સ્વાસ્થ્ય સુધાઃ પ્રોટીન તથા ફાઈબરનો ખજાનો ધરાવતા મઠ…

- શ્રીલેખા યાજ્ઞિક
દિવાળીના દિવસોમાં સોથી વધુ ગુજરાતીના ઘરમાં ખવાતું કોઈ ફરસાણ હોય તો તે છે, મઠિયા તથા ચોળાફળી કેમ બરાબરને! મઠિયા દિવાળીના દિવસોમાં ખાવાનો આનંદ તેમ જ તૃપ્તિ અલગ હોય છે. મઠિયા ભલે તેલમાં તળીને બનાવવામાં આવતાં હોય, પરંતુ તે અન્ય ફરસાણની સરખામણીમાં તેલ ઘણું જ ઓછું પીએ છે. તેથી બહારના ફરસાણ કરતાં ઘરે બનાવેલાં કે તૈયાર મળતાં મઠિયાને ઘરે લાવીને તળવા વધુ હિતાવહ છે.
કઠોળ ખાવાની વાત આવે ત્યારે મોટે ભાગે લાલ-લીલા ચણા, સફેદ કાબુલી ચણા કે મગનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હોય છે. મગ જેવા જ સ્વાસ્થ્યવર્ધક મઠ છે.
મઠમાં પોષક તત્ત્વોનો ખજાનો સમાયેલો છે. વળી મઠને બાફીને તેનું પાણી અનેક બીમારીમાં ફાયદાકારક ગણાય છે. પ્રોટીન, ફાઈબર, આયર્ન, કૅલ્શ્યિમ જેવાં પોષક તત્ત્વોનો ખજાનો ધરાવે છે. ફણગાવેલાં મગની સાથે મઠ ભેળવીને ખાઈ શકાય છે. ફણગાવેલાં મઠ તથા ચણા-વટાણાને બાફીને મહારાષ્ટ્રમાં ખાસ પ્રકારનું સ્વાદિષ્ટ ‘ઉસળ’ ‘વડાપાંઉ’ જેટલું જ લોકપ્રિય ગણાય છે.
તેથી હવે દિવાળીમાં મનભરીને મઠિયા ખાઈ લીધા બાદ શિયાળામાં આખા મઠ કે મઠની દાળનો ઉપયોગ આહારમાં અચૂક કરવા જેવો છે.
મઠના સ્વાસ્થ્યવર્ધક ગુણો જાણી લો…
ઍનિમિયાની તકલીફથી બચાવે છે : મઠમાં આયર્નની માત્રા ભરપૂર સમાયેલી હોય છે. આયર્ન શરીરમાં લાલ રક્તકણોને વધારવામાં મદદ કરે છે, આયર્નની ઊણપ હોવાને કારણે વ્યક્તિમાં નબળાઈ આવી જતી હોય છે. સ્વભાવ ચીડિયો બની જાય છે. તેમાં સુધારો થવા લાગે છે.
લોહીમાં શર્કરાને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ : મઠની દાળમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઈબર શરીરમાં શર્કરાનું અવશોષણ ધીમું કરી દેતું હોય છે. જેથી લોહીમાં શર્કરાનું પ્રમાણ જળવાઈ રહે છે. મઠનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે જેથી લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસ તથા ઈન્સ્યુલિન વધુ હોય તેમને માટે ઉત્તમ ગણાય છે. વળી હાડકાંને મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ફાઈબરયુક્ત આહાર વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
વજનને ઘટાડવામાં મદદરૂપ : મઠમાં કૅલરીની માત્રા ઓછી હોય છે. પ્રોટીન તથા ફાઈબર ભરપૂર પ્રમાણમાં સમાયેલાં હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. દિવાળીમાં મઠિયા તથા મીઠાઈ ખાઈને વધેલું વજન ઘટાડવું હોય તો મઠનો આહારમાં દિવાળી બાદ પણ વિવિધ રીતે ઉપયોગ કરવો જોઈએ. ફાઈબરયુક્ત આહાર લેવાથી વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. તેથી વારંવાર ખાવાની ટેવ ઓછી થવા લાગે છે. જે વજનને ઘટાડવામાં મદદ કરે છે. મસલ માસને વધારવાની સાથે મેટાબોલિક રેટ વધારે છે.
