સ્વાસ્થ્ય સુધાઃ ઠંડીના દિવસોમાં શક્કરિયાંનું સેવન એક વરદાન સમાન છે…

શ્રીલેખા યાજ્ઞિક
ઠંડીના દિવસો શરૂ થાય તેની સાથે બજારમાં ખાસ રંગબેરંગી દેશી શાકભાજી તેમ જ ફળ મળવા લાગે. જેમાં વિવિધ પ્રકારના કંદમૂળનો સમાવેશ કરી શકાય. જેમ કે શક્કરિયાં, રતાળુ, સુથની તેમ જ નાના લાલ ખાસ પ્રકારની મીઠાશ ધરાવતાં બટાટાનો સમાવેશ કરી શકાય. શક્કરિયાને ઠંડીનું સુપરફુડ માનવામાં આવે છે. કેમ કે તેના સેવનથી શરીરને ગરમાવો મળે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન બી-6, ફાઈબર, પોટેશ્યમ, મેગ્નેશ્યમ, ઍન્ટિ-ઓક્સિડન્ટની સાથે સ્વાસ્થ્ય માટે આવશ્યક વિવિધ પોષક તત્ત્વો પર્યાપ્ત માત્રામાં સમાયેલાં હોય છે.
પાચન પ્રકિયાને સુધારવામાં મદદ કરે છે. વાળને માટે ગુણકારી ગણાય છે. નિષ્ણાત આહાર તજજ્ઞોનું માનવું છે કે સતત સાત દિવસ સુધી શિયાળામાં લગાતાર શક્કરિયાનો ભોજનમાં સમાવેશ કરશો તો શરીરમાં અનેક સકારાત્મક બદલાવ જોવા મળશે. 100 ગ્રામ શક્કરિયામાં 68 ગ્રામ પાણી, 85 ગ્રામ કૅલરી, કાર્બોહાઈડ્રેટ 28 ગ્રામ, પ્રોટીન 1.2 ગ્રામ, ફાઈબર 0.8 ગ્રામ, ફોસ્ફરસ 50 મિલિગ્રામ, કેલ્શિયમ 20 મિલિગ્રામ, સોડિયમ 9 મિલિગ્રામ, મિનરલ્સ 1.0 ગ્રામ, પોટેશ્યમ 393 મિલિગ્રામ તથા પર્યાપ્ત માત્રામાં વિટામિન એ તથા વિટામિન સી સમાયેલાં છે.
આ પણ વાંચો : સ્વાસ્થ્ય સુધાઃ કુદરતની બક્ષિસ ગણાય છે કાજુના સોનેરી દાણા
ઠંડીમાં શક્કરિયાના સેવનથી થતા લાભ
આંખોની રોશની સુધારવામાં ગુણકારી: શક્કરિયામાં રહેલું બીટા-કૈરોટીન શરીરમાં વિટામિન એ માં બદલાઈ જાય છે. જે આંખોની રોશનીને વધારવામાં મદદ કરે છે. 7 દિવસ સુધી નિયમિત શક્કરિયાંનું સેવન કરવાથી આંખોમાં બળતરા, આંખો સુકાઈ જવી કે આંખોમાં વારંવાર ખંજવાળ આવવાની સમસ્યા ઘટવા લાગે છે. શક્કરિયાંમાં સમાયેલું બિટા-કૈરોટિન રાત્રિના સમયે ઘુંધળું દેખાવાની સમસ્યામાં સુધારો લાવે છે. આજકાલ મોબાઈલ તેમ જ લૅપટોપ ઉપર સતત કામ કરવાને કારણે આંખો તાણ અનુભવે કે આંખોમાં બળતરા થવા લાગે તે સમસ્યાથી રાહત અપાવે છે.
ત્વચા ચમકીલી બનાવે છે: શક્કરિયામાં ઍન્ટિ-ઓક્સિડન્ટનો ખજાનો સમાયેલો છે, એવું કહેવામાં આવે છે. તેમાં સમાયેલું વિટામિન એ, સી તથા ઈ આંતરિક સ્તરને મજબૂત કરવામાં ઉપયોગી બને છે. ચહેરાની ત્વચા ઉપર કાળા ડાઘ કે ખીલ દેખાવાની સમસ્યામાં સુધાર જોવા મળે છે. શક્કરીયાનું સેવન કરવાથી ત્વચાને પૂરતાં પ્રમાણમાં પોષણ મળી રહે છે. ત્વચા ચમકીલી બનાવે છે. ત્વચા ઉપરના સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. કૉલેજનને મજબૂત બનાવે છે.
