સ્વાસ્થ્ય સુધા: સર્વોત્તમ કંદમૂળ તરીકે ખાસ ઉપયોગી સૂરણ

- શ્રીલેખા યાજ્ઞિક
નવરાત્રિ-દિવાળીના દિવસોમાં સૂરણ ખાવાની પારંપારિક પ્રથા ભારતના અનેક પ્રાંતમાં જોવા મળે છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં નવરાત્રિમાં અનેક ભક્તો ફક્ત કંદમૂળ ગ્રહણ કરીને અનુષ્ઠાન કરતાં હોય છે. ઉત્તર ભારત, બિહાર, ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરે રાજ્યોમાં દિવાળીના દિવસોમાં ખાસ સૂરણ ખાવાનો રિવાજ છે. એવી માન્યતા છે કે આ દિવસોમાં સૂરણ ખાવાથી તંદુરસ્તી જળવાઈ રહેવાની સાથે મનોકામના પૂર્ણ થાય છે. સૂરણ પોષક તત્ત્વોથી ભરપૂર કંદમૂળ ગણાય છે. ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી હરસ-મસાની તકલીફ ધરાવતી વ્યક્તિ માટે દવા તરીકે કામ કરે છે. કેલ્શિયમ ઑક્સોલેટની માત્રા વધુ હોવાથી અનેક વખત એવું પણ બનતું હોય છે કે મોંમાં તથા ગળામાં ખંજવાળની સમસ્યા સર્જાય છે. સૂરણમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ તથા કેલ્શિયમ જેવાં પોષક તત્ત્વો સમાયેલાં છે. વિટામિન બી-6, વિટામિન-એ સમાયેલું છે. અન્ય મહત્ત્વપૂર્ણ ઘટકની વાત કરીએ તો તેમાં સ્ટેરૉઈડ, ફિનોલ, ઍલ્કલૉઈડસ્, ફ્લેવોનોઈડસ્ તથા ઍંબીલોન સમાયેલું છે.
દેખાવમાં હાથીના પગ જેવું હોવાથી તેને અંગ્રેજીમાં ‘એલિફ્ન્ટ ફૂટ યામ’ તરીકે ઓળખવામાં આવે છે. સૂરણને જિમિકંદના નામથી ઓળખવામાં આવે છે. બંગાળમાં ઓલ તરીકે ઓળખાય છે. ઉત્તર ભારતમાં, ગુજરાતમાં સૂરણ, છત્તીસગઢમાં જિમિકંદ, ત્રિપુરામાં બાટેમા, દક્ષિણ ભારતમાં ચેના તરીકે ઓળખાય છે. સામાન્ય દિવસોમાં તેનો ઉપયોગ ઘણો જ ઓછો કરવામાં આવતો હોય છે. સૂરણ મુખ્યત્વે ભારતીય કંદ તરીકે ઓળખાતું હતું. વર્ષ 2017માં નવાં વૈજ્ઞાનિક તથ્યોને આધારે સૂરણનું મૂળ આઈલૅન્ડ, સાઉથ ઈસ્ટ એશિયાનું નામ જોવા મળે છે. ભારતીય ચરકસંહિતા તેમ જ વેદોમાં સૂરણના સ્વાસ્થ્ય લાભ વિશે જાણકારી જોવા મળે છે. એશિયાઈ દેશોમાં તે સરળતાથી મળી રહે છે. અનેક સ્વાસ્થ્યવર્ધક લાભ હોવાને કારણે તેનો ઉપયોગ લાંબા સમયથી ભારતમાં થતો આવ્યો છે. સૂરણ મુખ્ચત્વે ત્રણ પ્રકારના હોય છે. ગજેન્દ્ર, શ્રી પદ્મા, કુસુમા. તેનો પાક કેળા તથા હળદરના છોડની વચ્ચે સરળતાથી લઈ શકાય છે. બજારમાં કોઈપણ ઋતુમાં સરળતાથી મળી રહેતાં કંદમૂળમાં સૂરણ ગણાવી શકાય. લોહીના શુધ્ધિકરણ માટે સૂરણનું સેવન ગુણકારી ગણાય છે. સૂરણને વિવિધ રીતે બનાવી શકાય છે. સૂરણને છીણીને છીણ બનાવી શકાય છે. બાફેલાં સૂરણને શુદ્ધ ઘીમાં ધીમા તાપે સાંતળીને મરી તથા -ફરાળી મીઠું ભેળવીને ઉપયોગમાં લેવામાં આવે છે. દાળને ઘટ્ટ-સ્વાદિષ્ટ બનાવવા માટે સૂરણના થોડા નાના પતિકા ઉમેરવામાં આવે છે. તેનું રસાવાળું શાક બનાવી શકાય છે. બિહારમાં સૂરણની ચટણી બનાવીને ઉપયોગમાં લેવામાં આવે છે. જે ‘બરાબર’ નામથી ઓળખાય છે. બરાબર નામ પડવાનું મુખ્ય કારણ ચટણીમાં સપ્રમાણ માત્રામાં કેરી, આદું તથા સૂરણનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉપવાસ કરવાથી આંતરડામાં લાંબા સમયથી ભરાઈ રહેલો કચરો સરળતાથી બહાર ફેંકાઈ જાય છે. સૂરણનું સેવન તેમાં અત્યંત કારગર ગણાય છે. પ્રોબાયોટિક શાક હોવાને કારણે વનસ્પતિ તેમ જ અન્ય જીવોની રક્ષા કરવામાં મદદ કરે છે.
