આરોગ્ય પ્લસઃ આત્માની બારી એટલે આંખ…

- સંકલન: સ્મૃતિ શાહ મહેતા
માનવ કાયામાં નાનાં મોટાં અનેક અંગ-અવયવ છે. પ્રત્યેકની વિભિન્ન કાર્ય ભૂમિકા છે. આમાં જેના દ્વારા આપણે જગતને જોઈ શકીએ છીએ એ ચક્ષુ આંખ વિના આપણને ક્ષણભર પણ ન ચાલે. દૃષ્ટિ વગર આપણી દુનિયા સાવ અંધકારમય. અને એટલે જ આંખને મન-તન આત્માની બારી તરીકે ઓળખાવામાં આવે છે…
સૃષ્ટિના સર્જનહારે, તેમની આ સુંદર રચનાને જોઈ શકીએ તે માટે આંખોનું નિર્માણ કર્યુ છે. આમ આંખ એ પરમાત્માએ જગતની પ્રત્યેક જીવને આપેલી ખૂબ જ અમૂલ્ય ભેટ છે.
શું આપ જાણો છો કે, જ્યારે આંખના વીસ લાખ જેટલા અંશો એકસાથે કામ કરે ત્યારે જ આપણે જોઈ શકીએ છીએ? વળી, શું આપણે જાણીએ છીએ કે, આંખ પણ એક આધુનિક કેમેરો છે? જેમ આપણે વધુ Mega Pixel વાળો કેમેરો પહેલો પસંદ કરીએ છીએ, તેમ આપણી આંખ પણ 576 Mega Pixelની ક્ષમતા ધરાવે છે અને આંખનું વજન માત્ર 28 ગ્રામ જેટલું જ હોય છે…
આમ છતાં, આપણે ભગવાનની આ ભેટની જોઈએ તેવી કિંમત સમજતા જ નથી. આજે વિશ્વમાં સાડા ચાર કરોડથી વધુ લોકો દૃષ્ટિહીન છે, તો જરા વિચારો…! જો આપણે પણ તેમની જેમ દૃષ્ટિહીન હોત, તો શું આંખોનો દુરુપયોગ ક્યારેય કરતા હોત? આજે મોટા ભાગના લોકોની આંખ ટી.વી., સિનેમા, મોબાઈલ, કોમ્પ્યુટર વગેરેમાં કલાકો સુધી વ્યર્થ સમય વ્યતીત કરવાથી બગડે છે.
તેમાં પણ આજની યુવા પેઢી તો દિવસના 8-10 કલાક સોશ્યલ મીડિયા પાછળ બગાડે છે, જેથી તેઓ ખૂબ જ નાની ઉંમરમાં ચશ્માંના શિકાર બનવા લાગ્યા છે. શું આપ જાણો છો કે, 90 ટકા આંખોના રોગ આપણી બેદરકારીને કારણે જ થાય છે? તો શું આજથી આપણે સહુ પરમાત્માની આ અમૂલ્ય સોગાદનો ઉપયોગ ખૂબ જ વિવેકથી અને તેમને ગમે તેવી રીતે જ કરવા કટિબદ્ધ થઈશું?
સુટેવ: આંખોની જાળવણી કરવા…
- રોજ સવાર-સાંજ આંખમાં શુદ્ધ ઠંડા પાણીની છાલક મારવી.
- આંખોનો સ્પર્શ કરવો હોય ત્યારે હંમેશાં હાથ ધોઈને જ કરવો.
- આંખોને નિયમિત અંતરે પટપટાવવાની ટેવ પાડવી. જેથી લાંબા સમય માટે આંખોને શ્રમ ન પડે અને કોરી ન પડી જાય.
- કમ્પ્યુટર પર કામ કરતી વખતે 20-20-20નો નિયમ રાખવો. દરેક 20 મિનિટે 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જોવું અથવા આંખો બંધ કરીને આરામ આપવો.
- ટી.વી. હંમેશાં 8થી 10 ફૂટ દૂર રહીને જ જોવું.
- દવાના ટીપાની બોટલને આંખનો સ્પર્શ ન થવા દેવો.
- પાંચ વર્ષનાં નાનાં બાળકોને મોબાઈલ, ટી.વી., કોમ્પ્યુટર, આઇપેડ, વીડિયોગેમ, વગેરે કોઈપણ લાઈટસ્ક્રીનમાં કાંઈપણ જોવા ન દેવું. કેમ કે તે ઉંમરમાં તેમની આંખો ખૂબ જ કોમળ હોય છે, તેથી આંખોને ખૂબ જ નુકસાન પહોંચે છે.
આંખને બગાડતી કુટેવ….
- નાના અક્ષરો કે ઓછી લાઈટમાં વાંચવું.
- સૂતા-સૂતા તથા ચાલુ ગાડીમાં વાંચવું.
- આંખોને વારંવાર હથેળી વડે ચોળવી.
- જેને આંખોનાં નંબર હોય તેમણે ચશ્માં વિના આંખો ખેંચાય તે રીતે વાંચવું કે કામ કરવું.
આંખ સંબંધી ખૂબ જ ઉપયોગી કસરતો:
નીચે મુજબની કસરતો આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
રોજ દિવસમાં 2-3 વાર આંખોને આ રીતે ફેરવવી.
રોજ શીર્ષાસન કરવું
આંખોના સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર:
- આંખોના સ્વાસ્થ્ય માટે વિટામિન-A થી ભરપૂર ખોરાક ખાસ લેવો. જેમ કે, લીલા પાંદડાવાળી ભાજી, ડોડીનાં કુમળાં પાન અને ફૂલનું શાક, ગાજર, શક્કરિયા, કોથમીરની ચટણી, તાજા મૂળા, લાલ કેપ્સિકમ, કેરી, દૂધ-દહીં, ઘી, માખણ, સાકરટેટી, લીલા વટાણા, ટમેટા, તુલસી વગેરે…
- તળેલાં અને વધુ ગળ્યા પદાર્થો આંખોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે.
- વધુ પડતાં ખારા, તીખા કે ક્ષારવાળા પદાર્થોનું સેવન કરવું નહીં.
આપણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તીઃ પ્રાણાયામના અભ્યાસથી ઊંડા શ્વાસોચ્છ્વાસની કાયમી ટેવ પડે છે