આરોગ્ય પ્લસ -સંકલન: સંકલ્પશક્તિની પ્રચંડ પ્રબળતા…સ્મૃતિ શાહ-મહેતા

દુનિયાની તમામ વ્યક્તિ સફળ થવા ઈચ્છે છે, પરંતુ સફળતા માટે પ્રયત્ન કરવા બહુ ઓછા લોકો તત્પર હોય છે એથી જ એ લોકો મહાન બની શકતા નથી. દુર્બળ વ્યક્તિ સફળતાનો માત્ર સંકલ્પ જ કરે છે, જ્યારે મહાન વ્યક્તિ પાસે તે સફળતાને પ્રાપ્ત કરવા દૃઢ તીવ્ર સંકલ્પશક્તિ હોય છે. એટલે જ વિકટર હ્યુગોએ કહ્યું છે કે, ‘લોકોમાં તાકાતની નહીં, પણ સંકલ્પશક્તિની કમી હોય છે… ‘આપણા સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે :
‘બધી જ શક્તિ તમારી અંદર છે, તમે જે પણ ઈચ્છો એ બધું જ કરી શકો છો.’
તેવી જ રીતે દર્દીને બીમારી સામે લડવામાં સંકલ્પશક્તિ ખૂબ જ મદદરૂપ થાય છે, પરંતુ દર્દી આવી દૃઢ સંકલ્પશક્તિ કેળવી
શકતો નથી કેમ કે, એની પાસે બીમારી સાથે લડવાના અનેક વિકલ્પો હોય છે. ઘણીવાર સ્નેહીજનોની વધુ પડતી લાગણી જ દર્દીને બીમારી સામે લડવામાં અનેક વિકલ્પો આપે છે અને એમની આવી લાગણીઓ જ દર્દીને જલ્દી સાજા થવામાં બાધક બને છે.
સ્નેહીજનોની લાગણી ને દર્દીની સંકલ્પશક્તિ આપણે ત્યાં સદીઓથી એવો રિવાજ છે કે, સ્નેહીજનો અને મિત્રો દર્દીની
ખબર-અંતર લેવા માટે એની મુલાકાતે જતા હોય છે. તે મુલાકાતમાં બધા તરફથી મળતી હૂંફ અને લાગણી દર્દીને બીમારીમાંથી બહાર નીકળવામાં ઘણી મદદરૂપ થતી હોય છે. જોકે, આ જ લાગણીઓનો અતિરેક ક્યારેક બીમારીને લંબાવી પણ શકે છે.
મનોવૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે, જે પરિવારમાં કે સમૂહમાં દર્દીનું ધ્યાન રાખનારા અને તેને ચાહનારા વધુ લોકો હોય છે ત્યાં દર્દી બીમારીમાંથી જલ્દી બહાર નીકળી શકતો નથી કેમ કે, સ્નેહીજનો દર્દીને બીમારીમાંથી બહાર કાઢવા વધુ લાગણીભર્યું વર્તન કરતાં હોય છે. પરંતુ આ જ વધુ પડતી લાગણી દર્દીને નમાલો બનાવી દે છે. જેમ જેમ પરિવારજનોની લાગણી દર્દી પ્રત્યે વધતી જાય છે તેમ તેમ એ દર્દી બીમારીને આધીન થઈને જીવવા લાગે છે. અને અંતે તે લાગણી જ દર્દીને દૃઢ સંકલ્પશક્તિ ઉત્પન્ન કરવામાં અડચણરૂપ બને છે. જે બીમારી દૃઢ મનોબળ દ્વારા સહેલાઈથી દૂર થઈ શકે તેમ હોય તે જ બીમારી દર્દીમાં આજીવન નિવાસ કરીને રહે છે.
