સ્વાસ્થ્ય સુધાઃ નવરાત્રિમાં ખાસ ખવાય છે સાત્ત્વિક કુટ્ટુ કે કુટીનો દારો

- શ્રીલેખા યાજ્ઞિક
નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. આ સમયે ભાવિક ભક્તો માની આરાધનામાં મગ્ન બની જતાં હોય છે. શારદીય નવરાત્રિમાં મોટી સંખ્યામાં ભક્તો ફરાળ, ફળાહાર કે ઉપવાસ કરવાનો આગ્રહ રાખે છે. એવી માન્યતા છે કે આ દિવસોમાં મા દુર્ગા વિવિધ સ્વરૂપ ધારણ કરીને અતિ પ્રસન્ન હોય છે. ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
ફરાળ કરતાં હોય તેઓ વિવિધ વાનગી જેમાં મોરૈયો, સાબુદાણા, રાજગરો, શિંગોડાનો લોટ તથા કુટ્ટુનો ઉપયોગ ખાસ કરે છે. સામાન્ય રીતે ફરાળમાં લેવાતી વસ્તુનો ઉપયોગ રોજબરોજના આહારમાં આપણે કરવાનું ચૂકી જઈએ છીએ. વાસ્તવમાં ફરાળી લોટનો ઉપયોગ રોજબરોજના આહારમાં કરવાથી શરીરને તેના લાભ ઝડપથી મળી શકે છે.
કુટ્ટુને અંગ્રેજીમાં બક્વ્હીટ કહેવામાં આવે છે. તો ગુજરાતીમાં ‘કુટીનો ડારો’ તરીકે ઓળખાય છે. હિન્દીમાં કુટ્ટુ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારત તથા પંજાબમાં તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હોય છે. પાચનતંત્રને સુધારવાની સાથે લોહીમાં શર્કરાની માત્રા જાળવી રાખવામાં મદદ કરે છે. ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોવાની સાથે તેમાં કૅલ્શ્યિમની માત્રા વધુ હોય છે.
કુટ્ટુમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, મેગ્નેશ્યિમ, આયર્ન, ફૉલેટ, મેંગેનીઝ તથા ફોસ્ફરસ સમાયેલું હોય છે. કુટીનો દારો ગ્લૂટેન ફ્રી હોય છે. એન્ટિ-ઓક્સિડન્ટના ગુણો સમાયેલાં છે. તેથી ફક્ત ફરાળ નહીં પરંતુ રોજબરોજના દિવસોમાં સપ્તાહમાં 2-3 દિવસ કુટ્ટુના લોટનો ઉપયોગ કરવો જરૂરી છે.
કુટ્ટુ ખાસ પ્રકારના છોડના બીજ છે. જે પ્રમાણે વૃક્ષ ઉપરથી ફળને તોડવામાં આવે છે તે જ પ્રમાણે કુટ્ટુના બીજને વાટીને તેનો લોટ તૈયાર કરવામાં આવે છે. ભારતમાં કુટ્ટુની ખેતી જમ્મૂ-કશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, લદાખ, કારગિલ, ગુરેજ ઘાટી, ઉત્તર પ્રદેશ તથા છત્તીસગઢ ભારતના મુખ્ય કુટ્ટુના ઉત્પાદક રાજ્યો ગણાય છે.
કુટ્ટુનો પાક થોડા સમય માટે લેવામાં આવે છે. પર્વતીય ક્ષેત્રોમાં ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે. કુટ્ટુના સ્વાસ્થ્યવર્ધક લાભ જાણ્યા બાદ વિદેશમાં તેની માગ વધી ગઈ છે. મેઘાલય જેવા રાજ્યમાં કુટ્ટુની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કુટ્ટુની ખેતી તેના દાણાદાર ત્રિકોણીય બીજને કારણે થતી જોવા મળે છે. કેમ કે તેનો પાક 10-12 સપ્તાહમાં તૈયાર થઈ જતો હોય છે.