કબજિયાતમાં ગુણકારી : કસમયે ભોજન-કસમયની ઊંઘ શરીરનાં વિવિધ અવયવોને ધીમે ધીમે નુકસાન પહોંચાડતી હોય છે. જે લાંબે ગાળે મોટી વ્યાધિને આમંત્રે છે. મઠમાં ફાઈબરની માત્રા વધુ હોવાથી તેનો આહારમાં ઉપયોગ કબજિયાતની તકલીફથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. ત્વચા વિકારથી બચાવે છે.
શરીરનાં ઝેરીલાં તત્ત્વોને દૂર કરવામાં લાભકારી: ફણગાવેલાં મઠ કે મઠનું પાણી પીવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે. શરીરમાં રહેલાં ઝેરીલાં પદાર્થને બહાર ફેંકવામાં મદદ કરે છે. કિડનીનું કાર્ય સુચારૂ રીતે થાય તેની કાળજી લે છે. યુરિનરી સિસ્ટમની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદાકારક : મઠમાં ઝિંક તથા વિટામિન સી જેવાં પોષક તત્ત્વો સમાયેલાં છે. તેથી મઠનો આહારમાં સમાવેશ કરવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે.
હૃદયની તંદુરસ્તી માટે લાભકારી : મઠનું સેવન કરવાથી વ્યક્તિનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. જેને કારણે હૃદય ઉપર વધુ બોજો વધતો નથી. જે લાંબે ગાળે હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. તેનું મુખ્ય કારણ મઠમાં વિટામિન બી હોય છે. જે હાઈ કૉલેસ્ટ્રોલના સ્તરને તેમજ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
ઍન્ટિ-એઈજિંગના ગુણ સમાયેલાં હોવાને કારણે ત્વચાની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે,. મઠના સેવનથી પેટની અનેક તકલીફમાં લાભ મળે છે. વૈજ્ઞાનિકો અનુસાર મઠમાં રહેલું ઝિંક ઍન્ટિ-ઓક્સિડન્ટનું કામ કરે છે. તેમજ ઑક્સિડેટિવ સ્ટ્રેસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. માનસિક તાણની સાથે જીવનમાં વધુ પડતી વ્યસ્તતા હોય તેમણે નિયમિત મઠનું વિવિધ રીતે સેવન કરવું જોઈએ. મઠની સાથે અન્ય ઝિંકયુક્ત ખાદ્યપદાર્થોનું સેવન કરવાથી વ્યક્તિ શરીરમાં ઊર્જાનો અનુભવ કરે છે.
મઠનું ઉત્પાદન એશિયાઈ દેશો જેવા કે ભારત, ચીન, પાકિસ્તાન, શ્રીલંકામાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ભારતમાં મઠની ખેતી મુખ્યત્વે રાજસ્થાનમાં થાય છે. જે દેશના કુલ ક્ષેત્રફળના 86ટકા જેવી છે. ભારતમાં મઠની ખેતી 13.19 લાખ હૅક્ટર ક્ષેત્રમાં થાય છે. તે સૂકા પાકમાં ગણાય છે. ગરમ તથા સૂકા વાતાવરણમાં તેનો પાક વધુ મળે છે. તેથી ઉત્તર-પશ્ર્ચિમી રણ પ્રદેશમાં તેનો પાક મોટા પ્રમાણમાં જોવા મળે છે.
રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાન મઠના ઉત્પાદનમાં સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. અન્ય રાજ્યોમાં ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર ગણાવી શકાય. ઓછાં ઉત્પાદક રાજ્યોમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ ગણાવી શકાય. કુલ ઉત્પાદક્તાની વાત કરીએ તો 133 કિલોગ્રામ પ્રતિહૅક્ટર જોવા મળે છે.
મઠનો ઉપયોગ આયુર્વેદમાં ખાસ લાભકારક ગણાય છે. ધાર્મિક કાર્યો કે સારા પ્રસંગે મઠ ખાવાની પ્રથા ભારતના અનેક રાજ્યોમાં પ્રથા જોવા મળે છે. મઠ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાથી જ દિવાળીના તહેવારમાં ખાસ મઠિયા બનાવીને ખાવાનો રિવાજ ગુજરાતમાં જોવા મળે છે.
