સ્વાસ્થ્ય સુધાઃ વિશ્વના પ્રાચીન શાકમાં સ્થાન ધરાવતું કોળું પિતૃગણનું પસંદગીનું શાક!

- શ્રીલેખા યાજ્ઞિક
વિશ્વના પ્રાચીન શાકની વાત કરીએ તો તેમાં કોળાનું નામ અવ્વલ પંક્તિમાં આવે. કોળું એક એવું શાક છે, જે અન્ય શાકની સરખામણીમાં વજનદાર હોય છે. તેનું સામાન્ય વજન 4થી 8 કિલોગ્રામ ની આસપાસ હોય છે. તેમ છતાં તે સૌથી ઓછા સમયમાં રંધાઈને તૈયાર થાય છે. ભારતનાં પ્રાચીન ગ્રંથ જેવા કે `ચરક સંહિતા’માં કોળાને અત્યંત ગુણકારી શાક દર્શાવવામાં આવેલું છે.
ચરક સંહિતાના સૂત્રસ્થાનની અંદર `સપ્તવિંશોધ્યાય’ના-શાકવર્ગમાં વર્ણન છે કે કોળું ક્ષારયુક્ત, મધુર હોવાની સાથે શરીરના ત્રણ દોષ (વાત, પિત્ત, કફ)નું નાશક છે. પાચન માટે તે ઉત્તમ ગણવામાં આવ્યું છે. ઉત્તર ભારતમાં તો દિવાળી બાદ ત્રણ દિવસ સુધી ઉજવાતા છઠના પર્વના પ્રથમ દિવસે કોળાનું શાક ઉપવાસમાં ખવાય છે.
કોળા માટે એવું કહેવાય છે કે `કોળું કપાશે તો સૌમાં વહેંચાશે’ કેમ કે કોળું કદમાં અત્યંત મોટું હોય છે. એક પરિવારમાં એક કોળામાંથી તેનું શાક બે વખત તો અચૂક બને છે. કદમાં મોટું હોવા છતાં તે ઝટપટ બની જાય તેવું મુલાયમ હોય છે. વળી એક વખત કાપ્યા બાદ તેનો ઉપયોગ ઝડપથી કરી લેવો પડે છે. અન્યથા તે બગડી જતું હોય છે.
કોળાની ખાસ વાત એટલે તેની ઉપર પેસ્ટિસાઈડસ્ છાંટવામાં આવતું નથી. તેથી તેનો ઉપયોગ આહારમાં કરવાથી ગંભીર રોગ થવાની શક્યતાથી બચી શકાય છે. શ્રાદ્ધ પક્ષમાં પિતૃગણને માટે તૈયાર થતાં ભોજનમાં કોળાનું શાક અચૂક બનાવવામાં આવે છે.
પિતૃગણને કોળું અત્યંત પ્રિય ગણાય છે. પ્રાણીની વાત કરીએ તો શ્વાન તથા બિલાડીને કોળું અત્યંત પ્રિય હોય છે. અનેક વખત માનવીની બેદરકારીને લીધે શ્વાન ભૂલથી પ્લાસ્ટિકની થેલી ખાઈ લે તેવું બનતું હોય છે. આવા સંજોગોમાં તેને કાચું કોળું ખવડાવવાથી, પ્લાસ્ટિકની થેલી સહિત અન્ય કચરો મળ વાટે બહાર નીકળી જશે.
31 ઑક્ટોબરના દિવસે વિદેશમાં `હૈલોવીન ડે’ની ઊજવણી કરવામાં આવે છે. જેમાં કેટલાંક શોખીન લોકો ડર લાગે તેવાં વસ્ત્રો પહેરીને મજાક-મસ્તી દ્વારા નિર્દોષ આનંદ મેળવે છે. આ દિવસે વિદેશમાં કોળામાંથી ખાસ પ્રકારનો લાલ દીવો તૈયાર કરવામાં આવે છે. વિદેશમાં આ દિવસે કોળાની માગ વધી જતી હોય છે. કોળાની વિવિધ વાનગી બનાવીને તેનો આસ્વાદ માણવામાં આવે છે. જેમ કે કોળાની પાઈ, કોળાનો સૂપ, કોળાની કૅક વગેરે.
છત્તીસગઢમાં કોળાની સાથે પૌરાણિક કથા જોડાયેલી છે. અનેક ધાર્મિક કાર્યોમાં પશુબલિ ચઢતી નથી. તેને બદલે કોળાને અબોલ પાણીનું પ્રતીક સમજી કાપવામાં આવે છે. એવી પણ લોકમાન્યતા જોવા મળે છે કે મહિલાઓ કોળું કાપતી નથી, કેમ કે છત્તીસગઢમાં એવી માન્યતા છે કે કોળું તેમનાજ્યેષ્ઠ પુત્રનું પ્રતીક ગણાય છે.