કુટ્ટુને ‘ફોસ્ફરસ પંપ’ કહેવામાં આવે છે. કેમ કે કુટ્ટુનો છોડ માટીમાંથી ફોસ્ફરસ શોષી લે છે પૃથ્વી માટે અનુકુળ હોય તે રીતે ધીમે ધીમે પાછો વાળી દે છે. 100 ગ્રામ કુટ્ટુમાં પ્રોટીનની માત્રા 13.3 ગ્રામ, કાર્બ્સ 71.5 ગ્રામ, ફાઈબર 10 ગ્રામ, ચરબી 3.4 ગ્રામ તથા કૅલરી 343 હોય છે.
કુટ્ટુનો લોટ ઝડપથી ખરાબ થઈ જાય છે. ઘઉંનો કે ચોખાના લોટ જેવો લાંબો સમય તે ટકતો નથી. કુટ્ટુના બીજ લાંબા સમય સુધી સારા રહે છે. કુટ્ટુના લોટને લાંબા સમય સુધી સારો રાખવો હોય તો તેને ફ્રીઝમાં રાખી શકાય છે. બહાર રાખવો હોય તો તેને હવાબંધ ડબ્બામાં ભેજ ના લાગે તેનું ધ્યાન રાખીને રાખવો યોગ્ય રહેશે.
બજારમાં આજકાલ નકલી લોટ મળતો થયો છે. જે સ્વાસ્થ્યને સુધારવાની જગ્યાએ ખરાબ કરી શકે છે. તેથી લોટ અસલી છે કે નકલી તેની ચકાસણી કરીને લેવો જોઈએ. સારી વિશ્વસનીય માલ રાખતી દુકાનમાંથી ખરીદવો હિતાવહ રહેશે.
અસલી લોટ હશે તો તેનો રંગ ઘેરો ભૂરો હોય છે. લોટમાં કોઈ ભેળસેળ કરવામાં આવી હશે તો તેનો રંગ બદલાઈ જશે. ભેળસેળ યુક્ત લોટનો રંગ ગ્રે અથવા આછો લીલો દેખાશે. ભેળસેળ યુક્ત લોટને બાંધવા જશો તો તે વિખરાઈ જશે. એવી સમસ્યા દેખાય તો લોટ નકલી છે, તેમાં ભેળસેળ કરવામાં આવી હશે તેમ સમજીને તેનો ઉપયોગ ટાળવો.
કુટ્ટુના લોટમાંથી શીરો, પરાઠા, પૂડલાં, પૂરી, કટલેટ, પકોડા કે ઢોકળાં જેવી વિવિધ વાનગી બનાવી શકાય છે. કુટ્ટુના બીજને પાણીમાં પલાળીને તેની ખીચડી કે દલિયા બનાવી શકાય છે.
કુટ્ટુના પરાઠા
2 વાટકી કુટ્ટુનો તાજો લોટ, 5 નંગ મધ્યમ કદના બાફેલાં બટાકા, 2 મોટી ચમચી આદું-મરચાંની પેસ્ટ, 2 મોટી ચમચી કોથમીર ઝીણી સમારેલી, 1 ચમચી તલ, 1 ચમચી મરીનો ભૂકો, 2 ચમચી શેકેલાં સીંગદાણાનો ભૂકો, સ્વાદાનુસાર મીઠું, સાંતળવા માટે ઘી અથવા તેલ
બનાવવાની રીત: સૌ પ્રથમ બાફેલા બટાકાનો માવો બનાવી લેવો. તેમાં આદું-મરચાંની પેસ્ટ, કોથમીર, તલ, મરીનો ભૂકો, શેકેલાં સીંગદાણા, સ્વાદાનુસાર મીઠું ભેળવીને બરાબર ભેળવી દેવું. હવે તેમાં ધીમે ધીમે કુટુનો લોટ ભેળવવો. પાણીનો ઉપયોગ કર્યા વગર લોટને મસળી મસળીને બરાબર બાંધી લેવો. ત્યારબાદ તેની ઉપર તેલ લગાવીને 10 મિનિટ માટે ઢાંકીને રાખવો. હવે પરાઠા નાના, મોટા કે ત્રિકોણીય આકારમાં જેવા પસંદ હોય તેવા ગુલ્લા બનાવીને મધ્યમ આંચ ઉપર ઘી લગાવીને શેકી લેવાં. ગરમાગરમ પરાઠા દહીં સાથે પીરસવા.
