સ્વાસ્થ્ય સુધાઃ અનોખો સ્વાદ ધરાવતી જાપાનીઝ માચા ટી | મુંબઈ સમાચાર
તરોતાઝા

સ્વાસ્થ્ય સુધાઃ અનોખો સ્વાદ ધરાવતી જાપાનીઝ માચા ટી

શ્રીલેખા યાજ્ઞિક

એક ચા ઉપર બીજી ચા ‘મફત’ એવું કોઈ કહે તો આપણે જરૂર બે ચાની ચૂસકી લેવાનું પસંદ કરીશું. ‘મફત’ શબ્દ આપણને સૌને આકર્ષે છે. તો ચાલો, આજે એક એવી ચા વિશે વાત કરીએ કે તેને હલાવવા માટે ખાસ પ્રકારની ઝરણી આપને મફત આપવામાં આવે છે. તે પણ પાછી અત્યંત આકર્ષક તેમજ પર્યાવરણ ફ્રેન્ડલી. શું આપે ‘માચા ટી’ વિશે સાંભળ્યું છે? આ શું હશે તેવો સવાલ અચૂક મનમાં ઉઠ્યો હશે. તો જાણી લઈએ જાપાનીઝ ‘માચા ટી’ વિશે તેમજ તેના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે.

માચા એક પાઉડર વાળી ચા છે. જાપાનમાં ખાસ ઊગતી લીલી ચાના પાનને ઝીણાં વાટીને તૈયાર કરવામાં આવે છે. માચા ચાના છોડને છાંયડો યોગ્ય રીતે આવતો હોય ત્યાં ઉગાડવામાં આવે છે. તેથી જ તેના પાનનો રંગ લીલો જોવા મળે છે.

ચા તૈયાર થયા બાદ પણ ઘેરા લીલા રંગની જોવા મળે છે.

માચા પાઉડરથી તૈયાર થતી ચામાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે. માચા ટીનો સમાવેશ એક પ્રકારની લીલી ચામાં જ કરવામાં આવે છે.

મન આનંદિત બનાવી દે તેવી ખાસ પ્રકારની માટીની સુગંધ તેમાં સમાયેલી હોય છે. માચા ચા ઍન્ટી-ઓક્સિડન્ટ, ઊર્જા તથા રોગ-પ્રતિકારક-શક્તિનો સમન્વય ધરાવતી હોવાથી કુદરતી પાવરહાઉસ ગણવામાં આવે છે.

આ પણ વાંચો: સ્વાસ્થ્ય સુધા: સર્વોત્તમ કંદમૂળ તરીકે ખાસ ઉપયોગી સૂરણ

સામાન્ય રીતે આપણે જે રોજબરોજમાં ચાની ચૂસકી લગાવીએ છે, તેનો રંગ આછો કથ્થાઈ હોય છે. જ્યારે માચા ચાનો રંગ લીલો જોવા મળે છે.

સ્વાદ સભર હોવાને કારણે આજકાલ માચા ચા અનેક લોકોની પસંદગીની બની ગઈ છે. તેમાં પણ યુવાવર્ગ વિવિધ દેશની વિવિધ વાનગીની સાથે અન્ય દેશના સ્વાસ્થ્યવર્ધક પીણાં પીવાનો શોખ ધરાવે છે. તેમાં માચા ચાની ગણતરી પણ થાય છે.

માચા ચાના સ્વાસ્થ્ય વર્ધક ગુણો જાણી લઈએ

ઊર્જાની સાથે વ્યક્તિની સતર્કતા વધારે છે : માચા-ચામાં એલ-થીનાઈન નામક એક ખાસ પ્રકારનું એમિનો ઍસિડ સમાયેલું હોય છે. જે વ્યક્તિના મગજને શાંત બનાવવાની સાથે સર્તક બનાવવામાં મદદ કરે છે. વળી પૉલિફિનોલ તથા એલ થીનાઈન નામક તત્ત્વનું સેવન કરવાથી મગજમાં આલ્ફા વૅવ વધે છે.

આ પણ વાંચો: સ્વાસ્થ્ય સુધાઃ નવરાત્રિમાં ખાસ ખવાય છે સાત્ત્વિક કુટ્ટુ કે કુટીનો દારો

આલ્ફા વૅવ દિમાગને શાંત કરવાની સાથે વિચારોમાં સ્પષ્ટતા લાવે છે. અનેક વખત એવું જોવા મળે છે કે વ્યક્તિ તણાવને કારણે મનની શાંતિ ગુમાવી દે છે. આવા સંજોગોમાં માચા-ચાની ચૂસકી લેવાથી મન-મસ્તિષ્ક તાજગી અનુભવવા લાગે છે.

શરીરનાં વિવિધ અવયવોને પ્રાકૃતિક રીતે જ શુદ્ધ કરે છે : માચા-ટીમાં કુદરતી રીતે જ ક્લોરોફિલ સમાયેલું હોય છે. જે શરીરનાં ઝેરી તત્ત્વોને બહાર ફેંકવામાં મદદ કરે છે. લિવર, કિડની, તેમ જ ત્વચાને પ્રાકૃતિક રીતે જ શુદ્ધ કરવામાં મદદ કરે છે.

