
- સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
ગયા અઠવાડિયે આપણે ચર્ચા કરી કે ‘શું શરીર સ્વયં નિરોગી રહી શકે ખરું?’ આપણે એ પણ જાણ્યું કે પરમાત્માએ માનવ શરીરનું બંધારણ જ એ રીતે ઘડ્યું છે કે આપણું શરીર જો કુદરત સાથે બરાબર તાલમેલ મેળવે તો એ સ્વયં સ્વસ્થ રહી શકે.
હવે એ ચર્ચા-વાત આગળ વધારીએ…
આજે આપણા સહુમાં ધીરજતાનો ખૂબ જ અભાવ જોવામાં આવે છે. એટલું જ નહિં, પરંતુ તે ગુણ મનાય છે. ધીરજતાની આ ખામીને ‘આપણને સમયની ખૂબ જ કિંમત છે,’ એવા બહાના નીચે સારી રીતે પોષણ કરતા હોઈએ છીએ. આપણે ઓછા સમયમાં વધુ ફાયદા લેવા ઈચ્છતા હોઈએ છીએ. પરિણામે પાયા વગરની ઈમારત ઊભી કરવામાં જ રસ ધરાવીએ છીએ.
સ્વાસ્થ્યની બાબતમાં પણ આપણે તેવી જ ભૂલ કરતા હોઈએ છીએ. પૂર્વ સાવધાની રાખવાને બદલે બીમાર થયા બાદ દવાઓ ખાઈને ઝડપથી સાજા થવા ઈચ્છીએ છીએ. આપણને બીમારીને મૂળમાંથી નાબૂદ કરવાને બદલે માત્ર તેના બાહ્ય ઉપચારો કરીને જ સ્વસ્થ રહેવાની દાનત હોય છે. અંગ્રેજીમાં કહેવત છે કે,
‘”Prevention is better than cure…’ અર્થાત્ રોગ થયા પછી તેનો ઉપચાર કરવા કરતાં તે રોગ ન જ થાય તેવી કાળજી રાખવી શ્રેષ્ઠ છે. તે હેતુને ધ્યાનમાં રાખીને અહીંયા નિરોગી રહેવાના મૂળભૂત પાયાના ત્રણ સ્થંભોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અનુસરવાથી આપણે પ્રાય: આજીવન દવા વિના નિરોગી, સ્વસ્થ અને સદા આનંદમાં રહી શકીશું.
Prevention is better than cure
નિરોગી જીવનના ત્રણ સ્થંભ…
એ છે : આહાર-ઊંઘ-વ્યાયામ
આહાર
આહાર એ વ્યક્તિના શરીર અને વિચારો(મન)નાં નિર્માણનું પ્રથમ પગથિયું છે. ‘આહાર એ જ ઔષધ’ એ ન્યાયે આહાર જ મનુષ્યના શરીરની સ્વસ્થતા અને અસ્વસ્થતાનું મુખ્ય કારણ છે. જો આપણને આહાર કેટલો લેવો, ક્યારે લેવો, કેવી રીતે લેવો, અને કેવા ભાવ સાથે લેવો, આટલું જ્ઞાન સમજાઈ જાય અને આચરણમાં લેવાય તો દવાઓ વિના જ સ્વસ્થ જીવન જીવી શકાય છે. હવે આપણે ઉપરોક્ત પ્રશ્નોના ઉકેલો મેળવી જીવન સ્વસ્થતાપૂર્વક જીવવાનો પ્રયત્ન કરીએ.
હંમેશાં માપસર જમવું:
આપણે સહુ સારી રીતે જાણીએ છીએ કે, ‘યોગ્ય માત્રામાં જમવું એ નિરોગી રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે.’ પરંતુ આપણને જમતી વેળાએ ‘કેટલું જમવું’ તે બાબતનો વિવેક રહેતો નથી. મોટા ભાગના લોકોને ‘ભૂખ લાગી છે એટલે જમવું.’ બસ, આટલી જ ખબર પડે છે, પરંતુ પેટ એ કચરાપેટી નથી કે, તેમાં ગમે તે વસ્તુ, ગમે તે પ્રમાણમાં નાખી દેવાય.અષ્ટાંગહૃદયમાં કહ્યું છે કે,
દરેકે સર્વદા માપ પ્રમાણે ખાવું-પીવું જોઈએ. કેમ કે, માપસર ખાવા-પીવાથી જ જઠરાગ્નિ પોતાનું પચાવવાનું કામ કરી શકે છે.
વળી અષ્ટાંગહૃદયમાં એમ પણ કહ્યું છે કે,
માત્રા એને કહેવાય કે જેટલું ખાવાથી સુખપૂર્વક પચી જાય.