મઠને બનાવવાની વિવિધ રીતો જોવા મળે છે. લીલા મઠમાંથી તેના બીજ કાઢીને તેનું શાક બનાવી શકાય છે. દાળમાં ભેળવીને કે લીલા મઠને ઉકાળીને તેની ફળીને આછા માખણ કે ઘીમાં સાંતળીને ખાઈ શકાય છે. મઠને રાત્રે પાણીમાં પલાળીને તેને ફણગાવ્યા બાદ સલાડ તરીકે અથવા કાચા ખાઈ શકાય છે.
રાત્રિભર પાણીમાં પલાળ્યા બાદ તેને મીઠાના પાણીમાં ઉકાળીને ચોખા કે બાજરી ભેળવીને તેની ખીચડી બનાવીને ખાઈ શકાય છે. આખા મઠને પાણીમાં પલાળ્યા બાદ તેને બાફીને તેનો સૂપ બનાવી શકાય છે. મઠનો ઉપયોગ પુલાવ બનાવવામાં કરી શકાય છે.
વળી સૌથી સ્વાદિષ્ટ મઠનો લોટ બનાવીને તેના મઠિયાનો આસ્વાદ માણવાની મજા જરા હટકે છે. તો દિવાળીના દિવસોમાં મઠિયાનો આસ્વાદ માણી લીધા બાદ મઠનો ઉપયોગ વિવિધ રીતે વર્ષભર કરવાથી તમારી તંદુરસ્તી તેમજ તમારો સ્વાદ બંને જળવાઈ રહેશે.
જાડા મઠિયા
સામગ્રી : 500 ગ્રામ મઠિયાનો તાજો લોટ, 25 ગ્રામ તેલ, 1 નાની ચમચી હાથેથી મસળેલો અજમો, 1 ચમચી અધકચરાં ખાંડેલાં તલ, 2 ચમચી લાલ મરચું, 50 ગ્રામ ખાંડ, સ્વાદાનુસાર હિંગ તેમજ મીઠું. તળવા માટે તેલ, જરૂર મુજબ પાણી
બનાવવાની રીત : સૌ પ્રથમ એક કથરોટમાં લોટ ચાળીને લેવો. તેમાં મુઠ્ઠી પડતું મોણ નાખવું. લાલ મરચું, તલ, અજમો, હિંગ ભેળવીને સ્વાદાનુસાર મીઠું ઉમેરવું. ખાંડને 1 વાટકી પાણીમાં ગરમ કરીને ઓગાળી લેવી. પાણી ઠંડું થાય ત્યારબાદ ધીમે ધીમે આવશ્યક્તા મુજબ ખાંડવાળું પાણી ઉમેરવું.
લોટ કઠણ ભાખરી જેવો બાંધવો. લોટ બંધાઈ ગયા બાદ તેને મૂસળીથી 5-7 મિનિટ કૂટી લેવો. જેથી તે મુલાયમ બની જશે. હવે એક સરખાં ગુલ્લાં ચાકુ કે દોરીની મદદથી બનાવી લેવાં. મઠિયાં એક સરખાં વણી લેવાં અથવાં પૂરી બનાવવાના મશીનમાં દબાવીને એક સરખાં તૈયાર કરવાં.
મઠિયાં વણાંતા જાય તેમ તરત જ મધ્યમ આંચ ઉપર તળી લેવાં. બહુ સૂકવવાં નહીં. એક વખત જાડા મઠિયા બનાવી જોજો. નાના-મોટાં સૌને મઠિયાંનો સ્વાદ દાઢે વળગશે તેની ગેરેંટી. ઓછા તેલમાં વધુ બનતાં સ્વાદિષ્ટ જાડા મઠિયાં બાળકાને લંચબૉકસમાં ભરી આપવામાં તેમ જ મુસાફરીમાં ખાવાની મઝા જરા હટકે આવશે.
આપણ વાંચો: તંદુરસ્તી-મનદુરસ્તીઃ આયુર્વેદમાં શોધનકર્મને પંચકર્મ કહે છે