનો રસ, લીંબુનો રસ અને સિંધલ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.
10) મુઠ્ઠી શેકેલા હળદરવાળા ચણા ખાવા.
11) લવિંગના તેલને રૂમાલમાં નાખી સૂંઘવું.