મુંબઈમાં રહેતો અઠ્ઠયાવીશ વર્ષનો વિજય છેલ્લાં વીસ વર્ષથી લકવાની બીમારીથી પીડિત હતો. પરિવારમાં તે ત્રણ બહેન વચ્ચે એક જ ભાઈ હોવાથી સહુ એનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. વિજયને જરાપણ તકલીફ ન પડે તે રીતે ખૂબ જ પ્રેમથી ઉછેર્યો હતો. પથારીમાંથી ઊભું જ ન થવું પડે તેવી તમામ સુવિધા એને આપવામાં આવતી હતી. પરિવારજનોની આ લાગણીઓએ જ વિજયને બીમારી સાથે લડવાને બદલે બીમારીને આધીન કરી દીધો હતો. આમ એ થોડો સ્વસ્થ થવા છતાં લાગણીઓના પ્રવાહને લઈને પથારીવશ જીવવામાં ટેવાઈ ગયો હતો, પરંતુ એકવાર કોલેજમાંથી રિસર્ચ કરવા માટે એણે અજાણ્યા શહેરમાં જવું જ પડે તેમ હતું. ત્યાં પરિવારજનોની ગેરહાજરીમાં લાગણી અને પ્રેમ ન મળતાં એને પોતાની બીમારી સાથે સંઘર્ષ કરવાનું થયું. ત્યાં પોતાનું બધું કામ જાતે જ કરવાનું થયું. એને પરિસ્થિતિ સામે લડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ ન હતો. તેથી ધીરે ધીરે એની સંકલ્પશક્તિ ખીલવા લાગી. અને પરણિામે બે મહિનાની ટુરમાં વિજય લકવાની બીમારીમાંથી 75% મુક્ત થઈ ગયો.!
આમ, દૃઢ સંકલ્પશક્તિ દ્વારા દર્દી ખૂબ જ ચમત્કારી અને આશ્ર્ચર્યકારક પરિણામ સર્જી શકે છે. જોકે, આવી સંકલ્પશક્તિ નિર્વિકલ્પ (જેમાં કોઈ વિકલ્પ ન હોય તેવી) અવસ્થામાં જ ખીલે છે.
આનું એક વધુ ઉદાહરણ જુઓ…
ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ
ભારતીય ક્રિકેટ ટીમ ઈ.સ. 2011માં વર્લ્ડકપ જીતી. તેના હીરો યુવરાજસિંહ હતા. આ જીત પછી તરત જ એને ફેફસાંનું કેન્સર થયું. પરંતુ યુવરાજસિંહએ આ સમાચારથી તૂટી પડવાના બદલે દૃઢ મનોબળ રાખી કેન્સર સામે લડવાનું નક્કી કર્યું. તેથી એ કેન્સરની બીમારી દરમિયાન ક્યારેય પણ મૂંઝાવાને બદલે સતત એવા વિચારોથી જ પોતાને બળ આપતા કહ્યું કે, ‘હું આ બીમારીમાંથી જલ્દીમાં જલ્દી બહાર નીકળી જઈશ…’ ત્યાર બાદ અમેરિકામાં કેન્સરની સારવાર લીધા પછી થોડા જ સમયમાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાં પુન: જોડાઈ ગયા હતા અને આજે યુવરાજ સાવ કેન્સરમુક્ત છે !
આપણ વાંચો: સાઉથ આફ્રિકાના બૅટ્સમૅને લારાનો 400 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવાનું માંડી વાળ્યું અને પછી કહ્યું…
ડગ્લાસ ને લીન રોબર્ટસન (અમેરિકા)
સમુદ્રમાં ખોવાઈ જવાથી 38 દિવસો સુધી એ હોડીમાં જ રહ્યા. જીવવાની કોઈ આશા ન હોવા છતાં પણ પોતાની દૃઢ સંકલ્પશક્તિ દ્વારા એ આફતમાંથી- સમુદ્રમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરતા હતા. ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી એમણે નક્કી કર્યું કે, ‘સમુદ્રના પાણીનો મળદ્વાર દ્વારા એનીમા (બસ્તિ) લેવાથી એમનું આંતરડું તે પાણીમાંથી મીઠાને ફિલ્ટર કરીને શરીરના કોષોને ઊર્જા આપશે.’ આવી દૃઢ સંકલ્પશક્તિ રાખીને આમ કરવાથી એ બન્ને અતિ વિક્ટ પરિસ્થિતિમાં પણ નિર્ભયપણે જીવી ગયા.
