તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસ : ઊંચી એડીના સેન્ડલ્સનો શોખ છે? જાણી લો તેની આડઅસર

-રાજેશ યાજ્ઞિક

આજે હાઈ હિલ્સ મહિલાઓની ફેશનનું અભિન્ન અંગ છે. કેટલીક સ્ત્રી-છોકરીઓ આ શોખ અને ફેશનને કારણે ખૂબ જ ઊંચી હિલવાળા સેન્ડલ પહેરે છે. કેટલીક માનુની પોતાની ઊંચાઈ દેખાડવા માટે હાઈ હિલ્સ પહેરે છે. એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી મહિલા માટે આવી ઊંચી હિલ્સ પહેરવી જરૂરી હોય છે તો કેટલીક મહિલાને એવું લાગે છે કે હાઈ હિલ્સ એમના વ્યક્તિત્વને વધુ નિખાર આપે છે… આમ જુવો તો હાઈ હિલ્સ પહેરવા માટે દરેકને પોત-પોતાનાં અલગ અલગ કારણ હોય છે, પણ તમારા વ્યક્તિત્વને નિખારતી આ હાઈ હિલ્સ તમારા સ્વાસ્થ્યની મોટી દુશ્મન પણ છે.

સતત હાઈ હિલ્સ પહેરીને પોતાનું સંતુલન જાળવવાના ચક્કરમાં તમારા પગની પિંડી, હિપ (નિતંબ) અને કરોડરજજુ પર ખરાબ અસર પડી શકે છે. આ જ કારણે જે સ્ત્રીઓ હાઈ હિલ્સ પહેરે છે એમને ઘણીવાર શરીરના આ અંગમાં દુખાવાની ફરિયાદ રહે છે. હા, કયારેક જો ઊંચી એડીના શૂઝ પહેરવામાં વાંધો નથી, પણ જો કાયમ તમે આવા જ પગરખાં પસંદ કરતા હો તો તમારે તેના જોખમ જાણવા જરૂરી છે, જેમકે…

પીઠમાં પીડા
તમારા આખા શરીરની સ્થિતિ તમારા પગ પર આધાર રાખે છે. હાઈ હિલ્સ પહેરવાથી એડી ઊંચી થઈ જાય છે
ૂઅને પીઠની કમાન બગડે છે. આનાથી શરીરના વજનનું અસમાન વિતરણ થાય છે, જેના કારણે કમરના નીચેના ભાગમાં દુખાવો અને સોજો આવી શકે છે. આના કારણે કરોડરજજુનું સંતુલન પણ ખોરવાઈ શકે છે અને ગરદનથી પીઠ સુધી દુખાવો થાય છે.

પિંડીમાં દુખાવો
પિંડીના સ્નાયુઓમાં દુખાવો એ આ હાઈ હિલ્સની બીજી આડઅસર છે. આનાથી પગ પિંડીની અનેક નસ વિસ્તરે છે, જે સમય જતા ખૂબ પીડાદાયક થઈ શકે છે.

પોસ્ચર બગડી શકે છે
પોસ્ચર એટલે અંગબંગિ-મુદ્રા… હાઈ હિલ્સ પહેરવાથી તમારા પગ પર દબાણ વધે છે, જ્યારે શરીરનો ઉપરનો ભાગ સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે. ઘણી વાર, આ સંતુલન જાળવવાનો પ્રયાસ કરતી વખતે, તમે બેઢંગા ઊભા રહેવાનું શરૂ કરો છો, જે સમય જતાં નુકસાનકારક પુરવાર થાય છે.

ઘૂંટણ પર અસર
હાઈ હિલવાળા સેન્ડલ પહેરવાથી ઘૂંટણ પર ખૂબ દબાણ આવે છે.

એના કારણે હાઈ હિલ્સ પહેરનારી મહિલા કે યુવતી ઘણીવાર ઘૂંટણમાં સતત દુખાવાની ફરિયાદ કરે છે. એનાથી થતું નુકસાન પણ કાયમી બની શકે છે.

આર્થરાઇટિસનું જોખમ
ખૂબ ઊંચી હિલ પહેરવાથી સાંધા પર દબાણ પડે છે. જેના કારણે તેમના કોમલાસ્થિમાં (કાર્ટિલેજ) સોજો આવી શકે છે. ધીમે ધીમે આ સમસ્યા સંધિવામાં ફેરવાઈ શકે છે. આ રોગ વૃદ્ધાવસ્થામાં ઘણી તકલીફ પેદા કરે છે.

પગની નસ ફાટી શકે
હાઈ હિલના સેન્ડલ ખૂબ જ પાતળા હોય છે, જેનાથી પગ પર ઘણું દબાણ આવે છે. આ અકુદરતી દબાણથી પગની નસ પણ દબાવા લાગે છે. એના કારણે લોહીનો પ્રવાહ બંધ થઈ જાય પછી નસ ફાટવાનું જોખમ રહેલું છે.

આપણ વાંચો:  વિશેષ : ભારે ગરમીથી બચવા ‘હિટ પ્રોફાઇલિંગ’ કરવું પડશે

લિગામેન્ટની નબળાઇ
હાઈ હીલ્સને લીધે અસ્થિબંધન (લિગામેન્ટ) નબળા પડી જાય છે. પગની જે કમાન શરીરને ઝટકા સહન કરવાની શક્તિ આપે છે તેને અસર થાય છે.

આમ કયારેક ઠીક છે, પરંતુ નિયમિત ઊંચી એડીના સેન્ડલ પહેરનારી ઘણી યુવતી આ ફેશનના નામે ઘેર બેઠાં જાતજાતની શારીરિક વ્યાધિ વહોરી
લે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button