જોકે, ઘણીવાર આપણે પેટમાં એટલું બધું ઠાંસી ઠાંસીને ભરતા હોઈએ છીએ કે તે આહારથી જ પેટનો જઠરાગ્નિ ઓલવાઈ જાય છે. આપણે એવી માન્યતામાં જીવતા હોઈએ છીએ કે, જે કાંઈ જમીએ છીએ તે પચી જાય છે. ના, પાચનશક્તિને લાંબા સમય સુધી સતેજ રાખવા માટે હંમેશાં પાચનશક્તિની મહત્તમ ક્ષમતા કરતાં ઓછું જ જમવું જોઈએ એ જ સાચું ડહાપણ છે.
જેમ ચૂલામાં વધુ લાકડાં નાખવાથી અગ્નિ ઓલવાઈ જાય છે, તેમ જ પેટ ભરીને જમવાથી જઠરાગ્નિ મંદ પડી જાય છે.
અષ્ટાંગહૃદયનું કથન છે કે,
જમતા સમયે હંમેશાં પેટના ચાર ભાગ કરી બે ભાગ અન્નથી ભરવા, એક ભાગ પ્રવાહીથી અને એક ભાગ હવા વગેરે માટે ખાલી રાખવો.
50% અન્ન
25% પ્રવાહી (છાશ, પાણી વગેરે)
25% ખાલી
જમતી વખતે આપણાં ભાવતાં ભોજન પીરસતાં હોય અને તે સમયે થોડા ભૂખ્યા રહીને ઊભા થઈ જવું તે જ સાચું તપ અને શૂરવીરતા છે. સામાન્ય જનતા નહિં, પરંતુ આ વાતને સારી રીતે જાણનારા એવા ઘણા ડોક્ટરો, વૈદ્યો, સંન્યાસીઓ અને ધર્માચાર્યો પણ આ જ્ઞાનનો યોગ્ય સમયે આદર કરી શકતા નથી, કેમ કે આ સમજણનો જીવનમાં અમલ કરવા માટે મન અને જીભ પર અવશ્ય નિયંત્રણ કરવું પડે છે અને તે બહુ કઠીન છે, પરંતુ આ સમજણ પ્રમાણે જો આપણે આહાર ગ્રહણ કરીએ, તો અનેક બીમારીઓના શિકાર થવાથી બચી શકીએ.
આજકાલ આપણે શરીરની સ્થૂળતા અને વજન ઘટાડવામાં એકાએક આપણા આહારમાં ફેરફારો કરીને અમુક સમય સુધી ઉપવાસો કે એકદમ ઓછું જમવાનું શરૂ કરી દઈએ છીએ. આ રીતે ટૂંક સમયમાં શરીરનું વજન ઓછું કરીને રાહત અનુભવીએ છીએ, પરંતુ આહારમાં કાયમી નિયંત્રણ ન હોવાથી ટૂંક સમયમાં ફરીને પહેલાં જેવી જ શરીરમાં સ્થૂળતા આવી જાય છે માટે આજીવન શરીરનું વજન માપસર રાખવા અને સ્વસ્થતા જાળવવા હંમેશાં યોગ્ય માત્રામાં આહાર લેવો, એ શ્રેષ્ઠ અને કારગત નિવડેલો ઉપાય છે. એટલું જ નહિ, પરંતુ યુક્ત આહારથી પાચનશક્તિ લાંબા સમય સુધી સક્રિય રહે છે. અને આહારનું પાચન ઓછા સમયમાં વ્યવસ્થિત થાય છે. તેમ જ શરીર પાસેથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કામ ખૂબ જ લઈ શકાય છે.
મનની ભૂખે નહિ પરંતુ પેટની ભૂખે જમવું:
આજે જીવનધોરણ ઊંચું જતાં આપણને સારામાં સારાં ભોજનો અત્યંત સરળતાથી પ્રાપ્ત થાય છે. આથી ભૂખ ન હોવા છતાં પણ કટાણે જમવું સહજ બની ગયું છે. આપણે મોટા ભાગે જમીએ છીએ મનની ભૂખે, પણ માનતા હોઈએ છીએ પેટની ભૂખ! પરંતુ જ્યાં સુધી વાસ્તવિક ભૂખ ન હોય ત્યાં સુધી જઠરાગ્નિ પ્રદિપ્ત હોતો જ નથી. પરંતુ આપણે ખોટી ભૂખના વહેમમાં, શરીરની જરૂરિયાતને ન જોતાં, કેવળ રસાસ્વાદને આધીન થઈને જમીએ છીએ. આથી આપણું પાચનતંત્ર યોગ્ય સમયે પાચન કરી શકતું નથી, તેથી તે અનેક રોગનું શિકાર બને છે.