કુટ્ટુના સ્વાસ્થ્યવર્ધક લાભ જોઈ લઈએ
પોષક તત્ત્વોનો ખજાનો ગણાય છે: કુટ્ટુના લોટને પોષક તત્ત્વોનો ખજાનો ગણવામાં આવે છે. કેમ કે તે ગ્લૂટેન ફ્રિ હોવાથી ગ્લુટેનની ઍલર્જી ધરાવતી વ્યક્તિ કે જેઓ સેલિઍક રોગ ધરાવે છે તેમને માટે શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે. ફાઈબરની માત્રા ભરપૂર હોવાથી પાચનક્રિયાને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બને છે. કુટ્ટુના લોટની વાનગી ખાવાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે. લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
ડાયાબિટીસમાં લાભકારી: કુટ્ટુનો નિયમિત આહારમાં ઉપયોગ કરવાથી લોહીમાં શર્કરાની માત્રા જાળવી રાખવામાં મદદ કરે છે. તેનું મુખ્ય કારણ છે તેમાં કુટ્ટુમાં કૅલરીની માત્રા ઓછી હોય છે. વળી ફેટનું પ્રમાણ તેમાં હોતું નથી. જેથી તેનું સેવન કરવાથી લોહીમાં ગ્લુકોઝ તથા ઈન્સ્યુલિન ની માત્રા ઘટે છે. અતિશય ભૂખ લાગી જવી તથા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ બની શકે છે.
બાળપણમાં અસ્થમાની તકલીફથી બચી શકાય છે: કુટ્ટુના દારામાં મેગ્નેશ્યિમ, વિટામિન ઈનું પ્રમાણ ભરપૂર હોય છે. તેથી તેનો ઉપયોગ આહારમાં બાળકો માટે કરવાથી બાળપણમાં અસ્થમાની તકલીફથી બચાવી શકાય છે. નિયમિત ઘઉંના લોટના પરાઠા કે રોટલીને બદલે કુટ્ટુના પરાઠા નાસ્તાના ડબ્બામાં મૂકી શકાય.
ત્વચાની મુલાયમતા જાળવી રાખવામાં લાભકારી: કુટ્ટુમાં વિટામિન બીનું પ્રમાણ સમાયેલું છે. જે ત્વચા, નખ તથા વાળ માટે શ્રેષ્ઠ આહારમાં સ્થાન ધરાવે છે. વળી કુટ્ટુનો નિયમિત આહારમાં ઉપયોગ કરવાથી સૂર્યપ્રકાશને કારણે ત્વચાને નુકસાનથી બચાવી શકાય છે. તેનું મુખ્ય કારણ છે કુટ્ટુમાં રિબોફ્લેવિન, નાઈસીન, થીયામાઈન તથા ફૉલેટનું પ્રમાણ સમાયેલું છે. જે ત્વચાના રક્ષણ માટે આવશ્યક ગણાય છે.
હાડકાંની મજબૂતાઈ માટે લાભકારી: કુટ્ટુમાં મેંગેનિઝનું પ્રમાણ સમાયેલું છે. જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વળી હાડકાં બરડ બનતાં અટકે તે માટે આવશ્યક ઍન્ઝાઈમ બનાવવામાં મદદ કરે છે. વળી શરીરમાં બનતાં કૅલ્શિયમની માત્રા હાડકાંને મજબૂત બનાવવામાં ઉપયોગી છે.
બ્લડ પ્રેશરને ઘટાડવામાં ફાયદાકારક: કુટ્ટુમાં મેગ્નેશ્યિમનું પ્રમાણ ભરપૂર સમાયેલું હોય છે. જેથી તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. કુટ્ટુ માટે એવું કહેવાય છે કે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું હોય તો દવાની સાથે કુટી ના દારાનો આહારમાં વારંવાર ઉપયોગ કરવો આવશ્યક છે.
આપણ વાંચો: ફોકસઃ શું છે ઝીરો વેસ્ટ લાઇફસ્ટાઈલ?