આરોગ્ય પ્લસ -સંકલન: એક ખતરનાક રોગ…ડાયાબિટીસ
થોડી કાળજી રાખો તો આ ડગલે ને પગલે પજવી શકે એવી બીમારીથી બચી શકો…

- સ્મૃતિ શાહ-મહેતા
ડાયાબિટીસ એટલે મધુપ્રમેહ…
આ શબ્દથી આજે કોણ અજાણ છે…?
વિશ્વવ્યાપી આ રોગ આજે મોટા ભાગના ઘરોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી ચૂક્યો છે. આ રોગ આપણી આજુબાજુમાં રહેતી કોઈ ને કોઈ વ્યક્તિમાં આપણે જોયો છે, તેમ જ અનુભવ્યો પણ છે. આમ છતાં આ રોગ વિશે આપણે કેટલું જાણીએ છીએ? કેટલા ગંભીર છીએ?
આજે વિશ્ર્વની વસતિના અંદાજે કુલ 8.3% લોકો ડાયાબિટીસના દર્દીઓ છે. તેમ જ દર 11 વ્યક્તિ પૈકી 1 વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી છે. દુર્ભાગ્યવશાત્ આ રોગના દર્દીઓમાં 50% લોકોને તે ખ્યાલ જ નથી હોતો કે તેમને ડાયાબિટીસ છે. આપણે સામાન્ય રીતે શરીરમાં શર્કરાની માત્રા વધી જાય તેને ડાયાબિટીસ કહીએ છીએ, પરંતુ ખરેખર ડાયાબિટીસ શું છે, તે વિશે આપણે આગળ વિસ્તારથી જાણીશું. પરંતુ આશ્ર્ચર્ય એ છે કે, આ રોગ આટલી હદે પ્રચલિત હોવા છતાં આપણને તેની ગંભીરતા જરા પણ નથી..! અરે..! ખુદ દર્દીને પણ તેની ગંભીરતા નથી હોતી! ડાયાબિટીસ એક એવું મૂળિયું છે કે જેમાંથી અનેક ભયંકર બીમારીઓરૂપ તોતિંગ ઝાડવા ઊગી નીકળવાની 100 એ 100% સંભાવના છે. ડાયાબિટીસ આપણા શરીરને બહુ જ શાંતિથી નાશ કરવા માટે પર્યાપ્ત છે.
શું આપ જાણો છો?…
વિશ્ર્વમાં દર 1 મિનિટે 6 વ્યક્તિ ડાયાબિટીસને કારણે મૃત્યુ પામે છે. દર વર્ષે વિશ્ર્વમાં અંદાજીત 50 લાખ લોકો ડાયાબિટીસના કારણે મૃત્યુ પામે છે.
ડાયાબિટીસ સાથે ભારતની તુલના:
ભારત એ ડાયાબિટીસમાં વિશ્ર્વની રાજધાની છે. કેમ કે, દુર્ભાગ્યવશાત્ ભારત ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં મોખરે છે.
ભારતની કુલ વસતિના આશરે પ% લોકો ડાયાબિટીસના રોગથી પીડાય છે. વિશ્ર્વમાં ડાયાબિટીસના દર પ દર્દીઓમાં 1 દર્દી ભારતનો છે.
દર વર્ષે ભારતમાં અંદાજિત 10 લાખથી વધુ લોકો ડાયાબિટીસના રોગથી મૃત્યુ પામે છે.
ડાયાબિટીસના દર્દીઓની સારવાર કરવા માટે ભારતમાં અર્થતંત્ર ઉપર ભવિષ્યમાં ખૂબ જ બોજ આવી શકવાની સંભાવના છે.
ડાયાબિટીસ એટલે શું?
આજે ડાયાબિટીસ લગભગ ઘરોઘર વ્યાપી ગયો હોવા છતાં સામાન્ય જનતાને તેમ જ ડાયાબિટીસના દર્દીઓને પણ આ રોગ વિશે માહિતી નહિવત્ હોય છે. તે હેતુને ધ્યાનમાં રાખીને અહીં આ રોગ વિશે વિસ્તૃત માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે…..
આપણું શરીર અસંખ્ય કોષો (ભયહહત)નું બનેલું છે. તે કોષોને જીવવા માટે સતત ઊર્જાત (Energy)ની જરૂૂર પડતી હોય છે, અને તે ઊર્જા તેમજે ગ્લુકોઝ (શર્કરા) દ્વારા પ્રાપ્ત થાય છે. જમલો આહાર પેટમાં ગયા બાદ તે લોહીની અંદર ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. તે ગ્લુકોઝ કોષોને શક્તિ આપવા માટે લોહીમાંથી કોષોની અંદર પ્રવેશ કરવા માગે છે. તેના કોષોની અંદર તે ગ્લુકોષ પ્રવેશી શકતું નથી. પરિણામ સ્વરૂપે ગ્લુકોઝનું પ્રમાણ લોહીની અંદર ખૂબ જ વધી જાય છે. આ રીતે શરીરમાં લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધી જવું તેનું નામ જ ડાયાબિટીસ છે.