ઍન્ટિ-બેક્ટેરિયલ ગુણો હોવાને કારણે તેનો ઉપયોગ શરીરને બહારી સંક્રમણથી બચાવે છે.
સૂરણના સ્વાસ્થ્યવર્ધક ગુણો
કૉલેસ્ટ્રોલને ઘટાડવામાં ઉપયોગી : સૂરણનું સેવન કરવાથી લોહીમાં કૉલેસ્ટ્રોલની માત્રા ઘટાડી શકાય છે. કેમ કે તેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે શરીરમાં સારા કૉલેસ્ટ્રોલના સ્તરને વધારવામાં મદદ કરી શકે છે. પોટેશિયમની માત્રા વધુ હોવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જેને કારણે હૃદય રોગની વિવિધ સમસ્યાથી બચી શકાય છે.
ઍનિમિયાને દૂર કરવામાં મદદરૂપ : સૂરણમાં પ્રચૂર માત્રામાં આયર્ન સમાયેલું હોય છે. તેથી તેનું પ્રમાણભાન રાખીને નિયમિત સેવન કરવાથી લોહીમાં હિમોગ્લોબીનનું સ્તર વધારવામાં મદદ મળે છે. લોહીની ઊણપને કારણે શરીરમાં નબળાઈ રહેતી હોય તેમને માટે સૂરણનું સેવન ઉત્તમ ઉપાય છે.
શરીરની ઉપર વધતા સોજામાં ગુણકારી : સૂરણમાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો સમાયેલાં હોય છે. જેથી તેનું સેવન કરવાથી શરીર ઉપર થતાં સોજા તેમ જ તેના કારણે થતાં દુખાવાથી રાહત મેળવી શકાય છે.
ડાયાબિટીસના ખતરાથી બચાવે છે : ડાયાબિટીસના દર્દીઓ માટે નિષ્ણાત આહાર તજજ્ઞો તેમ જ ડૉક્ટર સૂરણનું સેવન કરવાનો ખાસ આગ્રહ રાખે છે. કેમ કે તેમાં અનેક ઍન્ઝાઈમ એવા સમાયેલાં હોય છે જે લોહીમાં શર્કરાની માત્રાને જાળવી રાખવામાં મદદ કરે છે. તેમાં સમાયેલું ફાઈબર લોહીમાં શર્કરાની માત્રાને વધતી રોકવામાં મદદ કરે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓને માટે અત્યંત લાભાકારક ગણાય છે.
હરસ-મસાની બીમારીમાં લાભકારક : હરસ-મસાની તકલીફમાં વ્યક્તિને સખત બળતરાં તેમ જ દુખાવો થવાની સાથે ગુદા માર્ગમાં લોહી પડવાની સમસ્યા સતાવે છે. સૂરણનું સેવન કરવાથી તેમાં ઝડપથી રાહત મળે છે. કેમ કે તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. જે પાચનક્રિયાને નિયમિત રાખવામાં મદદ કરે છે. કબજિયાત કે બંધકોષની તકલીફને કારણે હરસ-મસાની સમસ્યા સર્જાતી હોય છે. કબજિયાતની તકલીફથી બચવું હોય તેમને માટે સૂરણનો નિર્દોષ ઉપાય અજમાવવા જેવો છે.
