આરોગ્ય પ્લસ: ઊંઘ પછી વ્યાયામ પણ એટલો જ જરૂરી છે…

- સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
અત્યાર સુધી આપણે આ કોલમમાં નિરોગી જીવનના બે મુખ્ય સ્થંભ: આહાર ઊંઘની તબક્કાવાર વિસ્તારથી વાત કરી. હવે ઊંઘની વાત પૂરી કરી આરોગ્યના ત્રીજા અગત્યના એવા વ્યાયામની વાત પર આવીએ…
અનિયમિત જીવન શૈલીને કારણે ઊંઘ પર આડ અસર વર્તાય છે.
અનિયમિત જીવનશૈલી:
આજના સમયમાં રાત્રે મોડે સુધી જાગીને કામ કરવામાં જ લોકો આનંદ અનુભવતા હોય છે, પરંતુ ઊંઘની ગુણવત્તા મેલેટોનિન હોર્મોન સાથે જોડાયેલી છે. અને તે હોર્મોન રાત્રિના 10થી સાવરના 5 વાગ્યા સુધી વધુ સક્રિય હોય છે. તેથી તે સમયની ઊંઘ શરીર માટે વધુ ફાયદાકારક હોય છે. એક જ વ્યક્તિએ રાત્રે સરખા કલાકોની અલગ અલગ સમયે લીધેલી ઊંઘ શરીરમાં તદ્દન અલગ અલગ અસર કરતી હોય છે. તેની વિગત નીચે દર્શાવેલ છે.
ઊંઘની સાંકળ એટલી મહત્ત્વની છે કે, શરીરનું તમામ સંતુલન તેને આધારિત હોય છે. ઊંઘની સાંકળ અસ્ત-વ્યસ્ત થતા શરીરમાં પ્રથમ પાચનતંત્ર સંબંધી બીમારીઓ પ્રવેશે છે. અને ત્યાર પછી શરીરમાં ધીરે-ધીરે અનેક બીમારીઓ પ્રવેશે છે. આથી જે લોકો રાત્રે મોડે સુધી જાગીને કામ કરે છે અને સવારે વહેલા ઊઠતા નથી એ આજીવન નાની ઉંમરથી જ પાચનતંત્ર સંબંધી બીમારીઓના શિકાર બની શકે છે.
નોંધ: રાત્રે સૂતાં પહેલાં નશીલા, ખાટાં અને તીખા પદાર્થો ન લેવા. દારૂ અને સિગારેટનું વ્યસન ઊંઘ સંબંધી કાયમી બીમારી ઉત્પન્ન કરે છે.
સારી નિદ્રા માટે નિમ્ન લિખિત કોઈ પણ પ્રયોગ કરી શકાય છે.
- સૂતાં પહેલાં ઠંડાં પાણી વડે હાથ-પગ ધોઈ, પગનાં તળિયે અને કપાળે ઘી ઘસવું.
- બંને નાકમાં ગાયનાં ઘીનાં 2-2 ટીપાં નાખવાં.
- રાત્રે 2થી 4 ગ્રામ અશ્ર્વગંધા ચૂર્ણ દૂધ સાથે લેવું.
- રાત્રે સૂતી વખતે 4 ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ સાથે અથવા સાકર અને ઘી સાથે લેવી.
- દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચૂર્ણ નાખી ઉકાળીને પીવું.
- 1 કપ હૂંફાળા દૂધમાં 2 ચમચી મધ નાખીને પીવું.
- ચોથા ભાગના જાયફળનું ચૂર્ણ પાણી સાથે લેવું.
- સૂતાં પહેલાં અડધો કપ આમળાનો જ્યૂસ પીવો.
- સૂતાં પહેલાં 2 પાકાં કેળાં ખાવાથી ઊંઘ સારી આવે છે.
- રાત્રે ગરમ પાણીમાં સહેજ મીઠું નાખી તેમાં પગનાં તળિયાં 5થી 10 મિનિટ રાખવા. પછી વાટકીથી દેશી એરંડિયું ઘસવું.
- સૂતાં પહેલાં ભેંશનું દૂધ લેવું નિદ્રા લાવવા માટે શ્રેષ્ઠ છે.
વ્યાયામ કેટલો અગત્યનો…?
આજના યુગમાં રોગની માત્રા ખૂબ જ વધતી જાય છે. પહેલાં ક્યારેય સાંભળ્યા પણ ન હોય તેવા અનેક રોગ આજે સાંભળવા અને જોવા મળે છે. આજે ખૂબ જ નાની ઉંમરના વ્યક્તિઓ ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કોલેસ્ટરોલ અને હાર્ટએટેક જેવા રોગના શિકાર બને છે, કેમ કે આજે આહારની પસંદગી જંક – કચરા જેવી જ છે. આપણને પીત્ઝા, બર્ગર, સેન્ડવીચ જેવી મેંદાની વાનગીઓમાં વધુ ખેંચાણ છે. તેમ જ ખૂબ જ ભારે ખોરાક ખાઈએ છીએ, પરંતુ આજની વૈભવશાળી જીવનશૈલીના કારણે જીવનમાં શ્રમનો સદંતર અભાવ છે. વળી, આપણે શાંતિથી જમવાનો કે સૂવાનો સમય પણ નથી આપતા તો શ્રમ માટે સમય આપીએ એવા ડાહ્યા ક્યાંથી હોઈએ ?
આપણે પ્રાણાયામ અને યોગાસનને બિનજરૂરી અને સમયનો બગાડ ગણીએ છીએ, પરંતુ એ નથી જાણતા કે, આ તો આળસુવૃત્તિ જ છે. આજે આપણને નિત્ય વ્યાયામ કરવાની શ્રદ્ધા અને ઉત્સાહ પણ નથી, પરંતુ એ યાદ રાખવું પડશે કે, આવી ખોટી ગાફલાઈ જ આપણને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ નહીં રહેવા દે.