આ પણ વાંચો : સ્વાસ્થ્ય સુધાઃ અરૂગલા એક સ્વાદિષ્ટ પત્તેદાર ભાજીની જાણી લઈએ ખૂબી
પેટની ચરબી ઘટાડવામાં ગુણકારી: 100 ગ્રામ શક્કરિયામાં ફક્ત 85 ગ્રામ કૅલરી સમાયેલી હોય છે. કોમ્લૅક્સ કાર્બસ્ તથા ફાઈબરથી ભરપૂર હોય છે. અનેક લોકો એવું વિચારતાં હોય છે કે શક્કરિયા કે બટાકાનું સેવન વજન ઝડપથી વધારી દે છે.
વાસ્તવમાં કોઈપણ કંદમૂળને ફક્ત બાફીને, શેકીને કે થોડાં તેલમાં વઘારીને ખાવાથી તેમાં રહેલું ફાઈબર સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. પોટેશ્યમ, મેગ્નેશ્યમ જેવા અનેક પોષક ગુણો સમાયેલાં હોય છે. કંદમૂળનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારક બની જાય છે. એક સમય હતો કે જ્યારે દાદી-નાની શિયાળું તાજા શાકમાં બટાકાનો ઉપયોગ કરીને શાકને બનાવી દેતાં. જેમ કે ફ્લાવર-બટાકા, વટાણા-બટાકા, કોબી-બટાકા, દૂધી-બટાકા, ભીંડા-બટાકા રિંગણ-બટાકા. જેથી બટાકાના પોષક ગુણો પરિવારના પ્રત્યેક સભ્યોને મળી રહે.
આ પણ વાંચો : સ્વાસ્થ્ય સુધાઃ જાણો છો કાર્તિકી પૂર્ણિમા પકોડી પૂનમ તરીકે કેમ ઓળખાય છે?
ઊંધીયામાં તથા ઊબાંડીયામાં તો ખાસ વિવિધ કંદમૂળનો ઉપયોગ કરવામાં આવે છે જેથી શિયાળામાં લીલોતરી શાક ખાવાનો આનંદ બમણો બની જાય છે. શક્કરિયાંમાં ફાઈબર વધુ માત્રામાં સમાયેલું હોય છે, તેથી તેના સેવન બાદ વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. સતત 3-4 દિવસ સુધી તેનું સેવન કરવાથી પેટ તથા ઈન્ટેસ્ટાઈનની સાથે ચયાપચયની પ્રક્રિયામાં સુધારો થવા લાગે છે. જેથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે.
શરીરને ઊર્જાવાન બનાવે છે: શક્કરિયાં કુદરતી રીતે જ કાર્બોહાઈડ્રેટની ભરપૂર માત્રા ધરાવે છે. શક્કરિયાનું સેવન ર્ક્યા બાદ શરીરમાં શક્તિનો સંચાર થવા લાગે છે. જેથી વ્યક્તિ સદાકાળ ઊર્જાવાન રહે છે. શિયાળામાં નિયમિત શક્કરિયાંનું સેવન કરવાથી વારંવાર થાક લાગી જવો કે નબળાઈ લાગવી જેવી તકલીફથી બચી શકે છે. શરીર સ્ફૂર્તિલું બનવા લાગે છે.
બ્લડશુગરને નિયંત્રીત રાખવામાં ગુણકારી: શક્કરિયાં બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા માટેનું એક અતિ ઉપયોગી કંદ ગણાય છે. તેમાં સોલ્યુબલ તથા ઈન-સોલ્યુબલ બંને પ્રકારના ફાઈબર સમાયેલાં હોય છે. જેથી તે લોહીમાં શર્કરાની માત્રાને સ્થિર રાખવામાં મદદ કરે છે. આથી ડાયાબિટીસના દર્દીઓ પ્રમાણભાન રાખીને તેનું સેવન કરી શકે છે.