સામાન્ય રીતે દર્દીઓમાં બે પ્રકારના ડાયાબિટીસ જોવા મળે છે : 5્રકાર-1 (Type 1) અને પ્રકાર-2 Type 2).બંને પ્રકારમાં કોષોનું લોક ન ખૂલતા ગ્લુકોઝ લોહીમાં જ રહે છે અને તેથી ડાયાબિટીસ થાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે, ‘કોષોનું લોક શા કારણે ખૂલતું નથી? અને આ કોષોનું લોક કોણ ખોલે છે?’
સ્વાદુપિંડ (Pancreas)માં બનતું ઈન્સ્યુલિન એ કોષોના લોકને ખોલવાની ચાવી છે. ડાયાબિટીસના બંને પ્રકારોમાં કોષોનું લોક ન ખૂલવાનું કારણ અલગ અલગ છે. તેમાં…
Type 1 ડાયાબિટીસમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જ કુદરતી રીતે શરીરમાં રહેલા ઈન્સ્યુલિનને બહાર શત્રુ સમજીને નાશ કરી નાખે છે. તેથી શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા બહુ જ ઓછી થઈ જવાની પર્યાપ્ત સંખ્યામાં કોષોના લોક ખોલવા માટે ઈન્સ્યુલિન શરીરમાં રહેતું નથી. તેથી ગ્લુકોઝ લોહીમાં જ રહે છે અને કોષોને પૂરતી ઊર્જા મળતી નથી.
Type 2 ડાયાબિટીસમાં દર્દીનો આહાર જ લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ જ વધારી દે છે. આમ શરીરમાં વધી ગયેલા ગ્લુકોઝને કારણે ઈન્સ્યુલિનને વારંવાર કોષોનું લોક ખોલવું પડે છે. પરંતુ દરેક સમયે કોષોને ગ્લુકોઝની જરૂર હોતી નથી. પરંતુ ઈન્સ્યુલિનના લોક ખોલવાના વારંવાર થતા પ્રયત્નને કારણે કોષો જ ઈન્સ્યુલિનની લોક ખોલવાની ક્ષમતાને ક્ષીણ કરી દે છે. માટે હવે જ્યારે ખરેખર કોષોને ગ્લુકોઝની જરૂરિયાત હોય ત્યારે બધા જ ઈન્સ્યુલિન કોષોનું લોક ખોલવા સમર્થ હોતા નથી.
આથી ગ્લુકોઝ કોષો સુધી પહોંચતું નથી અને લોહીમાં જ રહે છે. આ પ્રક્રિયાને Insulin Resistance કહેવાય છે. આ રીતે બંને પ્રકારમાં કોષોને ગ્લુકોઝ ન મળવાથી ડાયાબિટીસના દર્દીઓને હંમેશાં ભૂખ વર્તાયા કરે છે.
ડાયાબિટીસનાં લક્ષણ:
*વારંવાર ખૂબ જ તરસ અને જમ્યા પછી પણ ખૂબ જ ભૂખ લાગવી.
*શરીરમાં ખૂબ જ થાક લાગવો.
*વારંવાર પેશાબ કરવા જવું પડે.
*આંખનું તેજ ઘટી જવું.
*મોઢું, જીભ અને ગળું સૂકાયેલું રહેવું.
*કોઈકવાર માથામાં દુ:ખાવો થવો.
*ધીરે ધીરે શરીરનું વજન ઘટવું.
*કોઈકવાર ચક્કર આવવા અને ઊલટી થવી.
*વારંવાર મૂડમાં ફેરફાર થવો.
*વારંવાર ચામડીના ઈન્ફેક્શન થવા. જેમ કે, ખરજવું, ગૂકડાં, ચામડી ફાટી જવી, દાદર વગેરે…
- શરીરમાં કાંઈ પણ ઈજા પહોંચી હોય તો રૂઝ આવતા વાર લાગવી.
- સમયાંતરે સાંભળવાની, જોવાની, સૂંઘવાની, ચાખવાની અને સ્પર્શની ઈન્દ્રિયો મંદ પડી જવી.
*
ડાયાબિટીસ થવાનાં વિવિધ કારણ વિશે આપણે વાત કરીશું આવતા અઠવાડિયે….
આપણ વાંચો: ફોકસ : આ રીતે ડ્રાયફ્રૂટ્સનો કરો સંગ્રહ…