આરોગ્ય એક્સપ્રેસ: આ ‘સેલિયાક’ શું છે? શરીરની પોષણ ક્ષમતા ખતમ કરતા આ રોગને ઓળખી લો…

-રાજેશ યાજ્ઞિક
આપણું માનવ શરીર અત્યંત જટિલ સંરચના ધરાવે છે. શરીરના પ્રત્યેક અંગમાં અનેક પ્રકારની બીમારીઓ પણ થઇ શકે છે. ક્યારેક સાવ સરળ લાગતી બીમારી હકીકતમાં આનુવંશિક રોગ પણ હોઈ શકે છે. આવો જ એક રોગ છે: સેલિયાક. આવો, જાણીએ આ બીમારી વળી કઈ બલાનું નામ છે…
સૌથી પહેલાં એ જોઈએ કે સેલિયાક રોગ છે શું? સેલિયાક એક ક્રોનિક ઓટોઇમ્યુન ડિસઓર્ડર (વારસાગત સ્વયંપ્રતિરક્ષા રોગ) છે, જેમાં ઘઉં, જવ અને રાઈમાં જોવા મળતા ગ્લુટેનનું સેવન રોગપ્રતિકારક પ્રતિક્રિયા પેદા કરે છે, જે નાના આંતરડાના અસ્તરને નુકસાન પહોંચાડે છે.
શરીરના સૈનિકો જેવી રોગપ્રતિકારક શક્તિ કોઈપણ અજાણી વસ્તુ પ્રવેશ કરે તો તેની તરફ તે પ્રતિક્રિયા આપે છે, અને જરૂર પડે એની સામે લડે પણ છે, પણ ક્યારેક કુદરતી રીતે આ વ્યવસ્થામાં ખામી સર્જાય છે અને નુકસાનકારક ન હોય તે પદાર્થો સામે પણ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરે ત્યારે ગડબડ સર્જાય છે. આંતરડાના મ્યુકોસલ લાઇનિંગને નુકસાન પહોંચતા ખોરાકમાંથી પોષક તત્ત્વો શોષવાની ક્ષમતામાં ખામી આવે છે, જેનાથી પોષણની ઊણપ સર્જાય છે.
‘સેલિયાક’ના પ્રકાર
સેલિયાક રોગના મુખ્યત્વે ત્રણ પ્રકારમાં અલગ અલગ લાક્ષણિકતા હોય છે, જેમકે…
ક્લાસિક સેલિયાક રોગ
આ સૌથી સામાન્ય સ્વરૂપ છે અને તેમાં ક્રોનિક ઝાડા, પેટમાં તકલીફ, પેટનું ફૂલવું અને વજનમાં ઘટાડો જોવા મળે છે. તેનું નિદાન ઘણીવાર બાળકોમાં થાય છે અને નાના આંતરડાને દેખીતા નુકસાન સાથે સંકળાયેલું છે.
આ પણ વાંચો….આરોગ્ય એક્સપ્રેસ : હાશિમોટો રોગ શું છે… એ થાઇરોઇડ ગ્રંથિને કઈ રીતે અસર કરે છે?
નોન-ક્લાસિકલ સેલિયાક રોગ
આ પ્રકારમાં પાચનતંત્રમાં ખામી ન હોય તેવાં લક્ષણ, જેમ કે ત્વચા પર ફોલ્લીઓ, એનિમિયા, સાંધાનો દુખાવો, અથવા માથાનો દુખાવો અને નિષ્ક્રિયતા જેવી ન્યુરોલોજીકલ સમસ્યાઓનો સમાવેશ થાય છે.
સાયલન્ટ સેલિયાક રોગ
સાયલન્ટ સેલિયાક રોગ ધરાવતા લોકોમાં સ્પષ્ટ લક્ષણો હોતા નથી, તેમ છતાં તેમને આંતરડાનું નુકસાન થાય છે અને જો સારવાર ન કરવામાં આવે તો લાંબા ગાળાની તકલીફો થઈ શકે છે. આ પ્રકાર ઘણીવાર અન્ય સ્થિતિઓની તપાસ દરમિયાન અથવા કૌટુંબિક ઇતિહાસ દ્વારા પરખાય છે.
સેલિયાક રોગ ધરાવતા લગભગ 15 ટકા લોકોને ત્વચા પર ડર્મેટાઇટિસ હર્પેટીફોર્મિસ જેવી આડઅસર થાય છે. તેને ‘ગ્લુટેન રેશ’ અથવા ‘સેલિયાક રેશ’ પણ કહેવામાં આવે છે.
આ રોગના મુખ્ય લક્ષણ શું છે?
