આરોગ્ય પ્લસઃ ઊંઘ છે એક જીવનરક્ષક જરૂરિયાત

સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
પરમાત્માએ જીવન જીવવા માટે અમુક નિયમોનું બંધારણ કર્યું છે કે, જેને અનુસરવાથી આપણે આજીવન સ્વસ્થ ને સુખમય જીવન જીવી શકીએ. ઊંઘ પણ તેવી જ એક બાબત છે. ચરક ઋષિએ કહ્યું છે કે, ‘દેહ નિભાવ માટે જેટલું પ્રયોજન આહારનું છે તેટલું જ પ્રગાઢ નિદ્રાનું મનાયું છે.’
ભગવાને દિવસને કર્મ કરવા માટે અને રાત્રિને આરામ માટે બનાવી છે, પરંતુ આજના ઝડપી ઉદ્યોગીકરણના યુગમાં આપણને સૂવા માટે પર્યાપ્ત સમય આપવો બિનજરૂરી લાગે છે. આપણા મનમાં સતત એક જ વાત હોય છે. ‘મારી પાસે સમય નથી.’ અને જેમ જેમ આવી માનસિકતા વધતી જાય છે તેમ તેમ આપણે સૂવાના સમય પર કાપ મૂકતા જઈએ છીએ.
આજના યુગની એક મોટી કુટેવ એ છે કે, આપણે દિવસે કામ કરવાનું ઓછું પસંદ કરીએ છીએ અને રાત્રે મોડે સુધી જાગીને કામ કરવામાં જ રસ ધરાવીએ છીએ, પરંતુ આપણે દિવસે જે કાંઈ પણ કરીએ છીએ તે રાત્રિની ઊંઘના આધારે જ કરી શકીએ છીએ. પ્રત્યેક વ્યક્તિની ઉંમરના આધારે તેની ઊંઘની જરૂરિયાત અલગ અલગ હોય છે, જેમકે…
ઉંમર (વર્ષ) ઊંઘની જરૂરિયાત (કલાક)
1 વર્ષ સુધી 16-18
2-7 14-16
8-18 8-9
19-40 7:00 – 7:30
41-65 6:30 – 7:00
66+ 6:30
આ રીતે દરેક વ્યક્તિએ પોતાની ઉંમર તથા જરૂરિયાત મુજબ પૂરતી ઊંઘ લેવી જોઈએ અને જો અહીં દર્શાવેલ સમયથી વધારે ઊંઘવાની ટેવ પડે તો તે સ્વાસ્થ્યને હાનિકારક થાય છે. માનસિક શ્રમ કરનારાઓને થોડી વધારે માત્રામાં ઊંઘની જરૂર હોય છે. વળી, આપણે કઈ દિશામાં ઊંઘીએ છીએ તે પણ આપણા સ્વાસ્થ્ય ઉપર ઘણી અસર કરે છે.
*સૂવા માટે શ્રેષ્ઠ દિશા કઈ?
પૃથ્વીમાં બહું મોટી ગુરુત્વાકર્ષણ શક્તિ રહેલી છે. તે શક્તિને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય છે. તેવી જ રીતે માનવશરીરની અંદર પણ ગુરુત્વાકર્ષણશક્તિ હોય છે. આપણું માથું તે ઉત્તર ધ્રુવ હોય છે અને પગ દક્ષિણ ધ્રુવ હોય છે. તેથી જ્યારે આપણે અલગ-અલગ દિશામાં માથું રાખીને સૂઈએ છીએ, ત્યારે તેની આપણા શરીર અને મન ઉપર અલગ-અલગ અસર થાય છે, જેમકે…
ઉત્તર દિશા:
જ્યારે આપણું માથું ઉત્તર દિશામાં હોય છે ત્યારે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ અને આપણા શરીરનો ઉત્તર ધ્રુવ એક દિશામાં થઈ જાય છે. તેથી એની અસર આ રીતે થાય છે:
શરીરમાં પ્રતિકર્ષણબળ ઉત્પન્ન થાય છે શરીરના હૃદય વગેરે અંગો સંકુચિતતા અનુભવે છે. બ્લડપ્રેશર વધે છે, ઊંઘ સંબંધી રોગ વધે છે, તમોગુણી (ભય, હિંસા, ક્રોધ વગેરેને લગતા) સ્વપ્નાઓ આવવાની સંભાવના વધે છે. માટે ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું નુકશાનકારક છે.