પ્રાય: દરેક રોગનું મૂળ મંદાગ્નિથી થતી અપાચન અવસ્થા છે.
જેમ ચૂલામાં અગ્નિ ઓછો હોય ત્યારે એકસાથે વધુ લાકડાં નાખવાથી અગ્નિ વધુ પ્રજ્વલિત ન થતાં કેવળ ધુમાડો વધે છે, તેવી જ રીતે પેટમાં ભૂખ ન હોવા છતાં જમવાથી અપચો, કબજિયાત, એસીડીટી જેવા અનેક રોગ થાય છે.
હા, અમુક લોકો એવા પણ છે કે, જેમને ભૂખ ન લાગી હોવા છતાં નોકરી-ધંધાને કારણે કોઈ કોઈ ચોક્કસ સમયે જમવાની રોજ છૂટ મળતી હોય છે. તેથી આવી પરિસ્થિતિમાં ભૂખ હોય તેટલું જ જમવું જોઈએ અથવા ભૂખ લાગી હોય તેવા સમયે જ જમવાનું ગોઠવાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. માટે હંમેશાં વાસ્તવિક ભૂખ ઓળખીને જમવું. પરંતુ આ વાસ્તવિક ભૂખને ઓળખવી કેવી રીતે?
જેમ દૂધમાં ઊભરો આવે તે દૂધની વાસ્તવિક સ્થિતિ નથી, તેમ જ પ્રાય: આપણને અનુભવાતી ભૂખ પણ વાસ્તસ્વિક ભૂખ હોતી નથી. જ્યારે શરીર ભોજન અને ઊંઘના કુદરતી તાલમેલ પ્રમાણે ચાલતું હોય છે, ત્યારે જમવાના સમયે શરીરને વાસ્તવિક ભૂખ લાગી હોય કે ન લાગી હોય, પરંતુ મગજ શરીરને ભોજનની યાદી આપે છે તેથી તે સમયે પેટમાં થોડું એસિડ છૂટે છે અને તે એસિડને આપણે સાચી ભૂખ માનીએ છીએ. આમ, મગજે આપેલા તે સમયના સંકેતને, કે જે ભૂખનો સંકેત નથી; તેને આપણે વાસ્તવિક ભૂખ સમજી લઈએ છીએ તેથી મગજે આપેલી યાદીને કારણે જો ભૂખ અનુભવાય તો થોડી ધીરજ રાખીને તે ભૂખને સહન કરી લેવી. આથી મગજ શરીરમાં પડેલી વધારાની ચરબીનો ઉપયોગ શરૂ કરાવી દે છે, તેથી શરીરને જરૂરી શક્તિ પ્રાપ્ત થાય છે. અને જો તે સમયે આપણે ધીરજતાનો ત્યાગ કરીને મગજે આપેલા સંકેતને ભૂખ સમજીને કાંઈ પણ ખાઈએ, તો તેને શરીર વધારાની ચરબીમાં રૂપાંતર કરે છે માટે જ્યારે પેટમાં થોડીક જ ભૂખ અનુભવાય ત્યારે તરત જ જમી લેવું તે હિતાવહ નથી, પરંતુ શરીરને થોડી ભૂખ સહન કરવાની આદત પડાવવી. આમ હંમેશાં મનની ભૂખે નહિં, પરંતુ પેટની વાસ્તવિક ભૂખે જમવું.
આપણ વાંચો: સ્વાસ્થ્ય સુધા: અનેક બીમારીમાં ગુણકારી છે લીલા શિંગોડાં…
ખૂબ જ પચાવીને શાંતિથી જમવું:
ભગવાને જીવ-પ્રાણીમાત્રને ચાવીને જમવા માટે દાંતની વ્યવસ્થા કરી આપી છે. આથી માણસ જન્મે ત્યારથી જ ચાવીને જમવાનું શીખવાડવામાં આવે છે. અહીં શરમની વાત તો એ છે કે, પશુઓ જેટલું ચાવીને જમે છે તેટલું ચાવીને જમવાનું પાલન આપણે મનુષ્ય હોવા છતાં કરી શકતા નથી. આ ખૂબ જ મોટી નબળાઈ અને આળસ સૂચવે છે. તેથી જ આપણે ઘણા રોગના ભોગ બનીએ છીએ માટે જો વ્યવસ્થિત ચાવીને જમવાની ટેવ પાડીએ તો લાંબા સમય સુધી નિરોગી અને આનંદમય જીવન જીવી શકીએ. ચાવીને જમવાથી થતા ફાયદા તથા ચાવીને ન જમવાથી થતાં નુકસાન ઉપર દર્શાવેલ છે.