કૅન્સરની સમસ્યા થતી રોકે છે : સૂરણમાં ફક્ત ઑમેગા-3 નહીં પરંતુ શક્શિાળી ઍન્ટિ-ઓક્સિડન્ટ સમાયેલું છે. વળી ડાયોસજેનિન પણ કૅન્સરની શક્યતાને રોકવામાં પ્રભાવી ઘટક ગણાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સૂરણનું સેવન કરવાથી વ્યક્તિ કૅન્સરની સમસ્યાથી પણ બચી શકે છે.
એસ્ટ્રોજનને સંતુલન રાખે : સૂરણનો ઉપયોગ હાર્મોનલ સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. એસ્ટ્રોજનના સ્તરને વધારે છે. વળી માસિક સ્ત્રાવના સિન્ડ્રોમને ઘટાડવામાં મદદ કરે છે. વળી ઍન્ટિ-ઓક્સિડન્ટની સાથે વિટામિન-બી 6, પેટમાં દુખાવો તથા વારંવાર કળ વળવાની સાથે દુખાવાની તકલીફમાં રાહત અપાવે છે.
સૂરણનો આહારમાં ઉપયોગ કરતાં પહેલાં તેને વ્યવસ્થિત રીતે સાફ કરવું જરૂરી છે. તેને બફતાં પહેલાં થોડો સમય મીઠાના પાણીમાં રાખવાથી ખંજવાળની સમસ્યાથી બચી શકાય છે. સૂરણની કઢી, શાક, ટિક્કી, કટલેટ કે તેને થોડા ઘી કે તેલમાં તળીને કે સાંતળીને ખાઈ શકાય છે. ભારતમાં સૂરણની ખેતી મુખ્યત્વે ઉત્તરાખંડ, છત્તીસગઢ, બિહાર, પશ્ર્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તથા ઓરિસ્સામાં થતી જોવા મળે છે. કિલોનો ભાવ જોઈએ તો લગભગ 80થી 90ની આસપાસ જોવા મળે છે.
ફરાળી સૂરણની છીણ
સાફ કરીને કાપેલું 500 ગ્રામ સૂરણ, 1 ચમચી જીરું, 10 નંગ મીઠા લીમડાંના પાન ઝીણાં કાપેલાં, અડધો કપ શેકેલાં સિંગદાણાનો ભૂકો, 3 નંગ લીલા મરચાં ઝીણાં સમારેલાં, 1 મોટી ચમચી આદુંની કતરણ, 2 મોટી ચમચી કોથમીર સજાવટ માટે, 1 નાની ચમચી લીલા નાળિયેરનું ખમણ, 1 ચમચી ખાંડ, 2 ચમચી લીંબુનો રસ, સ્વાદાનુસાર સિંધવ, ચપટી મરીનો ભૂકો, 1 નાની ચમચી આખા ધાણા, 5 ચમચી તેલ-ઘી મિક્સ. મોળું દહીં 1 વાટકી.
બનાવવાની રીત : સૌ પ્રથમ સૂરણને સાફ કરી લેવું. મીઠાના પાણીમાં પલાળીને રાખવું. હવે તેના નાના ટુકડા કરીને છીણી લેવું. છીણને બરફના પાણીમાં રાખવું. જેથી કાળું ના પડી જાય. જાડી કડાઈમાં તેલ-ઘી ભેળવીને ગરમ કરવું. જીરૂ ભેળવીને વધાર કરવો. લીલો મીઠો લીમડો સાંતળવો. તેમાં બરફના પાણીમાં રાખેલું છીણ ભેળવવું. છીણની ઉપર પાણીની થાળી રાખીને ધીમા તાપે પકાવવું. છીણ બરાબર પાકી જાય ત્યારબાદ તેમાં સિંગદાણાનો ભૂકો, ખાંડ, સ્વાદાનુસાર સિંધવ, આખા ધાણા, આદુંની કતરણ, ઝીણાં સમારેલાં મરચાં ભેળવી દેવાં. લીંબુનો રસ ભેળવવો, હલકે હાથે હલાવવું. શાકને ધીમા તાપે સિઝવા દેવું. ત્યારબાદ કોથમીર, લીલા નાળિયેરનું છીણ ભેળવીને ગરમાગરમ સૂરણની છીણને મોળા દહીં સાથે પીરસવું.
આપણ વાંચો: મોજની ખોજ: કંઈ મા મહાન? નવમાસ પેટમાં રાખે એ કે નવરાત્રિ મંડપમાં આવે એ?’