જેમ દૃઢ હકારાત્મક મનોવલણથી વ્યક્તિ જીવન-મરણ જેવી વિકટ પરિસ્થિતિમાંથી પણ બહાર નીકળી શકે છે તેમ જ નકારાત્મક મનોવલણ સ્વસ્થ શરીરમાં કોઈ પણ પ્રકારના ભયંકર ફેરફારો કરી શકે છે. અને ક્યારેક વ્યક્તિના મૃત્યુનું કારણ પણ બની શકે છે.
રશિયામાં એક કેદીને સરકારે ફાંસીની સજા કરી હતી. મનોવૈજ્ઞાનિકો વ્યક્તિના મનોવલણની શરીર પર થતી અસરને પ્રયોગો દ્વારા તપાસવા માગતા હતા. આથી એમણે કેદી પર એક પ્રયોગ કરવા માટે ન્યાયાધીશ પાસેથી મંજૂરી મેળવી. ત્યારબાદ મનોવૈજ્ઞાનિકોએ તે કેદીને મળીને કહ્યું કે, ‘કાલે તને જે ફાંસીની સજા થવાની છે, તેમાં તારે તરફડિયા મારી મારીને ન મરવું હોય તો અમે તને માત્ર એક જ ઝેરનું ઈન્જેકશન આપીશું, તેથી તું અમુક ક્ષણમાં જ મૃત્યુ પામીશ. શું તને આ મંજૂર છે? કેદીએ વિચાર્યું કે, ‘ફાંસીએ રીબાઈ-રીબાઈને મરવા કરતાં, પીડા વગર મરવું સારું.’ એમ વિચારીને તેણે મનોવૈજ્ઞાનિકોને હા કહી.
ત્યારબાદ મનોવૈજ્ઞાનિકોએ કેદીની નજર સામે એક ઘોડાને ઝેરનું ઈન્જેકશન આપ્યું. તેથી ઘોડો થોડી જ ક્ષણોમાં મૃત્યુ પામ્યો. અને તે કેદીને જણાવવામાં આવ્યું કે, આ જ ઝેરનું ઈન્જેકશન તને કાલે આપવામાં આવશે. બીજા દિવસે કેદીને ઈન્જેકશન આપતાં તે એક મિનિટની અંદર જ મૃત્યુ પામ્યો. ત્યાર પછી તેનું પોસ્ટમોર્ટમ કરતાં તેના શરીરમાં ઝેર હોવાના પ્રમાણ મળી આવ્યા !
આ જાણીને મનોવૈજ્ઞાનિકો અવાક થઈ ગયા. એમણે જાહેર કર્યું કે, ‘અમે વ્યક્તિના મનોવલણની શરીર પર થતી અસરને તપાસવા માટે આ કેદીને વાસ્તવમાં ઝેરને બદલે પાણી ભરેલું ઈન્જેકશન આપ્યું હતું, પરંતુ એના મનમાં એવું દૃઢ રીતે ઠસી ગયું હતું કે, એને ઝેરનું ઈન્જેકશન આપવામાં આવ્યું છે. તેથી એની વિચારધારાના કારણે એના શરીરમાંથી પાણીનું ઝેર થતાં તે મૃત્યુ પામ્યો ! .’
આમ વ્યક્તિ પોતાની સંકલ્પશક્તિ દ્વારા શરીરમાં અનેક રોગોને આમંત્રણ પણ આપી શકે છે અને તે જ સંકલ્પશક્તિ દ્વારા ગમે તેવા રોગને શરીરમાંથી નાબૂદ પણ કરી શકે છે. તે સંકલ્પશક્તિનું મૂળ મન છે. અને મન જ શરીરનું નિયંત્રણ કરી શકે છે. તેથી માણસની હકારાત્મક સંકલ્પશક્તિ જેટલી તીવ્ર હોય છે, તેટલી જ એની રોગપ્રતિકારક શક્તિ બળવાન થાય છે.