તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ તમને પણ લાગે છે શિયાળામાં વીજળીનો ઝટકો? ….તો આટલું જાણી લો…

રાજેશ યાજ્ઞિક

શિયાળો ધીમે પગલે આવી પહોંચ્યો છે. વાતાવરણ ઠંડું અને સૂકું બની રહ્યું છે. જેમજેમ આબોહવામાં આ ફેરફાર થાય કે ઘણાને ધાતુની વસ્તુ કે અન્ય વ્યક્તિઓના સંસર્ગમાં આવતાં જ અચાનક વીજળીનો ઝટકો લાગે તેવો અનુભવ થાય છે. કેટલાકને આવો હળવો `આંચકો’ લાગે છે તો અમુક લોકોને તો રીતસર વીજળીનો જીવંત તાર પકડ્યો હોય તેવો કરંટ પણ અનુભવાય છે.

કેમ થાય છે આવું અને શું ઉપાય કરવા? તેને સરળ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જેનો ઝટકો અનુભવીએ છીએ તેને સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી કહેવાય છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન પરમાણુઓ બનાવે છે. ઇલેક્ટ્રોન નકારાત્મક (ઋણ) ચાર્જ ધરાવે છે. પ્રોટોન હકારાત્મક (ઘન) ચાર્જ ધરાવે છે. ન્યુટ્રોન તટસ્થ હોય છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણો ચલાવવા આપણે જે બેટરીનો ઉપયોગ કરીએ છીએ, તેના ઉપર એક બાજુ પ્લસ' અને બીજી બાજુમાઇનસ’ની નિશાની તમે જોઈ હશે. જે ઉપકરણમાં તે લગાવવામાં આવે ત્યાં તેનાથી બરાબર વિપરીત નિશાની હોય. મતલબ એ કે પ્લસ સાથે માઇનસને જોડવામાં આવે એટલે વિદ્યુત પ્રવાહ વહેતો થાય છે.

આપણા દૈનિક કાર્ય દરમિયાન આપણું શરીર આપણા કપડાં પર ઘસાય છે અને આપણે ઇલેક્ટ્રોન ગુમાવીએ છીએ. જ્યારે આવું થાય છે, ત્યારે આપણે ઘન રીતે ચાર્જ થઈ જઈએ છીએ. દરવાજાના ધાતુના હેન્ડલ અથવા બારીની ધાતુની ફ્રેમ જેવા પદાર્થોમાં અલગ અલગ ચાર્જ હોય છે. મોટાભાગની ધાતુઓમાં વધુ નકારાત્મક ચાર્જવાળી રચના હોય છે તેથી દરવાજાના હેન્ડલને સ્પર્શ કરવાથી તમે સ્થિર સ્રાવ છોડો છો. એ સમયે ઇલેક્ટ્રોન દરવાજાના હેન્ડલથી તમારા હાથમાં જાય છે અને તમને આંચકો આપે છે.

શિયાળામાં વધુ ઝટકા કેમ?
ભેજનું પ્રમાણ પણ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી સાથે ગાઢ રીતે સંબંધિત છે. શિયાળામાં તાપમાન ઠંડું થતાં, હવામાં ભેજ ઓછો થાય છે, જેના કારણે તે વધુ સૂકી લાગે છે. ભેજ તમારામાં ઉત્પન્ન થતો ચાર્જ દૂર કરવાનું કામ કરે છે. ઓછા ભેજનો અર્થ એ છે કે તમારું શરીર તે ઊંચા ચાર્જને મુક્ત થવા દેતો નથી અને પકડી રાખે છે. જેટલો વધારે ચાર્જ એટલે વધારે ડિસ્ચાર્જ. તેથી એ સમજાય છે કે શિયાળાના મહિનાઓમાં, સ્ટેટિક ડિસ્ચાર્જ વધુ વારંવાર બને છે અને જ્યારે તમે કોઈ વ્યક્તિ અથવા અન્ય વસ્તુઓને સ્પર્શ કરો છો ત્યારે થોડો ઝાટકો લાગી શકે છે.