દક્ષિણ દિશા:
જ્યારે આપણું માથું દક્ષિણ દિશામાં હોય છે ત્યારે પૃથ્વીનો ઉત્તર ધ્રુવ અને આપણા શરીરનો દક્ષિણ ધ્રુવ એક દિશામાં થઈ જાય છે, જેથી… શરીરમાં આકર્ષણબળ ઉત્પન્ન થાય છે. શરીરનાં અંગોમાં ખેંચાવ આવે છે. શરીરમાં આરામ અનુભવાય છે. બ્લડપ્રેશર નોર્મલ રહે છે. ઊંઘ સારી આવે છે, પરંતુ રજોગુણી સ્વપ્નાઓ આવવાની સંભાવના વધે છે. માટે દક્ષિણ દિશા ઊંઘ માટે સારી છે, પરંતુ જે લોકો બ્રહ્મચર્ય નું પાલન કરતા હોય તેમના માટે સારી નથી.
પૂર્વ દિશા:
શરીર પ્રતિકર્ષણ કે આકર્ષણના બળથી ન્યુટ્રલ રહે છે. બ્લડપ્રેશર વગેરે શરીરની અવસ્થા નોર્મલ રહે છે
પશ્ચિમ દિશા:
આયુર્વેદ આ દિશા બાબતે મૌન છે. વૈજ્ઞાનિકોએ આ દિશા અંગે હજી પૂરું સંશોધન કર્યું નથી. માટે દક્ષિણ અને પૂર્વ દિશા ઊંઘ માટે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે.
*અનિદ્રાનાં કારણ:
આજે ઘણા લોકોને નાની ઉંમરમાં જ ઊંઘની અનેક સમસ્યાઓ થતી હોય છે. આજે વિશ્ર્વમાં 65 ટકા યુવા અવસ્થાવાળા અને 72 ટકા વડીલો અનિદ્રાથી પીડાય છે. મોટા ભાગે વ્યક્તિ પોતે જ આવી સમસ્યાઓ ઊભી કરવામાં જવાબદાર હોય છે. જો આ વિશે યોગ્ય ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યાઓ જ બીમારીમાં પરિણમી જાય છે. અને લાંબા સમયે બીજી અનેક બીમારીઓનું કારણ બને છે, જેમકે…
*સૂવા માટે ખોટી જરૂરિયાતોની અપેક્ષા:
આજે વ્યક્તિનું જીવન આરામદાયક બનાવવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેથી વ્યક્તિને તે સુવિધાઓ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ પણ વધતી જાય છે. જેમ કે, સૂવા માટે સારો મોટો પલંગ, મનગમતું ઓશીકું, અવાજ-લાઈટ વગરની રૂમ, ઉનાળામાં A.C.વગેરે… જ્યાં સુધી વ્યક્તિએ સૂવા માટે મનમાં નક્કી કરેલ આવી સુવિધાઓ પૂરી ન થાય ત્યાં સુધી મન શરીરને ઊંઘ લાવવામાં મોટું બાધક બને છે. માટે ખૂબ જ પ્રસન્નતાથી અને બિનજરૂરી જરૂરિયાતો ઊભી કર્યા વગર સૂવાની ટેવ પાડવી જોઈએ.
વિચારોની આયોજનશક્તિનો અભાવ:
સામાન્ય રીતે દરેક માણસને રોજના આશરે 70,000 વિચારો આવતા હોય છે. વ્યક્તિ દિવસ દરમ્યાન કામ-ધંધાના જે વિચારો કરતો હોય છે, તેના તે જ વિચારો રાત્રે સૂતી વખતે પણ કરીને મોડે સુધી જાગતો રહે છે. પરંતુ આ રીત તદ્દન ખોટી છે. લોકો રાત્રે પણ એટલા વિચારો કરતા હોય છે કે, તે વિચારો તેમને ઘાટી ઊંઘ લાવવામાં બાધક બનતા હોય છે. અને પરિણામ સ્વરૂપે બીજો દિવસ પણ ખૂબ જ શુષ્કપણે વિતાવતો પડતો હોય છે. તેથી જે કામ દિવસ દરમિયાન એક કલાકમાં સહેલાઈથી થઈ શકે તેવું હોય તેની પાછળ વ્યક્તિને ચારથી પાંચ કલાક બગાડવા પડતા હોય છે.
આથી રાત્રિના સમયે મગજને બોજ પડે એવા વિચારોને હંમેશાં ત્યાગ કરવો જોઈએ. અને ખરેખર સુખમય ઊંઘ લેવી હોય તો આ સમયમાં ધ્યાન- ભજન અથવા તો પરિવાર સાથે હળવી પળો વિતાવવી ફાયદાકારક છે. માટે આપણા વિચારો જ આપણી ઊંઘની અનિયમિતતાનું કારણ છે. તેથી ક્યારે અને કેટલા પ્રમાણમાં વિચારો કરવા, તેનું મેનેજમેન્ટ અવશ્ય શીખવું જોઈએ.
ઊંઘ માટે અવરોધક છે અનિયમિત જીવનશૈલી. એના વિશે હવે પછી….
આપણ વાંચો: ફાઈનાન્સના ફંડાઃ વસિયતનામું એક એવો દસ્તાવેજ, જે મિલકતને કજિયાનું છોરું બનતા અટકાવે છે…