સેલિયાક રોગનું નિદાન કરવું મુશ્કેલ છે, કારણ કે તેનાં લક્ષણ ઘણીવાર અન્ય સ્થિતિઓ જેવા હોય છે. અત્રે રોગના પ્રકારમાં વર્ણવ્યા છે, તે સિવાય વિકાસમાં અવરોધ (ખાસ કરીને બાળકોમાં) જોવા મળે છે. અન્ય લક્ષણમાં, થાક અને સામાન્ય નબળાઈ, લોહ (આયર્ન) ની ઊણપથી થતો એનિમિયા, સ્ટિયોપોરોસિસ અથવા ઓસ્ટિયોપેનિયા, માથાનો દુખાવો, જેવા ન્યુરોલોજીકલ લક્ષણ દેખાય છે. આ ઉપરાંત કેટલાક ઓછાં સામાન્ય લક્ષણોમાં વંધ્યત્વ અથવા વારંવાર ગર્ભપાત, દાંતના ઈનેમલમાં તકલીફ અથવા મોંના ચાંદાનો સમાવેશ થાય છે.
‘સેલિયાક‘નું કારણ શું?
એનું મુખ્ય કારણ આનુવંશિક છે. મોટાભાગના વ્યક્તિઓમાં ચોક્કસ જનીનો હોય છે (ખાસ કરીને એચએલએ-ડીક્યુ2 અથવા એચએલએ-ડીક્યુ8…) જોકે, આ જનીનો હોવાનો અર્થ એ નથી કે રોગનો વિકાસ થશે. ગ્લુટેનનું સેવન મહત્ત્વનું કારણ છે. આંતરડાના માઇક્રોબાયોટામાં અમુક ચેપ અથવા ફેરફારો આનુવંશિક રીતે સંવેદનશીલ લોકોમાં રોગ પેદા કરી શકે છે. બાળકના આહારમાં ગ્લુટેન દાખલ કરવાના સમયે એ અસર કરી શકે છે, અલબત્ત, આ અંગે હજુ પણ સંશોધન ચાલુ છે.
સેલિયાક રોગ હોવાનું કેમ નક્કી થાય?
ગ્લુટેન ખાધા પછી જો તમને જઠર તંત્રમાં ગડબડનાં લક્ષણો દેખાય તો સેલિયાક રોગની શંકા પેદા થઇ શકે છે. ઘણા લોકો આહારમાં ગ્લુટેન અથવા ઘઉંનાં ઉત્પાદનો પ્રત્યે સંવેદનશીલતા ધરાવતા હોય છે. સેલિયાક રોગનું નિદાન કરવા માટે નિષ્ણાત નુકસાનના પુરાવા શોધશે.
આ પણ વાંચો….આરોગ્ય એક્સપ્રેસ : આ છે તમારી ત્વચાનો ઓલરાઉન્ડર રખેવાળ… વનસ્પતિ એક… ફાયદા અનેક!
ગ્લુટેન-મુક્ત આહાર લેવાનું શરૂ કરતાં પહેલા સેલિયાક રોગ માટે પરીક્ષણ કરાવવું મહત્ત્વપૂર્ણ છે, જેથી પરીક્ષણો બતાવી શકે કે ગ્લુટેન ખરેખર તમારા શરીરને કેવી રીતે અસર કરે છે. આમાં પહેલું પરીક્ષણ રકતનું થાય છે. ગ્લુટેનના એન્ટિબોડીઝ માટે તમારા રક્તનું પરીક્ષણ કરવામાં આવે છે. પછી શારીરિક નુકસાનની પણ ચકાસણી થાય છે.
સેલિયાક રોગની સારવારમાં ગ્લુટેન મુક્ત આહાર મુખ્ય છે. જ્યારે તમે ગ્લુટેન ખાવાનું બંધ કરો છો, ત્યારે તમારું નાનું આંતરડું સાજા થવાનું શરૂ કરશે ને ટૂંક સમયમાં પોષક તત્ત્વોને ફરીથી શોષી શકશે. જોકે, તમારા નાના આંતરડાને ફરીથી નુકસાન ન થાય તે માટે તમારે જીવનભર કડક ગ્લુટેન-મુક્ત આહાર જાળવવો પડશે. પોષક તત્ત્વોની ઊણપ પૂરવા માટે સપ્લિમેન્ટ્સ અને ચામડીને તકલીફ થઇ હોય તો તેની સારવાર પણ જરૂરી છે.
જો ગ્લુટેન મુક્ત આહાર ન લેવામાં આવે તો લાંબાગાળાની આડઅસરો થઇ શકે છે. બાળકોમાં રિકેટ્સ અથવા પુખ્ત વયના લોકોમાં ઓસ્ટિઓમાલેશિયા, ઓસ્ટિઓપેનિયા અને ઓસ્ટિઓપોરોસિસ, દાંતના ઈનેમલમાં કાયમી તકલીફ, ચેતાતંત્રની અસરો (પેરિફેરલ ન્યુરોપથી), જેમાં કળતર અને નિષ્ક્રિયતા, સ્નાયુઓમાં ખેંચાણ અને સંતુલન અને સંકલન સમસ્યાઓ (એટેક્સિયા)નો સમાવેશ થાય છે. બાળકોમાં વિકાસમાં વિલંબ, ટૂંકું કદ અને ધ્યાન અને શીખવાની અક્ષમતા ઉભી થઇ શકે છે.