કેવી રીતે કાળજી લેવી?
મોટા-પીડાદાયક આંચકાથી બચવા માટે ધાતુની વસ્તુઓને સ્પર્શ કરીને વારંવાર ઇલેક્ટ્રોન ડિસ્ચાર્જ કરો. થોડી ટિપ્સ…

1) ચાવી કે સિક્કાનો ઉપયોગ કરો
તમે ધાતુની વસ્તુને સ્પર્શ કરવા માટે ચાવી કે સિક્કાનો ઉપયોગ કરી શકો છો. ચાવી મધ્યસ્થી વાહક તરીકે કામ કરે છે, જે ચાર્જને મોટા વિસ્તારમાં ફેલાવીને ડિસ્ચાર્જની તીવ્રતા ઘટાડે છે. તેથી ઝટકા હળવા થઇ જાય છે.
2) નકલ્સ… આંગળીઓ નહીં
નકલ્સ એટલે આંગળીઓના પાછળના ભાગમાં રહેલા સાંધા જ્યાંથી આંગળીઓ વળે છે. તમે પહેલા તમારા નકલ્સથી વસ્તુઓને સ્પર્શ કરી શકો છો. નકલ્સમાં આંગળીઓ કરતાં ઓછી ચેતા હોય છે, તેથી, સ્થિર સ્રાવ એટલો પીડાદાયક લાગશે નહીં. ઘરગથ્થુ ઉપચારમાં સૂકા થઇ ગયેલા હાથ પર ઘી લગાડવાથી પણ રાહત મળતી હોવાનું વડીલો કહે છે.

3) હ્યુમિડિફાયર અજમાવો
હ્યુમિડિફાયરનો ઉપયોગ કરવાથી હવામાં પાણીના અણુઓ ઉમેરાશે. ભેજમાં વધારો થવાથી ઈલેક્ટ્રોન મુક્ત થવાની ક્રિયા સરળ બનવાથી ઝટકા લાગવાના ઓછા થશે.
4) કુદરતી રેસાના કપડાં પહેરો
કોટન, ઊન, રેશમ જેવા કુદરતી રેસા નાયલોન (પોલિમાઇડ) અને પોલિએસ્ટર જેવા મોટાભાગના કૃત્રિમ રેસા કરતાં ઓછી સ્થિર વીજળી ઉત્પન્ન કરે છે. કૃત્રિમ રેસાઓ તેમના ઉચ્ચ ઇન્સ્યુલેશન અને ઓછા ભેજ શોષણ ગુણધર્મોને કારણે સ્થિર વીજળી ઉત્પન્ન કરવા અને એકઠા કરવા માટે વધુ સંવેદનશીલ હોય છે.

5) સોફ્ટનર્સ ઘર્ષણ ઘટાડે છે
ફેબ્રિક સોફ્ટનર રેસાને નરમ કરીને ઘર્ષણ ઘટાડે છે, જે ચાર્જ બિલ્ડઅપને ઘટાડવામાં મદદ કરે છે.
6) હેંગર્સ સારા વાહક છે
મેટલ હેંગર્સ સારા વાહક હોવાને કારણે, તમારા કપડાં પરના ચાર્જને પણ નિષ્ક્રિય કરી શકે છે. કપડા માટે મેટલ હેંગર વાપરવાથી કોઈપણ બિલ્ટ-અપ સ્ટેટિક વીજળી ઝડપથી દૂર કરવામાં મદદ મળી શકે છે.

7) વાળની સારવારનો
સુકા વાળ સ્ટેટિક થવાની સંભાવના વધારે હોય છે. હીટ પ્રોટેક્ટન્ટ્સ, કન્ડિશનીંગ ટ્રીટમેન્ટ્સ, મોઇશ્ચરાઇઝિંગ હેર માસ્ક અથવા તેલનો ઉપયોગ ભેજને સીલ કરવામાં મદદ કરે છે. આ સારવાર વાળના તાંતણાઓ વચ્ચે ઘર્ષણ પણ ઘટાડે છે, જે ચાર્જ જમા થતો રોકવામાં મદદ કરે છે.
8) ધાતુના કાંસકા, પ્લાસ્ટિકના નહીં
ધાતુના કાંસકા વિદ્યુત ચાર્જને શોષવામાં અને વિખેરવામાં મદદ કરે છે, જ્યારે પ્લાસ્ટિકના કાંસકા સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે. જ્યારે પ્લાસ્ટિકનો કાંસકો વાળ પર ઘસે છે, ત્યારે તે ઇલેક્ટ્રોનને આકર્ષે છે, જેનાથી વાળ સકારાત્મક રીતે ચાર્જ થઈ જાય.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button