આજે વિશ્વમાં 80% યુવાપેઢી કોઈ પણ પ્રકારના શારીરિક શ્રમ વિનાનું બેઠાડુ જીવન વીતાવે છે. તેમજ વિશ્વમાં થતાં મૃત્યુના મુખ્ય 10 કારણમાંનું એક કારણ આપણું શ્રમરહિત જીવન છે. વળી, વિશ્વમાં રોજ 2600 જેટલા લોકો માત્ર બેઠાડુ જીવન જીવવાને કારણે મૃત્યુ પામે છે.
આજે વિશ્વભરમાં ડાયાબિટીસનો રોગ બનનારામાં ભારતની યુવાપેઢી પ્રથમ નંબરે છે, કેમ કે છેલ્લાં 20 વર્ષમાં ભારતની યુવાપેઢીમાં શ્રમની મહત્તા ખૂબ જ ઘટી ગઈ છે. લોકો ટી.વી., મોબાઈલ, સિનેમાં વગેરે પાછળ ખૂબ જ સમય બગાડતા હોય છે અને તેની ખરાબ અસર તેમના સ્વાસ્થ્ય ઉપર થાય છે.
ટી.વી.ના કારણે લોકોના શરીર પર થતી અસર:
આજે આપણે નાની બીમારી પણ સહન કરી શકતા નથી અને તેને દૂર કરવા માટે અનેક દવાઓના ખોટા રસ્તે ચડી જઈએ છીએ, પરંતુ જો આપણે પોતાને સુશિક્ષિત ગણતા હોઈએ તો આવી દવાઓના ગુલામ બનવા કરતાં રોજ થોડો શ્રમ કરીને શું સ્વસ્થ જીવન ન જીવી શકીએ…?
ઘણા લોકો એવું માનતા હોય છે કે, માત્ર પૌષ્ટિક આહાર લેવાથી સ્વસ્થ અને નિરોગી રહી શકાય છે, પરંતુ શ્રમ અને આહારનું યોગ્ય સંતુલન જ શરીરને નિરોગી અને સ્વસ્થ્ય રાખે છે.
આસન પ્રાણાયામ વ્યાયામથી થતા ફાયદા પ્રાચીન ગ્રંથો અનુસાર :
કસરતથી શરીર હલકું થાય છે, કાર્ય કરવાની શક્તિ આવે છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, ચરબી ઓછી થાય છે અને શરીરના અવયવો એકબીજાથી જુદા તરી આવે તેવા ઘાટીલા અને સુદૃઢ બને છે.
- શારીરિક શ્રમથી ભારે ખોરાક વ્યવસ્થિત પચી શકે છે, અને તેથી પાચનતંત્રની અનેક બીમારીઓથી વગર દવાએ બચી શકાય છે.
- પાચનતંત્ર તથા શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સતેજ બને છે. આથી શરીર અનેક બીમારીઓનો સામનો સહજતાથી કરી શકે છે.
- શરીર વ્યવસ્થિત લોહી બનાવી શકે છે અને આહારમાંથી મહત્તમ પોષકતત્ત્વો ગ્રહણ કરી શકે છે.
આજ રીતે ‘સુશ્રુતના ગ્રંથ અનુસાર :
સ્થૂળતા (ચરબી) ઘટાડવા માટે વ્યાયામ સમાન બીજી કોઈ સારવાર નથી…
- પ્રાણાયામ કરવાથી શરીરના તમામ અંગો જેવાં કે, ફેફસાં, હૃદય, પેટ, નાનાં-મોટા આંતરડાં, લીવર, મૂત્રાશય, કિડની, મગજ વગેરે અંગો ખૂબ શુદ્ધ અને સક્રિય થતાં, તે બધાં વધુ નિરોગી અને બળવાન બને છે.
તે કરવાથી વ્યક્તિની સ્મરણશક્તિ, બુદ્ધિશક્તિ, મેધાશક્તિ, એકાગ્રશક્તિ તથા મન ઉપરની નિયંત્રણશક્તિ ખૂબ વધી જાય છે.
તે કરવાથી શરીરમાં એક નવી ઊર્જા અને ચેતના પેદા થાય છે. જેથી સ્ટ્રેસ, ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ નાબૂદ થાય છે.
તે કરવાથી નકારાત્મક વિચારો ઘટે છે અને હકારાત્મક વિચારો વધે છે. આથી સહનશક્તિ, ધીરજતા અને આત્મવિશ્ર્વાસમાં વૃદ્ધિ થાય છે.
તે કરવાથી બ્રહ્મચર્ય અતિ દૃઢ થાય છે. કેમ જે, તે વીર્યની ઊધ્વગતિ કરીને સ્વપ્નદોષ અટકાવે છે.
પ્રાણાયામ ભગવાનનું ધ્યાન કરવામાં ખૂબ જ ફાયદારૂપ છે, કેમ કે તે કરવાથી મન અત્યંત સ્થિર, શાંત અને પ્રસન્ન બને છે તેમજ ઈન્દ્રિયોની ચંચળતા ખૂબ જ ઘટે છે.
તેથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ માટે આળસ અને ગાફલાઈનો ત્યાગ કરીને શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક નિયમિતપણે 25 થી 30 મિનિટ પ્રાણાયામ અને યોગાસનો તો અવશ્ય કરવા જોઈએ.
આપણ વાંચો: વીમાની રૂમ રેન્ટની લિમિટ કેટલી હોય?