આરોગ્ય એક્સપ્રેસ: ગમે તે વયે પજવી શકે એવો સાંધાનો રોગ: રુમેટોઇડ આર્થરાઇટિસ

- રાજેશ યાજ્ઞિક
સંધિવાનું નામ તો લગભગ બધાએ સાંભળ્યું જ હશે. મોટાભાગે આપણે સંધિવા એટલે સાંધાનો દુખાવો અને સામાન્ય હલનચલનમાં તકલીફો એવી સમજ ધરાવીએ છીએ, પરંતુ સંધિવામાં પણ ભેદ હોય છે. ઘણીવાર નાની ઉંમરના લોકોને પણ સાંધાનો દુખાવો થાય ત્યારે આપણે એવું માની બેસીએ છીએ કે પહેલાના જમાનામાં વડીલોને થતાં રોગો હવે યુવાનોને થવા લાગ્યા છે. જોકે, હકીકતમાં એવું નથી. આવો જ એક રોગ છે ‘રુમેટોઇડ આર્થરાઇટિસ’.
આ એક એવી સ્થિતિ છે જે સાંધામાં દુખાવો, સોજો અને જડતા જોવા મળે છે. પણ તે ઉંમરના કારણે હાડકાનો ઘસારો માત્ર નથી, તેને એક ઓટો- ઇમ્યુન સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે અર્થાત કે આપણા શરીરની રોગપ્રતિકાર શક્તિ જ આપણા સાંધામાં તકલીફો પેદા કરે છે.
સામાન્ય સાંધા કેવી રીતે કામ કરે છે?
આપણા મોટાભાગના સાંધા એવા હોય છે કે હાડકાં ચોક્કસ દિશામાં અને ચોક્કસ મર્યાદામાં આગળ વધી શકે. ઉદાહરણ તરીકે, ઘૂંટણ શરીરનો સૌથી મોટો અને સૌથી જટિલ સાંધાઓમાંનો એક છે. તે આપણું વજન ઉપાડી શકે તેટલું મજબૂત હોવું જોઈએ અને તે સ્થિતિમાં લોક થવું જોઈએ, જેથી આપણે સીધા ઊભા રહી શકીએ. આપણે ચાલી શકીએ તે માટે તેને મિજાગરા તરીકે પણ કામ કરવું પડે છે અને દોડતી વખતે કે રમતગમત કરતી વખતે તેને વળવા અને ફરવાની જરૂર પડે છે.
‘સધિકલા’ તરીકે પણ ઓળખાતું સિનોવમ માં એક મજબૂત બાહ્ય પડ હોય છે જે સાંધાને એના સ્થાને રાખે છે અને હાડકાંને ખૂબ દૂર જતા અટકાવે છે. સિનોવમમાં હાડકાં અને સાંધાને સુરક્ષિત રાખવા માટે જાડા પ્રવાહી હોય છે. મજબૂત દોરીઓ જેને રજ્જુ કહેવાય છે તે સ્નાયુઓને હાડકાં સાથે જોડે છે.
રુમેટોઇડ સંધિવાથી અસરગ્રસ્ત સાંધામાં શું થાય છે?
જો કોઈને રુમેટોઇડ સંધિવા હોય, તો એની રોગપ્રતિકારક શક્તિ એક સાંધામાં અથવા ઘણા સાંધામાં બળતરા કે દુખાવો પેદા કરી શકે છે. બળતરા કે દુખાવો સામાન્ય રીતે તમારી રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે કાર્ય કરે છે તેનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તે શરીરને ચેપથી પ્રભાવિત શરીરના તે ભાગમાં વધારાનું પ્રવાહી અને લોહી મોકલાવે છે.
રુમેટોઇડ સંધિવાનાં કિસ્સામાં, તે સાંધામાં બિનજરૂરી સોજા અને સમસ્યાઓનું કારણ બને છે. જ્યારે સોજો ઓછો થાય છે, ત્યારે સિનોવમની આસપાસનું કેપ્સ્યુલ ખેંચાયેલું રહે છે અને સાંધાને તેની યોગ્ય સ્થિતિમાં રાખી શકતું નથી. આનાથી સાંધા અસ્થિર બની શકે છે અને અસામાન્ય સ્થિતિમાં જઈ શકે છે.
લક્ષણો શું છે?
રૂમેટોઇડ સંધિવાનાં મુખ્ય લક્ષણોમાં સાંધાનો દુખાવો, સાંધાનો સોજો, બળતરા અને લાલાશ, જડતા (ખાસ કરીને સવારે ઉઠીને અથવા લાંબા સમય સુધી સ્થિર બેઠા પછી)નો સમાવેશ થાય છે. અન્ય લક્ષણોમાં થાક અને ઊર્જાનો અભાવ, ભૂખ ઓછી લાગવી (અથવા ભૂખ ન લાગવી), વજન ઘટવું, ઉચ્ચ તાપમાન, અથવા તાવ- પરસેવો, વગેરે હોઈ શકે છે.
રુમેટોઇડ સંધિવાનાં કારણ
રુમેટોઇડ સંધિવા થવામાં કેટલાંક પરિબળો ભૂમિકા ભજવી શકે છે. રૂમેટોઇડ સંધિવા કોઈપણ ઉંમરના પુખ્ત વયના લોકોને અસર કરે છે, જોકે મોટાભાગના લોકોને 40 થી 60 વર્ષની વય વચ્ચે નિદાન થાય છે.
રૂમેટોઇડ સંધિવા ધરાવતા લગભગ ત્રણ-ચતુર્થાંશ લોકો જ્યારે પ્રથમ નિદાન થાય છે ત્યારે કામ કરવાની ઉંમરના હોય છે. સ્ત્રીઓમાં રુમેટોઇડ આર્થરાઇટિસ પુરુષો કરતાં બે થી ત્રણ ગણું વધુ સામાન્ય છે.
સંધિવા આનુવંશિક અને પર્યાવરણીય પરિબળોના સંયોજનને કારણે વિકસે છે. આનુવંશિક જોડાણ શું છે તે સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ સ્થિતિ ધરાવતા કોઈ સંબંધી હોય તો આ સ્થિતિ થવાની શક્યતા વધી જાય છે. જો તમારું વજન વધારે હોય, તો તમને સ્વસ્થ વજનની વ્યક્તિ કરતાં રુમેટોઇડ સંધિવા થવાની શક્યતા ઘણી વધારે છે.
સિગારેટ પીવાથી રુમેટોઇડ સંધિવા થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. એવા કેટલાક પુરાવા છે કે જો તમે ખૂબ લાલ માંસ ખાઓ છો અને વિટામિન સીનું સેવન ન કરતાં હોવ તો તમને રુમેટોઇડ સંધિવા થવાનું જોખમ વધી શકે છે.
આપણ વાંચો: સ્વાસ્થ્ય સુધા: સર્વોત્તમ કંદમૂળ તરીકે ખાસ ઉપયોગી સૂરણ