ત્વચાની તંદુરસ્તી જાળવી રાખવામાં લાભકારી : માચા-ચામાં સોસૈયિયા તથા ઍક્ટિનિક કૈરાટોસિસ જેવા તત્ત્વ સમાયેલાં હોય છે. જે ત્વચાને મુલાયમ બનાવવા માટે લાભકારક ગણાય છે.

હૃદયની તંદુરસ્તી જાળવી રાખવા લાભકારી : માચા ચામાં એપિગ્લો કૈટૈચિન -3 ગૈલેટ નામક એક યોગિક હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આપણે બધા જ એટલાં તો માહિતગાર છીએ કે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે તો હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે.

આ પણ વાંચો: સ્વાસ્થ્ય સુધાઃ વિશ્વના પ્રાચીન શાકમાં સ્થાન ધરાવતું કોળું પિતૃગણનું પસંદગીનું શાક!

વજનને નિયંત્રણમાં રાખવામાં ગુણકારી : નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થમાં પ્રકાશિત થયેલાં એક રિપોર્ટ પ્રમાણે જાપાનીઝ માચા ચા પીવાથી શરીરમાં લિપોજેનેસિસ તથા ચરબીને ઘટવામાં મદદ મળે છે. જેને કારણે વજનને નિયંત્રણમાં રાખવા માગતી વ્યક્તિને લાભ થાય છે.

માચા ચા પીવાથી મેટાબોલિઝમ મજબૂત બને છે. જેને કારણે વજન તથા મોટાપો ઘટાડવામાં મદદ મળે છે. માચા ચા ઉપર થયેલાં સંશોધન મુજબ 10 થી 12 સપ્તાહ સુધી નિયમિત પ્રમાણભાન રાખીને ચા પીવાથી શરીરમાંથી ચરબીને ધીમે ધીમે ઘટવામાં મદદ મળી રહે છે.

હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવામાં ગુણકારી: જાપાનીઝ ચામાં વિવિધ પોષક તત્ત્વો જેવાં કે પ્રોટીન, ખનીજ પદાર્થ સમાયેલાં હોય છે. જે હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: સ્વાસ્થ્ય સુધા: સૌના લાડકાં ગણેશજીને પ્રિય તેવાં `ઉકડીચે મોદક’માં છે પૌષ્ટિક્તાનો ખજાનો…

ડાયાબિટીસમાં ગુણકારી: માચા ટીનું સેવન કરવાથી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. વિવિધ સંશોધન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે માચા ચાનું સેવન કરવાથી ઈન્સ્યુલીન પ્રતિક્રિયા તેમ જ ગ્લુકોઝના સ્તરને સુધરવામાં મદદરૂપ બને છે.

કૉલેસ્ટ્રોલને ઘટાડવામાં ઉપયોગી: માચા ચાનું સેવન કરવાથી લોહીમાં એલડીએલ કૉલેસ્ટ્રેલને ઘટવામાં ઉપયોગી બને છે. એલડીએલ કૉલેસ્ટ્રોલને ઓછું કરવામાં સહાયક બને છે. એલડીએલ કૉલેસ્ટ્રોલ ખરાબ કૉલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે… માચા ચાનું સેવન કરવાથી વ્યકિતનું હૃદય, મજબૂત બને છે. અન્ય ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત તકલીફથી બચી શકાય છે.

માચા ચાનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવે છે. માચા ચાને ગરમ કે ઠંડી બંને રીતે પી શકાય છે. સાદી સરળ ચા પીતાં પહેલાં તેને ગરણીથી ગાળવી જરૂરી છે. ચાને ખાસ પ્રકારની ઝરણીથી હલાવવામાં આવે છે. જે ચાના પેકેટ સાથે મોટેભાગે આપવામાં આવે છે.

ચાને લીચી, કેરી, સફરજન કે સ્ટ્રોબરી સાથે પી શકાય છે. જે ઠંડી પીવાની હોય છે. દૂધ સાથે પીતી વખતે પાણી વધુ ગરમ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. અન્યથા ચા કડવી બની જશે. પાણીમાં કે દૂધમાં પીવી તે પ્રત્યેક વ્યક્તિના સ્વાદ ઉપર નિર્ભર કરે છે.

આ પણ વાંચો: સ્વાસ્થ્ય સુધા : હૃદય આકારના અળવીના પાનમાં છે સ્વાદની સાથે સેહતનો ખજાનો…

માચા ચા બનાવવાની રીત

2 ચમચી માચા ટી પાઉડર, 1 લિટર ગરમ પાણી, 2 કપ દૂધ, સ્વાદાનુસાર ખાંડ બનાવવાની રીત: સૌ પ્રથમ 1 લિટર પાણીને ઉકળતું ગરમ કરી લેવું. તેમાં સ્વાદાનુસાર ખાંડ ઉમેરવી. 2 કપ દૂધને અલગ તપેલીમાં ગરમ કરી લેવું.

ત્યારબાદ ગરમ પાણીમાં 2 ચમચી માચા ટી પાઉડર ચાળીને ભેળવી લેવો. તેમાં તેને ચા સાથે મળેલાં ખાસ પ્રકારની ઝરણી કે સ્ટરરથી હલાવી લેવું. હૅન્ડ બ્લૅન્ડર ફેરવી શકાય છે. તેમાં આવશ્યક્તા મુજબ દૂધ ઉમેરીને ગરમાગરમ માચા ચાની ચૂસકી ભરતાં ભરતાં આનંદ માણવો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button