આ પણ વાંચો : સ્વાસ્થ્ય સુધાઃ પ્રોટીન તથા ફાઈબરનો ખજાનો ધરાવતા મઠ…
ઍન્ટિ-એજિંગના લાભ મળી રહે છે: શક્કરિયાંનું સેવન શિયાળામાં વરદાન સમાન ગણાય છે. તેનું મુખ્ય એક કારણ છે તેના સેવનથી વ્યક્તિ સદાય યુવાન દેખાઈ શકે છે. કેમ કે શક્કરિયાંમાં બિટા-કૈરોટીનની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. જે શરીરમાં અંદર પ્રવેશતાં વિટામિન એમાં પરિવર્તિત થાય છે. જે ત્વચા તેમ જ આંખોના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
હૃદયની તંદુરસ્તી જાળવવામાં લાભકારી: વિશ્વમાં હાલમાં હૃદય સંબંધિત બીમારીનું પ્રમાણ સતત વધતું જોવા મળી રહ્યું છે. તેથી નિષ્ણાત આહાર તજજ્ઞો તથા હૃદય રોગ નિષ્ણાત ડૉક્ટરો હૃદયની તંદુરસ્તી જાળવી રાખવા માટે હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે તેવો ખોરાક ખાવાની સલાહ આપતાં હોય છે. તેમાં શક્કરિયાંનો સમાવેશ થયો છે. કેમ કે તેમાં ભરપૂર માત્રામાં પોટેશ્યમ સમાયેલું હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. બ્લડપ્રેશર તથા કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
ભારતમાં શક્કરિયાંની ખેતી માટે એવું કહેવાય છે કે ઓછા ખર્ચે, ઓછી મહેનતે, વધુ નફો મેળવી શકાય તેવો પાક ગણાય છે. તેના પાન તથા ડાળીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પશ્ર્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં શક્કરિયાંની ખેતી થાય છે. લગભગ 2 લાખ હૅક્ટરમાં શક્કરિયાંની ખેતી થાય છે.
આ પણ વાંચો : સ્વાસ્થ્ય સુધાઃ પિપ્પલી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી મસાલો છે
વિશ્વમાં સૌથી વધુ શક્કરિયાનું ઉત્પાદન ચીનમાં થાય છે. ભારત છઠો ક્રમાંક શક્કરિયાંના ઉત્પાદનમાં ધરાવે છે. શક્કરિયાંની વિવિધ જાતિની વાત કરીએ તો વર્ષા, શ્રીનંદિની, શ્રીવર્ધની, ઘી રત્ન, ક્રૉસ-4, કાલમેઘ, રાજેન્દ્ર, શ્રીવરૂણ, શ્રીઅરૂણ, શ્રીભદ્ર, કોંકણ અશ્વિની, પૂસા સફેદ, પૂસા સૂનહરી વગેરે ગણાવી શકાય. 110-120 દિવસમાં શક્કરિયાંનો પાક તૈયાર થઈ જાય છે.
શક્કરિયાંમાંથી વિદેશમાં સ્વાદિષ્ટ પાઈ, માર્શમૈલો, સ્મૂધી, કોરિયન વાનગી જાપચે બનાવવામાં આવે છે. દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન ભોજન ઓછું પડવા લાગ્યું. તે સમયે શક્કરિયાનો ઉપયોગ કરીને સૈનિકોની ભૂખ શાંત કરવામાં આવી હતી.
વનસ્પતિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શક્કરિયાંની ઉત્પત્તિ અમેરિકાના ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં હજારો વર્ષ પૂર્વે ફેલાઈ હતી.
આયુર્વેદિક ગ્રંથ ચરકસંહિતામાં ભોજન યોગ્ય ત્રણ કંદની જાણકારી આપી છે. જેના નામ મુજાતક, વિદારીકંદ, અમ્લીકાંકદ. જેનો સ્વાદ તેમ જ સ્વાસ્થ્ય લાભ શક્કરિયાં જેવાં જ છે.
આ પણ વાંચો : સ્વાસ્થ્ય સુધાઃ અનોખો સ્વાદ ધરાવતી જાપાનીઝ માચા ટી
શક્કરિયાંની ખીર
સામગ્રી: 1 લિટર દૂધ, 2 મોટી ચમચી મિલ્ક મૅડ, 4 મોટી ચમચી ખાંડ, 4 નંગ કાજુ, 4 નંગ બદામ, 4 નંગ પિસ્તા, 1 નાની ચમચી એલચી-જાયફળનો ભૂકો, 3 તાંતણાં કેસર, 2 નંગ મોટા શક્કરિયાં. 2 મોટી ચમચી શુદ્ધ ઘી.
બનાવવાની રીત: સૌ પ્રથમ દૂધને ઉકાળવા મૂકવું. શક્કરિયાંને બરાબર છીણી લેવાં. એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં કાજુ, બદામ પિસ્તા સાંતળીને એક બાઉલમાં કાઢી લેવાં. ત્યારબાદ તેમાં શક્કરિયાનું છીણ સાંતળી લેવું. ગરમ દૂધમાં છીણ ભેળવી દેવું. છીણ ચડી જાય ત્યારબાદ તેમાં ખાંડ ભેળવવી. મિલ્કમૅડ ભેળવવું. એલચી-જાયફળનો ભૂકો ભેળવવો. સાંતળેલાં બદામ-પિસ્તા-કાજુને અધકચરાં કરીને ખીરમાં ભેળવી દેવાં. કેસરને દૂધમાં પલાળીને ભેળવવી. સ્વાદિષ્ટ ખીર ઠંડી કર્યા બાદ તેનો આસ્વાદ માણવો.