મહિલાઓ દ્વારા કોળું કાપવામાં આવતું નથી. તેથી મહિલાઓ પ્રથમ કોળું પતિ કે ઘરના અન્ય પુરુષ સભ્યો પાસે કપાવવાનું પસંદ કરે છે. કેમ કે સનાતન પરંપરા પ્રમાણે સ્ત્રી સર્જનકર્તા છે. નહીં કે સંહારકર્તા. તે જન્મદાત્રી છે. મા ક્યારેય પ્રતીકાત્મક રૂપે બલિ નથી ચઢાવતી.
કોળાને હિન્દીમાં કાશીફળ કે રામકોહલા, કુમ્હાડા, મખના ભતવા વગેરે નામથી ઓળખવામાં આવે છે. બંગાળીમાં ચાલ કુમરો, ગુજરાતીમાં કોળું, મલયાલમમાં કુમ્બાલંગા, તમિળમાં પૂસાનિકાઈ, તેલુગુમાં ગુમ્માડિકાયા, મરાઠીમાં ભોપલા કે કોહલા, અંગ્રેજીમાં પમ્પકીન કહેવામાં આવે છે. કોળાને સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ગણવામાં આવે છે.
કોળાના બીજ, કોળાના ફૂલ તેમજ કોળાનો માવો સ્વાસ્થ્ય માટે લાભકારક છે. કોળાના બીજથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આંખોનું તેજ વધે છે. ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. લોહીની ઊણપને દૂર કરવામાં લાભકારક ગણાય છે. પાચનક્રિયામાં સુધારો થાય છે.
કોળાના ફૂલ, કોળાના બીજ તેમજ કોળાના ફળનાં ગરનો ઉપયોગ સલાડ બનાવવામાં કરી શકાય છે. કોળાનો સૂપ અત્યંત સ્વાદિષ્ટ બને છે. કોળાના માવામાંથી માખણ બને છે જે `પમ્પકીન બટર’ તરીકે જાણીતું છે. ભારતમાં કોળાની ખેતી હજારો વર્ષથી થતી આવે છે. અમેરિકામાં કોળાની ખેતી તેના બીજ વિશે જાણકારી મળ્યા બાદ લગભગ 7 હજાર વર્ષથી થતી આવે છે.
વર્તમાનમાં અમેરિકા, મેક્સિકો, ભારત, ચીન વગેરે દેશોમાં કોળાની ખેતી સૌથી વધુ થતી જોવા મળે છે. ભારત કોળાની ખેતીમાં વિશ્વમાં બીજા ક્રમાંકે આવે છે. ભારતમાં મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં કોળાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે.
કોળાના સ્વાસ્થ્યવર્ધક લાભ
પાચનતંત્રને સુધારવામાં ગુણકારી
કોળામાં સોલ્યુબલ તેમ જ ઈન સોલ્યુબલ બંને પ્રકારના ફાઈબર સમાયેલાં હોય છે. સોલ્યુબલ ફાઈબર પાચનતંત્રને ધીમું કરે છે.
એલડીએલ કૉલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. ઈન સોલ્યુબલ ફાઈબરનો ઉપયોગ આહારમાં કરવાથી મળ ત્યાગ સરળતાથી થવા લાગે છે. પાચનમાં ગરબડની શક્યતા રહેતી નથી. દિવસમાં એક મોટી વાટકી ભરીને કોળાનું શાક ખાવું હિતકારી ગણાય છે.
હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી
કોળામાં અલ્ફા કૈરોટીન, બીટા કૈરોટીન તથા બીટા કૈપ્ટોજેથિન જેવાં પાવરફુલ એન્ટિ-ઓક્સિડન્ટ સમાયેલાં હોય છે. જે કમ્પાઉન્ડ ઑક્સિડેટિવ સ્ટે્રસથી કોશિકાની રક્ષા કરે છે. કોળામાં પોટેશિયમ, વિટામિન સી તેમ જ ફાઈબર હોય છે. જે હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે.
કૅન્સરના ખતરાને ઘટાડવામાં મદદરૂપ
ભોપલામાં પાવરફૂલ ઍન્ટિઓક્સિડન્ટ મુખ્યત્વે કેરોટિનૉઈડસ્ અનેક પ્રકારના કૅન્સરના ખતરાને ઘટાડી દે છે. જેવા કે ગળું, સ્તન, પેટ, અન્ડાશય વગેરે ગણાવી શકાય. કોળાનાં પોષકતત્ત્વો ફ્રી રેડિકલ્સનું સમતુલન કરી કોશિકાઓને નુકસાનથી બચાવે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે
કોળામાં રહેલાં વિવિધ વિટામિન્સ મુખ્યત્ત્વે વિટામિન એ, શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. વિટામિન એ પ્રાકૃતિક રીતે જ શરીરને બિમારીથી બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં લાભકારી
કોળાનું સેવન ડાયાબિટીસની વ્યાધિ ધરાવતી વ્યક્તિઓ કરી શકે છે. કેમ કે કોળાનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ 75 ની આસપાસ જોવા મળે છે. તેનો અર્થ એ થયો કે કોળાનું સેવન કરવાથી લોહીમાં ગ્લુકોઝની ઉપર ઓછી અસર કરે છે. કોળામાં સોલ્યુબલ તેમજ અનસોલ્યુબલ ફાઈબરની માત્રા હોવાથી તે ગ્લુકોઝને ધીમે ધીમે ગ્રહણ કરે છે. જેને કારણે બ્લડ શુગર અચાનક વધી જવાના ખતરાથી બચી શકાય છે. ઈન્સ્યુલિન સેંસિટિવીટીમાં સુધારો કરે છે.
શરીરને હાઈડે્રટ રાખે છે
કોળામાં 94 ટકા પાણીનું પ્રમાણ હોય છે. તેથી તેને પાણીજન્ય ખોરાક (શાક) તરીકે ઓળખવામાં આવે છે. કોળાનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઊણપ કંઈક અંશે રોકી શકવામાં મદદ મળે છે. તેમાં પણ ડાયાબિટીસના દર્દીઓમાં જો પાણીની ઊણપ વધે તો બ્લડ શુગરમાં વધારો થઈ શકે છે.
ભંડારામાં પીરસાતું કોળાનું મસાલેદાર શાક
સામગ્રી : 500 ગ્રામ કોળું, 2 મોટી ચમચી તેલ, 1 મોટી ચમચી શુદ્ધ ઘી, 1 નંગ તમાલપત્ર, 2 નંગ આખા લાલ મરચાં, 2 નંગ લીલા મરચાં ઝીણાં સમારેલાં, 1 ચમચી આદુંનું છીણ, 1 ચમચી ખાસ મસાલો( 1 નાની ચમચી જીરું, 1 નાની ચમચી વરિયાળી, 1 નાની ચમચી આખા ધાણા, 1 નાની ચમચી મેથી, 1 નાની ચમચી કલોંજી) 1 ચમચી સંચળ, 1 નાની ચમચી હળદર,1 ચમચી લાલ મરચું, 2 મોટી ચમચી ઘાણાજીરું, 1 મોટી ચમચી કિચનકિંગ મસાલો, ચપટી હિંગ, 2 ચમચી ગોળનો ભૂકો, 1 ચમચી કસૂરી મેથી,1નાની ચમચી આમચૂર પાઉડર, 1 નાની ચમચી ગરમ મસાલો
બનાવવાની રીત: સૌ પ્રથમ 500 ગ્રામ કોળાને છાલ સાથે કાપી લેવું. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેમાં ચપટી હિંગ, તમાલપત્ર, આખા લાલ મરચાં નાખીને હલાવી લેવું. ત્યારબાદ તેમાં ખાસ મસાલો જે ઉપર બતાવ્યો છે તે ઉમેરવો. એક વાટકીમાં ધાણાજીરું, લાલ મરચું, હળદર, કિચનકિંગ મસાલો લેવો.
તેમાં અડધો કપ પાણી ભેળવીને પેસ્ટ બનાવી લેવી. હવે તેલમાં તે પેસ્ટ ઉમેરવી, લીલા મરચાં, આદુંની છીણ ઉમેરીને બરાબર હલાવી લેવું. તેમાં કાપેલાં કોળાના ટુકડાં ઉમેરીને બરાબર ભેળવવું. શાકમાં પાણી થોડું જ છંટકારવું. મીઠું, સંચળ, ગોળનો ભૂકો ઉમેરીને બરાબર હલાવીને થાળી ઢાંકીને શાક પકાવવું.
શાક બરાબર ગળી જાય ત્યારબાદ તેમાં કસૂરી મેથી, આમચૂર પાઉડર, ગરમ મસાલો ભેળવીને હલાવી લેવું. શાકમાં ઉપરથી 1 ચમચી શુદ્ધ ઘી ભેળવવું. કોથમીરથી સજાવી સ્વાદિષ્ટ શાક ગરમાગરમ રોટલી કે પૂરી સાથે પીરસવું.
આપણ વાંચો: મોજની ખોજઃ માણસ માણસાઈ ચૂકે, પણ કાગડો કાગડાઈ ચૂકે…?